પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ (ભાગ ૭) : ડાયસ્પોરા સમાજ – હેમલ વૈષ્ણવ 16


(૧) ધંધો

મોટેલના કાઉન્ટર પર ઉભેલા રસિક ભાઈએ સામે ઉભેલા ગોરા ગ્રાહકને કહ્યું “ઇટ વીલ બી નાઈન્ટી ડોલર્સ ફોર અ ડે.” ગોરા અમેરિકને “ટ્રીપલ એ”ના ટેન પર્સન્ટ ડીસ્કાઉન્ટ સાઈન બતાવીને તેના વિશે પૂછતાં રસિકભાઈએ બેધડક કહ્યું, “ધીસ ઇસ ડીસ્કાઉન્ટેડ પ્રાઈસ ઓલરેડી.” રસિકભાઈની વાત પર વિશ્વાસ મૂકી ચાવી લઈને રૂમ તરફ જઈ રહેલ ગ્રાહકની પીઠ તરફ જોઇને તેમણે અંબાજીની છબી પાસે દીવો કરી રહેલી પત્ની સુધાને કહ્યું, “એમ લખ્યા પ્રમાણે ડીસ્કાઉન્ટ આપતા ફરીએ તો થઇ રહ્યો ધંધો…”

(૨) મહેમાનગતી

“જા.. કોર્નર પર સતીશકાકાના “ડોનટ સ્ટોર” માં જઈને કાલનાં વધેલાં ડોનટસ લઇ આવ તો.. કહેજે કે હિસાબ સાંજે સમજી લઈશું.” ..મોટલ માલિક રમેશભાઈએ પોતાના દીકરાને દોડાવતાં કહ્યું. થોડી વારે દીકરો ડોનટની ટ્રે લઈને આવ્યો એટલે “કોમ્પ્લીમેન્ટરી બ્રેકફાસ્ટ” ના બોર્ડ નીચે મૂકેલા ટેબલ પર છોકરાને ટ્રે મુકવાનું કહીને તેમણે ટ્રે પર ચિટ્ઠી લગાડી દીધી, જેની પર લખ્યું હતું.. “ફ્રેશ ડોનટસ ફોર અવર વેલ્યુએબલ ગેસ્ટસ.”

(૩) સંસ્કાર શિબીર

શનિવારની વહેલી સવારે ઇન્ડિયન કોમ્યુનિટીના મંદિર તરફથી બે દિવસ માટે યોજવામાં આવેલી “સંસ્કાર શિબિર” માં રાકેશ અને નીલા સમયસર પહોંચી ગયાં. સવારના સત્રનો વિષય હતો “ઇન્ડો અમેરીકન બાળકોમાં કુટુંબ ભાવનાની જાગૃતિ” ભારતથી આવેલા સંત પ્રવચન દરમિયાન કહી રહ્યા હતાં, “બાળકોને ભૌતિક સાધનો જ નહીં, પ્રેમ અને સમય પણ આપો.” અચાનક જ પુરુષ વર્ગમાં બેઠેલા રાકેશની નજર સ્ત્રીગણમાં બેઠેલી નીલા ઉપર પડી.

કલાક પછી શિબિરને અધવચ્ચે છોડીને ઉભું થઇ ગયેલું દંપતિ “ડે કેર”ની નોન રીફંડેબલ ફી જતી કરી, ત્યાંથી સમય કરતાં પાંચ કલાક વહેલાં પીક અપ કરેલા પોતાના બન્ને બાળકો સાથે ટાઉનના પાર્કમાં હીંચકા ખાઈ રહ્યું હતું.

(૪) રાઇટ થીંગ

“બાપુજી આ આપણા ઘર સામે આવેલી સ્કૂલમાંથી નોટીસ આવી છે કે સ્કૂલ છૂટવાના ટાઇમે તમે છોકરાઓ સાથે વાતો કરવાનો પ્રયત્ન કરો છો એ તેમનાં માં બાપને પસંદ નથી. સ્કૂલવાળા કાયદેસર પગલાં પણ લઇ શકે.” અમેરીકા ફરવા આવેલા બાપુજીને દીકરીએ નોટીસ બતાવતા કહ્યું.

ગામડામાં ભણેલાં બાપુજીને નોટીસની ભાષા તો સમજ ન આવી પણ તેમણે ત્યાર પછી સ્કૂલ છૂટવાના સમયે લીવીંગ રૂમમાં જ પૂરાઈ રહેવાનું નક્કી કર્યું. અઠવાડીયા પછી બાપુજી પોતે લીવીંગ રૂમ છોડીને સ્કૂલ બસ ચૂકી ગયેલાં ભુલકાંને વરસતા વરસાદથી બચાવવા છત્રી લઈને દોડી ગયા. ભુલકાંની અમેરિકન માં જયારે શરમીંદગી સાથે બાપુજીનો આભાર માની રહી હતી ત્યારે બાપુજીએ કહેલું વાક્ય રૂપાંતરિત કરતાં દીકરીએ પેલી માં ને કહ્યું, “હી ઇસ સેઇંગ ધેટ, લો ટેલ્સ અસ વોટ ઇસ રોંગ એન્ડ વોટ ઇસ રાઇટ, બટ હ્યુમાનિટી ડઝ ઓન્લી રાઇટ થિંગ.”

(૫) મધર

ઇન્ડિયા જવાની ફ્લાઈટ ચાર કલાક મોડી પડતાં, દિનેશ ભાઈ તેમની પત્ની અને પાંચ વર્ષના પૂત્ર સાથે એરપોર્ટ પરના મેકડોનાલ્ડમાંથી બર્ગર લઈને રાહ જોતા બેઠા હતા. પહેલી વાર ભારત જઈ રહેલા તેમના પુત્રએ દિનેશ ભાઈને ઉત્સાહથી કહ્યું “ડેડ, ગ્રાન્ડપા વોઝ ટેલીંગ મી ઓન ધ ફોન ધેટ વ્હેન આઈ ગો ધેર, હી ઇસ ગોઇંગ ટુ ટીચ મી હાઉ ટુ મીલ્ક મધર કાઉ..”

દિનેશ ભાઈએ ઉભા થઈને બીફ બર્ગરનું ખોલ્યા વગરનું પેકેટ સામે પડેલા ગાર્બેજ કેનમાં નાખી દીધું.

– હેમલ વૈષ્ણવ

અક્ષરનાદ પર માઈક્રોફિક્શનના વાર્તાપ્રકાર પર સતત હાથ અજમાવતા હેમલભાઈ વૈષ્ણવ આજે વિશેષ ‘થીમ’ માઈક્રોફિક્શન સ્વરૂપે ફક્ત ડાયસ્પોરા સમાજની વાર્તાઓ લઈને આવ્યા છે. તેઓ પોતે પણ ભારતથી દૂર જ છે, અને કદાચ તેથી જ વાર્તા થઈ શકે એવી એ લાગણીને વાચા આપવા આ માઈક્રો માધ્યમને તેમણે સચોટપણે ઉપયોગમાં લઈ બતાવ્યું છે. હેમલભાઈનો અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ આભાર અને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

16 thoughts on “પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ (ભાગ ૭) : ડાયસ્પોરા સમાજ – હેમલ વૈષ્ણવ