ગઝલો, મુક્તકો – ડૉ. મુકેશ જોષી 10


ગઝલો

૧. તો તું કહેજે…

થોડી વાત મારી ગમે તો તું કહેજે,
થોડી આગ તારી શમે તો તું કહેજે.

નમાવ્યા બીજાને જીવનભર ભલે તેં,
થોડી જાત તારી નમે તો તું કહેજે.

શમણાનું નભ આ સીમાઓ વિનાનું,
થોડી પાંખ તારી ખમે તો તું કહેજે.

મુશળધાર ભલે ને વરસાદ વરસે,
થોડી આંખ તારી ઝમે તો તું કહેજે.

નથી શોધવાનું હવે કાંઈ અઘરું,
થોડી ભાળ તારી મળે તો તું કહેજે.

વિચારોના મેદાન જેવું જીવન આ,
થોડી યાદ મારી રમે તો તું કહેજે.

૨.

હું કહું ને એ કરે એવું બને,
કામ એનું પણ સરે એવું બને.

ક્યાંક હોડી પણ તરી ના શકે,
ને વળી દરિયો તરે એવું બને.

સાંભળ્યું તો છે સમય ફર્યા કરે,
તો હવે મારો ફરે એવું બને.

પાંદડું નસીબના આડે હોય તો,
માર ફૂંક, એ ખરે એવું બને.

માંગણીઓ એક સાથે અમારી,
એ કદાચ કાને ધરે એવું બને.

જે અહીં જેવું કરે છે કર્મ જો,
એ પછી સઘળું ભરે એવું બને.

એકવાર અર્થ જાણી લઈને,
શબ્દ સાવ મૌન ધરે એવું બને.

મુક્તકો

૧.

જેને પડી ટેવ એ કર્યા કરે છે મૂલ,
વાત આ ક્યાંથી ભલા એમને કબૂલ?

છોડવું એક જ ને ડાળી પણ છતાં,
પાંદડા એ પાંદડા ને ફૂલ એ ફૂલ.

૨.

અમે આખે આખી કથા કહી દીધી,
હતી ન હતી એ વ્યથા કહી દીધી,

હતી ક્યાં અપેક્ષા બીજી તો કશીયે?
તમે વાત મારી, પ્રથા કહી દીધી.

૩.

ઓળખાણથી ઓળખી લીધા સુધી,
હું કેડીને, એ મને શોધતાં રહ્યાં,

એક સરખાં વળાંકો ને વેદના
એકમેકમાં અમે રોપતાં રહ્યાં.

૪.

ક્યાં રંગોની તારે ત્યાં ખોટ છે?
કેમ આંસુ લાલ ને લીલા નથી?

લોહી પણ રંગીન દીધાં હોત તેં,
કેમ કારણ માણસને કીધાં નથી.

– ડૉ. મુકેશ જોષી

ડૉ. મુકેશ જોષીની સુંદર રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આજે પ્રસ્તુત છે તેમની બે ગઝલરચનાઓ અને ચાર મુક્તકો. સુંદર અને સાતત્યસભર રચનાઓ તેમના સર્જનની વિશેષતાઓ છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિઓ પાઠવવા બદલ ડૉ. જોષીનો આભાર અને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “ગઝલો, મુક્તકો – ડૉ. મુકેશ જોષી