રૂમી, રાબિયા અને હું (લવલી પાન હાઉસ) – ધ્રુવ ભટ્ટ 4


દરિયાકિનારાની ભીની સવાર કેટકેટલું ભુલાવી દે છે! ઊતરતી ભરતીનો મંદ રવ. ધીમેધીમે ઉપર આવી રહેલો સૂર્ય. નાળિયેરીના પાનની અણી પર, સમુદ્ર મંથનમાંથી જાણે અત્યારે જ નીકળેલા કૌસ્તુભ જેવાં, વિખરાતી રાત્રીના મનોરમ રહસ્ય સમાં ઓસબિંદુ.

જેણે આ જોયું છે તે જાણે છે કે આ કંઈ એકલી આંખનું સુખ નથી. રોમરોમમાં પ્રવેશીને દેહ, મનમાં વ્યાપતો આ અલૌકિક ભાસતો પરિવેશ સમગ્ર ચેતનાને આનંદથી ભરી દે છે. આખા અસ્તિત્વને, પરત આવવા માટે સહારની જરૂર પડે એટલે દૂર, સુખ કે દુઃખની પેલે પાર લઈ જાય છે.

હું મારી મુસાફરીનો થાક, રાતનો ઉજાગરો, મારે કરવાનાં કામોની યાદી અને મનમાં અહીં પહોંચતા સુધી ચાલતી રહેલી ઘટમાળ- બધું ભૂલીને આ તૂટેલા કિલ્લાની રાંગ જેવી દિવાલ પાસે હોટલના સ્ટાફે મૂકી આપેલી ખુરશી પર બેસીને, ભરતી સમયે અખાતના સામા ખૂણા સુધી વેગે ફરી વળેલાં જળને ફરીથી અરબ સાગર તરફ દોડી જતાં જોઈ રહ્યો છું; પણ લાગે છે કે હું જાણે અહીં કે ક્યાંક નથી.

દૂર મંદિરમાં રણકતી ઝાલર મને રણઝણાવી ગઈ. મારામાંથી ક્યાંક ઊડી ગયેલા ગોરિયાને ફરી એના નિજમંદિરે ખેંચી લાવી. હા વળી, જેને ઘર નથી તેને માટે તો ધરતીનું આખું ક્લેવર નિજમંદિર નહીં તો બીજું શું!

આ નિજમંદિર શબ્દ મને બહું ગમે છે. પેલો ટહેલિયો, શ્રાવણ શરૂ થાય ન થાય ત્યાં આવી ચડતો મથુરાનો ઘનશ્યામ મહારાજ, ગોકુળ મથુરાની વાતો કરે ત્યારે નિજમંદિર શબ્દ વારંવાર વાપરતો.

ગમે ત્યારે ગમે ત્યાં મળી જતી રૂમીને પણ ઘર નહીં જ હોય તેમ અમે દ્રઢપણે માનતાં. તોયે અમે બધા મનોમન એક વાત સ્વીકારતા કે તે ચાલતી જતી હોય, ઊભી હોય કે ગમે ત્યાં બેઠી હોય; કંઈ પણ કર્યા કે કહ્યા વગર માત્ર પોતાના હોવાથી જ તે પૂરા પરિસર પર પોતાનું આધિપત્ય દર્શાવી શકતી. તો પોતે, સ્વયં નિજમંદિર જ હતી.

ટહેલિયા મહારાજ વરસ દહાડે એક મહિનો મારા શહેરમાં ગાળતા. શ્રાવણ સુદ પડવાની પરોઢે અજવાળું થાય ન થાય, લવલી હજી ખુલતું હોય, બીલાવલ મોટાં શ્યામ કલકત્તી, પીળી ઝાંયવાળાં પોપટી બનારસી, નાનકડાં મદ્યઈ, મીઠી કાળાં ફાફડા મદ્રાસી, અણિયાળાં મેંગલોરી, પાતળી પરમાર જેવી ચોરવાડી પાંદડી, અને વધુ વપરાતાં કપૂરીપાનના ટોપલા ખોલીને ઊલટાવતો હોય. પાકવા આવેલા પાન અલગ તારવતો હોય.

વલીભાઈ દિનભર વાપરવાના હોય તેટલાં કિમામ, મસાલા, દેશી નંબરી, સુગંધી તમાકુ કાઢીને ચાંદીની ડબીઓમાં ભરતા હોય. હું રસ્તાની સામી બાજુએ ડંકીએ તાંબા-કૂંડીને આમલીથી ચમકાવી ધોતો, ભરતો હોઉં.

થોડે દૂરની ગલીમાંથી ઝાલરનો ડંકો સંભળાય અને થોડીવારે એક હાથમાં પિત્તળની નાની ઝાલર અને બીજામાં લાકડાની હથોડી લઈને, ઊજળા દૂધ જેવાં ધોતી, કૂરતામાં સજ્જ, ખભે લાલ સાફી લટકાવીને ચાલ્યો આવતો રાતા ટમેટા જેવો યુવાન મહારાજ નજરે પડે. સવારમાં દોહા ગાતો ગામમાં જાય. નવેક વાગે ગામમાંથી પાછો ફરે.

એક વાર મહારાજ પ્રભાત ફેરી કરીને પાછો આવતો હતો. પટુભા પાન બંધાવતા હતા. બાંધેલા પાન થેલીમાં મૂકીને સાઇકલ પર બેઠા અને એક છૂટું પાન હજી મોંમાં મૂકે ત્યાં મહારાજને જોયા. પાટુભાએ સાઇકલ રોકી. પોતે ઊતરીને સાઇકલ આઘી મૂકી અને મહારાજને બૂમ પાડી, ‘એ મા’રાજ, આયાં આવો.’

મહારાજ મલપતી ચાલે આવ્યા. કહે ‘રાધે-રાધે.’

પટુભા પાન પોતે ખાવાને બદલે મહારજ તરફ લંબાવતાં કહે, ‘ઈ રાધે-રાધે બધુંય પછી. પે’લાં લ્યોા પાન ખાવ. ગામના મેમાન છો. તમને તો અમારે નાસ્તો કરાવવો જોવે; પણ પાન તો ખાવ.’

‘રાધે – રાધે બાદમેં નહીં, સબસે પહલે હી હોતા હે. ધન્યવાદ. પાન આપ ખાઈએ.’ મહારાજે કહ્યું.

પોતાના ભર્યા આવકારનો આવો જવાબ સાંભળવાની પટુભાની તૈયારી ક્યાંથી હોય? ઉપરથી પોતાનો, દરબારનો હાથ, પરગામનો બ્રાહ્મણ જાહેરમાં પાછો ઠેલે!

શરમમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરતાં પટુભાએ કહ્યું, ‘કાં? બાધા છે? કે બામણ છો એટલે મુસલમાનની દુકાનનું પાન નૈ ખાવ? એવું હોય તો બીજે ગલ્લેથી ..’

પટુભાને જવાબ આપતા હોય તેમ વલીભાઈ તરફ ફરીને ઘનશ્યામજી કહે, ‘ભાઈ, પાની મીલેગા?’

મેં પાણી ભરીને આપ્યું. મહારાજે મેં ધોયું, એક – બે ઘૂંટ પીને બાપુ તરફ ફર્યા અને કહ્યું, ‘ક્યાં હિન્દુ ક્યા મુસલમાન. સબ હેમ કા હેમ.’

થઈ રહ્યું. હવે પટુભાથી સહન થાય તેમ નહોતું. તે ઊંચે અવાજે બોલ્યા, ‘નરસીં મેતાનો અવતાર થાવાનું રે’વાદે. નકર..’ કહીને પટુભા થોડું અટક્યા. પછી કંઈ સૂઝતું ન હોય તેમ બબડ્યા, ‘રોજ રોજ માગી ખાવું ને આટલી બધી ટણી?’

મહારાજે નમ્ર અવાજે કહ્યું, ‘અરેરે, હમારે ભાગ મેતાજી જૈસે કહાં? હમેં તોં માંગના પડતા હૈ. પર રોજ રોજ નહીં માંગતે. ના. રોજ નહીં, સિરફ અમાવસ્યાકે દિન મનોયાચના કરેંગે; જો મિલેગા વો લે લેંગે. ઔર આપને ગાંવ ચલે જાયેંગે.’

બ્રાહ્મણ પટુભા સાથે આંખ મેળવતો રહી જવાબ આપ્યે જાય છે. ક્યો દરબાર આવું ચલાવી લે? પટુભા ક્યાંક આને મારી ન બેસે.

પટુભા તપી ગયા. ‘બહુ ટેકવાળીનો હો તો કાં’ક પરચો દેખાડ. બતાવ તારો રામ કે કૃષ્ણ. નીકર મથુરા ભણી હાલતો થઈ જા. જાતનો બામણો છે એટલે કાંય કે’તો નથ. જાવા દઉં છ. જા ભાગ, ‘ને ફરી આવતો નૈ આણીકોર.’

‘ઈધરતો આના પડેગા. અબ તો અમાવસ કે દિન આસન યહીં પર લગેગા.’ મહારાજે શાંતિપૂર્વક કહ્યું અને ચાલ્યો. મોજથી ચાલ્યો. થોડી થોડી વારે ઝાલર પર હથોડી મારીને ડંકો વગાડે અને કબીર રહીમનો દોહો ગાય. ગોહો પૂરો કરતાં એ ઢાળમાં જ ધ્રુવ પંક્તિ બોલે, ‘હો રાધે, રામચંદ્ર કી જે બોલો… ઓ..’

પટુભા સાઇકલ પર બેસતાં તિરસ્કારપૂર્વક હસ્યા અને કહે, ‘લ્યો, આવડે છે કાંઈ? કૃષ્ણની રાધા પાંહે રામની જે બોલાવ છ; પણ જો અમાસને દા’ડે તારી ટણી કાઢું છ.’

મહારાજ નિયમસર રોજ આવતો રહ્યો. અમે મનોમન પટુભા અમાસ ભૂલી જાય તેવી પ્રાર્થના કરતા રહ્યા. કેટલાક માનતા કે પટુભા ભૂલી જ જશે.

એ બ્રાહ્મણ દર શ્રાવણ માસે આવતો. સરસ ઊજળાં કપડાં પહેરતો. તેના યજમાન ન હોય તેને પણ રાધે – રાધે કહેતો. કભી મથુરા નિજમંદિર પધારીએ એમ પણ કહેતો.

બીજી પેલી રુમી. એને સમયની કોઈ પાબંદી નહીં. માથે બાંધતી તે મેલખાયા સિવાય કપડાંનું કોઈ ઠેકાણું નહીં. બસ, કંઈક પહેર્યું છે. મેલી પીળી ચાદર હોય, લાલ પિળા ચણીયા ચોળી હોય, મેલાં દાટ લેંધો-ઝભ્ભો હોય કે પેન્ટ-શર્ટ. જે પહેર્યું તે પહેરી રાખે. એક ફાટ્યે જ તેના શરીરે બીજું દેખાય. મેલાં કપડાંમાંથી પણ મેલ તળે સંતાયેલી ગોરી ત્વચા તરત નજરે પડે અને આ બાઈ ક્યાંથી આવી હશે? જેવી ચર્ચાને વેગ આપતી રહે.

‘મોઢા જોઈ માણસનો મુલક વરતવામાં ગરાસિયો કોઈ દી ભૂલ નો કરે.’ આમ છાતી ઠોકી પણ પટુભા બાપુ આટલું કહી શકતા, ‘બોલો, હું કઉં છું બાઈ કાશ્મીરની છે. નીકર વળી ક્યાં અફઘાન ભણીની હોય. કાં રાજસ્થાનના એકાદા રજવાડામાંથી નીકળી ગઈ હોય, કાંઇ નહી તો પંજાબણ તો ખરી જ. એની કાઠી, એની મોંકળા તો જોવો.

દિનુકાકા કહેતા, ‘ગિરનારથી જોગણ ઊતરી છ. કાં આરાસુરથી. એનું નામેય યોગિની કે અંબા, બાલા, કંઈક મા જેવું જ હોવું જોવે.’

આ શહેરમાં દેખાય ત્યારે રુમી કયાં રહેતી, ક્યાંથી લાવીને પહેરતી, શું ખાતી તે કોઈ જાણે નહીં. છતાં ગામમાં જેટલા મોંઢા એટલાં રુમીનાં રૂપ, નામ, ઠામ, ભોજન અને સરનામાં. વળી, દરેકની વાત બીજાથી જુદી જ હોય.

ગમે તેમ પણ કોઈએ આ બાઈ પાછળ ગાંડી ગાંડી કરીને છોકરાં દોડતાં જોયાં નથી, નથી તે બાઈને કોઈએ કોઈ સામે હાથ લંબાવીને ઊભેલી જોઈ. એ સ્ત્રીનો ગુજારો શી રીતે થાય છે તે કોઈ કહી શકતું નહીં.’

અરે ખુદ પટુભા જેવા પટુભા પણ બે વાતે ફીદા; એક તો ‘ઈ બાઈયે આપના પાંહે આજ લગણ કાંય કે’તા કાંય માંગ્યું નથ’ અને બીજું કે, ‘ઇ કોઈ દિ કાંય બોલી હોય તો કંઇ કે ઈનો અવાજ કેવો છે! અમે તો સાંભળ્યો નથ.’

ગામના લોકો તેને કયા નામે ઓળખતા તે ખબર નથી. લવલી પર અવતાર તેને ‘ઓલી’ કે મજાકમાં ‘દીનુભાઈની મા’ કહેતા. તેને ‘રુમી’ નામ આપ્યું હતું રાબિયાએ. એનું આ રુમિ નામ હું અને રાબિયા બે જ જાણીએ.

રાબિયા મારાથી નાની કે મોટી તે ખબર નથી. અમે સાથે ભણવા બેસતાં. પરીક્ષા આવતી ત્યારે મદરેસામાં રાબિયા મારા કરતાં એક વરસ આગળની પરીક્ષા દેતી. નિશાળે અમારાં બન્ને નાં નામ ખરાં પણ હું અને રાબિયા વરસે એકવાર પરીક્ષા આપવા પૂરતાંજ નિશાળે જતાં. વલીભાઈએ મારું નામ નિશાળમાં કઈ રીતે દાખલ કરાવ્યું તે હજી મને સમજાતું નથી.

રાબિયાનું નામ તો પહેલેથી જ નિશાળે નોંધાયેલું તો પણ પરીક્ષા દેવા જાય તે સિવાય બીજી છોકરીઓની જેમ બુરખો ઓઢીને રાબિયા નિશાળે કદીયે ન જતી.

હું શાળાએ જઈ શકું તેમ હતો પણ વલીભાઈના મતે મારા માટે નિશાળ કરતાં કેટલુંયે વધારે શીખવાનું લવલી પર હતું. વાંચતાં-લખતાં અને પરીક્ષામાં પાસ થવા જેટલું બીજું મારે રાબિયા સાથે બેસીને શીખી લેવાનું હતું. બપોરે જમવા આવું પછી એક કલાક ભણવાનું નક્કી થયું અને લવલી માંથી રજા મળતી થઈ.

એક બપોરે શિક્ષકને કોઈ મળવા આવ્યું એટલે તે નીચે ડેલીએ ગયા. હું મારા ધોરણનું પુસ્તક ખોલીને પાઠ શોધતો હતો. રાબિયા પાટીમાં ગણીત ગણતી હતી. મારા પુસ્તકમાં એક ચિત્ર પર નજર કરી ને રાબિયા કહે, ‘મ.મ. આનો ફોટો બરાબર જો. ઓલી લેંધા-ઝભ્ભા પહેરીને નીકળે છે એ રુમી જેવો લાગે છે. કાં?’

‘ગાંડી તે દહાડાની જેમ તું મને મ.મ. કેમ કીધા કરે છે? એક તો આ ફોટો નથી આને ચિત્ર કહેવાય. બીજું આને તો દાઢી છે. અને જો. નીચે નામ વાંચ, ચોખ્ખું મૌલાના રુમ તો લખ્યું છે. પાઠમાંય લખ્યું છે કે મૌલાના રુમને બધા રુમી કહેતા.’

‘ગાંડો, તું સાત વાર ગાંડો. ફોટામાં કોણ છે તે હું તારી પહેલાં ભણી ગઈ છું.’ રાબિયાએ ચિત્રને ફોટો જ કહ્યો, ‘તું આંખ મીંચીને મનમાં આનો દાઢી વિનાનો ફોટો વિચારી જો. મને આનું મોઢું ઓલી બાઈ જેવુ લાગે છે એટલે કીધું. હું એ બાઈને રુમી જ કહેવાની. તારી દેન હોય તે જા એને કહીયાવ કે રાબિયા તને રુમી કહે છે.’

મારી આટલી બધી દેન નહોતી. હોત તોય હું રાબિયાની ફરિયાદ કરવા જવાનો નહોતો. મેં પણ તેને રુમી માની લીધી.

– ધ્રુવ ભટ્ટ

ધ્રુવભાઈ ભટ્ટની સુંદર નવલકથા ‘લવલી પાન હાઉસ’નો એક સુંદર ભાગ આજે પ્રસ્તુત કર્યો છે. ધ્રુવભાઈની એ વિશેષતા રહી છે કે તેમની નવલકથાના પાત્રો વાચકના મનમાં એક વિશેષ છાપ મૂકી જાય છે. ‘લવલી પાન હાઉસ’ એમાં અલગ નથી. રાબિયા, રૂબી અને વલીભાઈના પાત્રો, લવલીના મહદંશે બધા જ પાત્રો વાચકના મનને એક કે બીજી રીતે સ્પર્શે છે. આજે તેમાંથી જ આ સુંદર ભાગ પ્રસ્તુત છે.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “રૂમી, રાબિયા અને હું (લવલી પાન હાઉસ) – ધ્રુવ ભટ્ટ