શશાંકને ઠોઠ કહી શકાય? – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૩) 7


૧૪ વર્ષનાં શશાંકના મમ્મી શ્રદ્ધાબેન પોતાનાં દિકરાના બુદ્ધિ આંક પ્રત્યે ચિંતિત હતાં. શ્રદ્ધાબેનનાં કહેવા પ્રમાણે શશાંકની યાદશક્તિ, સમજશક્તિ તથા ગ્રહણશક્તિ ઓછી થઈ ગઈ હતી. આઠમાં ધોરણમાં ભણતો શશાંક છઠ્ઠા ધોરણ સુધી વગર ટ્યુશને ક્લાસમાં પ્રથમ કે દ્વિતીય આવતો હતો અને ગણિતમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્ક્સ આવતા. સાતમા ધોરણમાં એનો નંબર થોડો પાછળ ગયો અને આઠમાની છ માસિક પરીક્ષામાં શશાંક એક વિષયમાં નાપાસ થયો. શ્રદ્ધાબેનને સમજાતું જ ન્હોતુ કે પહેલા કરતા ઘણી વધારે મહેનત કરતો હોવા છતાં શશાંક ભણવામાં દિવસે ને દિવસે કેમ પાછળ પડતો જાય છે? અત્યાર સુધી ટ્યુશન વગર ભણતો શશાંક હવે રોજ ત્રણ કલાક ટ્યુશન પણ જવા માંડ્યો. સવારે ૭.૩૦ થી ૩.૩૦ ની સ્કુલ અને સાંજે ૪ થી ૭ નું ટ્યુશન. ટ્યુશન પતાવી ઘરે આવી જમીને રાતે 11 વાગ્યા સુધી લેશન. શ્રધ્ધાબેન પોતાના દીકરાને મહેનત કરતો જોઇને થાકી જતાં પણ છતાં ધાર્યુ પરિણામ આવતું નહિ.

શશાંક સાથે વાત કરતા તે મૂંઝાયેલો અને ગભરાયેલો લાગ્યો. દરેક વિષયમાં પડતી તકલીફ વિશે વિગતવાર વાત કરતા સમજાયું કે એકંદરે શશાંકને ગણિત સિવાય કોઈ વિષય મુશ્કેલ ન્હોતો લાગતો. હા, ગણિત સિવાયનાં બીજા વિષયોમાં પણ પહેલાં જેટલાં માર્ક્સ ન્હોતા આવતા પણ એનું કારણ કંઇક જુદું જ હતું. ગણિતના દાખલા જ્યારે સ્કુલમાં કે ટ્યુશનમાં ટીચર કરાવે ત્યારે દરેક દાખલો શશાંકને આવડે. ઘરે પ્રેક્ટીસ કરે ત્યારે પણ આવડે પણ પરીક્ષાનું પેપર હાથમાં આવતાં જ બધાં દાખલાની રીત ભૂલાઈ જાય. કયા દાખલામાં કયું સમીકરણ વાપરવાનું તેમાં ગોટાળા થાય. બધાં દાખલા ગણવાની રીત ઉલટસુલટ થઈ જાય પરિણામે મોટાભાગના દાખલા ખોટા પડે. છેલ્લી પરીક્ષામાં તો શશાંકના વીસમાંથી ત્રણ જ દાખલા સાચાં પડ્યા. શશાંકને તકલીફ માત્ર ગણિતમાં હતી છતાં બીજા વિષયોમાં પણ તે પાછળ પડ્યો હતો કારણ ગણિતમાં માર્ક્સ ઓછા આવવાના કારણે શશાંકનો નંબર પાછળ ગયો હતો. આના કારણે શશાંક હતાશા, નિરાશા અને લઘુતાગ્રંથિનો ભોગ બાન્યો. એનો આત્મવિશ્વાસ ઓછો થયો હતો. જે આત્મવિશ્વાસથી એ પહેલાં પેપર લખી શકતો હતો તેટલાજ આત્મવિશ્વાસથી એ હવે પેપર ન્હોતો લખી શકતો. બીજું કે અન્ય વિષયની તૈયારી કરતી વખતે મગજમાં સતત ‘ગણિતમાં શું થશે?’ ની બીક રહેતી એટલે બીજા વિષયની તૈયારી દરમિયાન પહેલાં જેવી એકાગ્રતા ન્હોતી રહેતી. આમ અન્ય વિષયોમાં દેખીતી કોઈ જ મુશ્કેલી ન હોવા છતાં શશાંકનો પરીક્ષામાં દેખાવ નબળો થતો જતો હતો.

ઘણાં બાળકો તથા તેમના મા-બાપ શશાંક તથા શ્રધ્ધાબેન જેવી મુશ્કેલીમાં મુકાયા હશે. આવી પરિસ્થિતિ સર્જાવાનાં વિવિધ કારણો હોઈ શકે.

૧. બાળકની ક્ષમતા કરતા વધુ અપેક્ષા,
૨. ભણતરનો બાળક ઉપાડી શકે તેના કરતા વધુ ભાર,
૩. સ્કુલ તથા ટ્યુશનનાં લાંબાં કલાકો,
૪. મનોરંજન અને મેદાની રમતોનો અભાવ,
૫. શિક્ષકોની ભણાવવાની રીત,
૬. શિક્ષકો બદલાવા,
૭. શિક્ષકોનું પક્ષપાતી વલણ,
૮. પરિણામલક્ષી ભણતર,
૯. બે બાળકોની પરસ્પર તુલના,
૧૦. ઘરમાં બનેલો કોઈ દુ:ખદ બનાવ,
૧૧. ઘરમાં નવી વ્યક્તિનો/બાળકનો ઉમેરો થવો,
૧૨. શાળા અથવા રહેઠાણની જગ્યા બદલાવી વિગેરે….

અહીં શશાંકના કિસ્સામાં એવું શું બન્યું કે જેથી ગણિતમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્ક્સ લાવનારો શશાંક અચાનક એજ વિષયમાં સૌથી નબળો પડ્યો!!

આવું કેમ થયું?

સાતમા ધોરણથી સ્કુલમાં શશાંકના ક્લાસને ગણિત લીનાબેન નામના ટીચર શીખવાડતા. લીનાબેનનું પોતાનું ગણિત કાચું હતું, તેઓ કમને નોકરી કરતા હતાં, આળસું હતાં, એમની વિધ્યાર્થીઓને શીખવાડવાની આવડત ઓછી હતી કે પછી તેઓ પોતે હતાશાનો શિકાર હતા તે તો લીનાબેન જ જાણે પણ શશાંકના કહેવા પ્રમાણે તેઓ ક્લાસમાં તદ્દન નીરસતાથી ભણાવતા. ગણિત જેવો વિષય ભણાવવાની શરુઆતજ એમણે પાઠ કે દાખલાની રીત સમજાવ્યાં વગર સીધાં દાખલા ગણાવવાથી કરી. ગણિત વિષયને શીખવા માટે એના પાયાનાં સિધ્ધાંતોને મૂળભૂત રીતે સમજવા સિવાય કોઈ વિકલ્પ નથી. ગણિત આવડવાનો આધાર વિષયની પાયાની સમજૂતી પર રહેલો છે. લીનાબેન દરેક પાઠમાંથી અઘરા દાખલા તથા સાબિત કરવાનાં દાખલા છોડી દેતા. એકસરખી રીતવાળાં સહેલા દાખલા કરાવતા અને એજ રીત વાપરીને ઉકેલ શોધી શકાય તેવાં જ દાખલા લેશનમાં આપતા પણ આ રીત કેવી રીતે આવી? અને આ દાખલામાં આજ રીત કેમ? એવી કોઈજ સમજ આપતા નહિ. વિધ્યાર્થીઓ મુશ્કેલી લઈને જતાં તો ‘આ દાખલો પરીક્ષામાં નહિ પુછાય’ એમ કહી વિધ્યાર્થીઓની મુશ્કેલી દૂર કરવાનું ટાળતા. પરીક્ષા પહેલાં રિવિઝન કરાવવું ફરજિયાત હોવાથી રિવિઝન માટે દાખલા આપતા તેમા પણ કયા દાખલામાં કયું સમીકરણ વપરાશે તે કહી દેતા. પરીક્ષા પહેલાં imp આપી દેતા અને એમાંથીજ પેપર કાઢતાં. બીજા વિધ્યાર્થીઓ ટીચરે કરાવેલા દાખલા ગોખી કાઢતા પણ શશાંક મૂળભૂત રીતે હોંશિયાર અને સંવેદનશીલ હોવાથી પાયાના સિધ્ધાંતો ન સમજી શકવાના કારણે દાખલા ગણી જ ન શકતો. બીજા બાળકો માર્ક્સ લઈ આવતા પણ શશાંક મુંઝાયેલો જ રહેતો. શશાંકને સમજાતુ જ ન્હોતુ કે આ દાખલો આજ રીતે અને બીજો કોઈ દાખલો બીજી જ રીતે કેમ કરવાનો? અને કયો દાખલો કઈ રીતે કરવાનો છે એ નક્કી કેવી રીતે કરવાનું?

આ મુદ્દાની વાત ન સમજાવાને કારણે શશાંકના મનમાં બસ સવાલો સવાલો ને સવાલો જ ઘૂમ્યા કરતાં. એણે ઘણી વખત ટ્યુશન ટીચરને પણ પુછ્યું એક-બે વાર ટ્યુશન ટીચરે સમજાવ્યું પણ પછી સમયની મર્યાદામાં કામ કરવાનું હોવાથી એક દિવસ ખીજવાય ગયા કે ‘હું બધાને એકડે એકથી શીખવાડવા બેસું તો એક મહિનાનો કોર્સ પૂરો કરવામાં જ આખું વર્ષ નીકળી જાય.’ બીજા વિદ્યાર્થીઓ ગમે તેમ માર્ક્સ લાવતા. હા, બધાને વધતા ઓછા અંશે તકલીફ જરુર પડતી હતી પણ એમનાં માર્ક્સ આવતાં હોવાથી શશાંકને ધીમેધીમે કરતાં ખાત્રી થઈ ગઈ કે પોતાનામાં જ કંઇ ખામી છે. પોતાની સમજશક્તિ અને યાદશક્તિ ઓછી છે. બસ પછી તો આ ગ્રંથિ દ્રઢ થવા લાગી અને શશાંકને ગણિત વિષયનો ડર પેસી ગયો. સાતમું ધોરણ જેમ તેમ પુરું થયુ અને આઠમા ધોરણની પહેલી પરીક્ષા પહેલાં જ ગણિત માટે બીજા ટીચર આવ્યાં. શશાંક પહેલાથી જ ગુંચવાયેલો હતો અને હવે આ નવા ટીચરે આવીને તરત પરીક્ષા લેવાની હોવાથી જેટલા પાઠ ચાલ્યાં હતાં એ બધાંમાંથી દાખલા પૂછ્યાં. પરીક્ષા પહેલાં કોઈ આઈ.એમ.પી આપી નહિ. આગળનાં ટીચર સરખી રીતવાળાં દાખલાં સાથે પૂછતાં અને પાઠ પ્રમાણે ક્રમવાર પૂછતાં એટલે વિદ્યાર્થીઓ સમજ્યા ન હોય તો પણ જે તે પાઠની રીત યાદ કરીને સંઘ કાશીએ પહોંચાડતા, પણ નવા ટીચરે બધું આડુ અવળુ પૂછ્યું એટલે આખા પેપરમાં શશાંક માત્ર ૨-૩ દાખલા જ ગણી શક્યો. આ પરીક્ષા પછી તો શશાંકની હતાશા અને લઘુતાગ્રંથિમાં અનેક ગણો વધારો થયો. શ્રદ્ધાબેન એટલાં વિચલીત થઈ ગયાં કે શશાંકના મગજની તપાસ કરાવવા સુધી વાત પહોંચી ગઈ. સદનસીબે એવું ન કરતા શશાંકને કાઉન્સેલિંગ માટે લઈ આવ્યાં.

ઉકેલ:

શશાંકના કિસ્સામાં મૂળ તકલીફ શું હતી તે વ્યક્તિગત રીતે શશાંક તથા શ્રદ્ધાબેન બંને સમજી ગયા પછી એક એવી વ્યક્તિની જરૂર હતી જે ધીરજપૂર્વક શશાંકને ગણિત સૈદ્ધાંતિક રીતે સમજાવી શકે. ઉકેલ ઘરમાં જ હતો. શ્રદ્ધાબેનનું પોતાનું ગણિત ઘણું સારું હતું. શશાંકની સંમતિથી નક્કી કર્યુ કે પહેલાની જેમ જ શશાંક હવે ટ્યૂશન ન જતાં ઘરે જાતે ભણશે અને ગણિત શ્રદ્ધાબેન પાસે શીખશે. સાતમા ધોરણનો પાયો કાચો રહેવાથી તત્કાલ કોઈ ચમત્કારિક પરિણામની આશા ન રાખવી એવું પણ નક્કી થયું. શ્રદ્ધાબેન સાથે બેસીને શશાંકે સાતમા ધોરણનાં ગણિતનાં પહેલા પાઠથી શીખવાનુ અને સમજવાનું શરુ કર્યુ. આ આખીયે ઘટનામાં એક ત્રીજી વ્યક્તિ પણ હતી જેના સહકાર વગર બધું નકામું થઈ શકે એમ હતુ. શશાંકની સ્કુલનાં ગણિતનાં ટીચરને આ આખી પ્રક્રિયામાં સામેલ કરવાં અનિવાર્ય હતું. શશાંક સાથે શું બન્યું અને કેમ બન્યું એની ચર્ચા કર્યા વગર મેં જેનો કોઈ અન્ય ભારેખમ મતલબ ન નીકળી શકે તેવી થોડી તબીબી પરિભાષા વાપરી એક ભલામણ ચિઠ્ઠી શશાંકના ગણિત ટીચરને લખી. નવા ટીચરે સહકાર આપવાની તૈયારી બતાવી એટલે શ્રદ્ધાબેને નિશ્ચિંતપણે શશાંકને નવેસરથી સાતમા ધોરણનું ગણિત શીખવાડવાનું શરુ કર્યુ. લગભગ ૬-૭ મહિનામાં શશાંકની ગાડી પાટા પર ચઢવા માંડી. બસ પછી તો થોડા વધુ સમય અને વિશ્વાસની જ જરુર હતી.

આ કિસ્સો જેટલી સરળતાથી પત્યો તેટલી સરળતાથી આવા કિસ્સાઓનો ઉકેલ આવતો હોતો નથી. બાળકે અને મા-બાપે એટલા બધાં મોરચે લડવાનું હોય છે કે ઘણીવાર ‘હતાશા-પરિક્ષામાં નબળો દેખાવ-વધુ હતાશા’ ના નકારાત્મક ચક્રમાંથી બહાર નીકળવું અસંભવ લાગતું હોય છે. અહીં શ્રદ્ધાબેન જ શશાંકને ગણિત ભણાવી શકે એમ હોવાથી તાત્કાલિક ઉકેલ શક્ય બન્યો પણ આવી ઘટના તો દરેક સ્કુલનાં દરેક ક્લાસનાં કેટલાંયે વિદ્યાર્થીઓ સાથે એક યા બીજા કારણસર બને છે અને મૂળભૂત રીતે સક્ષમ હોય તેવાં કેટલાંયે વિદ્યાર્થીઓનાં પ્રશ્નો વણ ઉકેલ્યાં રહી જાય છે.

બાળકોનાં ઘડતરમાં વાલીઓ ઉપરાંત શિક્ષકોનો પણ મહત્વનો ફાળો છે. શશાંક જેવા કેટલાંયે સંવેદનશીલ વિધ્યાર્થીઓ કેટલાંક શિક્ષકોનાં ભણતર પ્રત્યેનાં અતડાં અભિગમનો ભોગ બનતા હશે. સિક્કાની બીજી બાજુ જોઈએ તો શિક્ષકો પણ માનસિક તનાવમાંથી પસાર થતા હોય છે.એમને પણ સત્તા, સમય કે જ્ઞાનનાં ક્ષેત્રે કેટલીક સીમા નડતી હોય છે. આપણે લડાઈ, ઝઘડા કે દોષારોપણ ન કરતા હાથ મિલાવી બાળકોનાં હિત માટે સાથે ચાલવાની જરુર છે. ઘણી સ્કુલોમાં ‘પેરેન્ટ-ટીચર એસોશીએશન’ હોય છે જેમાં બાળકની ભલાઈ સિવાયની ચર્ચા વધુ થતી હોય છે. વાલીઓ તથા શિક્ષકો બાળકો માટે થોડા સંવેદનશીલ બને અને સમભાવ કેળવે તો એક જાગૃતિ અભિયાન ચાલુ કરી શકાય. જેમાં શિક્ષકે થોડા ચકોર રહી કોઈ બાળક વર્તન અથવા શૈક્ષણિક ક્ષેત્રે નિરંતર પાછળ પડતું જણાય તો તેના વાલીને તરત જ જાણ કરવી. આ માહિતી આપતી વખતે શિક્ષકને બાળક પ્રત્યે હિતસંબંધ હોવો જરુરી છે. આખી વાત ફરિયાદનાં રુપે વાલી પાસે ન પહોચતાં ફિકર અને સદભાવના રૂપે પહોંચવી આવશ્યક છે. વાલીએ પણ આખી વાત હકારાત્મક રીતે લેવી જરુરી છે. વાલીએ બાળક સાથે તરત કે સીધી ચર્ચા ન કરતા આખી વાત પ્રથમ એનાં મૂળિયાંથી સમજવી અને ધીરજપૂર્વક વિશ્લેષણ કરવું. જરુર પડે તો પ્રેમ અને સમભાવપૂર્વક બાળકને પૂછવું. બાળકને મિત્રભાવે સતત સાથે રાખી, શિક્ષકની મદદથી ઉકેલ મેળવવો.

– ડૉ. નીના વૈદ્ય


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “શશાંકને ઠોઠ કહી શકાય? – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૩)

  • jacob

    બાળકની હતાશા અને નિરાશા માટે સૌથી વધારે શિક્ષકો જવાબદાર હોય છે. એમાં પણ પ્રાથમિક શાળાના સંવેદનહિન શિક્ષકો બાળકના માનસ ઉપર સિતમ ગુજારે છે. બાળક એટલું અણસમજ હોય છે કે ઘેર કોઇને કહી શકતું નથી. મનમાં મુંઝાયા કરે ને અંતે હતાશાનો શિકાર બની જાય. હોંશિયાર બાળકો સાથે પૂર્વગ્રહપિડિત શિક્ષકો આવું વર્તન ખાસ કરે છે. એ જાત અનુભવ પણ છે. આવા શિક્ષકો ગુરૂ બની સમાજમાં મહાલે છે ! એમને જેલમાં ધકેલવા જોઇએ.

  • Jayendra

    આજના વિધ્યાર્થિઓનિ વિડ્મ્બણા અને તેનો સરલ ઉપાય સુચવતો પ્રેરક-લેખ ખુબ ગમ્યો … ગણિત – ઇન્ગ્લિશ આ બે વિષયથેી વિધ્યાર્થિઓ સામાન્ય રિતે તેઓ ગભરાતા હોય છે … અને જો ઘરે-જ ટ્યુશન આપવામા આવે તો તેઓ ને અનુકુળ વાતાવરણ મા વ્યવસ્થિત સમ્જાય છે … અમે ૭-ધોરણ સુધિ આજદિન ટ્યુશન નથી રખાવ્યુ …