ભય – ઓશો, અનુ. હર્ષદ દવે 13


Bhayએક માણસ રાત્રે ચાલતાં ચાલતાં લાપસી જાય છે અને પર્વતીય રસ્તા પરથી પડી જાય છે. હજારો ફૂટ ઊંડી ખીણમાં ગબડી પડાશે એવો તેને ભય લાગ્યો, કારણ કે તે જાણતો હતો કે રસ્તાની ધારે બહુ ઊંડી ખીણ છે. એવામાં તેનાં હાથમાં તે રસ્તાની ધાર પર લટકતી ઝાડની એક ડાળી આવી ગઈ. તેને ડાળીને જોરથી પકડી લીધી. રાતના અંધારામાં તેને અંતહીન ઊંડી ખીણ જ દેખાઈ. તેણે ઘણી બૂમો પાડી પરંતુ તેને માત્ર પડઘા જ સંભળાયા – તેની બૂમો સાંભળવાવાળું ત્યાં કોઈ ન હતું.

તમે કલ્પના કરો કે આ માણસે આખી રાત કેવા ત્રાસમાં વિતાવી હશે. દરેક પળે તેને નીચે મોત દેખાતું હતું. તેનાં હાથ ઠંડા પડી રહ્યા હતા, તેની મજબૂત પકડ ઢીલી પડી રહી હતી… પણ જીવ પર આવીને તેણે ગમે તેમ કરીને ડાળી પકડી રાખી, અને જેવો સૂર્યોદય થયો કે તેણે નીચે જોયું… અને તે હસી પડ્યો! નીચે કોઈ ઊંડી ખીણ ન હતી. તેનાં પગથી માત્ર છ ઈંચ નીચે એક ખડકની ધાર હતી. તે તેનાં પર પગ મૂકીને, ઊભા ઊભા આખી રાત આરામથી કાઢી શક્યો હોત, કદાચ સારી રીતે ઊંઘી પણ શક્યો હોત – એ ધાર સારી એવી મોટી હતી – પરંતુ તેને બદલે તેણે આખી રાત એક ભયંકર દુ:સ્વપ્ન જોયું હોય તેમ ગાળી.

મારા પોતાના અનુભવ ઉપરથી હું તમને કહી શકું કે ભય છ ઈંચથી વધારે ઊંડો નથી હોતો. હવે એ વાતનો આધાર તમારા પર છે કે એ ડાળને વળગી રહી તમારે જીવનને ભયાનક બનાવવાનું પસંદ કરવું કે પછી તે ડાળી છોડીને તમારાં પગ પર ઊભા રહેવાનું પસંદ કરવું.

અહીં ડરવા જેવું કાંઈ છે જ નહીં.

દરેક વ્યક્તિના જીવન પર થોડેઘણે અંશે ભયની અસર હોય છે, કારણ કે જીવન જીવવાના બે જ રસ્તા છે. કાં તો તે પ્રેમની અસર હેઠળ જીવાતું હોય છે અથવા તો ભયની અસર હેઠળ જીવાતું હોય છે. સામાન્ય રીતે, જો તમે પ્રેમ કરતાં ન શીખ્યા હો તો તે ભયની અસર હેઠળ જીવાતું હોય છે.

પ્રેમ વગર ભય તો રહેવાનો જ. તે પ્રેમનો અભાવ છે, પ્રેમની ગેરહાજરી છે. તેમાં કાંઈપણ હકારાત્મક નથી, તે માત્ર પ્રેમની અનુપસ્થિતિ છે. પરંતુ જો તમે પ્રેમ કરી શકો તો ભય અદૃશ્ય થઇ જાય છે. પ્રેમની ક્ષણોમાં તો મૃત્યુ પણ નથી હોતું.
જીવનમાં માત્ર એક જ બાબત મૃત્યુને જીતે છે અને તે પ્રેમ છે. બધો ભય મૃત્યુની સાથે નિસબત ધરાવે છે – અને માત્ર પ્રેમ જ મૃત્યુને જીતી શકે છે.

તો હું તમને એક વાત એ કહેવા માગું છું કે ભય ઉપર બહુ વધારે પડતું ધ્યાન ન આપો, કારણ કે તેથી આપોઆપ સંમોહિત થઇ જવાય છે અને તમારા પર ભયનું વર્ચસ્વ રહેવા લાગે છે અને ત્યારે તમે તેને જ મદદ કરવા લાગો છો. એ બાબતની નોંધ લેજો કે જો તમારું જીવન ભયની અસર હેઠળ જીવાતું હોય તો – ખતમ! તે એ જ બતાવે છે કે પ્રેમ એટલો સશક્ત નથી થયો કે જેથી ભય અદૃશ્ય થઇ જાય.

ભય માત્ર લક્ષણ છે, તે રોગ નથી. તેનો કોઈ ઈલાજ નથી. આમ તે કેવળ લક્ષણ છે અને તે બહુ જ મહત્વનું છે કારણ કે તે તમને એ બતાવે છે કે તમારે તમારું જીવન હવે વધારે વ્યર્થ ન જવા દેવું જોઈએ. તે કેવળ એટલું જ કહે છે કે વધારે પ્રેમ કરો.

તો હું ભય વિષે વાત નહીં કરું. હું તમને વધારે પ્રેમ કરવામાં મદદ કરીશ – અને તેને પરિણામે ભય અદૃશ્ય થઇ જશે. જો તમે સીધેસીધા ભયની સાથે પનારો પડશો તો તમે તેને વધારે દૃઢ કરશો, કારણ કે તમારું પૂરેપૂરું ધ્યાન તેનાં પર જ કેન્દ્રિત થઇ જશે. તે તો અંધકારનો નાશ કરવાનો પ્રયત્ન કરવા જેવું છે અને અંધકારનો નાશ કેવી રીતે કરવો તેનાં પર ધ્યાન કેન્દ્રિત કરવા જેવું લાગે છે, તેનાથી જ ઘેરાયેલા રહેવા જેવું લાગે છે. તમે અંધકારનો નાશ ન કરી શકો કારણ કે પહેલી વાત એ છે કે તેનું અસ્તિત્વ નથી. એ હકીકતનું ધ્યાન રાખજો કે અંધકાર છે – અને ત્યારબાદ પ્રકાશ કેવી રીતે ફેલાવવો તે માટેના પ્રયત્નો શરૂ કરો.

જે ઊર્જા(શક્તિ)નો ઉપયોગ તમે ભયની સામે લડવામાં કરો છો તે જ શક્તિનો ઉપયોગ પ્રેમ કરવા માટે કરી શકાય. પ્રેમ કરવા પર વધારે ધ્યાન આપો. જો તમે સ્પર્શ કરો તો શક્ય હોય તેટલા વધારે પ્રેમથી સ્પર્શ કરો, જાણે કે તમારા હાથ તમારું સમગ્ર અસ્તિત્વ બની ગયા હોય અને તમે તેને તમારા હાથ વડે પ્રવાહિત કરી રહ્યા હો તેમ સમજો. તેના દ્વારા ઊર્જા પ્રવાહિત થઇ રહી છે તેવું તમે અનુભવશો, એક ચોક્કસ ઉષ્મા હશે, એક ઉત્કટ ભાવના હશે. પ્રેમ કરો, ગાઢ પ્રેમ કરો અને તમામ સભ્યતા કે સંસ્કૃતિને ભૂલી જાઓ. પ્રેમ વિષે જે કાંઈ શીખવવામાં આવ્યું છે એ બધું ભૂલી જાઓ, બસ પ્રેમમય થઇ તેમાં ડૂબી જાઓ.

એકવાર તમને એ સમજાઈ જાય કે પ્રેમની હાજરીમાં ભયની ગેરહાજરી હોય છે તો તમને એ મુદ્દો સમજાઈ ગયો છે તેમ માનવું, પછી કોઈ સમસ્યા રહેતી નથી.

– ઓશો, અનુ. હર્ષદ દવે


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “ભય – ઓશો, અનુ. હર્ષદ દવે

  • Harshad Dave

    કોઈપણ વિચારક જે કહે કે કરે તે બધું જ હંમેશાં સાચું કે યોગ્ય જ હોય તેવું માની લેવાને કોઈ કારણ નથી. માણસ માત્ર ભૂલને પાત્ર. વિચારો પણ બધા જ સાચા કે ખોટા હોય તેવું ન બની શકે. કોઈના ગુણદોષ વિષે કાંઈપણ કહેવા કરતા નીર-ક્ષીર વિવેક અપનાવીને સાર સાર ગહીન લહૈ થોથા દેઈ ઉડાઈ ઉચિત વલણ ગણાય. બાકી તો અમારા ગુરુ મજાકમાં સાચું કહેતા કે ‘ભણતવ્યમ તો ભી મરતવ્યમ અને ન ભણતવ્યમ તો ભી મરતવ્યમ, તો પછી ખાલી માથાકૂટ કાયકો કર્તવ્યમ?’

  • શિરીષ દવે

    ઓશોને તમે ફક્ત અવગણી જ શકો. કારણ કે તેને પ્રેમકરવા જેવું કશું છે જ નહીં. તેના લખાણોમાં કશું ગુઢ નથી કે શાશ્વત સત્ય નથી. જેમકે ઉપરોક્ત જે “ભય”ની વાત કરી તેને તમે “યુનીવર્સલી” લઈ ન શકો. જો તમે એમાં “ભય” ને યુનીવર્સલ અર્થ માં લો તો ગોથાં જ ખાઓ. (યુનીવર્સલ એટલે કે જે બધે જ લાગુ પડે. જેમકે ગુરુત્વાકર્ષણ). અહીં જે ભયની વાત કરી છે તે ફ્ક્ત તે પ્રસંગને જ લાગુ પડે છે. સરદાર પટેલે નહેરુને ચીન થી ભય રાખવાની ચેતવણી આપેલ. પણ નહેરુએ ચીન સાથે ભય રાખ્યો નહીં પણ પ્રેમ રાખ્યો. તે પ્રેમે ભારતને શું આપ્યું તે આપણે સૌ જાણીએ છીએ. રજનીશ ખુદે સૌ પ્રથમ યુએસના ભરપેટ વખાણ કરેલ. પણ જ્યારે યુએસએ તેમની હકાલ પટ્ટી કરી એટલે યુએસ વિશ્વનો ખરાબમાં ખરાબ દેશ થઈ ગયો. આ પ્રમાણે સંત રજનીશમલના વક્તવ્યોમાં કશું સાતત્ય હોતું નથી. એટલે તેમાં વૈશ્વિક સત્ય તો જોઇ જ ન શકાય.
    ઓશો આસારામ અને સંત રજનીશમલ આમ તો એક જ હોડીના જીવડાઓ છે. રજનીશમલ વહેલા ઉકલી ગયા એટલે બચી ગયા. અને ઓશો આસારામ ન બચી શક્યા. તેઓ જેલમાં છે. વધુ વાંચવા માટે treenetram.wordpress.com ની મુલાકાત લો અને “માદાઓનો શિયળભંગ કરતા સંતો અને ગાધીજીના પ્રયોગો વાંચો. ભાગ-૧ થી ૫ છે.