અક્ષરનાદ આંતરરાષ્ટ્રીય માઈક્રોફિક્શન સ્પર્ધા ૨૦૧૪ – પરિણામ 23


હા…….શ

આ સૌપ્રથમ લાગણી છે જે આજે મને ચોતરફથી ઘેરી વળે છે. ચાર મહીનાના અક્ષમ્ય વિલંબ પછી આજે જ્યારે માઈક્રોફિક્શન સ્પર્ધાના પરિણામ જાહેર કરી રહ્યો છું ત્યારે ખૂબ અસંતોષ છે, અસંતોષ મારી પોતાની પ્રત્યે જ છે, અને એ છે અનેક વાચકો અને સ્પર્ધકોને તેમની કૃતિઓ માણતા અને એ કૃતિઓની મૂલવણી જાણતા મહીનાઓ સુધી રોકી રાખવાનો. આ માટેના બહાનાઓની મારી વાત અલગથી…. રીડગુજરાતી વાર્તા સ્પર્ધાના પરિણામ પણ ટૂંક સમયમાં જાહેર કરી શકીએ એવો પ્રયત્ન છે, આજે અહીં અક્ષરનાદ માઈક્રોફિક્શન વાર્તાસ્પર્ધા ૨૦૧૪ના પરિણામો અને વિજેતાઓની વાત….

પણ પહેલા જોઈએ નિર્ણાયકશ્રીઓ – ધ્રુવભાઈ ભટ્ટ અને હાર્દિકભાઈ યાજ્ઞિકના આ સ્પર્ધાની કૃતિઓ વિશેના પ્રતિભાવો. શ્રી કમલભાઈ તરફથી નિર્ણયપત્રક ન મળી શકવાને લીધે બંને નિર્ણાયકોના ગુણાંકને આધારે અહીં વિજેતાઓ જાહેર કર્યા છે. માઈક્રોફિક્શન જેવા વાર્તાપ્રકારને લઈને ગુજરાતી સાહિત્યક્ષેત્રે આ પ્રકારની પ્રથમ સ્પર્ધા હતી, એટલે કૃતિઓ અને સ્પર્ધકોનો આ વિશાળ પ્રતિભાવ ખૂબ પ્રોત્સાહક રહ્યો, તો એ જ કારણે નિર્ણાયકોનો પ્રતિભાવ પણ ખૂબ અગત્યનો બની રહે છે. ચાલો જાણીએ નિર્ણાયકો આ કૃતિઓ વિશે શું કહે છે…

૧. ધ્રુવ ભટ્ટ

માઈક્રોફિક્શનમાં ચમત્કૃતિ ખૂબ જ જરૂરી છે, એ કામ કવિતા લખવા જેવું છે, શબ્દો ઓછાં અને કહેવુ વધું તેવું છે. વાર્તાઓના વિષયો મહદંશે એક જેવા છે. નકારાત્મક વાર્તાઓ વધારે દેખાઈ, હકારાત્મક પણ સમાજમાં ઘણું છે, તે સિવાય વિષયો પણ અનેક છે તો જેટલું વિષય વૈવિધ્ય લાવી શકાય તેટલું વધુ ઉપકારક બને. કેટલીક જગ્યાએ વાર્તા બનતી જ નથી, રિપોર્ટીંગ જેવું લાગે છે. વાર્તા અને સત્યઘટનાનું રિપોર્ટીંગ એ બંને અલગ અલગ વસ્તુઓ છે. સત્ય ઘટનાની વાર્તા ભલે બનાવો પણ રિપોર્ટીંગ ન કરવું જોઈએ.

હરિફાઈમાં આગળ પાછળ રહો એ તમારું મૂલ્યાંકન નથી, વાચકો તમારી વાર્તા વાંચે તે તમારું સાચું મૂલ્યાંકન છે.

– ધ્રુવભાઈ ભટ્ટ

૨. હાર્દિક યાજ્ઞિક

સઘળા માઈક્રોફિક્શન લેખકોને સહ્રદય પ્રણામ, પહેલી વાર માઈક્રોફિક્શન “અક્ષરનાદ” પર લખવી શરૂ કરી હતી ત્યારે ખબર નહોતી કે આ માધ્યમ લોકોને આમ ગમશે અને એક દિવસ આટલીબધી સરસમજાની ક્રિએટિવ માઈક્રોફિક્શન વાર્તાઓ માણવા મળશે.

માઈક્રોફિક્શન વાર્તાના પ્રકાર, નિયમ અને એના બંધારણ વિષે વિસ્તૃત ચર્ચા કરવા બેસીએ તો કદાચ કોઇ માંટે વ્યક્તિગત પણ થશે અને ખાસ કરીને લાંબુ પણ.. એટલે માઈક્રોફિક્શનથી સુજાણ લેખકોને વંદન સહ, પરિણામ ઉપરનો મારો પ્રતિભાવ ૪ માઈક્રોફિક્શન સ્વરૂપે આપી રહ્યો છું..

આમાં વાર્તાના પ્રકાર વિષે અને અન્ય બાબતો વિશે અતિવિસ્તૃત માઈક્રો ચર્ચા તો છે જ… લાગતું વળગતું પોતપોતાનું શોધી લેવું.. સૌ ને ખૂબ અભિનંદન સહ..

(૧) એના વિષે લખવા રાકેશે કલમ ઉપાડી.. પગની પાનીથી શરુ કર્યું, કેડે એની વાત વિસ્તરી, સ્તનોના વર્ણને લાલિત્ય વધાર્યુ.. મુખ પાસે પહોંચતા સુધીમાં વિશેષણો ઓછા પડવા લાગ્યા અને વાળ સુધીમાં ત્રીજુ પાનું પતવા આવ્યું, સુરેશે એ જ વર્ણન લખ્યું, “એ અદ્દલ મારી સ્વપ્ન સુંદરી જેવી હતી..”

(૨) રોજ રોજ બત્રીસ પકવાનથી થાકેલ રાજાએ ભોજનખંડમાં પ્રવેશતા મનમાં મમળાવ્યુ “આજે ખીચડી બનાવી હોય તો સારું.”

(૩) બાપાએ ડાળી કાપવા સાધન લઇ આવવા કહ્યું. નવો નવો સુથારી કામ શીખતો દિકરો આરી, કરવત, હથોડી, કુહાડી, ખીલીઓની થેલી, માપ લેવાની પટ્ટીઓ, મોટા હથોડાઓ, એણૂં, અને રંધો જેવા સામાનની ગુણ લઇને પહોંચ્યો. બે ઘડી દિકરા સામે જોઈ એની ભૂલ પર મલકાઇ બાપે નાનકડી કુહાડી લઈને ડાળી કાપી.

(૪) ગઇકાલના લગનમાં બધાને મિઠાઇ બહુ જ ભાવી. કહે છે એકદમ માપસરની ગળી હતી અને સહેજે મ્હોં ન તૂટે બોલો!

– ડૉ. હાર્દિક યાજ્ઞિક

આ સ્પર્ધાના અને સર્જનના નવીન પ્રકારને જોતા અહીં ભાગ લેવો એ જ એક મોટી વાત થઈ રહે છે, અને એટલે જ સર્વે સ્પર્ધક મિત્રો અભિનંદનને પાત્ર છે. સ્પર્ધાના નિયમ મુજબ વિજેતા મિત્રોના નામ નીચે મુજબ છે.

તૃતિય આશ્વાસન ઈનામ (₹ ૨૫૧/-) – હિરલ કોટડીઆ
દ્વિતિય આશ્વાસન ઈનામ (₹ ૨૫૧/-) – મિહિર શાહ
પ્રથમ આશ્વાસન ઈનામ (₹ ૨૫૧/-) – સાગર પંડ્યા,
તૃતિય વિજેતા (₹ ૧૦૦૧/-) – અમિતા ધારિયા
દ્વિતિય વિજેતા (₹ ૧૫૦૧/-) – હેમલ વૈષ્ણવ
પ્રથમ વિજેતા (₹ ૨૦૦૧/-) – સાક્ષર ઠક્કર

વિજેતાઓને તેમની ઇનામી રકમનો ચેક ટૂંક સમયમાં મળી જશે. આ મિત્રોને વિનંતિ કે તેમનું સરનામું ૯૯૭૪૪૧૦૮૬૮ પર એસએમએસ કે વોટ્સએપ દ્વારા ખાતરી કરવા માટે મોકલી આપે.

વિજેતાઓને અભિનંદન, સર્વે સ્પર્ધકોને અભિનંદન કે જેમણે અક્ષરનાદના આ અખતરામાં હોંશભેર ભાગ લઈ અમારો ઉત્સાહ વધાર્યો. ધ્રુવભાઈ ભટ્ટ અને હાર્દિકભાઈનો પણ નિર્ણાયક તરીકેની સેવાઓ બદલ આભાર, બંને મિત્રોએ તેમના અતિવ્યસ્ત સમયમાંથી પણ આ વાર્તાઓને ચકાસી ગુણ આપ્યા. અંતે આભાર ન્યૂઝહન્ટનો, સમયની પાબંધીઓને પાળી ન શક્યા હોવા છતાં અમારા પર ભરોસો રાખી સતત સાથ આપ્યો, પ્રોત્સાહન આપ્યું અને આર્થિક સહાય આપી જેના લીધે અમે વિજેતાઓને ઈનામની રકમ આપી શકીશું, ન્યૂઝહન્ટ અને અંજલીએ એ રકમ માટે ખૂબ મદદ કરી, જે સ્પર્ધા શરૂ થઈ ત્યારના વિચાર મુજબ અમે ભોગવવાના હતા.

માઈક્રોફિક્શનનું ગુજરાતી ભાષાની સૌપ્રથમ સંકલન પુસ્તક આપણે બહાર પાડી રહ્યા છીએ. સાહિત્યવિશ્વની અનેક જાણીતી વ્યક્તિઓએ આ વિચાર આપ્યો અને વધાવ્યો છે, તેના પ્રતિઘોષ રૂપ લગભગ તમામ સ્પર્ધકોની પણ ચુનિંદા કૃતિઓનો એક સંગ્રહ આપણે બહાર પાડી રહ્યા છીએ. અત્યારે ફક્ત ઇ-પુસ્તક સ્વરૂપે ન્યૂઝહન્ટ પર જ પ્રકાશિત થનાર આ સંગ્રહ ભવિષ્યમાં કદાચ પ્રિન્ટ થાય. ઇ-પુસ્તક પ્રાપ્તિની વિગતો અક્ષરનાદ પર ઉપલબ્ધ થતી રહેશે.

આશા છે અક્ષમ્ય વિલંબ બદલ ક્ષમા કરશો. અખતરાઓની ઓળખાણ એવા અક્ષરનાદ પર આવી જ અન્ય સ્પર્ધા સાથે ફરી મળીશું.

– જીજ્ઞેશ અધ્યારૂ,
સંપાદક


આપનો પ્રતિભાવ આપો....

23 thoughts on “અક્ષરનાદ આંતરરાષ્ટ્રીય માઈક્રોફિક્શન સ્પર્ધા ૨૦૧૪ – પરિણામ