(‘નાગરિકતાની ખોજમાં’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)
શું વ્યક્તિગત જીવનમાં કે શું સામાજિક જીવનમાં, ક્યારેક એવો તબક્કો જરૂર આવે છે, જ્યારે અન્યને કોઈ વાત ગળે ઉતરવા નાની લીટી ભૂંસવાને બદલે એની સામે મોટી લીટી દોરીને બતાવવી જ પડે !
આપણી માતૃભાષા ગુજરાતીનું જ્ઞાન આપણા પોતાના જીવનને સમૃદ્ધ કરવા કેટલું અનિવાર્ય છે – આ સત્ય ગુજરાતની જનતાને ગળે ઉતારવાનું હવે અઘરું થઈ પડ્યું છે. સમજાવટનું જાણે ‘સેચ્યુરેટેડ પોઈન્ટ’ આવી ગયું છે. હવામાં આવી દલીલ સંભળાય છે – તમે લાખ કહો પણ અમારાં સંતાનના વિકાસ માટે ‘અંગ્રેજી’ને શિક્ષણનું માધ્યમ બનાવ્યા વગર બીજો કોઈ ઉપાય અમને ગળે ઊતરતો નથી !’
વ્યાપક જનતાની ‘વિકાસ’ અંગેની આ સમજ, કુલ સમાજનાં, કુલ વિકાસની સમજણ જેવી અને જેટલી જ કાચી-અધૂરી જ નહીં, વિનાશના પંથે લઈ જનારી છે, તે મર્મજ્ઞો સમજે છે પરંતુ દેખાદેખી ક્યારેક ઝંઝાવાતો સર્જે છે, એવા આ ચેપીરોગમાં આપણો સમાજ ફસાઈ ગયો છે.
દાખલા તો કેટલા આપવાના ? કોણ જાણતું નથી કે પોતાનું બાળક અંગ્રેજીમાં ફટાફટ કવિતા ગાઈ સંભળાવે છે, ત્યારે મમ્મી-પપ્પાનાં અંતર હેલે ચઢે છે ! હવે કામવાળાં ઘરધણીને ‘અંકલ-આન્ટી’ સંબોધન કરી પોતાનાં બાળકો માટે પણ અંગ્રેજી માધ્યમની શાળા શોધી રહ્યાં છે ! સાહિત્ય-સિનેમા-નાટક જેવાં ક્ષેત્રો પણ હવે તો અંગ્રેજી શબ્દો વગર અધૂરા લાગવા માંડ્યા છે ! વિનોબા કહેતા કે આપણે ફટા બોલી નાખીએ છીએ કે – મારા ફાધરનું નેઈમ ફલાણું ફલાણું છે ! પરંતુ કોઈ વિદેશીને એમ કહેતા સાંભળતા નથી કે – માય બાપાઝ નામ ઈઝ – ફલાણા ફલાણા ! એટલું જ નહીં હવે તો ક્રિયાપદોમાં ભાષાસંકરતા પ્રગટ થવા માંડી છે – ‘વ્હાય આર યુ ગભરી ફાઈંગ ?’
જૂના સમયમાં આપણે સંસ્કૃત સાથે આવી રમતો રમતા.
ભણતવ્યમ્ ભી મરતવ્યમ્, ના ભણ્તવ્યં વો ભી મરતવ્યમ્ ફિર કાહે કો માથાકૂટમ્ કર્તવ્યમ્ !
Mathematic ને ‘माथाकूटम्’ આપણે જ કહેતા !
આ બધું તો ઠીક છે પરંતુ વાત જ્યારે માનવના મૂળભૂત વિકાસ ઉપર આવી અટકે ત્યારે ચિંતા થાય એ સ્વાભાવિક છે. અંગ્રેજી માધ્યમનાં અધકચરાં, નિભાડામાં અડધાં પાકેલાં, અડધાં કાચાં માટલાં જોઈએ છીએ ત્યારે એમની કચાશ હૈયામાં અણીની જેમ ભોંકાય છે. છતી ચીજે માણસ અભાવ ભોગવે તેથી મોટું દુઃખ બીજું કયું હોઈ શકે ?
‘માતૃભાષા’ સાથે પ્રાણી કેટલું બધું અભિન્નપણે જોડાયેલું છે તેનું ભાન વિનાબાએ કરાવેલું. કોઈક માએ પૂછ્યું. ‘મારા બાળકને માતૃભાષાના માધ્યમમાં ભણવા મૂકું કે અંગ્રેજીના ?’ ત્યારે વિનોબાએ ચટ્ દઈને કહેલું – મને શું પૂછે છે ? પૂછને આ ગધેડાને કે તારી માએ તને કઈ ભાષામાં ભૂંકતાં શીખવ્યું ?
સાચે જ વિચારો કે – ગાય ભસવા માંડે અને કૂતરું કૂંજવા માંડે કે બિલાડી ટહુકવા માંડે અને મોર ત્રાડ પાડવા માંડે તો કેવું લાગે ?
પણ વાસ્તવિકતા આ છે કે આજનાં સંતાનોની મા ભલે ગુર્જરવાસી હોય, પણ એની વાણીનું માધ્યમ પણ હવે ગુજરાતી રહ્યું નથી. ગમે ત્યાંના રહેવાસીઓ હોઈએ, દરેક માણસ આજે ‘વિશ્વમાનવ’ નહીં, ‘અંગ્રેજ’ બનવા તલપાપડ છે. સિટ્, માય ફૂટ, ‘ઓ.કે.’ ‘યા’ જેવા ઉદ્ગારોએ આજે આપણા કંઠમાં પોતાનો માળો બાંધી લીધો છે !
વિજ્ઞાનયુગ છે, વિશ્વ સાંકડું બન્યું છે, સીમાઓ તૂટી રહી છે – આ બધી વાતમાં તથ્ય હોવા છતાં પ્રાણીમાત્રને ઊભા રહેવા માટે તો પોતાની જ ભૂમિ જોઈએ, આ હકીકતને કોણ ઈન્કારી શકશે ! પોતાની ધરતીમાંથી બીજ જે પોષણ અને રસકસ ગ્રહણ કરી શકે છે તે પરભોમકામાંથી પ્રાપ્ત નથી થતું. સારાં પુસ્તકોના અનુવાદ સાંપડી રહે છે. એમ કહેનારા શું ગુમાવે છે તે તો જેણે મેળવ્યું છે તે જ જાણે ! એવી કેટલીય પ્રતિભાઓ છે, જેમણે જે-તે ‘મહાગ્રંથ’ વાંચવા એ ગ્રંથની ભાષા શીખી. ગુરુદેવને ગુજરાતી ભાષામાં ગમે તેટલા માણીએ, પરંતુ બંગાળી ભાષાના થોડા ઘણા શબ્દો કે ઉચ્ચાર પણ જાણતા થઈ જઈએ તો ગુમાવ્યાનું ભાન થાય.
મારું પુસ્તક ‘સાત પગલાં સાથે’નો અંગ્રેજી અનુવાદ છપાયો, પણ કોણ જાણે કેમ મને એ મારું પુસ્તક લાગતું જ નથી. એ જ રીતે ‘જીવનસંધ્યાનું સ્વાગત’ પુસ્તકનો આરંભ કર્યો છે – હું તો અંધારે મોર બેઠી ભરવા, કે મોરલો અધૂરો રહ્યો ! મારી ગુજરાતીનો એ ભરાતો મોરલો હું પરભાષીઓને કેવી રીતે, ક્યા શબ્દોમાં સમજાવું ?
જે-તે ભાષાના પોતપોતાના ઉદ્ગારો છે, સંબોધનો છે, ચિત્કારો છે- તેનો સમગ્ર સંદર્ભ બીજી ભાષામાં અનુવાદી શકાય ? ચોક્કસ યાદ નથી પણ ઈશ્વર પેટલીકરની ‘ધરતીનો અવતર’માં ભોળી પોતાના પતિને ‘મેં-કું’ ‘મેં-કું’ થી સંબોધીને વાત શરૂ કરે છે. આ ‘મેં-કું’ કે ‘સાંભળો છો ?’ ‘લી’ અથવા મરાઠીનું ‘અગ બાઈ’ પરભાષામાં કેવી રીતે ઉતારવું ! અમારો એક ગ્રામીણ મિત્ર દિલ્હી ગયો, રેડિયોના ભાવ પૂછ્યા તો એના ભાવ સાંભળીને કહે – ‘ફાચરા ફાડ ડાલે ઈતના ભાવ હૈ !’ કહો, આને અંગ્રેજીમાં કેમ સમજાવવું ?
વૃક્ષો દુનિયાભરનાં એકસરખાં, પરંતુ એ વૃક્ષ પર બેસનારાં પંખીઓ અને એ વૃક્ષ તળે વિશ્રામ શોધતાં પથિકો બધે જ નિરનિરાળા. એટલે એકંદરે સંદર્ભ અનોખો જ રહેવાનો, પોતાના મૂળ વતનનો કુલ સંદર્ભ માણસના હાડ-ચામ સાથે સોનામાં સુગંધ ભળાવીને વહેતો હોય છે. ‘મૂળ વતન’ એ કાંઈ નાની-સૂની ઘટના નથી. ઘટને ઘડનારી એ મૂળ માટી છે. બાળક ધરતી પર પહેલાં શ્વાસ લે ત્યારે એના કાને માતૃભાષાના જ ‘ઓય ઓય, હે મા… કે મારા લાલ’, ‘માઝા બાળ’ શબ્દો જ કાને પડે છે, જે ગંગોત્રી બનીને હ્રદયમાં સમાઈ જાય છે. ગંગોત્રીનું જળ ગંગામાં વહેતું થવા દેવું હોય તો નાભિ-નાળ-સંબંધ જાળવી રાખવો જરૂરી છે.
જે ગુજરાતી માણસને સરસ્વતીચંદ્ર, ગુજરાતનો નાથ, મળેલા જીવ કે સૌરાષ્ટ્રની રસધાર ખબર નથી, એની સાથે ‘હમવતન’નું તાદાત્મ્ય કેવી રીતે અનુભવવું ? પરદેશી ફાલની કેરી કે સફરજન સ્વાદે કેવા લાગે ? ભલે ને દેખાવે ટાપટીપ હોય, પણ એમાં દેશી કેરીનો સ્વાદ ક્યાંથી લાવવો ? માણસને જાતજાતની ભૂખ લાગતી હોય છે, એ રીતે માણસને દેશી વ્યક્તિ-વસ્તુ-સ્થાનની પણ ભૂખ લાગતી હોય છે. જે રીતે દેહસ્થ પંચમહાભૂત વિશ્વસ્થ પંચમહાભૂતને ખેંચતા હોય છે એ રીતે પોતાના દેશી ગામની સીમ કે ગામ બહારનું કોઈક મંદિર કે ગામનું તળાવ અને પોતાના દેશી લોકો સાદ પાડીને બોલાવતા હોય છે. આપણાં સંતાનોની શ્રવણશક્તિ આ સાદ સાંભળી શકે તેટલી સક્ષમ ન રાખીએ તો જીવનવિકાસનો મોટો દ્રોહ જ ગણાશે.
માતૃભાષાને અવગણીને માણસ પોતે શું ગુમાવે છે તેનું એને ભાન ન થાય ત્યાં સુધી આ વિદેશી વંટોળિયો પોતાની ફાંસમાંથી માણસની દૂર કરે તેવો સંભવ નથી. એટલે હવે ગુજરાતી માધ્યમની શાળાઓ કે વર્ગો શરૂ કરવાને બદલે ‘માતૃભાષા’ સાથે ‘શિશુ’ને જોડી આપવાનું નવું દાયણ-કાર્ય કરવું જરૂરી છે.
આ અનુસંધાને, ગુજરાતના સાહિત્યકારો પોતે ગુજરાતી પાસેથી શું શું મેળવ્યું, તેનો પ્રાપ્તિ-ભંડાર નવી પેઢી સમક્ષ ખોલી દે તે ખૂબ જરૂરી છે. ગુરુ ગુર્જરભાષી અને વિદ્યાર્થી અંગ્રેજી ભાષી ! – આ આજની કરુણાન્તિકા છે. માતૃભાષામાં ઘણું બધું ‘અણમોલ-અપ્રાપ્ય’ છપાય છે, પણ જેને ક-ખ-ગ જ આવડતાં ન હોય તેને એ શું કામના ? એટલે કહેવાનું મન થાય છે કે ભલે અંગ્રેજી શીખો અને અંગ્રેજીમાં જ રડો અને અંગ્રેજીમાં જ હસો. પરંતુ ભગવાને બે આંખો આપી છે તો એક આંખે અંગ્રેજી અને બીજી આંખે માતૃભાષા શીખો ! રાષ્ટ્રભાષા તો નાગરિકની મોટામાં મોટી સંપત્તિ છે, પણ ભારતવાસી એટલો કમભાગી છે કે સ્વરાજ મેળવે પોણી સદી પૂરી થવા આવી ત્યારે પણ એને હજુ એની ‘રાષ્ટ્રભાષા’ નથી મળી. વતનની માટી પોકારી પોકારીને આપણને કહે છે કે મારો ઉંહકારો સાંભળવા તો મારી ભાષા શીખ.
– મીરા ભટ્ટ
[કુલ પાન.૧૫૫. કિંમત રૂ.૧૨૫/- પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, ફોન. (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩]
કમનસિબની વાત છે પણ સત્ય છે એટલે સ્વીકારવુ પડશે કે મારા ઘરમા જો અમે એક અઠવાડીયુ બહાર જઈએ તો ગુજરાતી છાપાનો ઢગલો મળૅ જે કોઇએ ખોલ્યુ ન હોય….ભાષાને હવે ભગવાનજ બચાવી શકે…..
ભાષાવૃક્ષના મૂળિયામાંજ મા-બાપ માતૃભાષાનું ખાતર નાખે તો જ પરિસ્થિતિ સુધરશે. આજે એવા કેટલાય છે જેમને માતૃભાષા બોલતા તો આવડે છે પણ વાંચતા નથી આવડતું. જો કે આજે એવો પણ જવાબ મળે છે કે કોને ટાાઈમ છે વાંચવાનો. આજની કે હવેની પેઢીને પેઢી કહી શકાશે કે કેમ?
ચીનમાં મેન્ડેરીન અને રશિયામાં રશિયન ભાષા જ બોલાય છે. તેઓ અંગ્રેજોના ગુલામ નહોતા. આપણા દેશની ઘણી ભાષાઓ હોવા છતાં આપણે અંગ્રેજી ભાષાનો વ્યામોહ રાખીએ છીએ કારણ કે નોકરી કે નાણા આપનારા અંગ્રેજીનો ઝંડો લઈને મોખરે ચાલે છે. એક લેખક અને અનુવાદક તરીકે હું કહું તો પ્રાદેશિક ભાષા જાણનારો અને બોલનારો વર્ગ જે તે રાજ્ય પૂરતો સીમિત રહેતો હોય છે. જયારે વૈશ્વિક ભાષાઓનો વ્યાપ અનેકગણો હોય છે. બંગાળી પણ વધુ બોલાતી ભાષા છે જ. સવા કરોડ લોકો ગુજરાતી નહીં શીખે…તેમને શીખવાની જરૂર નથી જે રીતે આપણે તમિલ, તેલુગુ, કન્નડ કે મલયાલમ ભાષા ન શીખીએ તેમ. ભાષા અભિવ્યક્તિનું સબળ માધ્યમ છે. તમે અસરકારક રીતે તમારા વિચારો વ્યક્ત ન કરી શકો એ વ્યક્તિગત નબળાઈ છે. આપણે જે સમાજ કે સંસ્કૃતિમાં શ્વસતા હોઈએ તે છોડીને બીજું અપનાવી ન શકાય. હંસની ચાલ છોડીને કાગડાની ચાલ ન અપનાવાય. હું આંજી નાખે તેવું સડસડાટ જર્મન કે ફ્રેંચ ભાષામાં બોલું તો જવલ્લેજ કોઈ અંગ્રેજ કે ગુજરાતી સમજી શકે. (ગભરાતા નહીં, મને જર્મન કે ફ્રેંચ ભાષા નથી આવડતી, હા ગુજરાતી આવડે છે…એમ કહી શકું!) મારો હેતુ મારા વિચારો તમારા સુધી અસરકારકપણે પહોંચાડવાનો છે. સ્વધર્મે નિધનમ શ્રેય: પરધર્મે ભયાવહ: આપણી ભાષાના ભોગે અંગ્રેજી શીખવા જઈએ તો ન ગુજરાતી આવડે અને ન અંગ્રેજી…એટલે જ તો ગુજરાતીઓની અને ગુજરાતી ભાષાની પરિસ્થિતિ પર ગંભીરપણે વિચારવાનો સમય આવ્યો છે. પ્રસ્તુત પુસ્તક આ વાત સુપેરે સમજાવે છે. એ વાત કેટલા લોકો સુધી પહોંચે છે તે સર્વે કેવી રીતે કરવો? જો એનો સાચો આંકડો મળે (ન જ મળી શકે) તો આપણી આંખ ઉઘડે…? -હદ.
વાહ… ઘણી સાચી વાત, ઘણી સુંદર રીતે …
Good one.
I think English is a fantastic, rich and musical language but your mother tounge is the most important for an actor.
આજના વિકસતા યુગમાં એકથી વધુ ભાષા જાણવી અગત્યનું તો જરૂર છે, પરંતુ તમારા ભાષાવૃક્ષના મૂળિયાં મજબૂત નહીં હોય તો એ આ યુગ માટે કેટલું ટકાઉ અને ઉપયોગી બને તે વિષે પ્રશ્ન જ રહે છે. માટે મીરાબેનની આ પ્રસ્તુતિ એકદમ વ્યાજબી છે. એ અંગે આપણે શું કરી શકીએ તે ખુબ જ મહત્વનું તેમજ અગત્યનું તો છે જ પરંતુ તે કેવી રીતે કરવું એ એક પડકાર છે. આશા છે કોઈક માર્ગ જરૂરથી મળશે.
I learnt capital letters of English alphabet in 8th standard. Lower level English in 11th(SSC). Retired as an Executive from a private Bank. My drafting abilities earned me praise from my Seniors and Chief Executive. I spoke and wrote better English than many of my collegues who had English as medium of instruction from KG class. What is stated about self herein is not an indulgence in eulogy but to impress that there is no need to foist English on a child which would enjoy initial learing in the language spoken at home.
It is my firm belief that primary education should be given in mother tounge and, considering importance in today’s world, English may be introduced from 6th standard and level should be so raised that by the time a child reaches first year of college education, it should find comfortable in learing all subjects in English.
The reality is that it is difficult for an author to (leave aside reprint) sell 3000 copies of his literary work in his life time and to exhaust the stock before he departs, he may have to generously gift away the books.
Attend any literary event in good auditorium, we find average age of audience around 50.
Very sorry state of affairs……but we all are helpless.
મિરા બેન આપ્ નિ વ્ય્થા ખરેખર વાચા ને લાયક છે એના માટે આપણે બધા ગુજરાતિ ઓને જાગ્રુત થવુ પડ્શે
દરેક વ્યક્તિને તેની માતૃભાષા, રાષ્ટ્રભાષા અને અંગ્રેજી (વિશ્વભાષા) નુ જ્ઞાન અનિવાર્ય છે. ભારતિય શિક્ષણ વ્યવસ્થા અતિ કંગાળ સ્થિતિમાં છે અને તેના દુષ્પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. મોટાં શહેરોમાં વસતા લોકોને કદાચ શુશણની કંગાલીયતનો અનુભવ નહી થતો હોય, પરંતુ ભારતના ગામડાઓની પરિસ્થિતિ જુઓ તો સમજાય કે ભારતમા શિક્ષણ વ્યવસ્થા અતિ કંગાળ સ્થિતિમાં છે.ભારતમાં આજે પણ ૩૭,૯૦,૦૦૦૦ લોકો વાંચી કે લખી નથી શકતાં જે ફ્રાંસની કુલ વાસ્તીના ચાર ગણા જેટલો આંકડો છે.
મિરા બેન નુ લખાણ સાચુ છે…. આપણ ને આપણેી ભાષા નુ ગૌરવ જ નથેી.
આપણે જ આપણેી અસ્મિતા ઉભેી કરવેી પડ્શે.
દુશ્યન્ત દલાલ
નગ્ન સત્ય !!