ત્રણ ગઝલો – અમૃત ઘાયલ 11


૧. જીવ રોકે

નીકળવા કરું તો મને જીવ રોકે,
અને દ્વાર મૃત્યુ મ્રુત્યુ લગાતાર ઠોકે.

થશે ના કશો ફાયદો એમ જોકે
એ જાણું છતાં કંઠી ઘાલું છું ડોકે.

કરી મેલ્યું છે આવું વરસોથી કોકે,
હસું ના હસું ત્યાં જ છલકાઉં શોકે.

કહેવું બઘું બાંધે ભરમે કહેવું,
મને કોણ તારા વિના એમ ટોકે?

મને એમ છે એ હશે દ્વાર તારું,
જતાં આવતાં અન્ય તો કોણ રોકે!

મને થાય આ મસ્ત ચંદા નિહાળી,
ચટાઈ લઈ હું ય આળોટું ચોકે.

નથી માત્ર પથ્થર કે ઇંટે નવાજ્યો,
મને અન્યથા પણ નવાજ્યો છે લોકે.

પછી આપણી યાદ આવે ન આવે
લઈ નામ નિજનું રડો પોકેપોકે.

પછી દોસ્તોની શિકાયત શું ‘ઘાયલ,’
નથી કામ આવ્યો મને હું ય મોકે.

૨. એમ પણ નથી

દરવાજો ઊઘડ્યો જ નથી – એમ પણ નથી,
ને ઊઘડી ખડ્યો જ નથી – એમ પણ નથી.

પગ મારો ઊપડ્યો જ નથી – એમ પણ નથી,
ને ખુદ મને નડ્યો જ નથી – એમ પણ નથી.

સાચું પૂછો તો જોયાં છે મેં એને દૂરથી,
પણ એમને અડ્યો જ નથી – એમ પણ નથી.

સામે મળ્યો તો મેં જ મને ઓળખ્યો નહીં,
ખોવાઈ હું જડ્યો જ નથી – એમ પણ નથી.

ઐયાશીમાંય ભાંગી પડ્યો છું ઘણી વખત,
પીધા પછી રડ્યો જ નથી – એમ પણ નથી.

જોયો છે મેં અનેક વાર ઘૂળ ચાટતાં,
પાછો પવન પડ્યો જ નથી – એમ પણ નથી.

‘ઘાયલ’ જે સાચવે છે મને આમ કેફમાં,
કેફ એમને ચડ્યો જ નથી – એમ પણ નથી.

૩. શું કરું?

શુષ્ક છું, બટકું નહી તો શું કરું!
અધવચે અટકું નહીં તો શું કરું!

રાફડા કોળ્યા છે રજના પાંપણે,
પાંપણો ઝટકું નહી તો શું કરું!

ક્યાં સુઘી હોઠોમાં ભીંસાતો રહું?
શબ્દ છું છટકું નહી તો શું કરું!

કૈંક ખૂટે છે ‘-નો ખટકો છું સ્વયં,’
હું મને ખટકું નહી તો શું કરું?

બેસવા દે છે ન બેચેની કશે,
આમ હું ભટકું નહી તો શું કરું!

જીવ અદ્ધર, શ્વાસ પણ અદ્ધર હવે,
લાશ છું, લટકું નહી તો શું કરું!

ઊંચક્યું જાતું નથી ‘ઘાયલ’ જરી,
શીશ જો પટકું નહી તો શું કરું!

– અમૃત ઘાયલ

અમૃત ઘાયલ સાહેબની રચનાઓના પરિચયમાં તો શું લખવું! તેમની ત્રણ ગઝલરચનાઓ આજે પ્રસ્તુત છે, ૧. નીકળવા કરું તો મને જીવ રોકે.. ૨. દરવાજો ઊઘડ્યો જ નથી – એમ પણ નથી… અને ૩. શુષ્ક છું, બટકું નહી તો શું કરું! આપ સૌ આ ગઝલોને માણી શકો એ માટે અહીં પ્રસ્તુત કરી છે. પ્રસ્તુત રચનાઓ લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘અમૃત ઘાયલ’ ના ચૂંટેલા કાવ્યો -એ કાવ્યકોડિયાંમાંથી સાભાર લેવામાં આવ્યા છે.


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “ત્રણ ગઝલો – અમૃત ઘાયલ

  • Kalidas V. Patel {Vagosana}

    ઘાયલ સાહેબની ગઝલો મસ્ત રહી. મજા આવી ગઈ. આભાર.
    અંગુલિનિર્દેશઃ બીજી લીટીમાં — મ્રુત્યુ શબ્દ વધારાનો છપાઈ ગયો હોય એવું લાગે છે. તપાસી લેવા વિનંતી.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • JALPA VYAS

    ઘાયલ સાહેબે ખૂબ જ સરસ લખ્યું છે.તેને અમારી સમક્ષ મુકવા ની તમારી મહેનત માટે આભાર……..
    આ વેબસાઈટ ચાલુ કરી ને અમારા જેવા ઉગતા નિશાળીયા ઓ માટે સફળતા ના ઘણાં બધા દરવાજા ઓ ખોલી આપ્યા છે……તેના માટે દિલ થી તમારો આભાર માની એ છીએ ……….

  • Harshad Dave

    અણગમતી હકીકતો પણ સ્વીકારવી પડે છે…નહીં તો ‘અમૃત’ ‘ઘાયલ’ કેવી રીતે હોઈ શકે? ટાગોર કહે છે જે દિવસે મૃત્યુ તમારે બારણે આવશે ત્યારે તમે શું એને ધન આપશો?
    ત્રણેય રચનામાં ઊંડાણ છે…આભાર…-હદ

  • Vijjsyrana

    Than u so much.jignesh bhai.
    It remind golden old days with ghyal saheb in 1960
    At junagadh we use to meet every Tuesday at
    Pajod darbabar saheb house for three to four hours
    My self Manoj khandaria and others.
    Manoj was class mate.
    Again thanks for sharpen old golden memory of ghyal saheb.
    Salute to u
    Vijay rana

  • ashvin desai

    ઘાયલ – સાહેબ ગઝલનેી દુનિયાના બેતાજ બાદ્શાહ
    શેર એમ્ને કેતલા સહજ હતા તે આ ત્રનેય ગઝલો સાબિત જકરે ચ્હે
    જિગ્નેશે આજે એમનિ તચિ ગઝલો માનવાનો મોકો આપ્યો , એત્લે
    ઘાયલ સાહેબને અને જિગ્નેશને બન્નેને સલામ
    – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા