રાજેશ દલાલ (૧૯૫૩-૨૦૧૪)
જેમનો વૈશ્વિક સ્તર પર મહાન વિચારક અને ધાર્મિક શિક્ષક તરીકે આદર કરવામાં આવે છે તેવા જે. કૃષ્ણમૂર્તિએ રાજેશ દલાલને પોતાની સાથે રહેવા માટે આમંત્રિત કર્યા હતા. કારણ કે તેઓ સર્જનશીલ શિક્ષક હતા. રાજેશ દલાલ કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના ટ્રસ્ટી હતા. તેઓ કાનપુર આઈઆઈટીના સ્નાતક હતા. પરંતુ પોતાની ઉજ્જવળ કારકિર્દીની તક તેમને વારાણસીની રાજઘાટ બેસન્ટ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાતા અટકાવી શકી ન હતી. ૧૯૮૬માં કૃષ્ણમૂર્તિના દેહ વિલય બાદ તેમણે ચેન્નાઈમાં ‘વસંત વિહાર’ ને સ્ટડી સેન્ટર તરીકે વિકસાવવામાં સારો એવો ફાળો આપ્યો હતો અને કેએફઆઈની બધી શાળાઓ તથા અભ્યાસ કેન્દ્રો સાથે પણ તેઓ સક્રિયપણે જોડાયેલા હતા. તેમણે કૃષ્ણમૂર્તિના બોધને આત્મસાત કર્યો હતો. તેમણે ઘણા યુવાન લોકોને અને નવાગંતુકોને કૃષ્ણમૂર્તિના બોધને સમજવામાં ભરપૂર સહાય કરી હતી.
જે.કૃષ્ણમૂર્તિએ તેમને આદર્શ, અધિકૃત અને સર્જનાત્મક જીવન જીવવા માટે પડકાર આપી તે માટે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરાં પડ્યા હતા. પોતાનાં જીવનનાં ત્રીસ વર્ષ સુધી તેમણે એક જ ધ્યેય અપનાવ્યું હતું, માનવીની ચેતનાનું રૂપાંતર કરવાનું. આ ભગીરથ કાર્ય કરવા માટે તેઓ લોકોને આમંત્રિત કરતા, પ્રશ્નો પૂછતા, તેમને માનવ અસ્તિત્વના મૂળભૂત પ્રશ્નોની ઊંડી તપાસ કરવા માટે પ્રેરતા હતા.
૬૧ વર્ષે પૂનામાં તેમણે અંતિમ શ્વાસ લીધો ત્યાં સુધી તેઓ પોતાનાં જીવન-કાર્ય માટે સક્રિય રહ્યા હતા. માનવ અસ્તિત્વની ચેતનાનું રૂપાંતર કરવા માટેની તેમની ખેવના, આંતરસૂઝ, દૃષ્ટિ તથા ચિંતા વિષે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે એશિયા, યૂરોપ અને ઉત્તર અમેરિકામાં ચર્ચા સભાઓમાં આમંત્રિત કરવામા આવતા હતા.
કૃષ્ણમૂર્તિ ફાઉંડેશન તરફથી પ્રકાશિત થતી પત્રિકા ‘અંતરમેળ’ નાં મે-ઓગસ્ટ અંકમાં તેમને આપવામાં આવેલી ભાવાંજલિનો ગુજરાતી અનુવાદ અત્રે પ્રસ્તુત છે.
* * * * *
કૃષ્ણમૂર્તિની મૃત્યુતિથિનાં થોડા સપ્તાહ પહેલાં અને તેઓ સ્વયં જતાં રહ્યાં તે પહેલાં ફેબ્રુઆરીની ૧૭ મી તારીખના તેમનાં છેલ્લાં ઇમેલમાં રાજેશ દલાલે કેએફઆઈના ટ્રસ્ટીઓ સમક્ષ ત્રણ પ્રશ્નો રજૂ કર્યા હતા:
૧. શું આપણે કૃષ્ણમૂર્તિ અને કેએફઆઈનાં તમામ સંદર્ભોને એકબાજુ રાખીને તેમનાં બોધની બાબતમાં મળવા અને તેની તપાસ કરવા માટે સમર્થ છીએ? એમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે, બંને, જયારે આપણે ભૂલી જઈએ ત્યારે અને ન ભૂલ્યા હોઈએ ત્યારે?
૨. મારા અભિપ્રાય પ્રમાણે બોધ શો છે? શું મેં કોઈ રીતે ચોક્કસ અર્થ દર્શાવ્યો છે? હું મારી સમજને કઈ રીતે જાળવું? શું હું બીજાના અર્થોનો વિરોધ કરું? શું હું મારી સમજને જાળવી રાખું અને બીજા પણ મારી જેમ જ તેને સમજે એવી આશા રાખું? આ અત્યંત મહત્વની બાબતમાં ખરેખર મારી અને મારા મિત્રોની હાલત કેવી થાય છે?
૩. બધા લોકો એકસાથે મળીને ઊંડી તપાસ કેવી રીતે કરી શકે? આવી તપાસ કરતી વખતે શું સામે આવે છે? કયા પરિબળો તેમાં સહાયક બને છે?
રાજેશ દ્વારા ટ્રસ્ટીઓ સમક્ષ રજૂ કરવામાં આવેલાં આ પ્રશ્નો દ્વારા એક પડકાર કરવામાં આવ્યો છે. તે પડકારને તેમનાં કૃષ્ણમૂર્તિ સાથેના સંબંધ સાથે અને તેમની પોતાની અધિકૃત માનસિકતાના સંદર્ભમાં તપાસવાનો હતો. તેમની માનસિકતા કૃષ્ણજીનાં બોધની મૂળ ભાવનાથી અને તે વિશેની સભાનતાથી સમૃદ્ધ બની હતી અને તે જ વાત ટ્રસ્ટીઓ વિશેની કૃષ્ણમૂર્તિની પોતાની અપેક્ષામાં પણ પડઘાતી હતી. કમનસીબે તેમની આ અપેક્ષામાંથી ઉદભાવતી સંભવિત તપાસ વિષે જાણવા માટે તેઓ જીવિત ન રહ્યા.
ફાઉન્ડેશનના સભ્ય તરીકે ભલે ઉમરમાં સહુથી નાના હતા તેમ છતાં રાજેશ દલાલનો સમયગાળો હાલના કોઈપણ સભ્ય કરતાં વધારે હતો. તેમનાં વિદ્યાર્થી અવસ્થાના ગાળામાં તેમનો કૃષ્ણમૂર્તિના લખાણો સાથેના પરિચયે તેમનાં પર તરત ઊંડી અને ઘેરી અસર કરી હતી. અને આઈઆઈટી કાનપુરમાં ૧૯૭૬માં જેવો તેમણે પોતાનો એન્જિનિયરિંગની ડીગ્રીનો અભ્યાસ પૂરો કર્યો કે તરત જ તેઓ રાજઘાટની સ્કૂલમાં જોડાઈ ગયા હતા. કૃષ્ણમૂર્તિ સાથેની તેમની પહેલી મુલાકાત અને ત્યારબાદ તેમની સાથેની વાતચીત તથા યાત્રાને લીધે તેમની જિંદગીને અને કાર્યને આકાર તથા દિશા સાંપડ્યા. તેમની ઉમરના ત્રીજા દસકામાં જ તેમણે ફાઉન્ડેશનના સભ્યપદ માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેઓ પોતાનાં સમગ્ર જીવન દરમિયાન બોધના ઉત્કટ જિજ્ઞાસુ બની રહ્યા અને બીજો કોઈ વિકલ્પ તેમણે અપનાવ્યો નહીં.
રાજઘાટમાં એક મકાનનું ધ્યાન રાખવાનું રાજેશને સોંપવામાં આવ્યું હતું. એ મકાનમાં કેટલાક યુવકો રહેતા હતા. તેમણે તેમની સાથે રહીને તેમને શૈક્ષણિક વિષયો શીખવવાની સાથે સાથે તેમનામાં જીવનના ઊંડા મૂલ્યોનું સંવર્ધન કરવાની જવાદારી પણ સાંભળી લીધી. ત્યારથી જ તેમની સહુમાં હળીભળી જવાની કુદરતી સહજતા સાથે તેમની અસાધારણ અને અદભુત હળવી તથા પ્રસન્નકર શૈલીને લીધે તેઓ એક તેજસ્વી અને સફળ શિક્ષક બની ગયા તેઓ તેમના વિદ્યાર્થીઓને જીવન સાથેનો નાતો જોડી આપતા અને તેમનામાં જીવનના પ્રશ્નો તથા જટિલ બાબતો પર સૂક્ષ્મપણે વિચારવાની આવડત વિકસાવતા હતા. તેઓ વિદ્યાર્થીઓને જાદુઈ યુક્તિ કરીને, કોયડા પૂછીને, બોલવા અઘરા પડે તેવા શબ્દો કે ઉખાણાં પૂછીને ચકિત કરી દેતા અને તેમાં તેમને વિદ્યાર્થીઓ સાથે અપાર આનંદ મળતો હતો.
૧૯૮૦ માં, કૃષ્ણજીની આજ્ઞા મુજબ, રાજેશ ઋષિ વેલી ગયા અને ત્યાં તેમણે જુનિયર સ્કૂલના આચાર્ય તરીકે સેવાઓ આપી. તેમની હેઠળના રાજ્ઘાટના તેમના ઘણા વિદ્યાર્થીઓ પણ ઋષિ વેલીમાં તેમની પાસે પહોંચી ગયા હતા. જુનિયર સ્કૂલમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિઓને વધારે વિસ્તારવા ઉપરાંત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓને વધારે મોકળાશ મળે તે માટે તેમણે ઋષિ વેલી સ્કૂલના સંચાલન માટે રચેલી નવી મેનેજમેન્ટ ટીમમાં નિર્ણાયક એવી અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી. ઋષિ વેલીને માધ્યમિક સ્કૂલનો દરજ્જો મળે તે માટે તેમણે પાયાની કામગીરી કરી હતી, જેનું બંધારણ પછીથી કેએફઆઈની ઘણી સ્કૂલો દ્વારા અપનાવવામાં આવ્યું હતું.
ઋષિ વેલીમાં આઠ વર્ષ સુધી રહ્યા બાદ રાજેશ કેએફઆઈનાં વારાણસીના વસંત વિહારના મુખ્ય મથકે આવ્યા. જ્યાં તેમણે અભ્યાસ કેન્દ્ર (સ્ટડી સેન્ટર) નાં નિર્માણ કાર્યમાં મદદ કરી. તેમણે અહીં શહેરની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓમાં કૃષ્ણમૂર્તિ પર વાર્તાલાપો આપ્યા અને તેમાં સ્કૂલના વિદ્યાર્થીઓને અને યુવકોને જીવનના પ્રશ્નોમાં રસ લેવાં વસંત વિહારમાં આમંત્રિત કર્યા. તેમણે પોતાનાં પત્ની સરસ્વતી સાથે લડાખના નાના બાળકોના સમૂહના ઉછેર અને કેળવણી માટેનો લાંબાગાળાનો કાર્યક્રમ પણ હાથ ધર્યો હતો.
૧૯૯૬ માં, સરસ્વતી સાથે રાજેશને આ બાળકો સાથે ઉત્તરકાશી પાસે આવેલી ભાગીરથી વેલીના નવા સ્થળે રહેવા જવા માટે આમંત્રિત કરવામાં આવ્યા. જ્યાં તેમણે કેએફઆઈની એક નાની સ્કૂલની પુનઃસ્થાપના કરવાની હતી. હિમાલયનાં ગામડાનાં બાળકો માટે એ સ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી. અહીં એકત્રિત થયેલી સમર્પિત વ્યક્તિઓની એક નાની ટીમ સાથે મળીને તેમણે અદભુત સર્જનાત્મક પ્રોજેક્ટ (યોજના) અમલમાં મૂકી હતી જેને નવેસરથી નચિકેત નામ આપવામાં આવ્યું હતું. જો કે, તે સ્કૂલને સમયાંતરે બંધ કરવી પડી હતી. જેમનો કાળજીપૂર્વકના અને જીવનસભર વાતાવરણમાં ઉછેર થયો હતો તેવાં ઘણાં બાળકો સરસ્વતી સાથે ભારતનાં અન્ય સ્થળોએ પણ આવ્યા હતા અને તેઓએ પોતાનું આગવું શિક્ષણ ચાલુ રાખ્યું હતું જેમાં રાજેશનો પૂરેપૂરો સહયોગ હતો.
આ સમય દરમિયાન, રાજેશને રાજઘાટ એજ્યુકેશન સેન્ટરમાં ઉપરી અધિકારી તરીકે ફરી આવવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો હતો. જેને માટે તેઓ પાંચ વર્ષથી સખત મહેનત કરી રહ્યા હતા તે પહાડી વિસ્તારમાં આવી યોજના સક્રિય રીતે કાર્યરત રાખવી તે નચિકેત યોજનાની જેમ એક જબરદસ્ત પડકાર હતો.
૨૦૦૭ માં રાજેશે કેએફઆઈને સમર્પિત થઈને વધારે સંસ્થાકીય જવાબદારીઓ નિભાવવાનું નક્કી કર્યું અને જે લોકો સ્વ-તપાસ (આત્મ-ખોજ) કરવામાં રસ ધરાવતા હતા તેવા નવા સમૂહ માટે મુસાફરી અને મુલાકાતોનું આયોજન કરતા રહેતા હતા.
કેટલાક દશકાથી રાજેશે પોતાને માનવીય ચેતનામાં રૂપાંતરણ લાવવાની બાબતને અને માનવ અસ્તિત્વને લગતા મૂળભૂત પ્રશ્નોનાં નિરાકરણને એક પડકાર સમજીને પોતાની જાતને તે માટે સમર્પિત કરી દીધી હતી. તેમને આંતરરાષ્ટ્રીય સભાઓ અને સંમેલનોમાં મુખ્ય અતિથિ તરીકે અથવા મુખ્ય વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવતા હતા. તેઓ ભારતભરમાં, યુરોપના અમુક ભાગોમાં, અમેરિકામાં અને રશિયામાં પુષ્કળ યાત્રા કરતા હતા. તેમનાં જીવનના અંતિમ ચરણમાં ૨૧ મી સદીમાં જેઓ માનવીની વિકટ પરિસ્થિતિ અંગે વધારે ઊંડી સમજણ મેળવવા તત્પર હતા તેવા વૈવિધ્યસભર શ્રોતાગણને તેમનું વધારે આકર્ષણ હતું. તેઓ તેમની સાથે ‘સહ-યાત્રી’ તરીકે વાતચીત કરતા હતા, જેમાં તેઓ પોતાની ઊંડી સમજ દર્શાવતા અને જટિલ માનવ સમસ્યાઓના સંભવિત ઉકેલની ચર્ચા કરતા. તેમના સહુથી વધારે અસરકારક વાર્તાલાપોમાંથી ઘણાં યૂ-ટ્યુબ ઉપર ઉપલબ્ધ છે.
જો કે, આ સમયે રાજેશ તેમનાં કેએફઆઈના નિકટવર્તી મિત્રો અને સાથીદારો સાથે ઘનિષ્ઠ સંપર્કમાં રહેતા હતા. તેઓ ટ્રસ્ટીઓ સાથે તેમજ કેએફઆઈ સ્કૂલના પ્રિન્સીપાલ અને શિક્ષકો સાથે ઉત્સાહપૂર્વક પ્રેરક સંવાદો કરતા હતા. અંધકારની ગર્તામાં ડૂબતા જતાં વિશ્વને બહાર લાવવા માટે કૃષ્ણમૂર્તિએ પોતાનાં જીવનકાળ દરમિયાન દરેક વ્યક્તિઓ અને સ્થળો માટે પ્રકાશનું કેન્દ્ર વિકસે તેવી સંભાવના દર્શાવી હતી તેને વિષે તેઓ હંમેશાં ઊંડી ખેવના રાખતા હતા.
રાજેશ દલાલે યુવાનીમાં, મધ્ય વયે અને વૃદ્ધાવસ્થાને પ્રારંભે તેમની બાળસહજ નિર્દોષતાને ક્યારેય પોતાનાથી અળગી થવા દીધી ન હતી, એ તો તેમના અસ્તિત્વ સાથે જન્મજાત જોવા મળતી હતી! અનુમાન કરીએ તો કહી શકાય કે તેમના અસ્તિત્વની સફળતાનું રહસ્ય હતું માનવ પ્રકૃતિ પર તેમની અડગ શ્રદ્ધા અને દ્વેષબુદ્ધિનો સદંતર અભાવ.
– રાધિકા હર્ઝબર્ગર, આલોક માથુર.
પ્રેષક / અનુવાદક – હર્ષદ દવે
આ એક અણજાણ પાસાનો પરિચય મળ્યો. સરસ. જાણવાની મઝા પડી. આભાર, હર્ષદભાઈ
જે. કૃષ્ણમૂર્તિની માનવીના સુખી અને આનંદમય જીવનની ખેવના તેમના દરેક વિચાર અને ચિંતનમાં વ્યક્ત થાય છે. જીવનની શરૂઆતથી જ તે કેવી રીતે પામી શકાય તેનો માર્ગ તેઓ દર્શાવે છે. તેમના વિચારો-ચિંતન-મનન માણસને જીવન કેવી રીતે જીવવું જોઈએ તે શીખવે છે. ગુજરાતીમાં તેમનું કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન દ્વારા મુંબઈથી બહાર પડતું મુખપત્ર મેળવવા માટે kfimumbai@gmail.co ઉપરથી તેમનો સંપર્ક કરી તમારી વિગત મોકલી શકાય છે.