ત્રણ અછાંદસ રચનાઓ.. – ઇસ્માઈલ પઠાણ 17


૧. લાગણીની ખેતી

મારું હ્રદય,
લીલીછમ લાગણીનું ખેતર

આવો
અને જરા વાવો લાગણી

બસ
તરત ઉગી નીકળશે

ન નિંદામણ ના જીવાત
ન ચાડિયો ઊભો કરવાની વાત
ન ધોરીયા કરવા,
ન થ્રેસર બોલાવવું,

આપણે ખેડૂત, આપણે મજૂર
સરળ ને સીધી આ ખેતી
ગમે તો કરજો
બસ ખ્યાલ એક રાખજો
બીજ લાગણીનું
‘ઓરિજિનલ’ નાંખજો…..

૨. ઇમર્જંન્સી વોર્ડ

જોઉં છું
પલંગ પર
પડેલા રક્તમાંસમાંથી
આવતા ધીમા ધબકારા,
સૂકા પ્રકાશમાં
પડઘાતાં ભીનાં ડૂસકાં,
બારીઓને પરાણે
લીલીછમ રાખતાં પડદા,
અને
સફેદ વસ્ત્રોમાં
‘સ્ટેથોસ્કોપ’ સાથે ફરતાં મિકેનિકો…..

જાણે કેમ ઇમરજન્સી વોર્ડની દિવાલો આટલી
બિ.. હા.. મ.. ણી.. હોય છે …? ? ?

૩. મનોવેદના.. ઓ

એક ઢગલો
મનો..વેદના…ઓનો….

થોડીક આમથી લીધેલી
થોડીક તેમથી લીધેલી
થોડીક આવી પડેલી
થોડીક હાથે ઉભી કરેલી

થોડીક વ્હાલી થોડીક અળખામણી
થોડીક નાંખી દેવા જેવી થોડીક રાખવા જેવી
થોડીક દરીયા જેવી થોડીક ખાબોચિયા જેવી
અને કેટલીક તો સાવ અમથી…

ઢગલા પર બેસી એક એક ક્ષણને તોડી રહ્યો છું
જાણે
સમયને મરોડી રહ્યો છું

ક્યાં સુધી ?
બસ આમને આમ મારે રહેવું ?

હે પ્રભુ !
બસ મુજને
એક હથોડી આપ
જે આ બધી વેદનાઓને તોડી શકે
અને
ક્ષણે-ક્ષણ મને તારી સાથે જોડી શકે
આપીશ…ને …?

– ઇસ્માઈલ પઠાણ

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકામાં તાલેપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઇસ્માઈલભાઈ પઠાણની અક્ષરનાદ પર આ પ્રથમ ત્રણ અછાંદસ રચનાઓ છે. સુંદર રચનાઓ બદલ તેમને શુભકામનાઓ અને અક્ષરનાદને આ રચનાઓ પ્રસ્તુત કરવાની તક બદલ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

17 thoughts on “ત્રણ અછાંદસ રચનાઓ.. – ઇસ્માઈલ પઠાણ