ચાર સોનેટ – યાકૂબ પરમાર 4


૧. વ્યસનચક્ર
(ગુલબંકી)

ધીરે ધીરે સપાટ કોરી સ્લેટમાં લીટા રહે થતા,
નવા લીટે શરૂ થતા પડાવ ઉમ્રના નવા.

શરૂમાં પાન એલચી, પછી જરાક ગુટકા,
ચુનો તમાકુ ચોળતા, મિત્રો મજા વહેંચતા.

ચુના તમાકુમાં વળી પરાગ પાન ભેળવે,
લહેર એની વાય, સુગંધની નદી વહે !

ને કોઇ તો સિગાર, મધપાનમાં મજા ચહે,
નવા સવા બધા, કમાય એમ શોખ કેળવે !

વર્ષો પછી; ન પોષતું કહી મૂકે પડીકીઓ,
કહી કરે છે બંઘ કે : હવે તમાકુ ના સદે !

સિગાર તો શિકાર શ્વાસનો કરે એવું વદે,
ને મધથી દુ:ખ્યા કરે છે પેટ, હાથ પીંડીઓ.

પડેલ સ્લેટમાં લીટા જરા તરા ભુંસાય છે,
લઇને સાવ કોરી સ્લેટ કોણથી જવાય છે.

ર. સ્મારક
(શિખરિણી)

ઘણાં વર્ષે આવ્યો, અવસર કશે, હું વતનમાં.
મળી લીધું સૌને, ગત સમયને યાદ કરતાં,
ગલી, રસ્તો, શાળા, હદયસરમાં છે નીતરતાં.
બધાંને જોતામાં બચપણ રમે આજ મનમાં.

પ્રયાણું છું પાછો, પરત ઘર જાવા નગરમાં.
બધા સ્નેહી મિત્રો, વન વિજનને યે અલવિદા
કરીને, ભાગોળે બસ પકડવા સૌ નીકળતાં,
પછી આવી બેઠો, વલય સમ ઓટા ઉપર ત્યાં.

ભરી માટી, ઓટો ચણતર કરી સ્મૃતિ સરજી,
હતો વચ્ચે એની સરસ લીમડો ત્યાં ઉછરતો.
ઘડી હું બેસું છું, અવનવીન વાતે વળગતો,
ચડી આંખે તકતી સદગત વિશે વાત કરતી.

લખેલું તકતીમાં, બચપણ સખા નામ ઉકલે,
અતીતે ડૂબીને નયન જળમાં પ્હાડ પીગળે.

૩. વરસાદ
(વસંતતિલકા)

છે લગ્ન મંડપ સુશોભિત આંગણામાં ,
ને લગ્ન ગીત મીઠડાં રમતાં ગળામાં.
રૂડાં સજી વસન ત્યાં સહુ લોક મ્હાલે,
આનંદ ને ઉમળકા નયનો પખાળે.
વૈશાખના પવન આ ગરમી ઉગામે,
હૈયાં છતાં હરખની લહરો વહાવે.

ત્યાં તો અચાનક વધે ઉકળાટ ભારી,
ઘેરાય વાદળ, ચડી ડમરી હવાની,
છૂટા ગળે હલકથી વરસાદ ગાજે,
સાચો જ છે સમય આવ પલાળ આજે.
ભીંજાય સૌ હદય એમ જ છોળ ઉડે,
સંસાર સાગર મહીં સહુ લોક ડૂબે,

ભીનાં થયાં વરવધૂ દિલના મુકામે,
ને બ્હાર ભીતર બધે વરસાદ જામે !

૪. અપૂજ દેરૂં
(વસંતતિલકા)

રસ્તો હતો વિજન ને વન ગાઢ ઝાઝું,
એવી જગા પર અપૂજ તૂટેલ દેરૂં.
તૂટી પડેલ નત ગુંબજ એક બાજુ,
ને ચોતરાની ઇંટ, વેર વિખેર મેરુ.
કોઠી ને ખેર પણ વ્હેંત નમી પડેલાં,
કૂંવાડિયા પૂજનલીન ઢળી પડેલા !

એવો હતો વખત કે સમુદાય આવે,
પૂજા કરી હદયથી વિભુને વધાવે.
લીલી કુજાર ધરતી કરડી બની છે,
આવે અહીં ન જન કો, વસમી ઘડી છે.
એકાંતમાં વિભુનું મોઢું બને નિમાણું,
એવા સમે, પરિસરે ડગ મેં જ માડયું.

આવ્યો સખા પરમ એમ વિશ્વાસ ધારી,
દોડયા વિભુ, બથ ભરી કર બે પસારી.

– યાકૂબ પરમાર

યાકૂબભાઈ પરમારની અક્ષરનાદ પર પ્રસ્તુત થતી સબળ અને સુંદર રચનાઓ તેમની કલમનો પરિચય સુપેરે આપી જાય છે. તેમના ગીત, ગઝલના પુસ્તક ‘અરસપરસના મેળમાં’, બાઇબલ કાવ્યોનો સંગ્રહ ‘અજવાળાનો ધોધ’, મુકતક સંગ્રહ ‘હવાનાં રૂપ’ અને દૂહા સંગ્રહ ‘તડકાની છાલક’ છપાયાં છે. સોનેટનો સંગ્રહ તૈયાર છે તેમાંથી ચાર સોનેટ તેમણે આજે અક્ષરનાદના વાચકો સાથે વહેંચ્યા છે. અપેક્ષા છે કે ભાવકોને ગમશે. અક્ષરનાદને આ સુંદર રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ યાકૂબભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “ચાર સોનેટ – યાકૂબ પરમાર

 • yacub

  વસંતતિલકાની મિઠાસ માણી એનો સંતોષ છે. બાક ગઝલોના દોરમાં સોનેટ કવિઓ પણ ગઝલ લખે છે ! ગઝલની ભાષાની સાદગી અને વિચારની સંકુલતા સામે સંસ્કૃત છંદોનો મિજાજ પણ નિજાનંદ માટે માણવા જેવો તો હોય જ છે.

 • ડો. મનીષ વી. પંડ્યા

  યાકુબભાઈની ચારેય રચનાઓ પ્રશંસનીય છે. વસંતતિલકા અને શીખરીણીમાં નિબદ્ધ રચનો વાંચવી અને મનોમન ગાવી પણ ગમે તેવી છે. હવે ની પેઢી ને કવિતાલેખન વિષે ઘણું ઘણું શીખવી જય છે.

 • Harshad Dave

  છંદનાં છંદે જે ચડે તે કદી ના મંદ પડે…
  ગુજરાતી છંદમાં ગેયતા હોય છે તે માણવા જેવી હોય છે. આ રચનાઓ સરળ છે …ગમે છે…’અસત્યો માંહેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા…’ આ પ્રાર્થના ગાઈ ત્યારથી છંદે ચડ્યો…શાળામાં..કલાપીનો કેકારવ અને….ગણનો ગણ ન ભૂલવો જોઈએ….કાવ્ય કે ગીતનાં શબ્દોનો અર્થવિસ્તાર શાળામાં શીખવાય પણ કવિ બનતાં કેમ કોઈ શીખવી શકે?