મધુરજની અને રજનીગંધા! – વલીભાઈ મુસા 12


ખરે જ નણદલડી કોકિલાના હરખનો કોઈ પાર ન હતો. ભૈયાભાભીના મધુરજની માટેના શયનખંડને એણે જ ભવ્યાતિભવ્ય રીતે સજાવ્યો હતો. કુમારિકા એવી વરની બહેનડી દ્વારા નાજુક અને ક્ષોભજનક એવા આ કાર્યને અંજામ અપાય તેમાં થોડોક ઔચિત્યભંગ તો જરૂર હતો, પણ અન્ય કોઈ વિકલ્પ પણ ક્યાં હતો ! ઘરમાં અન્ય કોઈ મોટી ભાભી ન હતી અને વરની બા તો આવી મર્યાદા ઓળંગી શકે જ નહિ ને ! તેમણે તો લગ્નને લગતી સેવાઓ પૂરી પાડતી કોઈ એજન્સીનો સહારો લેવાનું સૂચન કર્યું હતું, પરંતુ કોકિલાએ એ વાતનો ધરાર ઇન્કાર કર્યો હતો.

વરકન્યાના બંને પક્ષે સાદગી અને ઓછામાં ઓછાં સગાંસંબંધીની હાજરી થકી ગામના મંદિરમાં જ વિવાહ સંપન્ન થાય તેવી સમજૂતિના ભાગરૂપે પંદરેક કિલોમીટર દૂરના એ ગામે વહેલી સવારે મંગળફેરા ફરી લઈને, બપોરનું કન્યાપક્ષનું જમણ લીધા પછી, તરત જ જાન પાછી પણ ફરી ગઈ હતી. આગલી રાતના ઉજાગરાને સરભર કરવા અને આજની મધુરજનીએ થનારા ઉજાગરાને ધ્યાનમાં રાખીને કોકિલાએ ચેતના ભાભીને પોતાના જ બેડરૂમમાં સુવાડી દીધાં હતાં. મોટા ભાઈ વૈભવ ઉપર તેણે માર્શલ લૉ લાદી દીધો હતો કે તેઓ દિવસ દરમિયાન પોતાના કોઈપણ મિત્રના ત્યાં આરામ ફરમાવે કે અન્ય મિત્રો સાથે સમય ગાળે, પણ સાંજના ડિનર પહેલાં તેમણે ઘરમાં પગ મૂકવાનો ન હતો.

રિસેપ્શન તો બીજા દિવસે સાંજે રાખ્યું હતું, પણ આજના આ ડિનરમાં તો ઘરનાં જ સભ્યો, વૈભવના કેટલાક મિત્રો અને સાવ નિકટનાં સગાંસંબંધી જ હતાં. હાસ્યવિનોદ અને ટોલટપ્પા સાથે ભોજનકાર્ય પૂરું થયું. સગાંવહાલાં વિખરાવા માંડ્યાં. વૈભવ મિત્રો સાથે પ્રાંગણમાં જતો રહ્યો, જ્યાં ડૅઝર્ટની કે એવી કોઈક જયાફત માણીને તેમણે છૂટા પડવાનું હતું. મિત્રોમાં વૈભવ પહેલો જ હતો કે જેણે ગૃહસ્થીમાં પગલાં માંડ્યાં હતાં. મિત્રો વચ્ચે પોતે ક્ષોભ ન અનુભવે એટલા માટે ચેતનાને બધાની વચ્ચે બોલાવવાનું ટાળ્યું હતું. સૌના વિખરાયા પછી ડાઇનિંગ રૂમની સામેના જ ડ્રોઈંગરૂમમાં નણંદભાભી અને બાબાપુજી વધ્યાં હતાં. થોડીવાર પછી બાપુજીએ કૃત્રિમ બગાસું ખાતાં બા તરફ આંખનો ઈશારો કરીને પોતાના બેડરૂમ તરફ વિદાય લીધી. બાએ પણ ઊભાં થઈને ચેતનાના માથે હાથ પસવારીને આંખો પટપટાવતાં તેના ગાલ ઉપર હળવી થાપટ મારીને સ્મિતમઢ્યા ચહેરે ચાલતી પકડી.

ચેતના હર્ષ અને ગભરાટ મિશ્રિત ભાવ અનુભવી રહી હતી. યુવાન સ્ત્રીઓ જે મધુરજનીની ઝંખના સેવતી હોય, તે જ ઘડી આજે ચેતના માટે સાવ નજીક આવી પહોંચી હતી. તેમનાં ગોઠવાએલાં લગ્ન હતાં અને વેવિશાળ પહેલાં સેલફોનના માધ્યમે કલાકો સુધી તેમની વચ્ચે મધુર પ્રેમાલાપ થતો રહ્યો હતો અને પરસ્પરના વિવિધ મુદ્રાઓમાંના ફોટાઓની આપલે પણ થઈ ચૂકી હતી. વેવિશાળ વખતે માત્ર મિત્રો અને બહેન કોકિલા સાથે આવેલા વૈભવને કુટુંબીજનોની હાજરીના કારણે ઊંચી આંખ કરીને બરાબર જોઈ શકી પણ ન હતી. વળી લગ્નવિધિ દરમિયાન માયરામાં તો એમ કરવાનો સવાલ જ ઊભો થતો ન હતો. પરંતુ હવે તો પોતે નિ:સંકોચપણે પતિનો માત્ર ચહેરો જ નહિ જોઈ શકે, પરંતુ તેને પોતાના હૃદયતલમાં ઊતારી પણ શકશે.

પ્રથમ ફ્લોર ઉપર વૈભવનો બેડરૂમ હોવા છતાં કોકિલાએ ટૅરેસ ઉપરના પૅન્ટહાઉસને જ પસંદગી આપી હતી કે જેથી તેઓ ચેન્જ માટે બહાર ટૅરેસના બાકીના ખુલ્લા ભાગે અને ખુલ્લા આસમાન નીચે બેસીને તારાખચિત રાત્રિનો નજારો માણી શકે. તેણે ટૅરેસની દિવાલને લગતાં ફૂલછોડનાં કૂડાં મુકાવી દીધાં હતાં. બે આરામખુરશીઓ અને વચ્ચે ટિપોય ઉપરાંત વધારામાં હિંચોળો પણ ગોઠવવામાં આવ્યો હતો. હિંચોળાનાં કડાંને તેણે ઊજણ પણ કરાવી દીધું હતું કે જેથી તેના કિચુડકિચુડ અવાજથી કોઈને ખલેલ ન પહોંચે.

કોકિલાએ ચેતનાનું બાવડું ઝાલીને તેને દાદરભણી દોરવા માંડ્યું, ત્યારે બહુ જ દબાતા અવાજે મરકમરક સ્મિત કરતાં ચેતનાએ નણદીના કાનમાં કહ્યું, ‘મારી તબિયત તો સારી છે, પછી સહારો આપવાની કોઈ જરૂર ખરી !’

કોકિલા હસી પડી અને કહ્યું, ’લાજવાબ ડાયલોગ ફટકાર્યો હોં કે, ભાભી ! અને લ્યો ત્યારે, તમારી મંઝિલ પણ આવી ગઈ.’

‘મને તો ગભરામણ થાય છે. તમારા ભાઈ સાથે શી વાતો કરીશ, એ જ મને સમજાતું નથી !’

‘એ તો કાલે તમે જ પૂછશો કે આજે એકવીસમી જુન હતી ?’

‘અરે બોન, હાલ તો એપ્રિલ ચાલે છે અને હું એવું કેમ પૂછું ?’

‘મને લાગે છે કે ભણવામાં ભૂગોળ ફાવતી નહિ હોય ! અરે ભલી બાઈ, એકવીસમી જુનના રોજ ટૂંકામાં ટૂંકી રાત હોય છે !’

‘ઓહો, એનો મતલબ એમ કે અમારી વાતોમાં આજની રાત ટૂંકી બની રહેશે ! શું કમાલનું ભેજું છે, તમારું ?’

શયનખંડમાં પ્રવેશતાં જ કોકિલાએ એક જ માસ્ટર સ્વીચ પાડી અને સઘળે ઝળહળાટ વ્યાપી ગયો. તેણે ચેતનાને ડબલબેડની ડાબી બાજુની ટુ વે માસ્ટર સ્વીચની રચના સમજાવી દીધી. વળી એ પણ સમજાવી દીધું કે એકસાથે બધી લાઈટ ચાલુબંધ થવામાંથી નાઈટલેમ્પ બાકાત રહેશે, કેમ કે તે અંગત ગુલામ તરીકેની સેવાઓ આપશે અને તાળીના અવાજે કામ કરશે. તેના નિશ્ચિત વ્યાપમાં રહીને પહેલી તાળી વગાડતાં તે ડીમ લાઈટ આપશે, બીજી તાળીએ મધ્યમ લાઈટ અને ત્રીજી તાળીએ ઝળહળતો પ્રકાશ. એ જ પ્રમાણે ચોથી તાળીએ તેની ઊંધી કામગીરી શરૂ થશે અને મધ્યમ, ડીમ અને અંધકારની ક્રમિક પ્રક્રિયા કરી બતાવશે.

‘વાઉ ! કમાલની ચીજ !’ ચેતના આશ્ચર્યચકિત થઈ જતાં બોલી ઊઠી.

કોકિલાએ સડસડાટ આગળ ઉમેર્યું, ‘વૈભવભાઈના દુબઈ વસતા મિત્રે આજની રાત માટેની આ ખાસ ભેટ મોકલી આપી છે. બીજું બધું જલ્દીજલ્દી સમજાવી દઉં કે ફ્રિજમાં પાણી, દૂધ, આઈસક્રીમ, મીઠાઈ, ફળફળાદિ, નવતાડના સમોસા વગેરે મોજુદ છે. જોડેના મજુસમાં નમકીન અને ડ્રાય ફ્રુટ્સ છે. માઈક્રો ઓવનમાં સમોસા ગરમ થઈ શક્શે અને સર્વિસ ટી પણ બની શકશે. એ.સી. અને ફેનની એમ બંને સુવિધાઓ છે. રૂમના ચારે ખૂણાઓમાં જુદીજુદી સુગંધવાળા બિલ્ટ ઈન ડ્રાય બેટરીથી ચાલતા એરફ્રેશનર ઓટોમેટિક પંપ મૂકેલા છે. દરદાગીના મૂકવા માટે તિજોરી છે. કબાટમાં નાઈટડ્રેસ, તકિયા-કવર, ચાદરો વગેરે છે. કુશળ ગૃહિણી છો એટલે બાકીનું બધું સમજાઈ જશે. હું મારા ભાઈને મિસ્કોલ આપું છું. તેઓ મિત્રોને ટિકિટ આપીને રવાના કરશે. હું જાઉં છું. ગુડ નાઈટ, શુભ રાત્રિ, શબ્બા ખૈર; સવારે નાસ્તા માટે ડાયનીંગ ટેબલે મળીશું. હેવ અ નાઈસ નાઈટ, વિશ યુ અ હેપી મેરીડ લાઈફ; ઓ માય લવલી ભોજાઈ.’
નણંદભોજાઈની આંખો અકથ્ય એવા ભાવ સાથે અશ્રુભીની બની રહી.

* * * * *

કોકિલા વૈભવને મિસ્કોલ આપીને શયનખંડની બહાર નીકળી ગઈ. સ્વયં ઉઘાડબંધ થતું બારણું ભીડાયું. ચેતનાએ અંધારપટ કરીને તાલીસ્વરેથી સેન્સરવાળા નાઈટલેમ્પની ટ્રાયલ લઈ લીધી. ફરી પાછો ઓરડાને પ્રકાશથી ઝળહળતો કરીને બારીમાંથી નીચેના પ્રાંગણમાંની ગૌરવ આણિ મિત્રમંડળીને સાનંદાશ્ચર્યે જોઈ રહી. બધા એકબીજાને ધબ્બા મારતા મસ્તી કરી રહ્યા હતા. ગૌરવ હાથ જોડીને ગેટ તરફ આંગળી ચીંધતો બધાને વિદાય થવા સમજાવતો હતો. ચેતના એ લોકોના હાથમાંની બોટલોમાંથી ફીણવાળા ઊડતા ફુવારાઓ જોઈને ચોંકી ઊઠી. તે વ્યથિત ચહેરે જોઈ રહી હતી કે એ લોકો શૅમ્પેઈનની પાર્ટી તો નહિ માણી રહ્યા હોય ! ઘરમાં વડીલોની હાજરી હોય અને સંસ્કારી કુટુંબમાં આવી હરકત શોભે ખરી ! ચેતના જાણે કે નિશ્ચેતન થવા માંડી. તેનો મુડ મરી રહ્યો હતો અને હૃદયનો ઉલ્લાસ ઉદાસીમાં ફેરવાઈ રહ્યો હતો.

વૈભવ ઓરડામાં દાખલ થયો અને તેણે ચેતનાને ‘હાય ડાર્લિંગ’નું સંબોધન કર્યું.

ચેતનાએ દુ:ખી સ્વરે એટલું જ પૂછ્યું, ‘તમે મિત્રોએ એકલાએકલા મહેફિલ માણી લીધી અને મારા માટે એ ચીજ રાખી છે ખરી કે ?’ ચેતનાથી ડૂસકું મુકાઈ ગયું અને આંખોમાં આંસું ડોકાઈ ગયાં.

વૈભવ વાતને પામી ગયો અને મલકી પડતાં બોલી ઊઠ્યો, ‘હા હા, કેમ નહિ ? આપણા બેઉ માટે પૂરતી ચાલી રહે એટલી એ ચીજ કોકિલાએ ડીપ ફ્રિજમાં ભરી જ દીધી હશે ! બાબાપુજી અને કોકિલા તો કોઈકવાર જ એનો ટેસ્ટ કરે, પણ મારે તો હંમેશાં જોઈએ, જોઈએ અને જોઈએ જ !’

‘તમારું ઢાંક્વા શા માટે એ લોકોને તમે સંડોવો છો ? જુઓ સ્પષ્ટ સાંભળી લો. તમારી એ બૂરી આદતને હું જરાપણ સાંખી નહિ લઉં અને તમારું ઘર છોડવામાં એક પળનો પણ વિલંબ નહિ કરું. બીજી વાત કે તમારા મિત્રોને કહી દેજો કે તેઓ અહીં બીજીવાર પોતાનો પગ પણ ન મૂકે.’ કંપતા અવાજે ચેતના ગુસ્સાભેર બોલી ઊઠી.

‘અરે ગાંડી, મને સમજવાની કોશિશ કર અને આપણી આ અમૂલ્ય રાત્રિને વેડફી ન નાખ.’

‘હા હા, હું ગાંડી તો થવાની જ છું અને તમારી આવી હરકતથી વહેલી જ ગાંડી થઈ જઈશ એ નક્કી !’

‘જો ચેતના, એમ કહેવાતું હોય છે કે સાંભળેલા કરતાં જોયેલું સાચું; પણ અહીં તો તારું જોયેલું પણ ખોટું ઠરે છે. પગલી, અમે તો સોફ્ટ ડ્રિંકને ચિયર્સ કરતા હતા !’ વૈભવે અટ્ટહાસ્ય કરતાં કહ્યું.

‘તો પછી એ ઊભરો શાનો હતો ! એવું તો નહોતું કે બૉટલ જુદી અને માલ જુદો ? સાચું કહેજો, તમને મારા સમ !’

‘મારે પ્રેક્ટિકલ કરી બતાવવો પડશે !’ આમ કહીને વૈભવે ફિજમાંથી ‘થમ્સ અપ’ની એક બોટલ કાઢીને તેને ખૂબ હલાવ્યા પછી તેનું ઢાંકણ ખોલીને પ્રવાહીને ઊભરાવા દીધું અને હાથમાં ને હાથમાં જ તે બૉટલ અર્ધી થઈ ગઈ.
ચેતના દિંગ થતાં બોલી ઊઠી, ‘અમે લોકોએ પણ આવાં પીણાં તો પીધાં છે, પણ આજે જાણ્યું કે તેને આમ હલાવવાથી ઊભરો લાવી શકાય છે !’

‘અરે, મારા એક મિત્રનું તો એવું સંશોધન છે કે બૉટલને ખોલ્યા પછી એમાં થોડુંક નિમક નાખીને અંગુઠા વડે તેનું મોંઢિયું દબાવી રાખીને તેને ખૂબ હલાવી દેવામાં આવે અને જલ્દીજલ્દી મોંઢે બૉટલ ન લગાડી દેવામાં આવે તો બધું જ પ્રવાહી બહાર ઊભરાઈ જાય !’ વૈભવે ગૌરવભેર કહ્યું.

‘જુઓ વૈભવ, મને ‘હાશ’ તો થઈ ગઈ; પણ મારા મનમાં એક વાતે સમાધાન થતું નથી. આપણે શા માટે આમ ઊભરો લાવીને પણ ‘શૅમ્પેઈન’ની નકલ કરવી જોઈએ ? એ ઝેરી વિચારબીજ પણ ભવિષ્યે પાંગર્યા વગર રહે ખરું !’
“તારી વાત સાચી છે, લે હું કાન પકડું છું. હવે જો સાંભળ કે આપણી આ સંવેદનશીલ વાતચીતમાં પણ તારું એક કથન મારા ધ્યાન બહાર રહ્યું નથી. તેં એમ કેમ કહ્યું હતું કે, ‘હા હા, હું ગાંડી તો થવાની જ છું અને તમારી આવી હરકતથી વહેલી જ ગાંડી થઈ જઈશ એ નક્કી !’” વૈભવે કહ્યું.

આટલું સાંભળતાં જ ચેતનાના હૃદયના બંધ ઢીલા થઈ ગયા અને તે વૈભવની છાતીમાં માથું રાખીને પોતાના બંને હાથ વૈભવની ગરદને વીંટાળી દેતાં હૈયાફાટ રડી પડી.

વૈભવે ચેતનાની પીઠ પંપાળતાં પ્રેમાળ સ્વરે કહ્યું, ‘આમ રડીશ નહિ, હું છું ને ! વિના સંકોચે કહી દે કે શું પ્રોબ્લેમ છે ? તું શા માટે ગાંડી થઈ જવાનું વિચારે છે !’

‘સાંભળો વૈભવ, મારી સમસ્યાનો કોઈ ઈલાજ નહિ થાય તો ખરે જ હું ગાંડી થઈ જવાની છું. તમે યાદ કરો વૈભવ, મેં તમને ફોન ઉપર કહ્યું હતું કે મને અનિદ્રાની તકલીફ છે; ત્યારે તમે મારી વાતને મજાકમાં લઈ લેતાં કહ્યું હતું કે ‘બહુ સરસ, તો તો આપણને જિંદગીભર મધુરજની માણવા મળશે !’ સાચે જ, મારી સમસ્યા એવી છે કે કોઈ તેને ગંભીરતાથી લે જ નહિ. હું અપરાધભાવ સાથે પરણીને અહીં આવી છું અને મનોમન વિચાર્યા જ કરું છું કે હું તમને છેહ તો નથી દઈ રહી ને !’

‘ઊંઘવા પહેલાં કોઈ વિચારો મનનો કબજો લઈ લે તો આમ બને ખરું ! પરંતુ આમ જો હંમેશાં થતું રહે તો એ સારું તો ન જ કહેવાય, કેમ કે લાંબા ગાળે મન અને શરીરની તંદુરસ્તી ઉપર તેની આડઅસર પડ્યા વગર રહે નહિ. આનો કોઈ ઈલાજ કરાવ્યો છે ખરો ?’ વૈભવે સાંત્વનાભર્યા અવાજે પૂછ્યું.

‘વૈભવ, પહેલી વાત તો એ છે કે મારી બેએક વર્ષથી શરૂ થએલી આ સ્મસ્યા ઊંઘવા પહેલાંના કોઈ વિચારો સાથે નિસબત ધરાવતી નથી. મારા કાનમાં દિવસરાત પવનના સુસવાટા કે ફ્રિજ અથવા સિલીંગ ફેન જેવો એકધાર્યો અવાજ આવ્યા કરે છે. દિવસ દરમિયાન બાહ્ય અવાજો બલવત્તર હોવાના કારણે એ અવાજ દબાઈ જતો હોય છે. રાત્રે પણ હું કોઈ વાંચન કે એવી કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત હોઉં ત્યારે પણ એ અવાજ મને પરેશાન કરતો નથી; પરંતુ જેવી હું સૂવા માટે પથારીમાં લંબાવું ત્યારે શાંત વાતાવરણમાં એ અવાજની ખલેલ મારી ઊંઘની શરૂઆત જ નથી થવા દેતી. આમ ઊંઘવા માટેના મારા વ્યર્થ પ્રયત્નોમાં મારી રાત્રિઓ અને રાત્રિઓ પડખાં ફેરવતાં પસાર થાય છે. કોઈકવાર વહેલી સવારે જ્યારે ઊંઘ ઘેરાઈ જાય, ત્યારે બેએક કલાક ઊંઘ આવી જતી હોય છે. દિવસ દરમિયાન હું ઘસઘસાટ ઊંઘી શક્તી હોઉં છું, પણ દરરોજ એમ ઊંઘવા મળે પણ નહિ ને ! ઈ.એન.ટી. ડોક્ટરોની સારવારો નિષ્ફળ ગઈ છે. માનસિક રોગોના ડોક્ટરોની ટ્રેન્ક્વીલાઈઝર કે સેડેશનની ટિકડીઓ લઈએ ત્યાં સુધી એ રાહત આપે, પણ એમને બંધ કરો ત્યારે ઠેરનાં ઠેર !’

‘હું સમજી ગયો છું કે તારી સમસ્યાનો એલોપથી પાસે કોઈ ઈલાજ નથી. આયુર્વેદિક કે અન્ય કોઈ સારવાર જ કારગત નીવડી શકે. આપણે એવા કોઈ ને કોઈ આયુર્વેદિક, હોમિયોપેથિક કે યુનાની નિષ્ણાતને શોધી કાઢીશું. તું ચિંતા કરીશ નહિ.’ વૈભવે લાગણીસભર શબ્દોમાં ચેતનાને હૈયાધારણ આપી.

‘વૈભવ, બધી જાતના ઈલાજો અજમાવવામાં કોઈ કસર છોડી નથી. આયુર્વેદવાળા એને ‘કર્ણનાદરોગ’ જેવું સરસ નામ તો આપી જાણે છે અને તેમની દવાઓથી કદાચ અન્યોને રાહત થઈ પણ હશે; પરંતુ મારો કોઈ ટિપીકલ કેસ હશે કે શું, પણ બધા નિષ્ફળ ગયા છે. સાચું કહું તો મેં એકલીએકલી રાત્રિઓ અને રાત્રિઓ રડીરડીને વીતાવી છે. મને એ ડર સતાવ્યા કરતો હોય છે કે આમ ને આમ હું ગાંડી તો નહિ થઈ જાઉં ને !’ આટલું બોલતાં ચેતના વળી પાછી વૈભવને બાઝી પડીને હીબકે ચઢી.

‘જો ચેતના, તું આમ નાની છોકરીની જેમ રડીને આપણી સોહાગરાતને બગાડીશ નહિ. એક વાત કહું, જો તું હસી ન કાઢે તો ?’

‘બોલો, શી વાત છે ?’

‘તારો એક માત્ર ઈલાજ છે, હાલરડું !’

‘લુચ્ચા નહિ તો ! હું નાની કીકલી થોડી છું ! તમને મજાક સૂઝે છે, પણ ‘દેડકાનો જીવ જાય અને કાગડો મજા લૂંટે’વાળું તમે કરી રહ્યા છો !’

‘ખરે જ, હું મજાક નથી કરતો; હું તો એકવીસમી સદીના ટેકનોલોજિકલ હાલરડાની વાત કરું છું. એ હાલરડાથી મને વિશ્વાસ છે કે તું ઊંઘવા પહેલાં સો સુધીની ગણતરી પણ પૂરી નહિ કરી શકે !’

‘આટલું ખાત્રીપૂર્વક તમે જ્યારે કહી જ રહ્યા છો, ત્યારે મને વિશ્વાસ બેસે છે કે પેલા જાતજાતની ચિકિત્સાપદ્ધતિવાળાઓ કરતાં તમે મારા ઈલાજ વિષે કોઈક જુદી જ દિશામાં વિચારી રહ્યા છો. હવે તમે મને લબડાવ્યે જ રાખશો કે પછી મારા તબીબ બની બતાવશો !’

‘જો આજની સોહાગરાતનો ભોગ આપવાની તારી તૈયારી હોય તો હાલ જ ઈલાજ શરૂ કરી દઉં !’

‘ના, ના. હું એવી સ્વાર્થી તો કઈ રીતે બની શકું કે હું માત્ર મારા દુ:ખનો જ વિચાર કરું અને તમારા સુખને અવગણું ! સોહાગરાતના સુખ ઉપર આપણા બેઉનો સરખો અધિકાર છે.’

‘સાંભળ, આમેય આપણે કંઈ આખી રાત જાગવાનાં થોડાં છીએ ! જ્યારે પણ તારે ઊંઘવાનું થશે, ત્યારે આ તબીબ હાજર જ છે. તને ઊંઘાડીને પછી જ હું ઊંઘીશ, બસ ! હાલ પૂરતો મારી પાસે જે કામચલાઉ ઈલાજ છે, તેનાથી સારવાર આપીશ; આવતી કાલથી કાયમી ઈલાજ અને એ સારવાર તારે પોતાને જાતે જ લેવાની રહેશે, સમજી ?’ વૈભવે હસતાંહસતાં કહ્યું.

‘ભલે, ઈલાજ પછી કરજો; પણ હાલ બતાવી દેવામાં શો વાંધો છે ? કે પછી એવું તો નથી કે ફી ચૂકવ્યા સિવાય કેસ હાથ ઉપર નહિ લો !’ ચેતનાએ વૈભવના ગાલ ઉપર ચીમટી ભરી લીધી.

‘એટલો તો મને વિશ્વાસ છે જ કે ફી તો મળી જ જશે, કેમ કે સામેનું ક્લાયન્ટ સદ્ધર છે. તો હવે ધ્યાનથી સાંભળ. મારો ઈલાજ એ કંઈ મારું આગવું સંશોધન નથી કે નથી એવો કોઈ મનઘડત તુક્કો ! તારી સઘળી કેફિયત સાંભળી લીધા પછીનું મારું અનુમાન છે કે રાત્રીની નીરવ શાંતિમાં તારો પેલો ‘કર્ણનાદરોગ’ વધુ સક્રિય બનીને તારા ચિત્તપ્રદેશ ઉપર પોતાનો કબજો જમાવી દે છે. અંગ્રેજીમાં કહેવાય છે કે ‘Empty mind is devil’s workshop.’ અને એ ન્યાયે આપણે યેનકેનપ્રકારેણ એ શેતાનને કાં તો ખદેડી દેવો પડે અથવા તેની શક્તિને નામશેષ કરી દેવા તેની સામે તારો મનભાવન એવો કોઈક પ્રતિસ્પર્ધી ભીડાવી દેવો પડે. આજની આપણી સોહાગરાતે તારા માટેની મારી એક એવી ભેટ છે કે જે અહર્નિશ તારી સાથે જ રહેશે. મેં એને મારા એક મિત્ર મારફતે દુબઈથી ખાસ મંગાવી છે અને એ છે સ્માર્ટ સેલફોન. હું માનું છું કે મારી જેમ તને પણ કેટલાંક ફિલ્મી ગીતો પ્રિય હશે જ, જેની યાદી તું કોકિલાને આપી દેજે અને તે તને ડાઉનલોડ કરાવી આપશે. રાત્રે સૂવા પહેલાં ડીમ લાઈટ કરીને તું જે કંઈ પ્રભુનામનું સ્મરણ કરતી હોય તે પતાવી દીધા પછી તારે આંખો બંધ કરીને કાનમાં પ્લગપીન ભરાવી દેવાની છે. બસ, પછી તો મેં કહ્યું હતું ને તે ટેકનોલોજિકલ હાલરડું શરૂ ! બસ, આ જ છે મારો ઈલાજ અને એ પણ એકાદ માસથી વધારે લાંબો નહિ ખેંચાય, એની ગેરંટી !’

‘સાચે જ, હવે મને વિશ્વાસ બેસી ગયો છે તમારા ઈલાજ ઉપર; ઓ મારા વ્હાલા તબીબ ! મને નવાઈ લાગે છે કે પેલા ચિકિત્સકોને કે મને પોતાને આ વિચાર કેમ નહિ આવ્યો હોય ! ખેર, જેવાં મારાં નસીબ ! લ્યો ત્યારે, મારા ઈલાજ બદલ થોડીક એડવાન્સ ફી ચૂકવી દઉં !’ આમ કહેતાં ચેતનાએ વૈભવને ગાઢ આલિંગન દઈ દીધું.

‘માત્ર એડવાન્સ ફીથી નહિ ચાલે, પૂરી ફી ચૂકવવી પડશે !’ વૈભવે ડબલબેડ પાસેની માસ્ટર સ્વીચ દબાવીને ઝળહળતા શયનખંડને અંધકારથી ભરી દીધો.

‘અરે અરે, આમ અધીરા થશો નહિ. કોકિલાબહેને હોંશેહોંશે ભરી આપેલી ફ્રિજમાંની કોઈક આઈટમોને થોડોક તો ન્યાય આપવો પડશે ને ! અને પેલું તમારું શેમ્પેઈન ! જોજો પાછા, તમારે કે તમારા દોસ્તોએ હવે કદીય તેને હલાવવાનું નથી હોં કે !’ આમ કહીને ચેતનાએ ત્રણ તાળીઓ પાડીને પેલા ટેબલલેમ્પને પ્રકાશિત કરીને ફ્રિજ તરફ ચાલવા માંડ્યું.

‘ઓહ, તો કોકિલાએ તને બધું સમજાવી દીધું છે; એમ ને !’ ગૌરવે ઊભા થઈને ખૂણામાંના રજનીગંધાના એરફ્રેશનર પંપને ચાલુ કરી દીધો અને થોડી જ વારમાં આખો શયનખંડ તેની મધુર સુવાસથી મઘમઘી ઊઠ્યો.
કેવો સુમેળ, મધુરજની અને રજનીગંધા !

– વલીભાઈ મુસા

અક્ષરનાદ પર વલીભાઈની વાર્તાઓ સમયાંતરે સતત પ્રસ્તુત થતી રહે છે, એ જ શૃંખલામાં તેમની તરોતાજા વાર્તા નવપરણિત યુગલની આંતરીક સમજણની અને તેમના સહજ મનમેળની વાત ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરે છે. અક્ષરનાદને વાર્તા પ્રસ્તુત કરવાની તક આપવા બદલ વલીભાઈનો આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “મધુરજની અને રજનીગંધા! – વલીભાઈ મુસા

  • jacob davis

    મઘુરજની વાર્તા જ એવી છે કે થોડાં ઇંગિત તો આવે. પણ નણંદ સેજ સજાવે એવી કોઇ વાત ગુજરાતના હિન્દુ, મુસ્લીમ કે ખ્રિસ્તી કુટુંબમાં બનતી નથી. ઓછામાં ઓછું મેં કયાંય જોયું નથી. ફીની વાત વધારે જ ચગાવી છે, જે અશ્લીલતા તરફ ઇશારો કરે છે. વૈભવની પીવાની આદત કે ચેતનાની ઉંઘની સમસ્યા એ ખાલી ખાલી જ ચગાવી હોવાનું દેખાઇ આવે છે. વાર્તાનું શિર્ષક ફી પણ રાખી શકાય ?

  • Valibhai Musa

    ‘જો મજા ઈંતજારમેં હૈ, વહ પાનેમેં નહીં !’ મતલબની શેર-ઓ-શાયરી મુજબ અહેીં ‘મધુરજની’ શબ્દ શીર્ષકે હોવા છતાં વાર્તાના અંતભાગે પ્રણયની પરાકાષ્ઠાને અધ્યાહાર રાખીને અશ્લિલતા કે ઔચિત્યભંગને નિવારાયાં છે.

  • Harshad Dave

    માવજતભરી મનોવૈજ્ઞાનિક રજૂઆત…સાંકેતિક શબ્દ ‘ફી’ ને લીધે રહસ્યમય રોમાંચ પાઠકોને કથાના અંત સુધી પહોંચવા મજબૂર કરે છે. સુંદર પ્રસ્તુતિ… – હદ.

  • ashvin desai

    ખુબ જ સરસ વાર્તા માતે વલિભાઈ મુસાને અભિનન્દન
    અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા