૧. કાળોતરા કેરા ઝેરી દાંત
ધસ્યો આવે છે કાળ
મુજ ભણી,
ઝેરી કો’ નાગ સરીખો !
અથડાતી, હાંફતી હું
ભાગતી રહું છું,
ઝેરશા પ્રશ્નોભરી
એની ફણાથી દૂર.
ગોળ ફરતી આ ધરા મહીં
ક્યાંય ખૂણો કોઈ
એવો નથી જડતો;
થંભીને ઘડીક જ્યાં,
લઈ શકું શ્વાસ એક “હાશ” તણો,
કદી તો લઈને ભરડો
નિત્યક્રમની નિરાંત ફરતે,
બેસી રહે છે એમ,
ફણા ફેલાવીને
વિષધર એ,
કે લાગે, નિશ્ચિત જ,
એ કાળસર્પ
ઓકશે મારી ઉપર હળાહળ વિષ
ઉભરતા જીવનપ્રશ્નો તણું !
અને ઢળી જ પડીશ
બનીને મૃતપ્રાય, હું.
સહસા, તહી જ;
બજી ઊઠે છે મહુવર એક,
અતિ કરુણામય સૂરમાં;
જેથી સંમોહિત થયેલો કાળસર્પ
ભૂલી ડંખ દેવાનું મુજને,
સરકવા લાગે છે એ દિશા ભણી
એ દયામય નાદ તણી;
અને મદારી એ એક,
જે સઘળાય જીવોનો સર્જનહાર;
તોડી લે છે,
એ કાળોતરા કેરા ઝેરી દાંત
– મુનીરા અમી
૨.
ઉમટ્યા
ઘોડાપૂર
શબ્દોના
મનમાં કે હ્રદયમાં
ખબર નહી
પણ થયું કે
આ શબ્દો જ
મારું જીવન છે; સર્વસ્વ છે
મારા આ પ્રાણપ્રિય
શબ્દોને આપવા વાચા
કયો નિર્ણય કે
આજે તો લખી જ નાખું
વિચારી
મુક્તમને વહાવ્યા શબ્દો
બે-જોડ
બેનમૂન શબ્દો
ચીતરી નાખ્યો આખો કાગળ
ખૂબ આનંદ થયો
થયું કે
હાશ! લખી નાખ્યું બધું
પરંતુ
છેવટે
અચાનક
આ શું
ધસમસતા
આ પૂરના અંતે
વધ્યું શું
શબ્દોથી ભીંજાયેલો
કોરો કાગળ!
– જિગર અભાણી
૩.
શામળિયો છે સાથ અમારે,
પછી શેનાથી અમે ડરિયે રે..
દિવસ રાત ને આઠે પ્રહર
હરદમ હરિ મારે હાથ રે..
હૈયું, મસ્તક ને હાથ દીધા એ,
નથી કશાની હવે આશ રે..
ધન – દોલત ને માલ ખજાના,
હરિ મારે મન છે મજાના..
માત પિતા ને બંધુ સખા છે,
દેવતા સૌ મારો શામળિયો રે..
– ડૉ. હિંમત પરમાર
આજે પ્રસ્તુત છે પ્રથમ વખત અક્ષરનાદ પર પોતાની રચનાઓ પ્રસ્તુત કરી રહેલા ત્રણ નવોદિત રચનાકાર મિત્રોની કાવ્યરચનાઓ. બે અછાંદસ અને એક ભક્તિરચના સાથેનું આજનું સંકલન જેમાં કાળના ડંખની પીડા છે, જેમાં શબ્દો અને તેની અભિવ્યક્તિની વાત છે અને તેમાં શામળિયાને વિનંતિ પણ છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ ત્રણેય મિત્રોનો ખૂબ આભાર અને શુભકામનાઓ.
અક્ષરનાદ પર મારી કૃતિ મુકવા બદલ સંપાદકશ્રી જીજ્ઞેશભાઈનો ખુબ ખુબ આભાર.
વાંચક મિત્રોનો પ્રતિસાદ જ મારી પ્રેરણાનું પરિબળ છે.
ગુજરાતી ભાષા-સાહિત્ય ના ‘ઓનલાઇન’ ક્ષેત્રમાં એક આગવું અને અનોખું સ્થાન ધરાવનાર અક્ષરનાદ.કોમ પર મારી કૃતિ પ્રકાશિત કરવા બદલ સંપાદક શ્રી જીજ્ઞેશભાઈ અધ્યારુ નો ખુબ ખુબ આભાર.
આશા છે કે અન્ય વાંચક મિત્રોને પણ કૃતિ પસંદ પડી હશે/પડશે.
congratulation to all three kavi/kaviyatri..
શબ્દોથિ ભિન્જાએલો કોરો કાગલ
બહુ સરસ
ખુબ ખુબ આભાર
આપનુ કલ્પન પન ગમ્યુ.
thank you aksharnad and readers.
બંને અછાસ ખુબ સરસ. ફકત ‘કરો’ ‘તણા’ જેવા શબ્દો ન હોય તો સારૂ. ભજન- ગીત ખુબ સુદર છે.