થપ્પડવાલે બાબાકી જય!!
“નીલી છતરી વાલે” ઝી ટીવી પર આવતી લોકપ્રિય સિરિઅલ છે. જેમા થપ્પડવાલા બાબાનો એક એપિસોડ આવી ગયો. પૂજ્ય બાબા લોકોને થપ્પડ મારીને આશીર્વાદ આપતા બતાવાયા છે. એપિસોડને અંતે બાબા ઢોંગીબાબા સાબિત થાય છે. લોકો બાબાને ભગવાન બનાવવા માટે કેટલી હદે જઈ શકે છે એનું સુંદર નિરૂપણ આ સિરિઅલમાં કરવામાં આવ્યું છે. મધ્યમવર્ગના લોકોના પ્રશ્ન અને સમસ્યાઓ અને તેનું સમાધાન લઈને આવતી આ સિરિઅલ ઘણી લોકપ્રિય થઈ છે.
ક્યાંક સમર્પિત થઈ જવું, ક્યાંક મારી જાતનું સમર્પણ કરવું છે. કો’કના થઈ જવું છે, મારું બધું જ અર્પણ કરી દેવું છે એવી તીવ્ર ભાવના કોઈ અજાણી વ્યક્તિ માટે મનમાં પેદા થાય ત્યારે એવા નબળા મનના લોકોને એક ઢોંગી બાવો મળી રહે છે.
ભારત દેશની પ્રજા બાબા અને બાપુના પ્રભાવથી અભિભૂત થયેલી પ્રજા છે. કહેવાતા બાબાઓ પર આંધળો વિશ્વાસ મૂકવા માટે વિશ્વભરમાં આપણે પ્રખ્યાત છીએ. ધર્મના નામે ભોળા લોકોને લૂંટતા બાબા અને બાપુઓને ભારતમાં ડાકુ કહેવાનો રિવાજ નથી. ઉલટાનું ભારતની ધર્માંધ પ્રજા બાપુ-બાવાઓને પોતાનું ધન મન અને તન પણ આપી દે છે. ‘દુનિયા ઝૂકતી હૈ ઝૂકાને વાલા ચાહિયે’ બાપુ – બાબાઓ આ કહેવતને બરાબર ચરિતાર્થ કરે છે.
આશ્વર્ય તો ત્યારે થાય છે કે એક બાબાથી છેતરાયા પછી પણ લોકો ધરાતા નથી. અન્ય નવા બાપુ શોધી કાઢે છે, અથવા નવા બાપુને તૈયાર કરી સમાજ સમક્ષ મૂકી દે છે. પુનઃએ જ કર્મકાંડ કે જેનાથી પ્રજા ફરી પાછી છેતરાવા માટે તૈયાર હોય છે. જે દેશમાં શ્રીરામ અને શ્રી કૃષ્ણ જેવા મહાપુરુષોએ જન્મ લીધો. એક વાસ્તવિક અને કલ્યાણકારી વિચારધારા પ્રજા સમક્ષ મૂકી. કૃષ્ણએ તો ગીતા આપીને માનવકલ્યાણની ગુરુચાવી બતાવી દીધી. તે દેશમાં ભારતીય પ્રજાને કહેવતા ઢોંગી બાપુઓના હાથે છેતરવાની શી મજા પડતી હશે!! એ તો કૃષ્ણ જાણે! કૃષ્ણએ તો સીધું એક જ વાક્યમાં કહ્યું છે કેઃ ‘ઉદરેદાત્મ્ આત્માનામ્ ન આત્માનામ્ અવશાદયેત્’ અર્થાત તારો ઉદ્ધાર તારે તારી જાતે જ કરવાનો છે. અન્ય કોઈ તારો ઉદ્ધાર કરવાનો નથી. ખૂબ સ્પષ્ટ છે કે તને તરસ લાગી છે તો પાણી તારે જ પીવું પડશે. અન્ય કોઈ વ્યક્તિ પાણી પીશે ને તારી તરસ છીપાશે એવું બનવાનું નથી.
જો પીઠ ઉપર ખંજવાળ ઉપડી હોય તો તેની તીવ્રતા કેટલી છે ને ચોક્કસ કઈ જગ્યા પર ખંજવાળ ઉપડી છે ને કેટલો સમય ખંજવાળવું પડશે એ તો જેને ખંજવાળ ઉપડી છે એ જ વ્યક્તિ નક્કી કરી શકે અન્ય પાસે ખંજવાળવાથી ખંજ ને પરિતોષ મળતો નથી. સ્વયં ખંજવાળવાથી જ તૃપ્તી મળે, અન્યના ખંજવાળવાથી આવો આનંદ ક્યાં?
કોઈ બાબા કે બાપુ મારો ઉદ્ધાર કરશે એ બાબતમાંથી દૂર થવાનો સમય પાકી ગયો છે. ભારતદેશ અને તેમાં વસવાટ કરતાં ભોળા દેશવાસીઓ ઢોંગી બાવાઓ અને ઢોંગી બાપુઓ ને ઢોગી બાપાઓ પોતાની પાપલીલા મોકળા મને કરી શકે તે માટે પૂરતી મોકળાશ કરી આપતા હોય છે. કોર્પોરેટ ભાષામાં કહીએ તો બાવાઓ અને બાપુઓ પોતાની દુકાનનો ‘માલ'(કાચો અને સડેલો) વેચવા અને તેનો પ્રચાર – પ્રસાર કરવા માટેનું ગ્લોબલ માર્કેટ ભારત દેશથી ઉત્તમ બીજુ એકેય નથી.
મને તો એ જ સમજાતું નથી કે પત્નીનું દુઃખ પતિ દૂર કરી શકે કે બાબા દૂર કરી શકે? બાબાના આશ્રમે પત્નીને જતાં ન રોકી શાનાર લાચાર પતિઓ અંતે બાબાની પાપલીલાનો ભોગ બને છે તેના અસંખ્ય દાખલા આ દેશમાં મોજુદ છે.
માનવીની શ્રદ્ધા જ્યારે લોજિક (તર્ક) ની સીમા ઓળંગી જાય છે ત્યારે એ ખતરનાક પુરવાર થાય છે. આવાં લોકો માત્ર પોતાના માટે નહિ, આખા સમાજ માટે જોખમી બની જાય છે.
આ બાબતે બે પ્રસંગોનો ઉલ્લેખ અનિવાર્ય બને છે, છેલ્લા એક માસમાં બનેલી ઘટનાઓઃ
ઘટનાક્રમ ૧ – પંજાબના જાલંધર શહેરનાં દિવ્યજ્યોતિ જાગૃતિ સંસ્થાના સ્થાપક આશુતોષ મહારાજ ૨૯ જાન્યુઆરી ૨૦૧૪ એ અવસાન પામ્યા. ડૉક્ટરોએ એમને ક્લિનીકલી મૃત જાહેર કર્યા હોવા છતાં એમના શિષ્યોએ એમના નશ્વર દેહની અંત્યેષ્ટિ કરી નથી. એમણે મહારાજનું શબ ડીપફ્રીઝરમાં છેલ્લા અગિયાર મહિનાથી સાચવી રાખ્યું છે. શા માટે? આશુતોઅ મહારાજના અંધશ્રદ્ધાળુ અને બેવકૂફ ભક્તોનું માનવું છે એ બાબા મર્યા નથી. પણ ઊંડી સમાધિમાં છે. તેથી તેમની અંત્યેષ્ટિ ન કરાય. હરિયાણા હાઈકોર્ટે ૧૬ ડિસેમ્બર અંત્યેષ્ટિ માટેની મુદત આપી હતી.
ઘટનાક્રમ ૨- હરિયાણામાં બાબા રામપાલની ધરપકડ કરવામાં આવી. રામપાલને એક ખૂન કેસ સંબંધમાં અદાલતે પાંચમી નવેમ્બરે કોર્ટમાં હાજર થવાનો હુકમ કર્યો હતો. પોતાની ધરપાડ ટાળવા રામપાલે પહેલી નવેમ્બરે પોતાના અભણ ભક્તોનું મોટું સંમેલન બોલાવી પોલીસ સામે ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો. પોલીસ સાથેની ઝપાઝપીમાં છ લાશો પડી હતી.
મને તો એ વાત પણ સમજાતી નથી કે બાવા બન્યા જ છો તો સંપત્તિ ભેગી કરવાની શી જરૂર? સંસારનો ત્યાગ કરીને તો બાવા બન્યા છો. ભૌતિક સુખ સમૃદ્ધિનો ત્યાગ ન કરી શકે તે તમામ ઢોંગી બાવાઓ..! હજારો કરોડૉની અસ્ક્યામતો બાવાઓના નામે હોય તે એક દુર્ઘટના જ છે!
વોટ્સએપ પર એક મેસેજ ફરતો થયો છે એ મુજબ જુદી જુદી નોકરી અને વ્યવસાય કરનરા લોકોની દસ વર્ષની આવક મૂકવામાં આવી છે. ઉદા. તરીકે શિક્ષક – પચ્ચીસ લાખ, એન્જીનીયર ૪૫ લાહ, ડોક્ટર ૧ કરોડ, કલેક્ટર ૧ થી દોઢ કરોડ, બાબા રામદેવ છ હજાર કરોડ, બાબા રામપાલ પાંછ હજાર કરોડ વગેરે વગેરે.. અને પછી પ્રશ્ન પૂછ્યો છે કે હે યુવાન, જીવનમાં કેરીયર બનાવવા માટે કયો માર્ગ પસંદ કરીશ? રમૂજ ખાતર આ મેસેજ ફરતો થયો હશે એમ માની લઈએ તો પણ આ મેસેજ સાવ સાચો નથી તો સાવ હોટો પણ નથી. ‘આ બૈલ મુજે માર’ એક બાબાનું કૌભાંડ બહાર આવ્યું કે તરત જ બીજા બાબાની શોધ ચાલુ કરીને ફરીથી છેતરાઈ જવા અને ઉલ્લુ બનવા આપણે હોંશભેર અને ઉત્સાહભેર તૈયાર!
કહેવાતા બાબાઓએ ધર્મના નામે લોકોને લૂંટી પોતાની ‘દુકાન’ ચલાવવાનું જ કામ કર્યું છે. દુકાનમાં કેટલાંક ગ્રાહકોને વાળી લેવામાં આવશે અને પછી ધીરે ધીરે તે ગ્રાહક સમૂહમાં પરિવર્તિત થવા લાગશે. માઉથ પબ્લિસિટીનો લાભ તેમને મળશે. આ બાબાઓને પ્રચાર-પ્રસાર માટે કેટલાક મૂરખાઓ પણ મળી રહે છે. જેઓ સારું (સાચું નહીં) બોલી શક્તા હોય, લોકોને પોતાની સ્પીચથી આકર્ષી શક્તા હોય તેવા શખ્સો પ્રચાર-પ્રસારનું કાર્ય ખૂબ હોંશથી કરતાં હોય છે. બાબાના વખાણ કરે, બાબાને ગમતી વસ્તુઓનું વર્ણન કરે, બાબા રિઝે તેના નુસખાં બતાવે, બાબા આપણું કલ્યાણ કઈ રીતે કરશે તેની વાત મૂકે. બાબા સિવાય આ જગતમાં આપણું કોઈ નથી એ વાત મનમાં ઠસાવે, બાબા એક માત્ર સત્ય બાકી બધુ મિથ્યા એ વાત દ્રઢ કરાવે, અને છેવટે બધી સંપત્તિ બાબાના ચરણોમાં મૂકવાથી મોક્ષ મળે તેવી મુદ્દાની વાત કરે. ‘બકરી ડબ્બે પૂરાઈ’ ગઈની પ્રતીતી થતાં બીજા ‘બકરા’ ની શોધ માટે તખ્તો ગોઠવાય અને પછી ફિર વહી રફ્તાર..
ધર્મ – ધ એટલે ધતીંગ અને મ એટલે મરજી મુજબનું.. ધર્મ વિશેની આ તેમની ગુપ્ત વ્યાખ્યા હોય! ભારત દેશમાં ગામદીઠ એક ઢોંગી બાવો મળી રહે! પરંતુ જ્યાં સુધી તેમની પાપલીલા પરથી પડદો ઉઠતો નથી ત્યાં સુધી એ બાવા પૂજનીય બની રહે છે. જેવો પર્દાફાશ થયો કે બસ.. મિડીયાથી માંડીને તમામ સમાજસેવઓ અને મહિલા હકોનું રક્ષણ કરતી સામાજિક સંસ્થાઓ આ મુદ્દાને લઈને રસ્તા પર આવી જતી હોય છે.
મહિલાને ડાકણ વળગી હોય, તાવ આવ્યો હોય, સાપ કરડ્યો હોય, લગ્ન ન થતા હોય, સંતાન સુખ ન હોય, નોકરી મળતી ન હોય, ઘરમાં કંઆસ અજીયા થતા હોય, પાડોશી જોડે બનતું ન હોય, પતિ-પત્નીમાં તકરાર હોય, કર્જમાંથી મુક્તિ મેળવવી હોય, લવ પ્રોબ્લેમ – બિઝનસ પ્રોબ્લેમ્સ હોય, પ્રોપર્ટી મેટર વગેરેનું માત્ર ત્રણ દિવસમાં સોલ્યુશન, આ પ્રકારના પ્રશ્નો વાળો એક વર્ગ છે અને તેનાય ‘સ્પેશ્યલ બાબા’ છે. આ તમામ પ્રશ્નો માટે બાબા પાસે દોડી જવાનું અને પ્રશ્નોનું સમાધાન મેળવવાનું!
હવે નવયુવાન પેઢી તૈયાર થઈ છે તે આ બધી બાબતોનું ખંડન કરે છે. નવયુવાન વિચારે છે, સમજે છે અને પછી નિર્ણય લે છે. વોટ્સએપ અને ગૂગલના યુગમાં કોઈ બાબા મારી મુશ્કેલી દૂર કરી શકે નહીં તેની ખાતરી યુવાનને છે. મારો ઉદ્ધાર મારે જાતે જ કરવાનો છે તેનો અહેસાસ યુવાનોને થયો છે.
જાણીતા ચિંતક અને લેખક ગુણવંત શાહ સબકો સન્મતિ દે ભગવાન’ માં લખે છે કે – ‘કોઈ વ્યક્તિ થોડીક લોકપ્રિયતા પ્રાપ્ત કરે એટલે તેની છબીની પૂજા કરવા માટે હિંદુઓ ઘેલા બની જાય છે. આવી છબી ઘરમાં પૂજા સ્થળે મૂકવી એ મૂર્ખતા છે અને એની પૂજા કરવી એ તો મહામૂર્ખતા છે. સાધુ, સંન્યાસીઓને, કથાકારોને અને ઉપદેશકોને પગચંપી કરીને, ચરણસ્પર્શ કરીને, હીંચકે ઝુલાવીને, સ્નાન કરાવીને, અંધશ્રદ્ધા ઠાલવીને, સેવા પૂજા અર્ચના કરીને, ઘેલાં કાઢીને, એકાંતમાં મળીને, આખો દ્વારા અહોભાવનું આક્રમણ કરીને અને વ્યભિચારની બધી જ તકો પૂરી પાડીને ભોંયભેગા કરવામાં હિંદ સ્ત્રીઓ દુનિયાની બધી સ્ત્રીઓ કરતાં મોખરે છે.’
શિક્ષણ સંસ્થાઓએ જાગૃત થઈને આગળ આવવાની જરૂર છે. અભ્યાસક્રમમાં ઢોંગી બાવાઓનો ઉલ્લેખ અનિવાર્ય બન્યો છે. બાળપણથી જ બાળકને સંસ્કારવામાં આવે કે કોઈ બાવા કે બાપુ આપણું કલ્યાણ કરી શકે નહીં. આપણે જાતે જ તે માટે તૈયાર થવાનું છે એવી પાકી સમજ શાળાના અભ્યાસક્રમમાં દાખલ કરવાની તાતી જરૂર છે. એ વાત જુદી છે કે કેટલાક સત્યનિષ્ઠ અને ધર્મપ્રિય સંતો આપણા સમાજમાં અપવાદરૂપ છે.
ઢોંગી બાવાઓને ભગવાન ગણતા અને પૂજતા લોકો માટે છેતરાવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. પત્ની, બાળકો, યુવાન દીકરીઓ અને તમામ ધન સંપત્તિ બાવાના ચરણે મૂકનારા ‘આધુનિક યુધિષ્ઠિર’ નો તોટો નથી. બાવાઓના શરણે જવાની આપણી નબળાઈ દૂર કરવા માટે ચાલો, ફરી એક બાબાની રાહ જોઈએ.
– ડૉ. સંતોષ દેવકર
‘જયહિંદ’ સમાચારપત્રમાં રવિવારે પોતાની લોકપ્રિય કૉલમ ‘મેઘધનુષ’ અંતર્ગત લખતા ડૉ. સંતોષ દેવકરનો આજનો લેખ ઢોંગી બાબાઓ, બાવાઓ અને બાપુઓ વિશે ઘણી વાતો કહી જાય છે. આવા લોકો અને તેમને માનતા અંધશ્રદ્ધાળુ મૂર્ખો એ સમજતા નથી કે માનવીની શ્રદ્ધા જ્યારે લોજિક (તર્ક) ની સીમા ઓળંગી જાય છે ત્યારે એ ખતરનાક પુરવાર થાય છે. આવાં લોકો માત્ર પોતાના માટે નહિ, આખા સમાજ માટે જોખમી બની જાય છે. અક્ષરનાદને પ્રસ્તુત વિચારશીલ લેખ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક બદલ ડૉ. દેવકરનો ખૂબ આભાર.
મરજી મુજબનું ધતીંગ = ધર્મ , અને લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે … આ બંને વાતો ઢોંગી-ધૂતારા બાબાઓ સારી રીતે સમજે છે
… પરંતુ, ૧. આ લોકોને મોટા બનાવ્યા કોણે ? … આપણે જ ને ?
૨. જો આપણે આવા લોકોને મહત્ત્વ જ ન આપીએ તો ?
૩. તેમના જોડે કોઈ પણ પ્રકારનો આર્થિક વ્યવહાર જ ન કરીએ તો ?
૪. તેમનાથી સહકુટુંબ દૂર જ રહીએ તો ? …. તો પછી તેઓ કેવી રીતે પાપલીલા આચરી શકશે ?
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
એક હજાર વરસ નિ ગુલામિ બાદ પણ આ પ્રજા અવતારો અને બાબાઓ નિ રાહ જોઇને બેઠિ છે
ધર્મનિ હાટડિઓ ધમ ધોકાર ચાલે છે
ડો. દેવકરે સાવ જ સેીધેી વાત કરેી છે..ટુંકા લેખમાં બહુ બધેી સત્ય વાતો જણાવેી છે..સૌથેી છેલ્લે મહત્ત્વનેી રજોૂઆત કરેી છે કે બાળપણથેી જ અભ્યાસમાં જ બાબા, બાવા બાપુઓ, ઢોંગેી સાધુ-સંતોનો પર્દાફાશ કરતેી વાતોને સામેલ કરવામાં આવે..ગુજરાતે આ માટે પહેલ કરવેી રહેી..પરંતુ વિશ્વ હિન્દુ પરિષદ, આર એસ એસ કે બજરંગદલ જેવેી અંતિમ વાદેી સંસ્થાઓ અને સંગઠનો હિન્દુ ધર્મના નામે કંઇક જુદું જ ઘુસાડવા જઇ રહ્યા છે..આનંદેી બેન, સ્મ્રુતિ ઇરાનેી તો કઠપુતળેીઓ છે. હવે તો સામુહિક રેીતે લોકોએ જ જગ્રૂતિ આવે તે માટે અભિયાનો કરવા પડશે..કટાર લેખકોએ ખુલ્લેીને લખવાનો સમય આવેી ગયો છે. જાગ્યા ત્યાંથેી સવાર!!!!!!
સાવ સાચી વાત ,દેશ અને સમાજ ની આવા ઢોગી બાવા બાપુ એ જ આબરુ બગાડી છે ….તેના થી ભગવાન બચાવે.
“અંધશ્રદ્ધાળુ મૂર્ખો એ સમજતા નથી કે માનવીની શ્રદ્ધા જ્યારે લોજિક (તર્ક) ની સીમા ઓળંગી જાય છે ત્યારે એ ખતરનાક પુરવાર થાય છે. આવાં લોકો માત્ર પોતાના માટે નહિ, આખા સમાજ માટે જોખમી બની જાય છે”.
વિચારશીલ લેખ પ્રસ્તુત કરવા બદલ ડૉ. દેવકરનો અને અક્ષ્ર્રરનાદનો ખૂબ આભાર.
હવે તો ભારતના બાબાઓ ખૂલ્લે આમ અમેરીકાની ટીવી ચેનલો ઉપર દરરોજ અડધો કલાક પ્રચાર કરે છે.જેથી તેમનું માર્કેટ જળવાઇ રહે. ટીવી ચેનલ વાળા પણ આવી આવક જતી નરહે માટે તેમના પ્રોગ્રામ ઉપર લખતા નથી કે આ જાહેરાત છે.લાલચુઓ ક્યારેય નહીં સુધરે!
Khub sars lekh
બાળપણમાં ભણતાં ત્યારે શિક્ષક કાળા પાટિયામાં સફેદ ચોકથી લખતાં. પાટિયું જેટલું વધુ કાળુ તેટલું ચોકનુ લખાણ વધુ સ્પષ્ટ વાંચી શકાય. એવું જ સારું અને નરસુ કે રોગી-નિરોગી, રાત- દિવસ અને આવા તમામ દ્વંદો બાબતે સત્ય છે. એકની હાજરી હોય ત જ બીજું પરખાય છે. પ્રકાશની કોઈ વ્યાખ્યા ન થઈ શકે. પણ વ્યાખ્યા કરવી હોય તો અમ્ધકારનો અભાવ એ પ્રકાશ છે તેમ કહેવું પડૅ. આવું જ સતગુરુ અને શઠગુરુ બાબતે છે. શઠગુરુનુ અસતિત્વ જ સતગુરુને પહેચાન આપે છે. રાવણ વગર રામ બેકોડીના અને કંસ વગર કૃષ્ણ. જરા વિચારો જગતમાં બધુ શુભ થાય તો ખબર કેમ પડે? કાંઈક અશુભ થાય તો જ ખબર પડે કે હતું તે શુભ હતું. અહીં આવા ઠગારા બાવા સાધુઓને સમર્થનનો કોઈ આશય નથી. પરંતુ હકિકત એ છે કે અનિષ્ટનુ સર્જન પણ અહેતુક નથી હોતું. તમે લાખ સમજાવો, હરેક ગલી નુક્કડ પર સમાજ સુધારણા કેન્દ્ર ખોલો અને લોકોને સમજાવો કે આવા બાવા-સાધુ પાસે ન જાઓ તે તમને છેતરશે. તો પણ જનારા તો જવાના જ છે. અને કદાચ બાવા-સાધુ પાસે જાતા બંધ પણ થશે તો તેમની ભિતરનો લોભ-લાલચ બીજી દિશા ખોજી લેશે અને ત્યાં જઈ લુંટાવાના જ છે. કહે ને કે લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે. હકિકતે રોગનુ મૂળ લોભ્ લાલચમાં પડેલું છે એટલે માણસ મંદિર-મસ્જીદ, પંડિત-પુરોહિત, ચમત્કારિક બાબાઓ કે પછી શેરબજાર-સટ્ટામાં ક્યાંક તો લુંટાવાનો જ. કદાચ આ લોભિયાઓને સજા કરવા જ આવા બાબાઓનુ સર્જન તો નહી હોય ને? બાકી લોભિયા માટે સરકારી કાયદામાં કોઈ સજા નથી. પરમાત્માના દરબારમાં છે.
શ્રેી શરદભાઈ! તમારા મત સાથે હુંૂ પુરેપુરો સહમત છું. આ માનવ સહજ વૃત્તી છે, એકલા ભારતમાં જ નહિ સારાયે વિશ્ર્વ્માં! આ સહજ છે.હીન્દુ, મુસલમાન,પારસીૅ ખ્રીસ્તી અરે,ભારત્ પાકીસ્તાન,,ચીન, જાપાન ,ઈગ્લેન્ડ અમેરિકા વગેરે બધા જ દેશો આવી અંધશ્રધ્ધાથી પીડાય છે.આનો ફક્ત એકજ ઉપાય, લોક જાગૃતી અને કેળવણી ઉમાકાન્ત વિ.મહેતા.
આવા લેખો વારંવાર છાપતા રહો. ક્યારેક તો આ કુંભકર્ણોની ઉંઘ ઉડશે.
ડોક્ટર દેવકરને અભિનંદન.
નવીન બેન્કર ( હ્યુસ્ટન )
ઢોંગી બાબાઓને ઉઘાડા પાડવા જરૂરી છે… આવા સેંકડોને ઉઘાડા પાડવાથી, જે થોડાઘણા પણ ખરેખરા નિસ્પૃહિ સંતો છે છે, જેઓ કોઈ ભસ્મ કે સોનુ-ચાંદી કાઢવાનો કે એવા કોઈ નુસ્ખા નથી બતાવતા, તાવીજ વગેરે નથી બાંધતાં, આશ્રમો નથી બાંધતાં, જેઓ લોકો પાસેથી કોઈ અપેક્ષા ન રાખતા હોય એવા સંતો લોકોમાં પુજાશે…
Dr. Devkar has precisely described the fact of our society. We need to get educated from such incidents and also explain others in society.