કાંદા કોના થયાં કે.. – રમેશ ચંપાનેરી 12


મને તો એ જ સમજાતુ નથી કે આ “કાંદુ” એના મનમાં સમજી શું બેઠું? કોઈકે કસ્તૂરી.. કહી એમાં માથે ઢોલ વગાડવા બેઠું! કોઈને ગાંઠતું જ નથી ને? ભલભલી સરકારને એણે મલેરીયા જેવી ધ્રુજારી આપી અને હવે મોદી સરકારની બોચી પકડવા બેઠું! સારું છે કે આપણા જૈનબંધુઓ એનું નામ નથી લેતાં એટલે કાંદાની તાકાત નહી કે એમના પેટમાં તો શું ઘરમાં પણ ઘૂસે! આપણે કર્યા પછી વિચારીએ કે આ નહી કર્યું હોત તો સારું થાત, અને જૈન બંધુ કરતાં પહેલાં વિચારે કે આ કરવા જેવું છે કે કેમ? પછી બૂમાબૂમ કરીએ કે ‘એ મને કાંદાના પાયે બેઠી!’

કાંદાની આ દાદાગીરી આજની નથી, આદિકાળની છે. એમાં હમણાં હમણાં તો એવું ફાટ્યું કે રાજકારણનું પ્યાદું બની ગયું! બાકી આદિકાળમાં એનું પાંચીયુ પણ ન આવતું બોલો! ભગવાને કોઈ દિવસ કાંદા-બટાકાનું શાક ખાધું હોય કે સીતાજીએ શ્રી રામને ક્યારેય કાંદા-ટામેટાની સેન્ડવીચ બનાવી આપી હોય એવું તુલસીદાસે ક્યાંય લખ્યું છે ખરું? આ તો જેના નસીબમાં જૈન બનવાનું આવ્યું નથી એમણે જ આ કાંદાને કાદુ મકરાણી બનાવી દીધો! બાકી કાંદો બહુ બહુ તો મૂર્છિતને ભાનમાં લાવવા વપરાતો. નાકને કાંદાનું ટચિંગ આપો, એટલે મૂર્છિત ઉભો થઇ જતો. એમાં આપણાવાળાએ એને કસ્તૂરી કહી દીધી. સારું છે કે શ્રીફળ નથી કહ્યું. નહીં તો આપણા શ્રદ્ધાળુઓ તો શ્રીફળને બદલે કાંદા લઈને પૈણવા ગયા હોત!

મને તો ગુજરાતની હોલસેલ સીટ ભાજપને મળી એમાં જ આ મોંકાણ થઇ લાગે છે. ભાજપ આવતાં લોકો એટલાં બધાં મૂર્છિત થઇ ગયાં કે બધાને ભાનમાં લાવવા જથ્થાબંધ કાંદાનો ઘાણ નીકળી ગયો. એમાં આ કાંદાનું આખું ખાનદાન ભાવ ખાતું થઇ ગયું. હોય ભાઈ હોય! “કુત્તેકે ભી એક દિન તો આતા હૈ ના, તો આ તો કાંદા…

પણ ભીંત ઉપર લખી નાંખો, આ કાંદા કોઈના થયાં નથી, થવાના નથી, અને થશે પણ નહી! જેટલી પણ સરકાર આવી છે એની સામે આ કાંદુ.. જ ઉછળ્યું છે. પછી લોકસભા હોય, વિધાનસભા હોય, ચૂંટણીની સભા હોય કે શોકસભા હોય, છેલ્લે કાંદો જો ના ઉછળે તો ચર્ચા પૂરી ન થાય. ખેડૂતોએ તો ખેતીમાં ઢગલાબંધ કાંદા કાઢ્યા છે. ઉત્પાદન પણ સોલ્લિડ છે. પણ કાંદુ ઉગ્યા પછી એવી સંતાકૂકડી રમે કે દાઉદ મળે પણ કાંદો શોધેલો ના મળે. એમાં બટાકાને તો પૂછાય જ નહી કે, “તેરા સાગરિત “કાંદા” કિધરકુ હૈ?” જો પૂછવા ગયા તો ધણી ઉકલી ગયો હોય એવું છોગિયું મોઢું કરી દે. એ દિવસે કાંદા-બટાકાને બદલે છોગીયા બટાકા જ આપણે ચાવવાનાં.

એમાં તાજા પરણેલાઓની તો બોસ…. વાત જ જવા દો. આપણને દયા આવે! લગન પહેલાં કસમ ખાઈ ખાઈને કહેલું કે “ડાર્લિંગ.. તારા માટે તો હું આકાશના તારા પણ તોડી લાવું!” અને… અત્યારે એનાથી કાંદા નથી લવાતાં, બોલો! જો કે આવી વોરંટી તો અમે પણ આપતાં. પણ પછી ફરી જતાં કે ગાંડી.. “તારા” નહી પણ “તનકતારા” લાવવા કહેલું! પણ કાંદા માટે કંઈ “વાંદા” લઈને થોડું જવાય? અને એ વખતે તો આપણી વ્હારે ચાઈના પણ નહીં આવે. બાકી એ લોકો આબેહૂબ “કાંદા” બનાવવામાં પાવરધા ખરાં!

સમજી લો કે આ કાંદો તો એક સેમ્પલ છે બાકી સાલા.. પ્રોબ્લેમ કંઈ ઓછા નથી? કેટકેટલાં પ્રોબ્લેમ? રેલવે ભાડાના ભાવ ઉંચા, ડીઝલના ભાવ ઊંચા, પેટ્રોલના ભાવ ઊંચા, ગેસના ભાવ ઊંચા, કેરોસીનના ભાવ ઊંચા, સોનાના ભાવ ઊંચા, ખાંડના ભાવ ઊંચા અને કાંદા તો મ્યૂઝીયમમાં પણ જોવાં ન મળે તો નવાઈ નહીં પામવાનું. જાયે તો કહાં જાયે? માણસ સિવાય બધાના જ ભાવ ઊંચા. સસ્તામાં સસ્તો હોય તો માણસ. આટલો સસ્તો નમતો અને ઉધાર માણસ તો બગદાદમાં પણ નહી મળે. કોઈકે કહ્યું છે ને કે, “મતલબકી હૈ દુનિયા યહાં, કૌન કિસીકા હોતા હૈ…. ધોખા વોહી દેતા હૈ, જિસપે જ્યાદા ભરોસા હોતા હૈ.”

ઘણાને હજી ખાખણી ખરી કે, નવી સરકાર આવી એટલે જરૂર કંઈ કાંદો કાઢશે. પણ લોકધંધા જ એવાં ધૂમાડે ચડ્યા છે કે એ પણ ક્યાંથી કાંદો કાઢવાના? કાદવમાંથી કમળ જ્યારથી માથે ચઢી બેઠું, ત્યારથી આ કાંદાને બળતરા ઉપડી છે! બિલકુલ પેલાં કેજરીવાલની માફક! બંનેની રાશી પણ સરખી ને? જુઓ ને! કેજરીવાલે પણ શું કાંદો કાઢ્યો?

ચમન ચક્કીએ તો ઘરની ફૂલદાનીમાં ફૂલોની જગ્યાએ કાંદા મૂકી કાંદાદાની બનાવી. મને કહે, કાંદા બહુ મળ્યા નહી, નહીં તો કાંદાનો ‘વોલપીસ’ બનાવવાનો વિચાર હતો. યાર.. આપણા ઘરે કોઈ આવે તો એને લાગવું જોઈએ કે આ માણસ છે તો પ્રતિષ્ઠિત…

– રમેશ ચંપાનેરી

રમેશભાઈ ચંપાનેરી ‘રસમંજન’. અક્ષરનાદ પર આ પહેલા પણ હળવા હાસ્યલેખ પ્રસ્તુત કરીને તથા રોજીંદી ઘટનાઓ અને પ્રસંગોમાંથી નીપજતું સહજ હાસ્ય પ્રગટ કરીને વાચકોને મરકાવવામાં સફળ રહ્યા છે. આજે તેઓ કાંદા એટલે કે ગરીબોની કસ્તૂરી ડુંગળીને લઈને તથા તેના વધતા ભાવની ચિંતા સાથે પ્રસ્તુત થયા છે. અહીં રાજકારણની પણ વાત છે અને તાજા પરણેલાઓની પણ.. કાંદાની દાદાગીરી વિશે આજે તેઓ હળવીભાષામાં લખે છે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ રમેશભાઈનો ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “કાંદા કોના થયાં કે.. – રમેશ ચંપાનેરી