મહારાષ્ટ્રનું ગણેશ શક્તિ પીઠ મયૂરેશ્વર મોરગાંવ.. – પૂર્વી મોદી મલકાણ 10


૨૦૧૪નું આ વર્ષ મારે માટે અતિવિસ્મરણીય રહ્યું. આ વર્ષે મારી અનેક જગ્યાઓમાં ફરવાનું થયું. આ જગ્યાઓમાં ઈન્ડિયા પણ શામિલ છે. ઇન્ડિયાની આ ટૂરમાં મહારાષ્ટ્રના અમુક ગામોમાં ફરવાનું થયું. આ ગામોમાં મહારાષ્ટ્રના અતિ પ્રખ્યાત એવા પીઠોને નજીકથી નિહાળવાનો અને ત્યાં બિરાજેલી કલયુગની ચંડીદેવી શ્રી ગણેશમાતાના દર્શન કરવાનો લ્હાવો મળ્યો. શ્રી ગણેશમાતા… એ નામ વાંચીને આશ્ચર્ય થયું હશે નહીં? દુર્ગામાતા, ગંગામાતા, ગૌ માતા, વગેરે માતાઓ આપણે ત્યાં ખૂબ પ્રખ્યાત છે પણ ગણેશમાતા..? હા ગણેશ માતા. ગજાનન ગણાધ્યક્ષ, ગણપતિ, કલૌચંડી વિનાયક, મયૂરેશ્વર વગેરે નામ ધરાવતાં શ્રી ગણેશને મહારાષ્ટ્રમાં કલયુગની ચંડીદેવીનું બિરુદ મળ્યું છે અર્થાત્ જે કલયુગમાં પણ ભક્તોનું સદાય કલ્યાણ કરે છે તે માતારૂપ શ્રી ગણેશ છે. આ માતા રૂપ શ્રી ગણેશના આઠ સ્વરૂપ મહારાષ્ટ્રમાં બિરાજેલ છે તે આઠેય સ્વરૂપના શક્તિપીઠો “અષ્ટ વિનાયક ક્ષેત્ર”ને નામે ઓળખાય છે. જો’કે શ્રી વિનાયકનાં આ સ્વરૂપને માનનારા સ્થાનિક લોકોનો એક મત એવો પણ છે કે ભગવાન વિષ્ણુની જેમ ભગવાન ગણેશે પણ પોતાના ભક્તોનાં કલ્યાણ હેતુ અને અસૂરોનો નાશ કરવા માટે અષ્ટ અવતાર ધારણ કર્યા છે.

આ વિનાયક શક્તિપીઠની યાત્રા કરતાં પૂર્વે ગણેશમંગલા બોલીને યાત્રાનો આરંભ મયૂરેશ્વરથી કરવામાં આવે છે. અષ્ટવિનાયકનાં દ્વિતીય સ્થાન પર સિધ્ધટેક સિધ્ધીવિનાયક છે, ત્યાર બાદ તૃતીય સ્થાન પર પાલીનાં શ્રી બલ્લાલેશ્વરછે, ચતુર્થ સ્થાન પર મહડના શ્રી વરદવિનાયકનાં દર્શન આવે છે, ત્યાર બાદ પંચમ સ્થાન પર થેઉરનાં શ્રી ચિંતામણી અને ષષ્ઠમ સ્થાન પર જુન્નર પાસે આવેલ લેણ્યાદ્રી પર્વત પર સ્થિત શ્રી ગિરિજાત્મકજીનાં દર્શન થાય છે, ત્યાર પછી સપ્તમ સ્થાન પર ઓઝરનાં શ્રી વિઘ્નેશ્વારાયનાં દર્શન થાય છે, અને અષ્ટમ સ્થાન પર રાંઝણગાંવનાં શ્રી મહાગણપતિનાં દર્શન કરવામાં આવે છે. સ્થાનિક લોકોમાં એવી માન્યતા છે કે મહાગણપતિનાં દર્શન કર્યા બાદ ફરી શ્રી મયૂરેશ્વરનાં દર્શન કરવાથી અષ્ટવિનાયકની યાત્રા શાસ્ત્રોક્ત રીતે સંપૂર્ણ થાય છે. પરંતુ મોટેભાગે ભક્તો આ રીતે શાસ્ત્રોક્ત યાત્રા ન કરતાં પોતાની સુવિધા પ્રમાણે કરે છે. શાસ્ત્રોક્ત યાત્રા હોય કે ન હોય જીવનમાં એકવાર તો અષ્ટ વિનાયક પીઠોની યાત્રા કરવી જ જોઈએ તેવું લોકવિધાન પ્રચલિત છે, જેને અમુક લોકો માન્યતા આપે છે તો અમુક લોકો નથી આપતાં. ટૂંકમાં કહીએ તો પ્રત્યેક વ્યક્તિની શ્રધ્ધા ઉપર આ યાત્રા રહેલી છે.

મોરગાંવ- મયૂરેશ્વર:-

અષ્ટ વિનાયક ક્ષેત્રોમાં મોરગાંવને પ્રમુખ માનવામાં આવે છે. પૂનામાં બારામતી તાલુકામાં કન્હા નદીના તટ્ટ પર ભુસ્વાનંદભુવન અર્થાત્ મોરગાંવ ક્ષેત્ર આવેલ છે. આ ક્ષેત્રનો આકાર મયૂર જેવો છે તેથી આ સ્થળનું નામ મોરગાંવ પડ્યું. બીજી માન્યતા અનુસાર કોઈ એક સમયે પુષ્કળ મોર હરતાફરતા હતાં તેથી આ સ્થળનું નામ મોરગાંવ પડ્યું હોવાની માન્યતા છે. આ સ્થળનો ઇતિહાસ કહે છે કે શ્રી ગણેશની મૂર્તિઓને જે અત્યંત પ્રાચીન અને સ્વયંભૂ છે, પણ હાલમાં જે વિશાળ મંદિરો જે બન્યા છે તે જોતાં ખ્યાલ આવે છે કે શ્રી ગણેશના આ મંદિરો છેલ્લી ૨ થી ૪ સદીમાં બન્યા હોવા જોઈએ અને તે પેશવાઓ દ્વારા બનાવવામાં આવ્યાં હોવા જોઈએ. શ્રી ગણેશભક્તોનો એક મત એમ પણ કહે છે કે આ મંદિરોનું નિર્માણ ૧૩૩૭ થી ૧૭૨૭ ની સાલમાં થયું હોવું જોઈએ. હા, સમયાંતરે આ મંદિરોનો જીર્ણોધ્ધાર થતો જ રહ્યો છે તેમ છતાંયે, જૂના શિલ્પની છાયા યાત્રીઓ પર પોતાનો અલગ પ્રભાવ પાથરી જાય છે.

આ મંદિરની ચારે તરફ ચાર ઊંચા મિનારા છે જેને કારણે દૂરથી આ મંદિર એક નાનકડા કિલ્લા જેવો દેખાય છે, પણ નજીકથી જોતાં આ મંદિરનો આકાર એક મસ્જિદ સમાન જણાય છે. ઉત્તરભિમુખ થયેલું આ મંદિર ગામની વચ્ચે વસેલું છે. અહીં આવેલ મયૂરેશ્વરજીએ દૈત્યરાજ સિંધૂ નામના અસુરને હરાવેલો. આ મંદિરનાં આંગણમાં પથ્થરોથી બનેલી ઊંચી દીપમાલ છે. એક માન્યતા અનુસાર આ દીપમાલા અહલ્યાબાઈ હોલ્કરે બનાવેલ હતી. દીપમાલાની પાસે નગારખાના છે. નગારખાનાની પાસે બે પગ વચ્ચે લાડુ દબાવીને મૂષકમહારાજ ઉભેલા છે. મંદિરનાં મુખ્ય દ્વાર પર પથ્થરનો કાચબો છે અને મયૂરેશ્વર તરફ મુખ કરીને બેસેલા કાળા પથ્થરથી બનાવેલ નંદી મહારાજ બેસેલા છે. નંદી મહારાજની આ મૂર્તિ અપૂર્ણ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે અપૂર્ણ અને ખંડિત મૂર્તિઓની પૂજા ન કરવી જોઈએ પણ અહીં આ માન્યતા ખોટી પડે છે. જ્યારે શ્રી મયૂરેશ્વરજીની મૂર્તિ બેસેલી મુદ્રામાં છે, મયૂરેશ્વરજીની આ મૂર્તિ ભગવાન શિવની જેમ ત્રીનેત્રને ધારણ કરેલ છે. નાભી ઉપર હીરા ધારણ કરેલ છે. મસ્તક ઉપર નાગફન ધારણ કરેલ છે અને ચાર હસ્તમાં પાશ, અંકુશ, કમલ પુષ્પ, અને પરશુ ધારણ કરેલ છે.

મયૂરેશ્વરજીની આજુબાજુ રિધ્ધિ સિધ્ધી અને મયૂર(મોર) બિરાજેલ છે. અહીં સવારનાં સમયે મયૂરેશ્વરજીને ખિચડી અને રોટલીનો ભોગ, બપોરનાં સમયે દાળ-ભાત-રોટલી-શાક-કોસીંબીરનો ભોગ અને અને રાત્રિનાં સમયે દૂધ-ભાતનો ભોગ ધરાવવામાં આવે છે. મોરગાંવનું આ મંદિર સવારે પાંચ વાગ્યાથી રાતનાં દસ વાગ્યા સુધી ખુલ્લુ હોય છે ત્યારબાદ મંદિર બંધ થઈ જાય છે. પ્રતિવર્ષ આ મંદિરમાં ભાદ્રપદ શુક્લ ચતુર્થી, માઘ ચતુર્થી, સોમવતી અમાવસ્યા, અને દશેરાનાં દિવસે ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં આખું ગામ શામિલ થઈ જાય છે. દશેરાને દિવસે મયૂરેશ્વરજીને પાલખીમાં બેસાડી ફરવા લઈ જવામાં આવે છે. મોરેશ્વર મંદિરનાં આંગણમાં શમી અને પારિજાતનાં વૃક્ષો આવેલ છે આ વૃક્ષોને સ્થાનિક લોકો કલ્પવૃક્ષને નામે ઓળખે છે અને માને છે કે આ વૃક્ષો નીચે બેસીને શ્રધ્ધાપૂર્વક ગણેશ અનુષ્ઠાન કરવાથી મનની બધી જ ઈચ્છાઑ પૂર્ણ થાય છે. અહીં રહેલ મયૂરેશ્વરજીની મૂળ મૂર્તિ નાના આકારની છે. મૂળ મૂર્તિ માટી, લોહ અને રત્નોનાં અણુઓથી બનેલી છે. તેથી આ મૂર્તિની રક્ષા માટે હાલમાં દેખાતી મોટી મૂર્તિ ત્યાં સ્થાપિત કરવામાં આવી છે. મૂળ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા બ્રહ્માજીનાં હસ્તે થઈ હતી. આ પ્રાચીન મૂર્તિનો એક ઇતિહાસ મહાભારત કાળમાં પણ લઈ જાય છે તેથી ઇતિહાસ કહે છે કે પાંડવોએ યક્ષોથી બચાવવા માટે આ મૂર્તિને તામ્રપત્રમાં ઢાંકી દીધેલ. સ્થાનિક લોકોની માન્યતા અનુસાર આ મૂર્તિ ઉપર એક કવચ ચડાવવામાં આવ્યું છે, જે અમુક વર્ષો બાદ આપોઆપ નીકળી આવે છે.

મોરગાંવ ક્ષેત્રની આસપાસ આવેલ અમુક દર્શનીય સ્થળો:-

મોરગાંવની આજુબાજુ શ્રી ગણેશતીર્થ, વ્યાસતીર્થ, ઋષિતીર્થ, સર્વપુણ્યતીર્થ, કપિલતીર્થ, ગણેશગયાતીર્થ અને ભીમતીર્થ નામના સાત તીર્થો આવેલા છે. આ સ્થળનો ઇતિહાસ કહે છે કે ભગવત્જીની કથામાં રહેલા જડભરતજી અહીં જ રહેતા હતાં તેથી તેમના તે સ્થળ ઉપર પાંચ શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. મોરગાંવમાં પ્રવેશ કરતાં પૂર્વે નગ્નભૈરવજીનું મંદિર આવે છે. નગ્નભૈરવજીને મોરગાંવનાં “ક્ષેત્રપાલ” માનવામાં આવ્યાં છે. આથી મોરેશ્વરનાં મદિરમાં જતાં પૂર્વે સૌ પ્રથમ નગ્નભૈરવજી અને ત્યાર બાદ જડભરતજીનાં શિવલિંગનાં દર્શન કરવાથી મયૂરેશ્વર પ્રસન્ન થાય છે તેવી લોકમાન્યતા રહેલી છે. મંદિરની બહાર પાર્કિંગ તરફ જતાં પથ્થરમાંથી બનાવેલ ૧૦૦૦ વર્ષ જૂનું બૌધ્ધ સ્તૂપા પણ જોવા મળે છે આ સ્તૂપા પર ૧૦૦૦ વર્ષ પહેલા કેવું જનજીવન હતું તે દર્શાવતાં શિલ્પો જોવા મળે છે. આ સ્તૂપાને હાલમાં શિવમંદિરમાં ફેરવી દેવાયું છે જેનું સંચાલન ગામનાં ગુરવ પૂજારીઓ કરે છે. મોરેશ્વરથી પૂના તરફ જતી વખતે દ્વારકામાઈનાં ખંડોબાનું પ્રાચીન મંદિર પણ આવે છે આ મંદિર પર્વત પર છે તેથી આ મંદિર ચડવા માટે ૬૦૦ પગથિયાં છે. જે પગથિયાં ચડી ન શકતા હોય તેમના માટે ડોળી અને ચેરપાલખીની પણ વ્યવસ્થા જોવા મળે છે. મોરગાંવની બાજુમાં સાસવડ ગામ આવેલ છે અહીં સંત જ્ઞાનેશ્વરનાં ભાઈ સોપાન મહારાજની સમાધિ અને મઠ આવેલ છે ઉપરાંત સંત જ્ઞાનેશ્વરની શરણે આવેલ ચાંગદેવજીની યાદમાં બનેલ ચાંગાવટેશ્વર અને સંગમેશ્વર મંદિર પણ દર્શનીય છે.

કેવી રીતે જશો:-

મોરગાંવમાં રહેવા માટે સુંદર વ્યવસ્થાઓ છે. ૨૫૦ થી ૫૦૦ રૂ માં અહીં Non AC ડિલક્સ રૂમ મળી જાય છે અને ૭૦૦ થી ૮૦૦ રૂ માં With AC રૂમ મળે છે તદ્પરાંત અહીં ફૂડની પણ સુંદર વ્યવસ્થા છે આ ઉપરાંત યાત્રાળુઑ માટે મંદિર તરફથી સવારથી રાત સુધી ફૂડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. મોરગાંવ જવા માટે અનેક એસ ટી બસ, ટૂરિસ્ટ બસો, ટેકસીઓ અને કેબ પૂનાથી ઉપડે છે.

– પૂર્વી મોદી મલકાણ (યુ. એસ. એ.)


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “મહારાષ્ટ્રનું ગણેશ શક્તિ પીઠ મયૂરેશ્વર મોરગાંવ.. – પૂર્વી મોદી મલકાણ