અલખની અહાલેક જગાવતો મહાશિવરાત્રીનો મેળો – હરેશ દવે 5


અલખની અહાલેક અને ભક્તિની ભભક જગાવતો જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો આદિ-અનાદિકાળથી ગિરિતળેટી સ્થિત ભવનાથ મંદિરના સાનિધ્યમાં યોજાય છે. મહા-શિવરાત્રીની રાત્રે નીકળતું નાગાબાવાઓનું સરઘસ મેળાનું મુખ્ય આકર્ષણ, મહાવદ નોમથી ભવનાથ મંદિરે ધજા ચડવાની સાથે મેળાનો શુક્રવાર તા.૧૩-૨-૨૦૧૫ થી પ્રારંભ થયેલો જે ગઈકાલે રાત્રે પૂર્ણ થયો.

અલખ નિરંજન…
બમ બમ ભોલે…
હર હર મહાદેવ…
આવા ભક્તિ સભર નિનાદોથી ગિરનારની ગિરીકંદરાઓ સતત ગુંજતી રહે છે. જુનાગઢ શહેર થી સાત કી.મી.ના અંતરે આવેલ ગરવા ગિરનારના સાનિધ્યમાં બિરાજેલા ભગવાન ભવનાથ મહાદેવના મંદિર તરફ લોકો જઈ રહ્યા છે. કોઈ ચાલીને, કોઈ રીક્ષા કે બસમાં, કોઈ પોતાના વાહનમાં, સૌને એકજ ઝંખના છે. ભગવન ભોળાનાથના દર્શન અને તળેટીમાં યોજાયેલા મહાશિવરાત્રીના મેળામાં મહાલવું. મેળાના દિવસો દરમ્યાન રાત્રે ગુંજતા ભજનો સાંભળવા અને મહાશિવરાત્રીની રાતે નીકળતા નાગા-બાવાઓનું સરઘસ નિહાળવું. લોકો એમ મને છે કે શિવજી આ રાત્રે કોઈને કોઈ સ્વરૂપે મેળામાં આટો મારી જાય છે. અને આવી માન્યતા આજ-કાલની નથી. આદિ-અનાદીકાળથીં ભાવિકો આ માટે આવતા રહ્યા છે અને હજારો નહિ પણ લાખોની સંખ્યામાં આવે છે. હવે તો કહે છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી તો આ સંખ્યા આઠ લાખ અને ક્યારેક તો તેની ઉપર પહોચી જાય છે. મહાશિવરાત્રી નો આ મેળો કુંભના મેળા સમો બની રહ્યો છે.

એવું તે શું છે આ મેળામાં? મેળાઓ તો ગુજરાતમાં દર વર્ષે ૧૫૨૧ જેટલા થાય છે. તેમાં મુખ્ય કેટલાક નો ઉલ્લેખ કરીએ તો રાજકોટમાં જન્માષ્ટમી ઉપર યોજાતો મેળો આનદ –પ્રમોદ નો મેળો છે. પોરબંદર પંથક ના માધવપુર(ઘેડ) માં યોજાતો ભગવાન શ્રીકૃષ્ણ અને રાણી રુક્ષ્મણી ના લગ્નનો મેળો ગૃહસ્થાશ્રમનો સૂચક છે. જયારે કંકુવરણી પાંચાળભૂમિમાં યોજાતો તરેણેતર નો મેળો યૌવનના પ્રતીક સમાન છે. પરંતુ મહાશિવરાત્રી નો મેળો એકજ એવો છે કે જેના કેન્દ્રસ્થાને સંસારીઓ નહિ પરંતુ સાધુ-સંતો છે. જીવના શિવ સાથેના મિલનનો મહિમા આ મેળો સૂચવે છે. અહી મોજ-મજા નહી પરંતુ શિવ ભક્તિ નું મહત્વ રહેલું છે. આવો મહિમા સૂચવતો આ મેળો સમ્રગ ભારતમાં આ દિવસોમાં અહી જૂનાગઢમાં જ યોજાય છે જે નોંધપાત્ર છે. અહી ભજન અને ભક્તિની ભભક જોવા મળે છે. અલખના આરાધકો અહી ઉમટી પડે છે. આવા આં મેળામાં જવાનું મન ઘણાં ભાવિકોને હોય છે પણ સંજોગોવ્શાત બધા જઈ શકતા નથી તેમને મેળાની શબ્દ-યાત્રા કરાવવાનો આ લેખ દ્વારા પ્રયાસ કરી રહ્યો છું.

જુનાગઢ અને ગિરનાર

જુનાગઢ અને ગિરનાર એક સિક્કાની બે બાજુ સમાન છે.દેશના પ્રાચીન નગરોમાં જૂનાગઢનું સ્થાન છે.મહાભારત કાળના અવશેષો અહી પ્રાપ્ય થયા છે.ઈશુ પહેલા ના સમયનો મોર્ય યુગ નો ઈતિહાસ અહીનો છે.નગર નરસૈયાએ રચેલા અને ગાયેલા ભજનોનો સ્વર અહી હજુ પણ ગુંજે છે એટલે તો જુનાગઢના દિવંગત કવિ શ્રી મનોજ ખંડેરિયાએ કહ્યું હશે કે,

તળેટી જતાં એવું લાગ્યા કરે છે
હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે..

ગિરનારનો ઉલ્લેખ કરીએ તો તે હિમાલયનો પ્રપિતામહ ગણાય છે. ભૂસ્તરશાસ્ત્રીઓના મંતવ્ય અનુસાર ગિરનાર નું આયુષ્ય ૨૨ કરોડ વર્ષ ઉપરનું છે. સ્કંદ-પુરાણ અને ગિરનાર મહાત્મ્ય તેમજ અન્ય ધર્મગ્રંથો નો ઉલ્લેખ કરીએ તો ગિરનાર નવનાથ, બાવન વીર, ચોસઠ જોગણીઓ અને ૮૪ સિદ્ધો નું નિવાસ-સ્થાન છે. અહી હિંદુ, મુસ્લિમ, બૌદ્ધ ને જૈન ધર્મના સ્થાનકો આવેલા છે. તપસ્વીઓની આ તપોભૂમિ છે. ભગવાન ગુરુ-દતાત્રય ની આ તપોભૂમિ છે. ગિરનારનું ગુરુ ગોરખનાથ નું શિખર સમુદ્રની સપાટીથી ૩૬૬૬ ફૂટની ઉચાઇ એ આવેલું ગુજરાતમાં સૌથી ઉચાઇ વાળું છે. ભગવાન શંકર ની આ પ્રિય ભૂમિ છે. શિવ-ભાર્યા પાર્વતી અહી અંબાજી સ્વરૂપે બિરાજે છે. આવી આ પાવનભૂમિમાં આ મેળો યોજાય છે તેથી તેનું ધાર્મિક રીતે આગવું મહત્વ ભાવિકોમાં રહેલું છે. સમ્રગ દેશમાં જુનાગઢ જ એક એવું શહેર છે જ્યાં દર મહાશિવરાત્રીએ સાધુ-સંતોનો મેળો યોજાય છે.

મેળાનો ઈતિહાસ

આ મેળો ક્યારથી શરુ થયો તેનો કોઈ ચોક્કસ ઈતિહાસ પ્રાપ્ત થતો નથી. ભાવિકો માને છે કે મેળો આદિ-અનાદિ કાળથી ચાલ્યો આવે છે. જુનાગઢના ઇતિહાસકાર ડો. પ્રદ્યુમ્નભાઈ ખાચરે તેમના ગિરનારનો ઈતિહાસ પુસ્તકમાં જણાવેલ છે કે તેમના મતે કદાચ ૧૫૦ વર્ષથી વધુ પ્રચલિત થયાનું જણાય છે. નવાબીકાળમાં પણ તે યોજાતો હતો અને નવાબ દ્વારા તેમાં જરૂરી મદદ કરવામાં આવતી હતી. મેળા અંગે વયોવૃદ્ધોનું કહેવું છે કે તેઓ બાળક હતા ત્યારે મેળામાં જતા ત્યારે ભજન, ભંડારા અને સાધુઓની રવાડી નીકળતી હતી. જો કે આજના જેવી ભીડ થતી ન હતી. મેળાનો મુખ્ય હેતુ શિવપૂજા અને ઉપાસનાનો હતો. આનંદ-પ્રમોદનું મહત્વ ન હતું.

ભવનાથ મંદિર

આ મેળો ભવનાથ મહાદેવના મંદિરના સાન્નિધ્યમાં યોજાય છે. ભવ એટલે અવતારના નાથ એટલે ઈશ કે પરમતત્વ આમ ભવનાથ કહેવાય છે. ભવનાથનું આ મંદિર પ્રાચીન છે. ગિરનાર મહાત્મ્ય અને સ્ક્ન્દપુરણમાં ક્ષેત્રને વસ્ત્રાપથ તરીકે વર્ણવાયું છે. કથાનુસાર કૈલાસ ઉપરથી શિવજી વિહાર કરવા નીકળ્યા અને આ વિસ્તારમાં આવ્યા તેમને આ વિસ્તાર ગમી ગયો તેથી સમાધિમાં લીન થઇ ગયા. બીજી બાજુ કૈલાસ ઉપર શિવજી દૂર સુધી નજરે ન પડતા માતા પાર્વતી અન્ય દેવગણો સાથે તેમને શોધવા નીકળ્યા તો તેઓ અહીં મળી આવ્યા. શિવજીને કૈલાશ લઇ જવા માતા સમજાવતા હતા ત્યારે ગિરનાર વિસ્તારના સાધુઓએ સદાશિવને અહી રહેવા વિનતી કરી અને શંકર ભગવાન અહી લિંગ સ્વરૂપે પ્રગટ થયા તે જ ભવનાથ કહેવાય છે અને જે તિથીએ અહી તેમનું પ્રાગટ્ય થયું તે તિથી, મહાવદ ચૌદસ હતી તેથી તે મહાશિવરાત્રી કહેવાય છે તેમ ભાવિકો મને છે. આ પછી સમયાન્તરે અહી મંદિર બન્યું અને તેમાં ઉતરોતર સુધારા વધારા થતા ગયા. હાલનું ભવ્ય મંદિર વર્ષ ૨૦૦૦ માં નવ-નિર્મિત થયું છે. આ ઉપરાંત પારધી અને હરણની પૌરાણિક ઘટના આ વિસ્તારમાં બની હતી. પારધીએ બીલીના વૃક્ષ ઉપર બેસીને ભૂખ્યા પેટે આખીરાત બીલીપત્રો તોડી તોડીને નીચે રહેલા અપૂજ શિવલિંગ ઉપર ફેક્યા અને ભવ તરી ગયો તેથી આ સ્થળ ભવનાથ તરીકે અને જે રાતે આ ઘટના બની તે મહાશિવરાત્રી હતી તેવી કથા આજે પણ પ્રચલિત છે.

મૃગીકુંડ

ભવનાથ મંદિરમાં અંદરના ભાગે મૃગીકુંડ આવેલો છે, કિવદંતી અનુસાર મૃગમુખી નારી જેનું અડધું શરીર સ્ત્રીનું અને બાકીનું મૃગલી અર્થાત હરણીનું હતું જે શ્રાપિત હતી તેમાંથી મુક્ત થયા બાદ કાન્યકુબ્જના રાજા ભોજે તેની સાથે લગ્ન કર્યા અને તેની યાદમાં જે કુંડ બનાવ્યો તે મૃગીકુંડ કહેવાયો તેવી કથા સ્ક્ન્દપુરાણમાં છે. મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ રવાડીના સાધુઓ, નાગાબાવાઓ તેમાં સ્નાન કરે છે. એક એવી લોકવાયકા છે કે અમર અસ્વ્સ્થામાં રાજા ગોપીચંદ અને રાજા ભરથરી પણ આ સમયે કોઈને કોઈ સ્વરૂપમાં અહી સ્નાન કરવા આવે છે. તેથી તેમાં સ્નાનનું મહત્વ રહેલું છે.

ધ્વજારોહણ ની પરમ્પરા

મહાશિવરાત્રીના આ મેળા ની પરંપરા અનુસાર પ્રતિવર્ષ મહામાસમાં વાળ નૌમ અર્થાત કૃષ્ણપક્ષની નોમ ના રોજ સવારે ભવનાથ મંદિરના શિખર ઉપર ધજા ચડે ત્યારથી મેળો શરૂ થયો ગણાય છે. નવનો અંક પૂર્ણાંક અને શુકનિયાળ ગણાય છે તેથી આ તિથી આ માટે પસંદ થઇ હશે તેવું ભાવિકો માને છે. તે દિવસે આ વિસ્તારના અન્ય મંદિરો ઉપર પણ ધજા ચડાવાય છે. આ સાથે ઉતારાઓ, ભંડારા અને ભજની રાવટીઓ શરુ થઇ જાય છે. ધીમે ધીમે મેળો જામતો જાય છે અને મહાશિવરાત્રી ના રોજ લાખોની સંખ્યામાં માણસો આવી પડે છે. બસ માં જગ્યા મળતી નથી ટ્રેનોના છાપરા ઉપર બેસીને લોકો આવે છે.

ભવનાથ મંદિરમાં સૌ પ્રથમ ધજા મંદિરની અંદરના ભાગમાં રહેલ ભૈરવદેરી ઉપર ચડાવાય છે જે કાળા રંગની હોય છે. ભૈરવ શિવજીના મુખ્ય ગણ છે. બાકીની ધજાઓ કેસરી રંગની હોય છે જે મંદિરના મુખ્ય શિખરે, ગુરુજીની સમાધીએ, ચંડભૈરવ, મૃગીમાંતાજી, દત ભગવાન, ગંગનાથ અને મંદિર બહાર ચોકમાં દતાત્રયની પાદુકા ઉપર ચડાવાય છે. આ વખતે પરંપરા અનુસાર તા ૧૩ શુક્ર્વારે આ વિધિ થશે. ત્યારથી મેળો શરુ થશે અને તા ૧૭ મંગળવારની મધ્યરાત્રીએ પૂરો થશે.

ભજન-ભક્તિ

આગળ જણાવ્યાનુસાર આ મેળો ભોળાનાથની ઉપાસનાનો છે તેથી અહી ભજન-ભક્તિનું વિશેષ મહત્વ છે. મેળાના સમ્રગ વિસ્તારમાં આવેલી રાવટીઓ અને ઉતારાઓમાં સમીસાંજે ભજન સરવાણી શરુ થાય છે જે આખીરાત ચાલે છે. જીવ ના શિવ સાથેના મિલન અને પરમતત્વની ઝાંખી આ ભજનોમાં જોવા મળે છે, તેમાં શિવભક્તિની વાતો સવિશેષ હોય છે. ભજનો સાંભળવા લોકો રાતભર વિવિધ રાવટીઓમાં ફરતા રહે છે. જાણીતા રામાયણી મોરારીબાપુ આ દિવસોમાં વર્ષોથી અહી આવે છે અને ભજનની મોજ માણે છે.

સૌરાષ્ટ્રની અસલ લોક-સંસ્કૃતિનો ચિતાર આ દિવસોમાં અહી જોવા મળે છે. ગંગાસતી, દાસી જીવણ, રવિ સાહેબ, ભાણ સાહેબ, મુસ્લિમ સંતો સાઈ- સેલાણી, ખીમ સાહેબ, કબીરજી, નરસિંહ અને મીરાંબાઈના રચેલા ભજનો, જાણીતા ભજનીકો નિરંજન પડ્યા, ભીખુદાન ગઢવી, વિષ્ણુ-પ્રસાદ દવે, હેમંત ચૌહાણ, પ્રફુલ દવે, ભારતીબેન વ્યાસ, દમયંતીબેન બરડાઇના કંઠે ગવાતા ભજનો સાંભળવા સમય પણ થંભી ગયો હોય તેવું જોવા મળે છે. દિવંગત ભજનિક નારાયણ સ્વામી અને પરબની જગ્યના સંત સેવાદાસજીને ભજન રસિકો આજે પણ યાદ કરે છે.

અન્નક્ષેત્રો

કહે કબીર કમાલકો,
દો બાતાં શીખ લે,
કર સાહેબ કી બંદગી,
ઓર ભુખે કો કછુ દે

આ વાત આં મેળામાં સાકાર થતી જોવા મળે છે. ભજન-ભક્તિની સાથોસાથ અહી અન્નક્ષેત્રો સતત ધમધમતા રહે છે. સેવાભાવીઓ મેળામાં આવતા લાખો માણસોને આગ્રહ કરીને જમાડે છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી આવા સેવાભાવીઓ જે તે ગામો અને શહેરોમાંથી મેળો શરુ થયા અગાઉ આવી જાય છે. લોકોને ચા-પાણી, નાસ્તો તેમજ ચોખ્ખા ઘી ની વિવિધ મીઠાઈઓ, સ્વાદિષ્ટ ફરસાણ, રોટલી, પૂરી, દાળ-ભાત, ખીચડી-કઢી, અથાણું, છાશ આ બધું પીરસે છે. આવા ડઝનબંધ ભંડારાઓ અહી ચાલે છે.

નાગાબાવાઓનું સરઘસ

મહાશિવરાત્રીએ રાતે નવ વાગ્યે ભવનાથ મંદિરની પાછળના ભાગે આવેલા શ્રી શંભુ પાંચ દસનામી જુના અખાડા ખાતેથી નાગાબાવાઓનું સરઘસ નીકળે છે જે આ મેળાનું મુખ્ય આકર્ષણ છે. એ નિહાળવા લાખો લોકો, કલાકોથી યોગ્ય જગ્યાએ ગોઠવાઈ જાય છે, ભૂખ તરસ કે કુદરતી હાજતની પરવા કરતા નથી. તેઓ એક બે કલાક નહિ પરંતુ સાત-આઠ કલાક ઉભા કે બેઠા રહે છે. ભવનાથના સમગ્ર વિસ્તારની વિવિધ જ્ઞાતિની જગ્યાઓ, વાડી અને ધર્મશાળાઓ, મંદિરોની અગાસીઓ, ઝરૂખા, છાપરા અને વૃક્ષો ઉપર આબાલ – વૃદ્ધો, પુરુષો અને મહિલાઓના સમૂહો જોવા મળે છે. ક્યાંય પગ મૂકવાની જગ્યા હોતી નથી. અહીની તળપદી ભાષામાં કહીએ તો થાળી ફેકો તો પણ નીચે ન પડે તેવી પ્રચડ ભીડ જામે છે. જાણે કે કુંભના મેળામાં આવી ચડ્યા હોઈએ તેવું લાગે.

સરઘસની પરંપરાની વાત કરીએ તો તેનો પણ કોઈ ઈતિહાસ પ્રાપ્ય નથી. મેળાની શરૂઆતથી નીકળે છે. બુઝર્ગ સંત મહંત ગોપાલાનંદજી કહે છે કે ૭૦ વર્ષથી તેઓ મેળાને સરઘસ સાથે સંકળાયેલા છે. સરઘસની પરંપરા અનુસાર તેમાં સૌથી પહેલી પાલખી જુના અખાડાની રહે છે, અખાડાના ઇષ્ટદેવ ભગવાન ગુરુ-દત્તાત્રેય છે. આ ઉપરાંત અગ્નિ અખાડાના સાધુઓ અને રમતું પંચ જોડાય છે, સૌ તેમની ધજાઓ, ધર્મદંડ સાથે જોડાય છે. નાગાબાવાઓ તલવાર, ભાલા અને પટ્ટાબાજીના દાવ કરતા હોય છે. લાઠીઓ પણ ઘુમાવે છે જેને વિશાલ જનસંખ્યા મંત્ર-મુગ્ધ બનીને નિહાળે છે અને આવું સરઘસ જોવા મળ્યું તે બદલ ધન્યતા અનુભવે છે.

નાગાબાવાઓના સરઘસ અંગે જાણકારો જણાવે છે કે હાથમાં તલવાર અને ભાલા સાથે વિવિધ દાવપેચ દર્શાવતા આ સાધુઓ મૂક રીતે એવું સૂચવે છે કે ધર્મની રક્ષા કાજે અમે શાસ્ત્રો ધારણ કરીને અમે જરુર પડ્યે ધર્મની સામે આફત આવી પડે તો લડી લેશું. અમે તો વસ્ત્રહીન અવસ્થામાં રહીએં છીએ, કોઈ વસ્તુનો મોહ નથી, આવી વાત અગાઉથી કહેવાતી આવે છે.

સરઘસ પૂર્વે મહાશિવરાત્રીના રોજ બપોરે ચાર વાગ્યની આસપાસ ભવનાથ મંદિરનો દરવાજો દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાય છે, જે મધરાત પછી ભાવિકો માટે ખુલે છે. જુના અખાડાખાતી થી સરઘસ નીકળતા પહેલા ત્યાં રહેલ ગુરુ દત્તાત્રેય ભગવાનની ચરણ-પાદુકાનું પૂજન થાય છે કારણ કે તેઓ સાધુ સમાજના શિરોમણી અને ગિરનાર શેત્રના સર્વોપરી ગણાય છે. પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓ સાથે નીકળેલું આ સરઘસ આ વિસ્તારમાં ફરે છે જેમાં ઉપર કહ્યું તેમ અંગે ભભૂત ચોળેલા, લાલઘુમ આંખો વાળા અને મોટી જટા તથા દાઢીવાળા નાગા સાધુઓ અને અન્ય પંથના સાધુ સંતો ભક્તિસભર નિનાદ કરતા નીકળે છે જેને લાખો લોકો એકીટસે નિહાળે છે. આ સરઘસ મધરાત સુધી ફરે છે.

મહાસ્નાન

મધ્યરાત્રીના અરસામાં સરઘસ ભવનાથ મંદિર પાછું ફરે છે. કાયમ બધ રહેતો મંદિરનો બીજો દરવાજો તે સમયે ખુલે છે તેમાં નાગાબાવાઓ અને અન્ય સંતો પ્રવેશે છે. ત્યાં રહેલ મૃગીકુંડ સ્નાન કરવા પડે છે. હર હર મહાદેવ બોલીને કુંડમાં કુદી પડે છે. અન્ય સાધુ પણ સ્નાન કરે છે. સાધુઓનું આ સ્નાન મહાસ્નાન તરીકે જાણીતું છે. કુંભના સ્નાન જેટલું જ તેનું મહત્વ છે. આ સમયે ખુદ ભગવાન શંકર અને અન્ય દીવ્યાત્માઓ પણ તેમાં સ્નાન કરી જાય છે, કોઈને કોઈ સ્વરૂપે તેઓ સ્નાન કરવા આવે છે તેવી ભાવિકોની માન્યતા છે.

મહાપૂજા

મૃગીકુંડમાં મહાસ્નાન પછી ભવનાથ મંદિરમાં સાધુઓ મહાપૂજા કરે છે જે નિશિથ પૂજા તરીકે ઓળખાય છે. આ સમયે મહા મૃત્યુંજય મંત્ર, શિવ મહિમન, રુદ્રાભિષેક જેવી શિવ સ્તુતિઓ મંદિરમાં ગાજી ઉઠે છે. પછી ઝડપભેર નાગાબાવાઓ અહીંથી ચાલ્યા જાય છે. લોકો એમ મને છે કે તેઓ અદ્રશ્ય થઇ જાય છે. ત્યારબાદ ભાવિકો દર્શન કરે છે. ભાંગની પ્રસાદી લે છે. અંદાજે આઠથી દશ લાખ લોકોના વિવિધ ભક્તિમય જયઘોષથી ગિરનારની ગિરીકંદરાઓ ગુંજી ઉઠે છે. આ સાથે સત્યમ, શિવમ અને સુન્દરમ સમો મહાશિવરાત્રીનો આ મેળો સંપન્ન થાય છે.

– હરેશ દવે


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “અલખની અહાલેક જગાવતો મહાશિવરાત્રીનો મેળો – હરેશ દવે

  • Harish Rathod

    ખુબ સુંદર વર્ણન, હું સદેહે મેળામાં જઈ આવ્યો હોઉં તેમ અનુભૂતિ થઈ. આભાર ભાઈ હરેશ દવેનો. જુનાગઢ તો જોયું છે પણ મનમાં આ મેળાની મુલાકાત લેવાની તથા કારતક માસમાં ગિરનાર પરિક્રમા કરવાની વર્ષોથી તમન્ના છે , મારો શિવ એક દિવસ જરુર પુરી કરશે. જય ભોલેનાથ !

    • Sarla Sutaria

      આજ પણ મારી સવાર શુભ થઈ ગઈ. સવારમાંં જ આ લેખ સુધી હું પહોંચી ને જાણે ખરેખર શિવરાત્રીના મેળાની ભક્તિ સભર યાત્રા કરી આવી.

  • jayendra Thakar

    મહાશિવરાત્રીના મેળાનુ સુન્દર વર્ણન પ્રસાદી રુપે પિરસવા માટે હરેશભાઈ દવેનો
    ખુબ ખુબ આભાર.