આજથી પાંચ દિવસ પ્રસ્તુત છે માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસ વાર્તાઓ વિજેતા મિત્રોની બધી વાર્તાઓની સાથે સાથે અન્ય સ્પર્ધક મિત્રોની નિર્ણાયકોએ વધાવેલી અને નોંધ લીધેલી વાર્તાઓ છે. આ વીસ માઈક્રોફિક્શન પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની ચાર વાર્તાઓ.
૧. કન્યાદાન – વલીભાઈ મુસા
બી.બી. એન્ડ સી.આઈ. રેલવેના જમાનામાં એ એક નાનકડું ફ્લેગસ્ટેશન હતું. રેલવેની હદની એન્ગલોને અડીને પટરીઓથી દૂરસુદૂર ખુલ્લી જગ્યામાં જીર્ણશીર્ણ સાડીઓ-સાદડીઓ વડે ઢંકાએલા છાપરામાં માત્ર બે જ જણનું એ બજાણિયા કુટુંબ હતું. મહામારીમાં માર્યા ગએલા બહોળા પરિવારમાંથી બચેલાં એ વૃદ્ધા નામે ફતુડી અને ફાટુફાટુ થતા યૌવનના ઉંબરે ઊભેલી પોતરી નામે રૂખલી હતાં. દોઢેક માઈલ છેટેના એ સુખી ગામમાં ભીખ માગીમાગીને લાડકોડથી ઊછેરેલી પોતાની વહાલસોયી પોતરીને જ્ઞાતિના જ કોઈક સુખી પરિવારમાં પરણાવવાના એ વૃદ્ધાને કોડ હતા. પરંતુ સ્ટેશના સ્ટાફનાં છોકરાંની હારોહારનું રૂખીનું પ્રાથમિક શાળાનું ભણતર એની ગેરલાયકાત બન્યું હતું.
વરપક્ષવાળાં બસો રૂપિયાના દહેજની હઠ પકડીને બેઠાં હતા. તેમની દલીલ હતી કે ભણેલી વહુ ભીખ માગતાં શરમ અનુભવશે અને તેને ઘેરેબેઠાં ખવડાવવું પડશે ! ફતુ ડોશી પાસે ફૂટી કોડી ન હતી. કરજ લેવા અવેજમાં કોઈ દરદાગીનો પણ ન હતો. પણ હા, પોતાની અસ્ક્યામત કે જે ગણો તે, પેલા સુખી ગામમાં ભીખ માગવા માટેનો ઈંગ્લેન્ડના બંધારણ જેવો બેએક પેઢીથી ચાલ્યો આવતો એકાધિકાર જેવો તેનો ઇજારો હતો; જેને જ્ઞાતિજનોએ માન્ય રાખેલો હતો. ફતુ ડોશીએ પોતાના શેષ જીવનની ભૂખમારાની પરવા કર્યા સિવાય દહેજના બસો રૂપિયાના બદલામાં એ ગામમાં ભીખ માગવાના ઈજારાના વેચાણખત ઉપર અંગૂઠો કરી આપીને હરખનાં આંસુડે પોતરીનું કન્યાદાન કર્યું હતું. ગામલોકોને ખબર ન હતી કે તેમના ગામનો સોદો થઈ ચૂક્યો હતો!
૨. – નિતીન લિંબાસીયા
ઓછા પગારની નોકરીમાં ગુજરાન ચલાવતા મી. અને મિ. અને મિસીસ પંડ્યા તેમની પાંચ વર્ષની એકની એક અપંગ દીકરીના સપના સાકાર કરવા મુંબઈ જેવા મોંઘા શહેરમાં તનતોડ મહેનત કરે છે. દિવસભરના થાકથી કંટાળી પતિ પત્ની વચ્ચે નજીવી બાબતે ઝઘડો અવારનવાર થયા કરતો હોય છે.
પણ આજે સવારથી ચાલતા આ ઝઘડામાં મી. પંડ્યાએ મિસીસ પંડ્યાને તમાચો મારી દીધો. નાનપણથી જ મમ્મી પાસેથી પરીઓ અને રાજકુમારની વાતો સાંભળતા મોટી થયેલી દીકરી આ દ્રશ્ય જોઈને ડરી જાય છે અને રડતી મમ્મીને પોતાના રડમસ અવાજમાં પૂછે છે, “મમ્મી, તું કહેતી હતી કે તું મને રાજકુમાર સાથે પરણાવીશ, તો શું એ રાજકુમાર પણ મને આમ મારશે?”
પિતાનો ગુસ્સો ઓગળીને આંખમાંથી વહે છે, અને ત્યારે વ્યાપેલા ક્ષણિક મૌનમાં દીકરી પર પ્રેમ વરસે છે!
૩. જાગૃતિ – કિશોર પટેલ
સવારે મોન્ટુને નર્સરીમાં મૂકી આવી એટલે સાસુનો દેરાસર જવાનો સમય થઇ ગયો. બાને મૂકી આવીને રસોઈથી પરવારી હજી હાશ કરે ત્યાં મોન્ટુને પાછો લાવવાનો સમય થઇ ગયો. જાગૃતિએ માથું ઓળ્યું ના ઓળ્યું ને ફરી ચંપલ પહેરી. ગલીના નાકે નવા અને યુવાન પાડોશી મંયકભાઈ સામા મળ્યા. એમના સ્મિતનો જવાબ સ્મિતથી વાળી એ આગળ વધે ત્યાં મયંકે કહ્યું, ‘એક સ્કુટી શીખી લેતા હો તો? દિવસભર કેટલી દોડાદોડ કરો છો?’
આ રીતે મંયકે પહેલી જ વાર એની સાથે કંઈક વાત કરી હતી. જાગૃતિ શરમાઈ ગઈ. ઘેર પહોંચી આયનામાં પોતાના અસ્તવ્યસ્ત રૂપનું પ્રતિબિંબ જોઈ એ અસ્વસ્થ થઇ ગઈ. સાંજે સસરાજીને બગીચા સુધી મૂકવા ગયેલી જાગૃતિને ઘણાએ ઓળખી જ નહીં. બપોરે બ્યુટીપાર્લરમાં જઈ એણે નવી હેરસ્ટાઈલ કરાવી હતી અને મનગમતો નવો સ્ટાઈલીશ ડ્રેસ પહેર્યો હતો.
૪. મોટો – ગોપાલ ખેતાણી
મનમાં પાયલોટ બનવાના દિવાસ્વપ્નો જોતા જોતા બજારમાં મમ્મીનો હાથ પકડીને ચાલતા ચાલતા આકાશની નજર રસ્તા પરના થાંભલા પાસેના ખૂણામા બેઠેલા ફેરીયા પર પડી.
“મમ્મી, મને પેલુ પ્લેન લઈ આપને પ્લીઝ.”
“તું મોટો થઈ ગયો છે આકાશ, હવે આવા રમકડાથી ન રમાય.”
અઠવાડીયા પછી પપ્પા જોડે મોલમાં આખા મહીનાની કિરાણાની ખરીદી કરવા જતા આકાશની નજર “એરોસ્પેસ પ્રોજેક્ટ કીટ” પર પડી.
“પપ્પા, પ્લીઝ મને પેલી પ્રોજેક્ટ કીટ લઈ આપો ને !!”
“તૂ હજુ એટલો મોટો નથી થયો, ચાલ હવે!”
અને હવે એનુ દિવાસ્વપ્ન પાયલોટ પરથી ક્રિકેટર પર સ્થિર થઇ ગયું, કારણ કે બધા ક્રિકેટ રમવા જેટલા “મોટા” તો જન્મજાત છે.
ખૂબ જ લાઘવમાં ” જીવન “નો અર્થ અને જીંદગીનો અર્ક સમજાવી દેતી કથાઓ ગમી. આવી કથાઓ આપવાનો જીગ્નેશભાઈનો પ્રયોગ પણ ગમ્યો. … ખરે જ, આજકાલ લાંબું .. વાંચવાનું પણ કોને ગમે છે ?!
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
Pingback: કન્યાદાન – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૬) | વલદાનો વાર્તાવૈભવ
સુંદર પ્રયત્નો… તમામ લેખક / લેખિકા ને અભિનંદન…
કોણ ક્યારે મોટા અને નાના થઈ જાય છે એની વ્યાખ્યા આપણને સરસ રીતે કરતા આવડે છે. બાળક આપણો વિશ્વાસ કેવી રીતે કરી શકે.
Pingback: ચાર વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૪ – વિવિધ પ્રતિયોગી મિત્રો
મુરબ્બી શ્રી વલીભાઇ ની વાર્તા ની તો મજા જ કઇ ઓર હોય છે.
સર્વે વિવેચકો , વાંચકો, અને જિગ્નેશભાઇ નો ખુબ ખુબ આભાર.
બહુ સુંદર વાર્તાઓ છે.
Pingback: ચાર વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૩ – વિવિધ પ્રતિયોગી મિત્રો
વાહ !!! સરસ !!
Nice to.Read. congrats to all Sarjak
And Jigneshbhai too
Pingback: ચાર વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૨ – વિવિધ પ્રતિયોગી મિત્રો
વાર્તાઓ ખુબ સરસઇ તેમાં પણ પ્રથમ ત્રણ વાર્તાઓ સુપર્બ.
વાંચવાની મઝા આવી સુંદર રચનાઓ માટે આભાર.
દરેક વાર્તા…ટચ ‘ડૂક !!! સંવેદનાઓથી ભરપૂર.
ખૂબ સરસ વાર્તાઓ
enjoyed them…thanks to all writers…
માઇક્રોફિક્શન વાર્તામાં જે લાઘવતા અને એક વિચારમાં નાખી દે તેવી વાત ચારે વાર્તામાં જોવા મળી. રચનાકારોને ધન્યવાદ આવી સરસ વાર્તાઓ આપવા બદ્દલ
સરસ વીચાર કરતા કરી દે તેવી.
જીવાતા જીવનની વાર્તાઑ વાંચવી ગમી. હવે પછીની વાર્તાઓની ઉત્સુકતા ભરી રાહ જોઈે છીઍ.
આભાર અક્ષ્રરનાદ અને રચનાકારોનો.
All four stories are awesome and thinkable.