ગોળની ગળી અને મોલાસીસની મીઠી માયા – પૂર્વી મોદી મલકાણ 28


શેરડી:-

રસ એક સ્વરૂપ અનેક. જ્યારે આપણે રસ રૂપે વિચારીએ તો સહજતાથી શેરડીનો રસ આપણી આંખ સામે આવી જાય છે. શેરડીના રસના મોલાસીસ, ગોળ, સાકર ટુકડા અને ખાંડ એમ ઘણા સ્વરૂપ છે. શેરડીના રસથી તેના ગોળ સુધીના રૂપની શોધ ઇ.સ ૫૦૦ વર્ષ પૂર્વે ભારતમાંથી થઈ હતી. કારણ કે શેરડીનું મૂળ ભારત માનવામાં આવ્યું છે. વનસ્પતિ શાસ્ત્રમાં શેરડીનો ઉલ્લેખ લાંબા બારમાસી ઘાસ તરીકે થયો છે. એક માન્યતા અનુસાર ૧૧ મી સદી એડીમાં ભારતમાંથી શેરડીના ગોળની યુરોપમાં નિકાસ કરવામાં આવતો હતો. પરંતુ શેરડી વિશ્વમાં પહોંચી ન હતી. મધ્યકાલીન યુગની શરૂઆતમાં શેરડીના પાકે વિશ્વપ્રવાસ શરૂ કર્યો. સૌ પ્રથમ પૂર્વ એશિયામાં ગયા બાદ અંગ્રેજો દ્વારા તે પ્રથમવાર યુરોપ તરફ ગઈ. ક્રિસ્ટોફર કોલંબસ જ્યારે વેસ્ટ ઈન્ડિઝ પહોંચ્યો ત્યારે તેણે ત્યાં સૌ પ્રથમવાર શેરડીને જોઈ. આ સમયે તેને જાણવા મળ્યું કે આ લાંબી લાકડી જેવી દેખાતી શેરડીએ ભારતનું સૌથી લાંબુ ઘાસ છે જેને ચાવવાથી કે પીલવાથી તેમાંથી મીઠા રસનો સ્ત્રાવ થાય છે. કોલંબસને માટે આ નવી વાત હોઇ તે ખાતરી કર્યા બાદ પોતાના દેશ સ્પેનમાં લઈ ગયો આમ કોલંબસ માટે શેરડીએ ભારતને શોધવાની ધૂનમાં પ્રથમ ભાગીદાર બની. કોલંબસે પોતાના જીવનકાળ દરમ્યાન ચાર વોયેજ કરેલી આ સમયમાં તે સેન્ટ્રલ અમેરિકા, સાઉથ અમેરિકા, આફ્રિકા અને ડોમિનિકલ રિપબ્લિકના અલગ અલગ દેશોમાં અને ટાપુઓ પર ફર્યો ત્યારે પોતાની સાથે તે શેરડીનો પાક લઈ ગયો. આ નવી જગ્યાઑમાં તેણે શેરડીના પાકનું વાવેતર કર્યું આમ વિશ્વના આ નવા દેશોમાં શેરડી પહોંચી. શેરડીનો ઇતિહાસ કહે છે કે ૧૯ મી સદીના અંત સુધીમાં તો શેરડીએ ડોમેનિકલ રિપબ્લિક, સ્પેન, અને સેન્ટ્રલ-સાઉથ અમેરિકા, નોર્થ અમેરિકા અને યુરોપ સહિત ઘણાબધા દેશોની ધરતી ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરી દીધું હતું. આજે, વિશ્વના ૭૫ ટકા દેશો એવા છે જેઓ શેરડીનું ઉત્પાદન કરે છે. આ તો હતો શેરડીનો ઇતિહાસ પણ ઇ.સ પૂર્વેના સમયને બાદ કરતાં શેરડીમાંથી બનતા ગોળનો ઉલ્લેખ પણ આપણાં શાસ્ત્રોએ કરેલો છે જ્યારે શેરડીમાંથી બનતી ચાસણીનો પ્રથમ ઉલ્લેખ ૧૫૮૨ માં પોર્ટુગીઝ ઇતિહાસમાં જોવા મળેલો હતો. જેને લેટિનમાં Melaceres તરીકે ઓળખવામાં આવેલ. ૧૬૦૨૩ માં વેસ્ટ ઈન્ડિઝના પુસ્તકોમાં ચાસણીથી સહેજ વધુ જામેલ પ્રવાહીનો “મોલાસીસ” તરીકે ઉલ્લેખ જોવા મળેલો. આ “મોલાસીસ” શબ્દ તે પોર્ટુગીઝ શબ્દ મેલ્કો (melko)માંથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ ચીકણું-મીઠું પ્રવાહી થાય છે.

મોલાસીસ:-

મોલાસીસ તરીકે ઓળખાતું આ પ્રવાહી તે શેરડીના રસના ઉકળ્યા બાદનું સ્વરૂપ છે. જ્યારે ઉકળતા રસમાંથી પાણીનો ભાગ બળી જાય છે અને જે ચાસણી બચે છે તે મોલાસીસ કહેવાય છે. આપણી ભાષામાં કહીએ તો પીગળેલો ગોળ અથવા ગોળની રસી, જે હંમેશા લિક્વિડ ફોર્મમાં જ રહે છે. મોલાસીસના આ પ્રવાહી સ્વરૂપના પણ લાઇટ, ડાર્ક અને બ્લેક એમ ત્રણ પ્રકારના હોય છે. મોલાસીસનું બીજું તે ઘન સ્વરૂપે (ઘટ્ટ ગોળ) છે, અને ત્રીજુ સ્વરૂપ તે પાવડર સ્વરૂપે (ખાંડ) છે. (મોલાસીસ બનાવવા માટે શેરડીના રસને કાઢયા બાદ જે કૂચો બચે છે તેમાંથી બળતણ માટેનો કાચો માલ, ઇથેનોલ, ખાતર, વીજળી ઉત્પાદક સાધનો બને છે. જ્યારે બીટ અને અન્ય વનસ્પતિક કૂચામાંથી મીણ, સૌંદર્યપ્રસાધનો, કાગળ વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે.) પ્રથમ ફોર્મમાં રહેલી કાકવીને અમેરિકાના સધર્ન સ્ટેટમાં લિક્વિડ ગોળને સુગરી સિરપ તરીકે ઓળખવામાં આવે છે. આજે બ્લેકશાર્પ તરીકે ઓળખાતા મોલાસીસને અમેરિકાના નેટિવ અમેરિકન લોકો કાકવી તરીકે ઓળખતા હતાં. બ્રિટિશરોએ નેટિવ અમેરિકનો પાસેથી કાકવી શબ્દ લીધો અને ભારત પહોંચાડ્યો. આથી આપણે ત્યાં પણ પીગળેલા ગોળને માટે કાકવી શબ્દનો પ્રયોગ થવા લાગ્યો. અંગ્રેજોએ જ્યારે દેશ છોડયો ત્યારે પછી આ શબ્દનો પ્રયોગ પણ ઓછો થવા લાગ્યો. આજે બહુ ઓછા પ્રમાણમાં કાકવી શબ્દનો પ્રયોગ થઈ રહ્યો છે. પોણાભાગે ગોળની રસી શબ્દ વધુ પ્રખ્યાત છે. પરંતુ ગોળની રસી અને મોલાસીસ એ બે શબ્દ અને સ્વાદ વચ્ચે ઘણો મોટો ફર્ક રહેલો છે. આગળ જણાવ્યું તેમ શેરડીનો રસ બાળતા તે જે ચાસણી બચે તેને મોલાસીસ કહેવામાં આવે છે, આજ ચાસણીને વધુને વધુ પાકી કરી ઘન સ્વરૂપ આપી ઠંડો કરીએ ત્યારે તે ગોળ બને છે. આજ ગોળને ફરી પિગળાવીએ ત્યારે ગોળની રસી બને છે. બીજી વાત એ પણ છે કે ગોળની રસી કે પાઇની સાથે સાથે આપણે ત્યાં ખાંડની પણ ચાસણી વપરાય છે, પરંતુ ખાંડની ચાસણીને ચાસણી તરીકે જ ઓળખવામાં આવે છે ખાંડના મોલાસીસ તરીકે નહીં. ખાંડની ચાસણી બનાવતી વખતે ખાંડમાં થોડું પાણી નાખી તેને ઉકળવામાં આવે છે. આ ચાસણી પણ જેમ ઉકાળીએ તેમ તેમ ગાઢી બનતી જાય છે.

ખાંડ – સુગર:-

ખાંડનો પ્રથમ લિખિત ઉલ્લેખ ૯મી સદીમાં અરબી ગ્રંથ અલ-અકબર અલ મુવાફ્કીયતમાં (Muwaffaqiyyat) જોવા મળે છે. ખાંડની શોધ ૧૭ મી સદીના પૂર્વાર્ધમાં જર્મન રસાયણ શાસ્ત્રી એન્ડ્રેસે કરેલી. તેણે પોતાના સંશોધનો દરમ્યાન વનસ્પતિમાં રહેલ સ્ફટિક સુગરની હાજરી નોંધી. આમ એન્ડ્રેસ એ સુગરની શોધ કરનાર પ્રથમ વૈજ્ઞાનિક બન્યો હતો. પરંતુ એન્ડ્રેસે શોધેલ તે સુગરનો ફેલાવો વિશ્વમાં થયો ન હતો. ૧૭૯૩ માં અન્ય એક જર્મન રસાયણ શાસ્ત્રી કાર્લ એચર્ડે બીટમાંથી સુગર બનાવી વિશ્વની સામે મૂકેલી. કેટલાક વિજ્ઞાનીઓનું એવું માનવું છે કે ૧૪૭૦ ઇટાલીમાં, ૧૫૦૮ બેલ્જિયમમાં, ૧૫૪૪ ઈંગ્લેન્ડમાં, ૧૫૬૬ હોલેન્ડમાં, ૧૫૭૩ જર્મનીમાં, ૧૬૧૩ ફ્રાન્સમાં એમ ઘણા દેશોના વિજ્ઞાનીઓએ સમય સમય અનુસાર બીટ સુગર શોધવાનો પ્રયત્ન કરેલો, પરંતુ સૌથી વધુ સફળતા કાર્લ એચર્ડને મળેલી હતી. ૧૭૯૩ પછીનો સુગરનો ઇતિહાસ કહે છે કે ૧૮૦૪ માં નેપોલિયને પોતાના સૈન્ય માટે બ્રિટિશ વેસ્ટ ઈન્ડિઝમાંથી સુગર આયાત કરેલી. આ સુગર ફ્રેંચ લોકોમાં ખૂબ પ્રખ્યાત થઈ તેથી નેપોલિયને પોતાના દેશમાં જ સુગર ઉત્પાદન કરવાનું શરૂ કરાવ્યું. ૧૮૩૦ સુધીમાં કેવળ ફ્રાંસમાં જ ૩૫,૦૦૦ ટન ખાંડનું ઉત્પાદન કરવામાં આવેલું. ૧૮૮૦ માં યુરોપમાં અમેરિકાથી આવેલ મોલાસીસ અને બ્રાઉન સુગર ખૂબ પ્રખ્યાત થયેલ. અંગ્રેજોના આવ્યા બાદ ભારતમાં પૉલિશ કરેલ સફેદ ખાંડની શરૂઆત થઈ. પરંતુ ખાંડને બ્રિટનથી લાવવા માટે સારો એવો સમય લાગતો આથી બ્રિટિશરોએ ખાંડ ચીનથી મંગાવતા. ચીનથી આવેલી ખાંડ તે “ચીની” તરીકે પ્રખ્યાત પણ થઈ અને લક્ઝુરિયસ પણ થયેલી. (આજે પણ આપણે ખાંડને હિન્દીમાં ચીની ને નામે જ ઓળખીએ છીએ.) ૧૮ મી સદી પછી ખાંડની લોકપ્રિયતા વધવા લાગેલી પણ વિશ્વમાં ખાંડનો ખરો ફેલાવો પ્રથમ વિશ્વયુધ્ધ પછી થયો. વીસમી સદીના અંત સુધીમાં રશિયા, ફ્રાન્સ, યુનાઈટેડ સ્ટેટ્સ અને પશ્ચિમ જર્મની સુગરના અગ્રણી ઉત્પાદકો ગણાતા હતાં, અને ભારત પણ તે દોડમાં શામિલ થઈ ગયું હતું. આજે ભારતના ઘણા રાજ્યોમાં સુગર ઉત્પાદન થાય છે, જેમાં ગુજરાત ત્રીજા નંબરે છે. વિશ્વએ રો સુગર અને પોલીશ્ડ સુગર બાદ ઘણા પ્રકારની સુગર બનાવી જેમાં બ્રાઉન સુગર, રોક સુગર, ક્રિસ્ટલ સુગર, પાવડર સુગર, નિબ્બ્ડ સુગર, નેચરલ સુગર, પામ સુગર, પર્લ સુગર રહેલ છે.

આર્ટિફિશિયલ સુગર:-

આર્ટિફિશિયલ સુગરની શોધ ૧૮૭૯ માં પ્રોફેસર ઈરા રેમસેન અને તેમના મદદનિશ કોન્સ્ટેન્ટાઈન ફાલબર્ગે નવા પ્રિઝર્વેટિવ્સ શોધતી વખતે કરેલી. આ શોધને તેમણે saccharum નામ આપ્યું જે પાછળથી સેકરીનને નામે ઓળખાયું. પ્રથમ વિશ્વયુધ્ધ દરમ્યાન સેકરીન ઉપયોગ છૂટાછવાયા દેશોમાં થયો હતો, પણ સામાન્ય લોકોમાં એવો ડર હતો કે આ કૃત્રિમ મીઠાશથી ગંભીર બીમારી થાય છે તેથી તેઓએ સેકરીનના રોજિંદા ઉપયોગને આવકાર્યો નહીં. પ્રથમ વિશ્વયુધ્ધ દરમ્યાન સૈનિકો દ્વારા આ શોધનો મહત્તમ ફેલાવો કરાયો. આ કારણે બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન સેકરીન સુગર ઘણી જ પ્રખ્યાત થઈ. પરંતુ સેકરીનના વધુ પડતાં ઉપયોગ ને કારણે બીજા વિશ્વયુધ્ધ પછી ગળું ખરાબ થવાની ઘણી જ ફરિયાદો આવી. કેટલાક યુરોપીયનો દ્વારા ગળાનું કેન્સર પણ થવાની ફરિયાદ થઈ હોય ૧૯૬૦ માં સેકરીન ઉપર સંશોધન શરૂ કરવામાં આવ્યું. ૧૮૭૯ માં સેકરીનની શોધથી લઈ ૧૯૬૦ સુધીના ઉપયોગ દરમ્યાન આ પ્રથમ સંશોધનકાર્ય હતું જેનો પ્રયોગ ઉંદરો ઉપર કરવામાં આવ્યો. પરંતુ પ્રાણી અને માનવોની શરીર રચના અલગ અલગ હોય છે તેવી માન્યતાને આધારે આ સંશોધન ઉપર ઘણો જ ઘોંઘાટ થયો જેને કારણે ૧૯૭૭ માં કેનેડામાં સેકરીનના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સેકરીન ઉપરના ઘણા સંશોધન બાદ ૧૯૯૧ માં સેકરીનમાં કોઈ કેન્સરના જીવાણુઑ નથી કે તેનાથી કોઈ નુકશાન થતું નથી તેવી FDA (Food and Drug Administration) એ દ્વારા જાણ કરવામા આવતાં ૧૯૯૧ માં આ પ્રતિબંધ પાછો ખેંચવામાં આવ્યો, તેમ છતાં આ પ્રતિબંધની અસર ૨૦૦૨ સુધી રહેલી હતી. ૧૯૬૫ માં સર જેમ્સ સ્કેલાટર દ્વારા પ્રથમ સેકરીનનો ઉપયોગ દવાઓમાં કરવામાં આવ્યો ત્યારે ઘણા બધા લોકોએ તેનો વિરોધ કરેલો. ૧૯૮૧ માં સેકરીનને ટેબલ સુગર પાવડરની ઉપમા મળી. ૧૯૯૬માં સેકરીન ઉપયોગ સિરપ અને જ્યુસમાં થવા લાગ્યો ત્યારે FDA એ ફરી પોતાનો વિરોધ દર્શાવેલો હતો. પરંતુ ટૂંક સમયમાં જ નવી શોધખોળ અને સંશોધન બાદ સુરક્ષિત કરાયા પછી ૧૯૯૮માં પેપ્સી કોલા દ્વારા પ્રથમ વાર સેકરીનનો પીણાંની અંદર સત્તાવાર ઉપયોગ કરવામાં આવ્યો. આજે સુગરની જગ્યાએ સેકરીનનો ઉપયોગ ફૂડ, સોફટ ડ્રિંકસ, દવાઓ, ટૂથપેસ્ટમાં જે રીતે જોવા મળે છે તે જોતાં એમ કહી શકાય કે સેકરીને પોતાની આર્ટિફિશિયલ મીઠાશની માયામાં આખા વિશ્વને આવરી લીધું છે.

ગોળ:-

રહી ગોળની વાત…. તો સ્વાસ્થ્યવર્ધક ગુણોથી ભરેલા ગોળનો પ્રથમ ઉલ્લેખ આપણને ગણેશજી દ્વારા જાણવા મળે છે. ગોળના લાડુ ગણેશજીને બહુ પ્રિય છે. બીજો ઉલ્લેખ રામાયણમાં કરવામાં આવ્યો છે. કૌશલ્યા બાલ રામને ગોળ આપતાં કહે છે કે પુત્ર આ ગોળ તારા હૃદયને શીતળતા આપશે, તારી વાણી મીઠી બનાવશે. પરંતુ આ બધી તો પુરાતન વાતો છે. ૬ થી ૭ મી સદીમાં બૌધ્ધ સાધુઓ ગોળને પૂર્વ એશિયામાં લઈ ગયેલા તેવો ઉલ્લેખ કરાયો છે. સમ્રાટ હર્ષે ગોળનો ફેલાવો કરવા માટે પૂર્વ એશિયામાં પોતાના પ્રતિનિધિઓએ મોકલ્યા હતાં. જ્યારે કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે સમ્રાટ હર્ષે ગોળનો ફેલાવો કરવા માટે નહીં પણ ખાંડની પ્રક્રિયા શીખવા માટે પોતાના પ્રતિનિધિઓને મોકલેલા.

સંસ્કૃતમાં ગેંદ, બંગાળી, આસામી, ભોજપુરી, પંજાબી, ઉર્દુમાં ગુડ, સિંધીમાં ગૂઢ, ગુજરાતી, રાજસ્થાનીમાં ગોળ, કોંકણ-મરાઠીમાં ગોડ, કન્નડમાં બેલ્લ, તેલુગુમાં બેલલમ, તામિલ તેંજૂરમાં વેલ્લમ, સિંહાલીમાં હકુરુ, નેપાળીમાં ભેલી, ક્યુબા, પનામા અને ઇક્વાડોરમાં રાસપાડુરા, સાલ્વાડોરમાં પાનેલા દ ડ્યુલસે, ગ્વાટેમાલામાં પાવેકા, ડોમેરિકન રિપબ્લિકમાં રાપાડ્યુ, ચિલી-બોલીવિયા અને આર્જેન્ટીનામાં ચાન્કાકા ટાપા, સ્પેનિશમાં પનેલા, મેક્સીકનમાં પનોચા, કોલંબિયનમાં પીનોલકીલ્લો, વેનેઝુએલામાં રાપાદુરા, પેરાગ્યુવેમાં પનુસ્ટા તરીકે ઓળખાતા ગોળના ઘણા પ્રકાર હોય છે. પણ, અત્યાર સુધી સામાન્ય ગોળ ફક્ત મીઠાશવાળો ગોળ અને મસાલાવાળો ગોળ એમ કેવળ બે પ્રકારના ગોળ મારા જોવામાં આવ્યા છે. (થોડા સમય પહેલા પાકિસ્તાનથી એક મિત્રએ સ્પાઇસ-નટ ગોળ મોકલેલો. આ ગોળના પ્રત્યેક બાઇટમાંથી વરિયાળી, કાળા મરી, આખા ધાણા, બદામ, અખરોટ, કાજુ, શીંગદાણા, નાળિયેર, મેથીના દાણા વગેરે નીકળ્યાં ત્યારે ખ્યાલ આવ્યો કે ગોળનો આવો પણ પ્રકાર હોય શકે. ) આજે ગોળ, ખાંડ અને મોલાસીસ બનાવવા માટે દાડમ, ગાજર, ખજૂરી, મેપલ, કોર્ન, ગ્રેપ્સ, શેતૂર, બીટ, બાર્લી, સોયા, સોર્ગમ (જુવાર), મધ, કોકોનટ, ખજૂર, કેકટર્સ, કારોબ અથવા કૈરબ, પાલ્મ અને સુગરકેન વગેરેનો ઉપયોગ થાય છે. ભારતમાં ગોળ બનાવવા માટે કેવળ શેરડીનો ઉપયોગ થાય છે, જ્યારે યુએસની માર્કેટમાં સુગરકેન, મેપલ, કોર્ન, મધ, દાડમ અને બીટનો મોલાસીસ (લિક્વિડ ગોળ) વધુ પ્રમાણમાં ઉપલબ્ધ છે, તેનું એક કારણ એ કહી શકાય કે સુગરકેન, મધ, દાડમ, બીટ, કોર્ન અને મેપલ વગેરે ઘર આંગણાના પ્રોડકટ છે. પરંતુ કોકોનટ, જુવાર, ખજૂરી, ગાજર, પાલ્મ, કેકટર્સ, બાર્લી, ગ્રેપ્સ, શેતૂર, કારોબ અને સોયામાંથી બનતાં મોલાસીસનું પ્રમાણ ઓછા પ્રમાણમાં છે કારણ કે તે બહારનાં દેશોમાંથી આયાત કરવામાં આવે છે. સુગરકેન, મધ, ખજૂર, મેપલ, પાલ્મ, ગ્રેપ્સ ઈત્યાદીમાંથી બનતાં ગોળની મીઠાશ વધુ હોય છે. બીટ અને કોકોનટ અને કેકટર્સમાંથી બનતાં ગોળની મીઠાશ થોડી ઓછી હોય છે. દાડમ, શેતૂરમાંથી બનતા ગોળમાં થોડી ખટાશ પડતી મીઠાશ હોય છે. જ્યારે કોર્ન, મેપલ અને સોયામાંથી બનતાં ગોળમાં એક કુદરતી સુવાસ રહેલી છે જે તેમને અન્ય ગોળથી છૂટો પાડે છે. શેરડી સિવાય આપણે ત્યાં ગરમાળાનો ગોળ પણ ગ્રામ્યવિસ્તારમાં પ્રખ્યાત છે. આ ગોળ તદ્દન કુદરતી છે. ગરમાળાનાં વૃક્ષમાં જે શિંગો આવે છે તે શિંગોમાં રહેલ બીજ મીઠાશ પડતાં હોય છે. આ ગોળનો ઉપયોગ મોટેભાગે નવજન્મિત બાળકને ગળથૂથી તરીકે આપવામાં થાય છે.

ગોળનાં સફેદ અને કથ્થાઇ એમ મુખ્ય બે પ્રકાર જોવા મળે છે. પીળાશ પડતાં સફેદ ગોળમાં કેમિકલ્સ નાખવામાં આવે છે જેનો ભૂકો કરતાં ગોળ લોટ જેવો થઈ જાય છે. જ્યારે કથ્થાઇ, કાળો પડતો ગોળ દેશી ગોળ તરીકે ઓળખાય છે આ ગોળમાં કેમિકલ્સ હોતા નથી ઉપરાંત આ ગોળનો ભૂકો કરતાં તે કણીદાર થઈ જાય છે. આ ગોળ જેટલો જુનો થાય તેમ સ્વાસ્થ્ય માટે વધુ સારો નીવડે છે આથી જૂનો ગોળ હંમેશા ઔષધિના રુપમાં કામ કરે છે. આપણે ત્યાં ગોળનુ સેવન મોટાભાગે ઠંડીમાં કરવામાં આવે છે. ગોળની પ્રકૃતિ ગરમ માનવામાં આવી છે તેથી ઠંડીમાં ગોળ જરુર ખાવો જોઈએ, પરંતુ ગોળ માત્ર ઠંડીમાં જ ખાઈ શકાય તે ખોટી ભ્રમણા છે. ગોળ એનર્જી આપી ઈમ્યુનિટી પાવર વધારે છે. તેથી આયુર્વેદમાં કહ્યું છે કે રોજ મેગ્નેશિયમયુક્ત થોડા ગોળનું અથવા ગોળયુક્ત વાનગીઓનું સેવન કરવાથી થાક દૂર થાય છે, હાઈબ્લડપ્રેશર કંટ્રોલમાં આવે છે, સ્મરણ શક્તિ વધે છે. ગોળ એંટીઓકસીડેંટનું કાર્ય કરી શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે, પેટમાં ગેસની સમસ્યા નથી થતી. તદ્પરાંત ઠંડીમાં ગોળ શરીરના તાપમાનને જાળવવા માટે મદદ કરે છે. સ્ત્રીઓના માસિક ધર્મને નિયમિત કરવામાં મદદ કરે છે. ગોળ-તલનાં લાડુ અથવા ચીકકી ખાવાથી અસ્થમાની સમસ્યામાં રાહત મળે છે. જ્યારે સાકર-ખાંડ પોલીસ કરાયેલી હોવાથી વજન વધારવાનું કાર્ય કરે છે. શિયાળામાં ખવાતી ગોળ-તલની ચીકી એ શરીરને સ્વાસ્થય પ્રદાન કરે છે, પણ ખાંડ-તલની ચીકકી જંકફૂડમાં મિક્સ થઈ જાય છે કારણ કે ખાંડની મીઠાશ તલનાં સારા ગુણધર્મોને ઓછા કરી નાખે છે. જો કે આયુર્વેદ એ પણ કહે છે કે કોઈપણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ હંમેશા નુકસાન કરતાં હોય છે આ તથ્યમાં ગોળ પણ શામિલ છે. વધુ પડતો ગોળનો ઉપયોગ શરીરમાં સુગરનું લેવલ વધારી દે છે. ગોળમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશીયમ, ફોસ્ફોરસ, લોહતત્વ, તામ્રતત્વ, સુક્રોઝ, ગ્લુકોઝ, ખનિજ અને પાણી હોય છે. ગોળના આટલા બધા ગુણો જોતાં ખ્યાલ આવે છે કે ગોળનું મોલાસીસ, ઘન સ્વરૂપ કે પાવડર કોઈપણ સ્વરૂપ ભલે હોય પરંતુ કોઈપણ સ્વરૂપમાં ગોળ ખાંડ કરતાં સૌથી વધુ સ્વાસ્થયવર્ધક છે.

– પૂર્વી મોદી મલકાણ

અક્ષરનાદ પર લાડુ વિશેના શ્રી અરુણાબેનના ગઈકાલના લેખથી જાણે મીઠાસની મૌસમ શરૂ થઈ છે, આજનો પૂર્વીબેનનો લેખ શેરડી, ખાંડ, આર્ટિફિશિયલ સુગર, મોલાસિસ અને ગોળ વગેરે પર રસપ્રદ વિગતો રજૂ કરે છે. પૂર્વીબેનની રચનાઓ તેમના સંશોધન અને અભ્યાસપૂર્ણ તારણોથી સમૃદ્ધ હોય છે, એમ આજનો તેમનો લેખ પણ માહિતીપ્રચૂર થયો છે. આવી સુંદર અને ઉપયોગી કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ પૂર્વીબેનનો આભાર.


આપનો પ્રતિભાવ આપો....

28 thoughts on “ગોળની ગળી અને મોલાસીસની મીઠી માયા – પૂર્વી મોદી મલકાણ

 • Karangiya DK

  પરંતુ બેન આજ થી ૪૦ થી ૪૫ વર્ષ પહેલાં એક ભિલી ગોળ મળતો તો તે હવે ક્યાંય જોવા મળતો નથી તેનો સ્વાદ અનેરો હતો… તે હંમેશા ઠોસ ભીલી ના રૂપમાં જ મળતો જરાય નરમ ન હતો…તે ક્યો ગોળ તે ખબર હોય તો કહેશો

 • jacob

  મોલાસીસ એ ખાંડનું તત્વ કાઢી લીધા પછી રહેતો કાળા રંગનો કાઢો હોય છે. જેનું કોઇ મુલ્ય નથી હોતું. પણ એમાંથી આલ્કોહોલ અને સ્પરીટ ઉંચી માત્રામાં મળતાં હોવાથી સુગર ફેકટરીમાંથી તેની નિકાસ પોલિસની નિગરાની હે૯ળ થતી હોય છે. એટલી મોલાસીસ વિશેની સ્પષ્ટતા જરૂરી છે.

  • meena

   જેકોબભાઈ અમારે અહી એટ્લે કે યુ.એસ માં મોલસીસ જ સૌથી વધારે વપરાય થાય છે. ખાલી આલ્કોહોલ બનાવવા માટે નહીં. મોલાસીસમાંથી વિવિધ પ્રકારની પ્રોટીન સ્નેકબાર, સિરિયલ, આઇસ્ક્રીમ, ફ્રોજન યોગર્ટ, આલ્કોહોલિક ને નોન આલ્કોહોલિક ડ્રિંક્સ, બ્રેડ વગેરે બનાવવામાં થાય. બેઝિકલી વિવિધ પ્રકારના ફૂડ બનાવવામાં. ગોળ તો અમને ઇંડિયન સ્ટોરમાંથી જ મળે ને એય જો FDA માંથી પાસ થાય તો જ . થોડા જ સમય પહેલા અહીંની એક ઇંડિયન કંપનીનો ઈન્ડિયાથી આવેલ ગોળના કાર્ટનનો મોટા જથ્થાનો યુ.એસ ગવરમેંટે નાશ કરેલો. ને ખાસ સીએનએન માં બતાવ્યુ તું કે ગોળ નો નાશ કેવી રીતે કરેલો ને અહીં વસેલા ભારતીયો ને કીધું તું કે ઈન્ડિયા થી આવેલ ગોળ નો ખાવો. આ સૂચના પછી અમે હવે મોલસીસ જ વાપરીએ છીએ. અત્યારના ઈન્ડિયા ના ગોળ કરતાં સેઇફ તો ખરો.

 • Naren

  પૂર્વીબહનના લખાણમાં એવી મીઠાશ છે કે જેનો આસ્વાદ લઈ “અન્નપુર્ણા સુખી ભવઃ” એમ કહેવાનું મન થાય.

 • Rashmi

  બહુ સુંદર માહિતી સાથેનો લેખ. એક જ વસ્તુના કેટલા બધા પ્રોડક્ટ વિષે સરળતાથી સમજાવ્યું છે. it is very good article.

 • pravina

  mane khabar n hati ke aatla badha desho gol nu utpadan thaay chhe. mane to lagyu ke khali bhartiyo ne pakistani loko gol khay chhe. koie kyarey aatla vistrut mahiti samjavi nathi. purvi ben thaki aatla uchch prakar na leekho e aa blog no y prakar ucnche aavi gyo chhe. hoon tamara badhay lekho vanchti hou chhu. tamara lekhno e hanmesha mane jankari, mahiti, gyan, dharam badhu ye aapiyu chhe.

 • meena

  adbhut adbhut adbhut lakhan. aatlu lakhva paachhal ketla divasni mahent hashe. atyar sudhi gol khai janyo chhe. pan gol uparnoy itihas chhe e pelivaar khabar padi. ne aapna desh sivay bija desho maye gol khavaay chhe teni ye pelivaar khabar padi. khand no y itihaas..vaah vaah

 • મહેશ શાહ વડોદરા

  આ લેખ છે કે મધ મીઠી માહિતીનો મહેરામણ?
  એક જ સ્થાને આટલી પ્રચુર અને વિશ્વસનીય માહિતી આપવા પૂર્વી બેને અભૂતપૂર્વ મહેનત લીધી છે. રીસર્ચ તો તેઓ કરે જ છે પણ આટલું ઉંડાણ? આટલો વ્યાપ? અતિ સુંદર.
  આમ તો આ લેખે અમારી ભૂખ ઉઘાડી નાખી છે. હવે આવા જ અનેક અનેક માહિતી પ્રચુર રસપ્રદ લેખો પૂર્વીબેને અને અક્ષર્નાડે આપવા જ પડે. ચાલો એક પછી એક માહિતી-સાગર અને જ્ઞાન-સમૃદ્ધિ રજુ કરવાનું શરૂ જ કરી દો. અમે આતુર નયને રાહ જોઈ રહ્યા છીએ.

 • P.K.Davda

  હંમેશ મુજબ ખૂબ જ માહિતીપૂર્ણ લેખ. ઈતિહાસ અને વિજ્ઞાન બંનેનો સુંદર સમન્વય.
  પૂર્વીબહેનકા જવાબ નહિં !

 • Yagnesh Desai

  ખુબ જ સરસ મહિતિ બદલ આભર્ હમો હમેશ દેશિ ગોલનિ રસિ નો જ ઉપ્યોગ કરિએ હમો તેજાના યુક્ત ગોલ પન બનવિએ જેમા તજ લવિન્ગ એલચિ જાયફલ સુ થ ગન્થોદા જાવન્ત્રિ નાખિને બનાવિએ

 • Ashwin Shah, Vadodara

  પૂર્વીબેન એટલેજ માહિતી, જ્ઞાન, ડહાપણ/શાણપણ અને તેનું નીવડેલ નીચોડ કોઇપણ વિષયમાં માહિતી પહોચાડવામાં માહેર જે માટે પરિશ્રમ, સંશોધન, અને ગજબ ધગશ બધુજ જન હ્તાર્થે જ, સુક્ષ્મમાં સુક્ષ્મ માહિતીને વરી લેવાની કુનેહ। , ધાર્મિક, આધ્યાત્મિક, સ્વાસ્થ્ય, ઈતિહાસ, વિજ્ઞાન જેવા અનેક ગુઢ વિષયો સદર્ભે ઊંડા અભ્યાસ સાથે જ પ્રસ્તુતિ કરવાની મહેચ્છા ,

 • himmatlal

  પૂર્વી બેન મોદી મલકાન નો શેરડી અને તેની બનાવટની વસ્તુઓનો માહિતી સભર લેખ વાંચ્યો .ઘણું જાણવા મળ્યું .
  પૂર્વી બેને કેટલી બધી મહેનત કરીને આટલી બધી માહિતી ભેગી કરીને આપણા સુધી પહોંચાડી તે માટે હું પૂર્વી બેન નો અને અક્ષર નાદનો હું ઘણો આભાર માનું છું .” આતા ” હિંમત લાલ જોશી

 • hemgya

  પૂર્વીબેનનો લેખ હોય તો બીજું કાઇ કહેવાનું રહેતું નથી. પૂરક માહિતી સાથે રોચક ઇતિહાસની જાણકારી એ એમની ખૂબી છે. આ એક જ લેખમાં કેટલા ઇતિહાસ જોડવામાં આવ્યા છે. કોલંબસ, પોર્ટુગીઝ, નેટિવ ઇંડિયન, અરેબિક, યુરોપ, મેક્સિકો, સાઉથ અમેરિકા, ફ્રાન્સ, ને નોર્થ અમેરિકા તો હોય જ, ને એમાંયે બાકી રહી ગયું હોય તેમ ચીન. પૂર્વીબેન તમે તો આ લેખ દ્વારા આખીયે દુનિયાની સેર કરવી દીધું. ને અંતે ખૂબ જ માહિતી પ્રચુર લેખ બનીયો છે.

 • pradip raval

  યોગ્ય સ્થને પુબ્લિશ થાય તે જરુરિ ચ્હે.આવ લેખો દિવાલિ અન્ક મ પ્રસિદ્ધ થાય તો વધુ વાચકો લભ લયિ શકે.ખુબજ મહિતિસભર લેખ ચ્હે .આભર્