સંકલિત કાવ્યરચનાઓ.. 5


૧. પૂર્ણ એટલે શું ?

પૂર્ણ એટલે શું?
કશું પામ્યાનો આનંદ કરતા કશું રહી ગયાની વેદના
પૂર્ણ થવા દે છે માનવ ને?
શા માટે પૂર્ણ થવું છે મારે?
નથી કોઈ જવાબ!
તો આ બધા ધખારા શેના?
બીજમાં વૃક્ષ અને વૃક્ષમાં બીજ
આ ક્રમ ને શું તોડી શકાશે મારાથી?
કદાપી નહિ
તો આ બધા ધખારા શેના?
કોણ પૂર્ણ છે આ યુગમાં?
અપૂર્ણ છે બધું એટલે ચાલે છે જગત
વિસ્તરે છે બ્રહ્માંડ
ફૂટે છે નવા તારા અને ફૂલ
ઉગે છે સૂર્ય નીશ દિન
કેમ આ પવિત્ર ગ્રહો અટવાયા છે એક જ ચક્રવ્યૂહમાં?
કેમ નથી થતી તેની યાત્રા પૂર્ણ
અને
આપણે આપણા એક ક્ષણિક જીવનમાં પણ
પૂર્ણ બનવાની લ્હાયમાં કરીએ
આ બધા ધખારા શેના? 

– મિતુલ ઠાકર

૨. तो बात बन जाये..

નજર તારી મળે, પળભર અગર, तो बात बन जाये..
નયન સમજે બધું, હરદમ અગર, तो बात बन जाये..

નથી જોયો, નથી જાણ્યો, છતાં તું રોજ પૂજાયે,
જરા દેખાય તું, એક ક્ષણ અગર, तो बात बन जाये..

મીરાં છે, છે હજી રાધા, સીતા ને द्रौપદી પણ છે.
કિશન થઈ તું ફરી અવતર, અગર तो बात बन जाये…

ઝીલે આકાશ બારે માસ, ધરતીની વરાળોને,
સદા વરસે, ઘીમી ઝરમર અગર, तो बात बन जाये..

સતાવે છે તને શેનો વળી ડર, હે ગગનવાસી,
રચાવો રાસ હે નટવર અગર, तो बात बन जाये..

હજારો કંસ, કાળીનાગ ને કૌરવ કરોડો છે,
ફરી કર ધર્મને પગભર અગર, तो बात बन जाये..

ભલે ને પાંડવો, દીસે નહીં કોઈ આ, કુરુક્ષેત્રે,
રચે ભારત ફરી નવતર અગર, तो बात बन जाये..

– દેવિકા ધ્રુવ

૩.

ગ્રહીને હાથ માતાનો, પ્ર અક્ષર પ્રેમનો ભણતો,
સફળતા સિધ્ધિ પામીને, સ્વમાને ગૌરવી ગણતો.

કનક કંચન સજીને મોહિની કુળ આંગણે આવી,
અષાઢે દામિની દમકી, હ્રદય રસ રાગિની ગાતી.

મલકની મોહ નગરીમાં લગન લાગી જ કાયામાં,
અસતની ના કરી દરકાર, દોર્યો મત્ત માયામાં.

સૂકાઈ ડાળ હિમાળે રિસાઈ પલ્લવો ચાલ્યાં,
સપનની છિપથી મોતી સરી લાચાર થઈ ચાલ્યાં.

અધૂરાજ્ઞાન અધ રસ્તે, ડરે બુજદિલ એ બાવલો,
વિમાસે કોણ છું હું? કાં અનુત્તર ત્રસ્ત માંયલો!

ફફડતા કૂપમાં પંખી ને કુંઠીત મન પરિધિમાં,
ના આપ્યું અન્યને, તે સુખ, સરે છે સરતી રેતીમાં.

હવે હું રેત ઊંડાણે બની વીરડો ઝમી ઝળકું,
ઉલેચો, વાપરો મુજને, તમે હો તૃપ્ત, હું મલકું.

– સરયૂ પરીખ

૪. માંહ્યલામાં…

જાણવા કોશિશ કરું છું માંહ્યલામાં.
કોણ કોલાહલ કરે છે માંહ્યલામાં?

સ્વપ્ન છે કે સત્ય સઘળું માંહ્યલામાં?
સ્વસ્થ થઇ તું શાંત થા, માંહ્યલામાં.

સુણ અનાહત નાદને તું માંહ્યલામાં,
ભેદ ખૂલે મૌનનું આ માંહ્યલામાં.

વિશ્વનું વિસ્મય મળે છે માંહ્યલામાં,
જાણશે તો પામશે તું માંહ્યલામાં.

સફળ થશે આગમન આ માંહ્યલામાં,
સહજ ભાવે તે મળે જો માંહ્યલામાં!

– હર્ષદ દવે.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “સંકલિત કાવ્યરચનાઓ..