પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો..(૨) – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૭) 4


(ગતાંકથી ચાલુ)

ગયા અંકમાં આપણે જોયું કે પથિકનાં કિસ્સામાં એકથી વધુ કારણો જવાબદાર હતાં અને આપણે દરેક કારણનાં ઉકેલને એક પછી એક સમજવાનો પ્રયત્ન કરીશું. આજે જોઈશું કે બાળકને એકવાર એવી ટેવ પડી જાય જે તેનાં સામાન્ય વિકાસની યાત્રામાં નડતરરૂપ બને તો એવી ટેવને હકારાત્મક વલણ દ્વારા કેવી રીતે બદલી શકાય.

અનૈચ્છનીય / અસ્વીકાર્ય વર્તણુંકને બદલવાની હકારાત્મક પદ્ધતિ (BEHAVIOR MODIFICATION TECHNIQUE):

આપણે તમામ મનુષ્યોનું એક મૂળભૂત વલણ હોય છે કે આપણે સૌનું ધ્યાન આપણા તરફ ખેચવાં માંગતા હોઈએ છીએ અને એટલેજ આપણી વર્તણુંક સ્થળ, કાળ અને વ્યક્તિ પ્રમાણે બદલાય છે. આપણાં બાળકો આમાંથી બાકાત નથી. આપણી અને આપણાં બાળકો વચ્ચે મોટો ફરક એ છે કે આપણે આપણી વર્તણુંકને પરિસ્થિતિ, સ્થળ, સમય અને વ્યક્તિને અનુરૂપ નિયંત્રિત કરી શકીએ છીએ. વળી આપણે સારું-ખરાબ, કાળું-ધોળું, સાચું- ખોટુંમાં ફરક કરી શકીએ છીએ જે આપણાં બાળકો કરી શકતા નથી. તેથી સામાન્ય રીતે બાળકો હંમેશા એવી વર્તણુંકનું પુનરાવર્તન કરે છે જે વર્તણુંક અન્યનું ધ્યાન આકર્ષે.

બાળક માટે એનાં તરફ આપણું ધ્યાન ખેચાવું એજ માત્ર મહત્વની ઘટના છે.તેથી આપણે બાળકની જે વર્તણુંક પર ધ્યાન આપીશું તે વર્તણુંક બાળક વારંવાર કરશે. બાળકની વર્તણુંક બદલવાની આ પધ્ધતિ આજ માનવ સહજ માનસિકતા પર આધારિત છે. જ્યારે બાળક સર્જનાત્મક પ્રવૃત્તિ કરતું હોય, સકારાત્મક વર્તણુંક કરતું હોય ત્યારે તેનાં પર ધ્યાન આપી તેને પ્રોત્સાહિત કરવું અને જ્યારે નકારાત્મક વર્તણુંક કરતું હોય ત્યારે એનાં પર જરાય ધ્યાન ન આપવાથી બાળકોની વર્તણુંકમાં ઈચ્છિત ફેરફારો લાવી શકાય છે. પણ.. પણ.. આપણે સૌ આનાથી તદ્દન વિપરીત કરતાં હોઈએ છીએ. જ્યારે બાળક કંઈક સર્જનાત્મક કામ કરતું હોય જેમ કે જાતે જાતે ઘુઘરો વગાડી રમવું, બ્લોક્સ ગોઠવી રમવું, ચિત્રો દોરવા અથવા ચિત્રોમાં રંગ પૂરવો, ઘર-ઘર રમવું, મમ્મી/પપ્પા/અન્ય કોઈ બની રમવું કે બીજી કોઈપણ રમત રમતું હોય ત્યારે આપણે ઝડપથી આપણું કામ પતાવવામાં પડી જઈએ છીએ અને જેવું બાળક રડે,બૂમ પાડે અથવા ચીસ પાડે ત્યારે એની પાસે દોડી જઈએ છીએ. આમ કરવાથી આપણે અજાણતાં જ બાળકને નકારાત્મક વર્તણુંક વારંવાર કરવાનું પ્રોત્સાહન પુરું પાડીએ છીએ. આનો મતલબ એ નથી કે બાળક રમતું હોય ત્યારે આપણે આપણું કામ ન પતાવવું અને રડે ત્યારે દોડી ન જવું પણ જ્યારે રમતું હોય ત્યારે વચ્ચે વચ્ચે પ્રોત્સાહિત કરતા રહેવું એટલે બાળક માત્ર ધ્યાન ખેચવા માટે થઇને ખોટું ખોટું રડતાં કે ચીસ પાડતાં શીખશે જ નહી.આપણે ઘણી વખત જોઈએ છીએ કે ઘરમાં મહેમાન આવ્યાં હોય ત્યારે બાળકો અનપેક્ષિત અને નકારાત્મક વર્તણુંક કરતા હોય છે. આગળ જણાવ્યું તેમ બાળક ખરું-ખોટું, સારું-ખરાબ નો તફાવત પારખી નથી શકતું એને તો માત્ર બધાંનું ધ્યાન પોતાનાં તરફ ખેચવું હોય છે. ઘરમાં મહેમાન આવ્યાં હોય એટલે સ્વાભાવિક રીતે જ સૌનું ધ્યાન મહેમાનમા હોય એટલે બાળક પોતે ઉપેક્ષિત હોવાની લાગણી અનુભવે જેમાંથી છુટવા માટે એ સતત કંઇક એવું કરવાની પેરવીમાં હોય જેનાથી સૌનું ધ્યાન પોતાનાં તરફ જાય. આવા પ્રયત્નોમાં અચૂક કંઇક એવું કરી બેસે જે નકારાત્મક હોય અથવા સૌને અસ્વીકાર્ય હોય.

બાળકની અનૈચ્છનીય વર્તણુંકને કેવી રીતે બદલીશું?

  • સૌ પ્રથમ ચિત્ત શાંત અને હકારાત્મક રાખો. તમને જરા પણ ઉદ્વેગ હોય તો બાળક સાથેનો સંવાદ તમે શાંત ન થાવ ત્યાં સુધી મુલતવી રાખો.
  • તમે બાળક પાસે શું ઈચ્છો છો તે તમારા મનમાં સ્પષ્ટ પણે નક્કી કરો.
  • બાળકને સમજાવતી વખતે તમે સ્પષ્ટ અને મક્કમ રહો.
  • ધીરજ રાખો
  • બાળકની સાથે તમે શું કરવા જઈ રહ્યાં છો અને કેમ તે સ્પષ્ટ કરો.

બાળકની સામાન્ય વર્તણુંક ક્યારે કહેવાય?

બાળકની વર્તણુંક બદલવાનો નિર્ણય કરતા પહેલા એ જાણવું જરુરી છે કે બાળકની વર્તણુંક બદલવાની ખરેખર જરુર છે ખરી? એના માટે જાણવું પડે કે ક્યારે કઈ વર્તણુંકને સામાન્ય ગણવી અને ક્યારે નહિ.બાળકની સામાન્ય વર્તણુંક તેની  ઉંમર, વ્યક્તિત્વ, સમજ, ઘર તથા આસપાસના માહોલ અને ભાવનાત્મક વિકાસ પર આધાર રાખે છે. બાળકની વર્તણુંક સમસ્યા ત્યારે બને છે જ્યારે તે કુટુંબની અપેક્ષાઓ સાથે મેળ ન ખાય અથવા રોજીંદા સામાજીક વ્યવહારમાં વિક્ષેપ પાડે. બાળકની વર્તણુંક સામાન્ય અથવા હકારાત્મક ત્યારે કહેવાય જ્યારે તે વ્યક્તિગત રીતે તથા સામાજીક અને સાંસ્કૃતિક ક્ષેત્રે વિકાસકારી હોય.તમારી/કુટુંબની અપેક્ષાઓ બાળકની ઉંમર, સમજ, ઉછેર અને વ્યક્તિત્વને અનુરૂપ છે કે નહિ તે ચકાસીને જ નક્કી કરવું કે ખરેખર બાળકની વર્તણુંક બદલવાની જરૂર છે ખરી? પ્રમાણિકપણે ચકાસીશું તો ખ્યાલ આવશે કે ઘણીવાર આપણે બાળક પાસે એની ઉંમર, સમજ, ક્ષમતા, અભિરુચિ અને વ્યક્તિત્વથી વિરુધ્ધ અપેક્ષા રાખીએ છીએ જેના કારણે પણ ઘણીવાર બાળક બળવાખોર બની ગેરવર્તણુંક કરે છે.

બાળકની વર્તણુંક કેવી રીતે બદલી શકાય?

  1. નકારાત્મકને અવગણવું, સકારાત્મકને પ્રોત્સાહિત કરવું:
  • એકવાર નક્કી થઈ જાય કે બાળકની વર્તણુંક બદલવા યોગ્ય છે પછી સૌ પ્રથમ બાળક સાથે સ્પષ્ટ વાત કરો કે તારું આ વર્તન બરાબર નથી અને એને બદલવાની જરુર છે.
  • બાળકની જે વર્તણુંક બદલવાની હોય તેને અવગણો અથવા એ વર્તણુંક બદલ સજા કરો. સજા બાળકને શારિરીક કે માનસિક નુકશાન પહોંચાડે તેવી ન હોય તે ધ્યાન રાખવું જરુરી છે. સજાનો ઉદ્દેશ બાળક જાણતું હોવું જોઈએ.
  • એક વખતે એક જ વર્તણુંક બદલવાનું કાર્ય હાથ ધરવું. જ્યારે જ્યારે બાળક તમે બદલવા માંગો છો તેવી વર્તણુંક કરે તે દરેક વખતે તમારી પ્રતિક્રિયાનું સાતત્ય જળવાવું અત્યંત જરુરી છે નહિતર બાળક ગુંચવાશે.
  • સજારૂપે બાળકની સાથે થોડો સમય ન બોલવું, એની ગમતી રમત થોડો સમય અથવા થોડા દિવસ ન રમવા દેવી, સાંજે આંટો મારવા લઈ જતા હોવ તો તેમાં કાપ મુકવો. ટીવી જોવામાં કાપ મુકવો, સાંજનાં રમવાના સમયમાં કાપ મુકવો વિગેરે કરવુ. મારવું, વઢવું, પુરી દેવુ, ઘાંટા પાડવા જેવી વિકૃત શિક્ષા ક્યારેય ન કરવી. ફરીથી જણાવું છું કે બાળકને સજા મળે ત્યારે સજા મળવાનું કારણ બાળકને સ્પષ્ટ ખબર હોવું જોઈએ.
  • નકારાત્મક વર્તણુંક પ્રત્યે અવગણના અથવા સજા આપવાની સાથે સાથે સકારાત્મક વર્તણુંક પ્રત્યે બાળકને સતત પ્રોત્સાહિત કરતા રહેવું. બાળકને એની સકારાત્મક વર્તણુંક માટે પુરસ્કાર આપો. પુરસ્કાર સજાથી વિરુદ્ધ રીતે આપી શકાય. બાળકને ભાવતી વાનગી બનાવવી, ગમતી રમત થોડો સમય વધુ રમવા દેવી, એક દિવસ માટે બાળકને ઘરનો હેડ બનાવવો, અડધો કલાક ટી.વી વધુ જોવા દેવું, ગમતી જગ્યાએ ફરવા લઈ જવું, રાતે એક વાર્તા વધુ સંભળાવવી (સુતી વખતની વાર્તાઓ બાળકનાં સ્વસ્થ વિકાસનું અનિવાર્ય પાસું છે), વિગેરે. પુરસ્કાર રુપે બને ત્યાં સુધી વસ્તુઓની લાલચ ન આપવી. છતાં ક્યારેક ગમતું રમકડું મેળવવા, અથવા અન્ય કોઈ ચીજ મેળવવા માટે સકારાત્મક વર્તણુંક દ્વારા અમુક પોઈંટ ભેગા કરવા પડશે એવી શરત મુકી શકાય.
  • બાળકને સ્ટાર આપીને ખૂબ સરસ રીતે પ્રોત્સાહિત કરી શકાય છે. અઠવાડિયાનો ચાર્ટ બનાવી બાળક સાથે બેસીને એને સમજાવો કે એના વ્યક્તિત્વનાં સકારાત્મક પાસાં કયા કયા છે અને જ્યારે જ્યારે એ સકારાત્મક વર્તણુંક કરશે ત્યારે ત્યારે એને એક લાલ રંગનો સ્ટાર મળશે. સાથે સાથે એ પણ સમજાવો કે એણે એની કઈ વર્તણુંક બદલવાની જરુર છે ને જ્યારે જ્યારે એ વર્તણુંક કરશે ત્યારે ત્યારે એક સ્ટાર ભૂંસી નાખવામાં આવશે. અઠવાડિયાનાં અમૂક સ્ટાર ભેગા થાય તો એક ચોક્કસ પુરસ્કાર મળશે એવું નક્કી કરો. પુરસ્કારમાં શું મળશે તે અગાઉથી નક્કી હોવું જરુરી છે અને તમે આપેલું વચન સમય મર્યાદામાં પાળવું પણ એટલુંજ જરુરી છે.
  • જે બાળકોને રોજીંદા કામમાં ધક્કા માર્યા કરવા પડતા હોય તેવા બાળકોમાં ‘BEAT THE CLOCK’ (સમયને હરાવો)ની રમત ખુબ અસરકારક નીવડે છે. આ રમતમાં બાળક સાથે કોઈ એક કામ પૂરું કરવા માટે ચોક્કસ સમય ગાળો નક્કી કરી એનું ટાઇમર મુકી દેવું. જો બાળક એલાર્મ વાગે તે પહેલાં અથવા એલાર્મ વાગવાની સાથે કામ પૂરુ કરી દે તો એને એક પુરસ્કારનો પોઇન્ટ મળે અને અમુક પોઈન્ટ ભેગા થાય એટલે આગળથી નક્કી કર્યા પ્રમાણે પુરસ્કાર મળે.
  1. ટાઇમ આઉટ પધ્ધતિ:
  • આ પધ્ધતિ મોટાભાગે વધુ પડતા તોફાની, ગમે ત્યાં ખવરી પડતાં, આક્રમક, ચીસો પાડીને પોતાની જીદ મનાવતા અને વારે વારે હિંસાનો ઉપયોગ કરતા બાળકોમાટે વપરાય છે.
  • આ પધ્ધતિમાં બાળકને થોડો સમય માટે એકલું કરી દેવાનું છે. બાળકને એકલું કરવા માટે જે જગ્યા પસંદ કરો તે ડરામણી ન હોવી જોઈએ સાથે સાથે બાળકને રસ પડે તેવી પણ ન હોવી જોઈએ. એક એવી જગ્યા જ્યાં જવાનું કે એકલા રહેવાનું બાળકને કંટાળાજનક લાગે. જેમકે રુમનાં એક ખૂણામાં ભીંત તરફ ફેરવીને મુકેલી ખૂરશી, ઘરનો કોઈ ખાલી ખૂણો, પાર્કિંગમાં પાર્ક કરેલી કારનો પાછળનો ભીંત તરફનો ભાગ વિગેરે…
  • બાળકને કેટલો સમય એકલું રાખવું તે બાળકની ઉંમર પ્રમાણે નક્કી કરવું. સામાન્ય રીતે 1 મિનિટ પ્રતિ વર્ષ પ્રમાણે ગણવું, એટલે બે વર્ષનાં બાળકને બે મિનિટ, 3 વર્ષનાં ને ત્રણ મિનિટ..
  • આગળની પધ્ધતિમાં જોયું તેમ બાળક સાથે સ્પષ્ટ કરવું કે તારી આ વર્તણુંક બદલવાની જરૂર છે જેના માટે હવે પછી જ્યારે જ્યારે આવી વર્તણુંક થશે ત્યારે ત્યારે તને અમુક ચોક્કસ જગ્યાએ( જગ્યા અને કેટલાં સમય માટે તે બાળકને અગાઉથી જણાવવું) સજારુપે એકલાં રહેવું પડશે.
  • આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન શાંત અને સ્વસ્થ રહેવું આવશ્યક છે. બાળક જ્યાં હોય ત્યાંથી તમને દેખાવું જોઇએ પણ તમારા તરફથી કોઇ હાવભાવ કે પ્રતિક્રિયા ન થવી જોઇએ.
  • બાળક ટાઇમ આઉટની જગ્યાએથી નક્કી કરેલાં સમય પહેલાં પાછુ આવી જાય તો શાંતિપૂર્વક એને ફરી મુકી આવવું અને સમય ફરી એકડે એકથી ગણવો.
  • બાળક ખૂબ તોફાને ચડી જાય તો એ થોડું શાંત પડે પછી એને એકલું મુકવું પણ નિયમોમાં કોઇ ફેરફાર કરવા નહિ.
  • ટાઇમ આઉટનો સમય પૂરો થતા બાળક સાથે સામાન્ય વર્તન કરો. એણે કરેલી ગેરવર્તણુંકની કોઇ જ ચર્ચા ન કરો પણ થોડો સમય પછી એની ક્ષમતા અથવા સકારાત્મક બાબતને પ્રોત્સાહિત કરતી વાત કરો.
  • આ આખીય તાલીમ દરમિયાન ખાસ ધ્યાન રાખવું કે મનમાં ક્યાંય ગુસ્સો, ચીડ, કંટાળો, દ્વેષ, દયા કે અપરાધભાવ કશુંજ ન હોય. માત્ર બાળકને સમભાવપૂર્વક એની વર્તણુંક બદલવામા મદદ કરવાનો ભાવ હોય.
  1. આક્રમક બાળકોને નિયંત્રિત કરવાની પધ્ધતિ:

ઘણાં બાળકો આક્રમક અને હિંસક હોય છે અને વારંવાર બીજા બાળકોને શારિરીક ઈજા પણ પહોંચાડતા હોય છે. આવા બાળકોમાં પણ ઉપરની બંને પધ્ધતિ અપનાવી જ શકાય છે પણ ત્રીજી પધ્ધતિ છે એમને શારિરીક રીતે નિયંત્રિત કરવા. જેમકે બાળક હાથ ઉપાડતુ હોય તો એનો હાથ મક્કમતાથી પકડી રાખવો. આમ કરતી વખતે જરા પણ ગુસ્સો ન કરતા શાંત પણ મક્કમ ઈરાદાથી બાળકને રોકવું.

કેટલાંક નાનાં પણ મહત્વનાં મુદ્દા જે બાળકને સહજપણે વિનયી અને વિવેકી બનાવશે:

  • બાળકોની સાથે બેસીને ઘરની રોજીંદા કાર્યોને લગતા કેટલાંક નિયમો બનાવવાં અને કાર્યોની વહેંચણી કરવી. જેનું પાલન સૌએ નિષ્ઠાપૂર્વક કરવું.
  • બાળક પાસે એની ઉંમર, સમજ, ક્ષમતા, સ્વભાવ અને વ્યક્તિત્વને અનુરૂપ અપેક્ષા રાખવી.
  • બાળકની કોઈપણ વર્તણુંકની નિંદા જાહેરમાં ન કરવી.
  • ઘરની અને બાળકને પોતાને સંલગ્ન હોય તેવી બાબતમાં જ્યાં શક્ય હોય ત્યાં બાળકને સામેલ કરવું.
  • બાળકને શક્ય હોય ત્યાં અને ત્યારે પોતાની ચીજ-વસ્તુ પસંદ કરવાની તક આપો.
  • જરૂરી હોય ત્યારે બાળકની વર્તણુંકની નિંદા કરો બાળકની નહિ અને તે પણ કોઈની હાજરીમાં નહિ.
  • બાળકને ન ગમતી પ્રવૃત્તિ પરાણે ન કરાવો. બાળકને કંટાળાજનક માહોલમાં લાંબો સમય ન રાખો.
  • બાળકની સારી વર્તણુંકનાં ઘટનાને અનુરૂપ વખાણ કરો.
  • બાળકને close ended option આપો. ‘જેમકે તુ હમણાં રુમ સાફ કરશે કે લેશન કરીને?’ એટલે બાળકને સ્પષ્ટ સંદેશો પહોચેં છે કે કામ તો બંને કરવાનાં જ છે, પણ પહેલું કયું કરવું તેની પસંદગી એની પાસે છે.
  • સ્પર્શની સંવેદના જીવમાત્રને નવી ચેતના અર્પે છે. શક્ય હોય ત્યારે બાળકને સમય અને સ્થળને અનુરૂપ એક શાબાશીની ટપલી અથવા આલિંગન આપો.(જાદુ કી ઝપ્પી)
  • બાળકો સાથે thank you, sorry અને please જેવાં શબ્દોનો ઉપયોગ સમજી વિચારીને કરો. ગમે ત્યારે, ગમે ત્યાં આ શબ્દો વાપરવાથી એની અસર ઓછી થઈ જાય છે અને ઘણીવાર બાળકોને વારંવાર thank you, sorry કે please કહેવાથી તેઓ પોતાને authority માનવા લાગે છે.
  • બાળકને ક્યારેય મારવું નહિ. બાળક શારિરીક મારનું દુ:ખ તો ભૂલી જાય છે પણ માનસિક આઘાત જીંદગીભર ભૂલી નથી શકતુ. શારિરીક શિક્ષા અને તેના પરિણામોની ચર્ચા બીજા કોઈ લેખમાં કરીશું. હાલ પૂરતો એટલો અડગ નિશ્ચય કરીયે કે ગમે તે થાય બાળક પર ક્યારેય હાથ ઉપાડીશું નહિ.
  • બાળકને અસ્વીકાર્ય વર્તણુંક છોડવા માટે પ્રોત્સાહિત કરતા હોવ તેની સાથે કોઈ એક સારી ટેવ વિકસાવવાની પ્રેરણા આપો નહિતર થોડા સમયમાં બાળક ફરી જુની ટેવ તરફ અજાણતાં જ ધકેલાશે.

– ડૉ. નીના વૈદ્ય


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો..(૨) – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૭)