ત્રણ સુંદર કાવ્યરચનાઓ.. – પ્રતિમા પંડ્યા 11


૧. ચૈતરમાં ચોમાસું

તમે ઓરા આવો તો કાંઈ કહું
પીયુ વારી વારી જઉં

હું તો ચૈતરમાં ચોમાસું થઉં
પીયુ વારી વારી જઉં

આઘેથી ઓરતાઓ નોંધારા લાગે
અંતરની લાગણીઓ ઝીણું ઝીણું જાગે
હું તો ઊગતું પ્રભાત ઝીલી લઉં.. પીયુ

પરબડી પ્યાસ થઈ કૂવે સંતાતી
મારામાં પ્રેમવાવ વિસ્તરતી જાતી
હું તો ઘટઘટમાં છલકાતી જઉં.. પીયુ

ઓસરીએ પગલાનાં ભણકારા વાગે
વાયરાનું આગમન તો પરબિડિયું લાગે
હું તો કમખામાં શ્વાસ ભીડી દઉં.. પીયુ

૨. લગ્નવિચ્છેદ

પાછું વળીને તેં તો જોયું નહીં
ને હું તો મારગમાં અધવચ્ચે ઊભી
… મારી સુખની ખોવાઈ ગઈ કૂંચી

ડેલી ને ફળિયું ને આપણી સગાઈ
સાથે પ્રેમની મિરાત તારી સાંભરે
ઓરડાને લીંપીને ઓકળી જ્યાં પાડી’ તી
યાદો ત્યાં લાગણીને લાંગરે
લૂમઝૂમ સપના ને સુખના એ દેશની
ઠેબે ચડી છે ગલી કૂંચી.. મારી સુખની..

વિતેલા દિવસોનું મીંઢળ શોધું છું
હું તો આંખમાં ઉજાગરાઓ આંજી
ઘરચોળે ચિતરેલી આપણી સગાઈ
તે તો અણધારી શંકાથી માંજી
કડવી લીંબોળી તે વાવી અજાણતા
ને વિસ્તરેલી ડાળ મને ખૂંચી.. મારી સુખની..

૩. મજા પડી જાય

એવું જો થાય કે ઝાડની લીલાશ
બધી મારામાં ઉતરે
ને પંખી મારામાં વસી જાય
તો કેવી મજા પડી જાય?

સાંભળું છું આછેરું પંખીનું ગાન
પછી મારામાં ટહુકાઓ ઊગે
ગૂંચવાયેલ શાખાની વચ્ચેથી તાપ
જરા કૂણો થઈ મારા લગ પૂગે
મુઠ્ઠીમાં બંધ કરું આછેરી આશ
ને દરિયો બનીને વહે ભૂરી ભીનાશ.. તો કેવી..

પીળું જો પાંદડું કો મારામાં દેખા દે
એને યે સાચવીને રાહું
સાવ રે સજ્જન બની લીલેરા દિવસોના
ઝરમરની આરતાઓ ટાંઉં
ફૂટતી કૂંપણમાં હો પ્રેમની ભીનાશ
ને મહોરેલી મંજરીના માંડવા બંધાય.. તો કેવી..

– પ્રતિમા પંડ્યા

પ્રતિમાબેન પંડ્યાના કાવ્યસંગ્રહ અને લઘુકાવ્યસંગ્રહ એક સાથે માણવાનો અવસર મળ્યો. તેમના લઘુકાવ્યો આ પહેલા આપણે અક્ષરનાદ પર માણ્યા છે, આજે પ્રસ્તુત છે તેમના કાવ્યસંગ્રહ ‘ચૈતરમાં ચોમાસુ’ માંથી ત્રણ સુંદર, ભાવવહી, અર્થસભર અને અદ્રુત કાવ્યરચનાઓ. પ્રતિમાબેનની આ કવિતાઓ એ ભાવક હ્રદયમાં ગીતો રૂપે પડઘાય છે, એમાં કુદરત, જીવન અને માનવ સંવેદના સુંદર રીતે ઉભરીને આવે છે, ભાવક તેની સાથે ઓતપ્રોત થઈ શકે એવી સુંદર રચનાઓ ધરાવતો આ સંગ્રહ અક્ષરનાદને પાઠવવા બદલ તેમનો ખૂબ આભાર. આજે માણીએ આ સંગ્રહની ત્રણ સુંદર કાવ્યરચનાઓ.

બિલિપત્ર

હસતાં હસતાં હથેળીઓની રેખાઓ સહેવાની
અંદર અંદર કૈંક વ્યથાઓ વિસ્તરતી રહેવાની.
– પ્રતિમા પંડ્યા


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

11 thoughts on “ત્રણ સુંદર કાવ્યરચનાઓ.. – પ્રતિમા પંડ્યા

  • Kalidas V. Patel { Vagosana }

    પ્રતિમાબેન,
    બહુ મજાની ગેય કવિતાઓ આપી. મમળાવી. મજા આવી ગઈ.
    … પરંતુ … કવિતા — ૧ માં આપે પીયુ શબ્દનો ઉપયોગ કર્યો છે . પીયુ = આકડાનો છોડ { જેના ફુલની માળા હનુમાનજીને ચડાવવામાં આવે છે. }
    પિયુ = પ્રિતમ, નાવલિયો, પતિ, સનમ,lover
    આપ નક્કી કરીને સુધરાવી લેશોજી.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • અલકેશ પટેલ

    સરસ રચનાઓ છું. આજનું જે “બિલિપત્ર” છે તે હું ૧૦ જાન્યુઆરીના ‘નવગુજરાત સમય’ના ઍડિટ પેજ (૧૦) ઉપર “સાભાર” લઉં છું.

  • vimala

    ત્રણે ત્રણ સર્વાંગ સુંદર રચના.મનના ભાવની અર્થ સભર અભિવ્યક્તિ.
    “મજા પડીજાય” વાંચતા તો વધારે જે મજા પડી .

  • rasikbhai

    પ્રતિમાબેન નિ કવિતા લાગનિ સભર ઉત્ક્રુશ્ત કવિતા ઓ ચ્હે,પ્રતિમાબેન પ્રતિભાવાન ચ્હે. આવિ સુન્દેર કવિતાઓ રચતા રહો.