ભોપાનો ભાઈબંધ.. – મિતુલ ઠાકર 13


ભોપો
અને
“હું”….

હાર્યે ભણ્યા હોં… હાં !
સાતમાં ધોરણ સુધી માં તો ભોપો થાકી ગ્યો,
અને આ બંદા તો શહેરમાં જઈને ખૂબ ભણ્યાં
સૌથી પે’લા તો ભાડાના ઘરમાં એ.સી. નખાવ્યું
પછી વસાવી ગાડી, અને આખરે દિવસરાત એક કરીને લીધો બંગલો,
સફળતા કોને કેવાય ઈ મને પૂછો કે ભોપાને…. તમને ખબર પડી જશે

‘મારો ભાઈબંધ ક્યાંનો ક્યાં પુગી ગ્યો, સાબ્ય બની ગ્યો સાબ્ય’ – ભોપા ઉવાચ
અને ખુદ ભોપો ?
એય…ને મોડે સુધી સુઈ રહે કશું કામ ના હોય તો, મને હમેશાં એક વાત નથી સમજાતી કે
કશું કામ ના હોય એવો માણસ હોય ?

હોય ને! જુઓ અમારો ભોપો
આખો દી’ ગામના કામમાંથી જ ઉંચો ના આવે, કોઈ એવું કામ નહિ હોય કે ભોપા થી ના થાય
પણ છતાં માન કેટલું એનું ? એક ફદીયા જેટલું !!!

નાનું છોકરુંય કશું કામ હોય તો એને ‘ભોપો’ કહી ને બોલાવી લે બેધડક
પણ જયારે આપડે ગામમાં જઈએ ને
ત્યારે ચોરે બેઠેલ વડીલો પણ મને જોઈ ઉભા થઇ જાય
અને
એક વાર હું ઓચિંતો મરી ગયો,
ચાર ચાર વરસ પછી પણ ગામના લોકો હજી મને યાદ કરે છે
કે ..

ભોપાનો ભાઈબંધ બહુ વહેલો ગુજરી ગયો
ઉપર બેઠો બેઠો
હું વિચારું છું કે
દિવસ રાત એક કરી ને આટલું પૈસા કમાયા પછી પણ
હું “ભોપાનો ભાઈબંધ”
મારી ઓળખ આ જ… !

– મિતુલ ઠાકર


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “ભોપાનો ભાઈબંધ.. – મિતુલ ઠાકર

 • mitul

  આપ સહુનો ખુબ ખુબ આભાર, મારી ક્રુતિ ને માણવા બદલ. સતિશ ભાઇ આપ આ ક્રુતિ ને પીરસી શકો તમને ગમે ત્યા બિન્દાસ … હેમલભાઇ આપનો આભારી રહીશ …..

 • hemal vaishnav

  Mitul Bhai….Mitul Bhai….tussi great ho ..sirji….one of your best….
  simply can be compared to the standard of Shri Udayan Thakkar…

 • જયેન્દ્ર પંડ્યા

  મિતુલભાઇ ના લેખમાં ઘણીજ સાદાઈ થી બતાવી આપ્યું કે માણસની ઓળખાણ અને યાદ ફક્ત ભણતર અને પૈસા કરતા લોકોને તમે કેટલા કામ આવો છો તેના ઉપર નિર્ભર કરે છે. નાનો પણ વિચાર્સ્પર્શી લેખ

 • vimala

  ગુજરાતી સાહિત્ય જગતના નવલિકા(ટૂંકીવર્તા)પ્રકારના લેખનમાં લાઘવ કેવી સચોટતા
  લાવી શકે તે મિતુલભાઈની આ માઇક્રોફિક્સ્ન દર્શાવે છે.
  ઘણીવાર આપણી ઑળખ કોઈના મિત્ર તરીકેની હોય તો ગૌરવ અનુભવાતુ હોય છે.
  સુંદર રચના.