ચાર ગઝલ – યાકૂબ પરમાર 7


ગઝલ – ૧

કોઇ જાદુગર ખીસ્સામાંથી છડી કાઢે,
એમ છાની વાત મનમાંથી હડી કાઢે.

હું વિચારું ઘાટ ઘડવા પિંડનો જુદો,
હાથ મારી તું જુદી રીતે ઘડી કાઢે.

એક બે ફૂલો ઉપર નાખી નજર ત્યાં તો,
કંટકો ઉભા થતાં કેવા વઢી કાઢે !

નોટ કડકડતી જરી હું બ્હાર કાઢું ત્યાં,
વૃક્ષ એની કૂંપળો ને પાંખડી કાઢે.

પ્હેલ મારામાં નથી પડતો દિવસ વીત્યે,
કોઇ ત્યાં આકાશ હીરાથી મઢી કાઢે!

ગઝલ – ર, ખરી પડેલા પર્ણની ગઝલ

સાથ જીવ્યાં તોય તરસાવે મને,
પાનખરમાં વૃક્ષ સરકાવે મને.

‘હોય એ તો વૃક્ષને કયાં ખોટ છે?’
એમ બીજું પર્ણ સમજાવે મને.

શું હવે આ વાયરાનું કામ છે ?
કેમ આવી તોય લલચાવે મને ?

વાદળાં સૌ આંખમાં આંસુ ભરી,
‘આવજો’નો હાથ ફરકાવે મને.

સૂર્ય સાથે બાકરી બાંધી નથી,
તે છતાંયે કેમ સળગાવે મને ?

કેમ રોકે ચોકમાં ઝાલી મને?
ડાળખી તૂટેલ અટકાવે મને.

કયાં હજી પીળું પડેલું કાંઇપણ,
વૃક્ષ એની વાત સમજાવે મને.

વૃક્ષની લીલા નિહાળું દૂરથી,
ડાળનો અવકાશ ચકરાવે મને.

પાથરી ખોળો ધરા બોલાવતી,
એટલી બસ વાત મલકાવે મને.

આપદા મારી હવે પુરી થશે,
આપની ચિંતા જ થથરાવે મને.

ગઝલ – ૩

લાલસાની આગ જે પેટાવવાના,
જિન્દગી એ આગમાં રેલાવવાના.

ફૂલની જાજમ બિછાવી હોય પણ,
એક બે કાંટા મળે વેંઢારવાના.

જિન્દગી છે એક પાણીદાર ઘોડો,
ના પલાણી કેમના ખેલાવવાના ?

એમને વરસો પછી મળવા જવાનું,
આજ એ બ્હાને સમય ઠેકાવવાના.

ભરસભામાંથી ઉઠીને ચાલવામાં,
કારસા છે કોઇનું ભેલાડવાના.

ગઝલ – ૪

‘કેમ છો’ કહીશું મળે તો હજી પણ,
પ્રેમથી મળીશું મળે તો હજી પણ.

ઝેરના કટોરા ઘણાયે પીધા છે,
ઘૂંટ આ ગળીશું મળે તો હજી પણ.

‘જીદમાં મજા શી પડે છે?’ કહીને,
થોડું તો વઢીશું મળે તો હજી પણ.

એક બુંદ આંસુ થવાનું કબુલી,
આંખમાં રહીશું મળે તો હજી પણ.

પેરવી કરે એ જવા તે પહેલાં,
હાથ આ ધરીશું મળે તો હજી પણ.

– યાકૂબ પરમાર

યાકૂબભાઈ પરમારની ગઝલો આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, આજે તેમની વધુ ચાર ગઝલ પ્રસ્તુત છે. અક્ષરનાદને આ ગઝલો પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “ચાર ગઝલ – યાકૂબ પરમાર

  • urvashi parekh

    ચારે રચનાઓ સરસ છે. મને ૪ નં. ખુબ ગમી.હજી પણ વાંચ્યા જ કરુ તેમ થયા કરે.

  • ashvin desai

    ભાઈ યાકુબ્નિ ગઝલો ખુબ જ બારિક હોય ચ્હે
    ગુજરાતિ ગઝલને એમને નવુ પરિમાન આપ્યુ ચ્હે એમ સગર્વ કહિ શકાય
    સદાબહાર શાયર્ને ઇર્શાદ
    – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા

  • vidyut

    વાહ્…!!! બહુજ સુન્દર રીતે બતાવેલ જીવનની મુલ્યવાન અનુભુતિ…યાકુબભાઈ ધન્યવાદ ….

  • Umakant V.Mehta

    ચારે ગઝલો સુંદર છે.’ખરી પડેલા પર્ણની ગઝલ’ મને સ્પર્શૈ ગઈ.”પાથરી ખોળો ધરા બોલાવતી,
    એટલી બસ વાત મલકાવે મને

    આપદા મારી હવે પુરી થશે,
    આપની ચિંતા જ થથરાવે મુને.”
    ગઝલકારે શબ્દો તો વિચારીને મુક્યા હશે,તેમાં ફેરફાર કરવાનો મને કોઈ હક નથી, પરન્તુ ‘આપની’ ની જગ્યાએ ‘આજની ચિંતા’ પ્રયોજવાથી માનવીની આજની પરિસ્થિતિનું યથોચિત ચિત્ર ઉપસે. ઉમાકાન્ત વિ.મહેતા ન્યુ.જર્સી