અમાસને દા’ડે દરિયો ના’વો છ… (સમુદ્રાન્તિકે) – ધ્રુવ ભટ્ટ 7


Samudrantike by Dhruv Bhatt

Samudrantike by Dhruv Bhatt

બીજે દિવસે વિષ્નો સવારમાં જ આવીને ઊભો. આજે દરિયે નાહવા જવાનું છે. હવેલીની ભાખોડેથી દૂર રેતાળ કિનારે હું પણ વિષ્નો સાથે જવા વિચારું છું. ભરતી અગિયારેક વાગે પૂરેપૂરી ચડી રહેશે. અમાસની મોટી ભરતી કદાચ દરિયાને બાવળની કાંટ સુધી પણ ખેંચી લાવે.

‘વિષ્ના, તું રમ. આજે ઑફિસમાં થોડું કામ કરી લઉં. અત્યારે દરિયે જઈશું તો કામ નહીં થાય.’ મેં કહ્યું. વિષ્નો કૂવાના થાળા પાસે રમવા લાગ્યો. થાળા પર આજે ત્રણ-ચાર ડોલ અને દોરડાં દેખાયાં. આટલી સામગ્રીનું શું કામ પડ્યું હશે? તે વિચારવું માંડી વાળીને હું કચેરીમાં નકશા દોરવા બેઠો.

દશ સાડાદશના સુમારે ઘણા બધા માણસો વાતો કરતા હોય તેવો અવાજ આવ્યો. હું ઊભો થઈને બહાર ગયો. દરવાજા પાસે હસવાના, મોટે મોટેથી બોલવાના અવાજો સાંભળીને હું દરવાજે ગયો. સ્ત્રીઓ, યુવાનો, બાળકો રંગ-બેરંગી કપડાં પહેરીને મેદાનમાં ભેગાં થયાં છે. ભરતીના પવનથી બધાંનાં વસ્ત્રો, વાળ હવામાં લહેરાય છે. બે-ચાર ગાડાં છૂટે છે. મુક્ત સ્વરે, લહેકાથી બોલતી પ્રજાના કલબલાટે આખું વાતાવરણ જાગતું કરી દીધું છે.

સ્ત્રીઓનું એક ટોળું દરવાજામાં પ્રવેશ્યું. અહીં ક્યાંક કોઈની પરવાનગી લેવાની જરૂર જણાતી ન હોય તેમ તેઓ અંદર આવ્યા. મને ગમ્યું નહીં; પરંતું મૌન રહ્યો. મને જાનકી અને વાલભાઈ સાંભર્યાં.

‘બા, ભાભૂમાને આંય લયાવો,’ એ કિશોરીએ બહાર છૂટી રહેલા ગાડા તરફ મુખ કરીને બૂમ પાડી. ‘આય સુવાણ્ય રે’સે.’

મેં ગાડા તરફ જોયું તો એક ખૂબ જ વૃદ્ધ સ્ત્રીને એક આધેડ દંપતી, તેડીને ગાડામાંથી ઉતારતાં હતાં. તેઓ બંગલાના દરવાજે આવ્યાં. અચાનક મેં કહ્યું, ‘આ તરફ લાવો ક્વાર્ટર પર.’ પહેલી જ વાર ક્પી ગ્રામ્યજનને મેં મારા ક્વાર્ટરમાં પ્રવેશ આપ્યો. તે વૃદ્ધાને મારી જ આરામ ખુરશીમાં બેસારી.

‘ક્યાં આવ્યા?’ ડોશીમાએ પુંછ્યું.

‘ભાભુ, દરિયો આવી ગ્યો.’ યુગલમાંની સ્ત્રીએ વૃદ્ધાના કાન પાસે મુખ લઈઅ જતાં કહ્યું.

પુરુષે મારી સામે જોયું. ‘મારા ભાભુ છે,’ પણ મને સમજાયું નથી તેમ સ્પષ્ટતા કરી, ‘મારા મોટા બાપાના ઘરેથી, મોટાં કાકી.’

‘ભલે તમે કશી ચિંતા ન કરશો,’ મેં કહ્યું, ‘પણ આટલી ઉંમરે ગાડામાં અહીં સુધી લાવ્યા છો તે કયાંક માંદા ન પડે.’

‘અમી તો નો’તા લાવતા; પણ તૈણ દ’ડાથી વેન લઈને બેઠાં છ કે અમાસને દા’ડે દરિયો ના’વો છ.’ સ્ત્રીએ કહ્યું.

હું અવાચક થઈ ગયો. પૂરું દેખાતું નથી, સંભળાતું નથી તે ઉંમરે આ સ્ત્રી ગાડામાં સફર કરીને સમુદ્રસ્નાન માટે આવી છે. ધર્મ પ્રેરિત બંધનો અને અંધશ્રદ્ધા આશક્ત સ્ત્રીને, અનેક કષ્ટો ભોગવવાં પડવા છતાં, અહીં સુધી ખેંચી લાવ્યાં છે. મારું મન વિચારે ચડી ગયું. આ ડોશીમા દરિયા સુધી ચાલી શી રીતે શકવાનાં?

‘ભાભુ, તમીં આંય ર્યો,’ તેની પુત્રવધુ સમી સ્ત્રીએ કહ્યું. ‘તમારા દીકરા દરિયેથી ડોલ લઈ આવે એટલે તમને નવડાવી દઉં.’

તે વૃદ્ધાએ ડોકું ધુણાવ્યું અને ધીમેથી પણ મક્કમ તાથી બોલી, ‘દરિઓ ડોલમાં નો સામે બાઈ, ને ડોલમાં તો ઘેર ક્યાં નો’તો લવાતો? તે તને ગાડું જોવડાવ્યું હાલ્ય, કર્ય ટેકો. ધીરે ધીરે વયા જાહું.’

હું દિગ્મૂઢ થઈ ગયો. આ વૃદ્ધ સ્ત્રી ભલે ધાર્મિક તહેવારે અહીં આવી છે, પરંતુ તેને અહીં સુધી ખેંચી લાવનાર માત્ર ધર્મ નથી. એ તો આવી છે તહેવારને બહાને પોતાના દરિયાને મળવા. એ દરિયો, જેણે તેના બાળપણને શંખલા-છીપલાંની ભેટ ધરી શણગાર્યુ છે. તેની યુવાનીને મૃદુ તરંગોથી ભીંજવી છે અને સમગ્ર જીવનના કડવા- મીઠા અનુભવોનો સાક્ષી રહ્યો છે. તેનો આ દરિયો તે વળી એક ડોલમાં શી રીતે સમાઈ શકે, ભલા!

આટલી મોટી વાત એક નાનકડા વાક્ય દ્રારા સમજાવી શકવાની કળઆ પ્રદેશજનોને પ્રાકૃતિક અનુભૂતિઓ દ્રારા જ સાંપડી છે. આ રીતે બોલવા જેટલી ચાતુરી આ લોકોમાં નથી, નથી પાંડિત્યનું પ્રદર્શન. શબ્દોને ગોઠવી, મઠારીને ધારી અસર ઉપજાવે તેવું બોલવાનું ભાષાસામર્થ્ય પણ આ નથી. આ તો છે માત્ર અનુભવેલું, માણેલું, નિર્ભેળ સત્ય.

‘દરિયો ડોલમાં ન સમાય’ તેવું કે ‘એક પક્ષી ઊડે ને જગત જીવતું થઈ જાય.’ તેવું, કોઈક મારા સમાજ વચ્ચે બોલે તો તાળીઓ પડે; પરંતુ તે કથનનો અર્થ વિવેચનના સ્તર સુધી વિસ્તરવો પડે. એ જ વાત જ્યારે આ વૃદ્ધા કે નૂરભાઈ બોલે છે ત્યારે અને તે જ ક્ષણે આખીયે વાત તેના સમગ્ર સ્વરૂપે, તમામ સંભવિતાર્થો સહિત સ્પષ્ટ થઈને સામે આવી જાય છે. એનું કારણ તેમની સહજ પ્રાકૃતિક અનુભૂતિના બળ સિવાય બીજું કંઈ તો શું હોઈ શકે!

‘સરવણ, અહીં આવ.’ મેં પગીને બોલાવ્યો. ‘ટેકો કર. ખુરશી જ ઉપાડીને બાને દરિયે લઈ જઈએ.’

‘પણ તમે શું કરવા આટલી…’ પેલો પુરુષ કંઈક કહેવા ગયો.

‘તમે કશું જ બોલશો નહીં’ મેં તેને બોલવા ન દીધો. સરવણ બે મજબૂત વાંસ લાવ્યો. ખુરશીના હાથા સાથે બાંધ્યા અને મેં, પેલા પુરુષે, ગાડાખેડુએ અને સરવણે વૃદ્ધાની પાલખી ઊંચકી.

‘એલા! બાને ઉપાડ્યાં!!!’ ટોળામાંની એક યુવતી સહાસ્ય બોલી અને બધી જ સ્ત્રીઓ દોડી. ધૂળપંખીનું ટોળું ઊડે ને ભરભરાટ થાય તેવો, તેમના ઘેરદાર કપડાં પગમાં અથડાવાથી થતો ફડફડાટ સમુદ્રના રવને પણ ઢાંકી ગયો. વિષ્નો આનંદથી કૂદવા લાગ્યો.

‘એલિયું હાલો.’ ઘણી બધી યુવતીઓ એક સાથે બોલી. યુવાનો અને બીજા માણસો પણ આ દ્રશ્ય જોઈ ઉત્સાહથી વાતો કરતા દરિયે ચાલ્યા. જીવનના આરે ઊભેલી, અશક્ત, વૃદ્ધ સ્ત્રી કશું જ કર્યા વગર, માત્ર પોતાની હાજરીથી જ યુવાનોમાં આનંદ અને ઉત્સહની ભરતી પ્રેરી શકે છે તે જોઈને હું પણ આનંદમાં આવી ગયો; જાણે તે બધામાંનો એક બની ગયો. અમે ડોશીમાને ખુરશી સહિત દરિયામાં બેસાર્યા. દીકરો-વહુ ખુરશી પકડીને ઊભાં. ડોશી જાણે ગાંડી-ઘેલી થઈ ગઈ. ખુરશી પર મોજું ચડે કે હાથ લંબાવીને આવકારે.

તે અમાસે મેં ગત આખા વર્ષમાં માણ્યો ન હતો એટલો દરિયો માણ્યો. મનભરીને સમુદ્રસ્નાન કર્યું. કેટલાક યુવાનો સાથે દરિયામાં દૂરદૂર સુધી જઈને તર્યો. ડૂબકી મારવાની શરતો લગાવી અને લાકડાના પાટિયાને છાતીએ વળગાડીને ઊછળતાં મોજાં પર સરકતાં કિનારે આવવાની સાહસીક રમતો રમ્યો. યુવતીઓ પણ નહાઈ. ટોળાબંધ કલબલાટ, હાસ્ય, છણકા, મીઠા ઝઘડા અને ધક્કામુક્કી. બધામાંથી થાક્યા ત્યારે એક વાગવા આવ્યો હતો. બધા ભીના શરીરે પાછા હવેલી પર આવ્યા. ક્વાર્ટરના છાંયડે, પરસાળમાં, પગથિયે, જ્યાં જગ્યા મળી ત્યાં બેઠા. ભોજનના ડબરા ખુલ્યા. પછી ખૂલ્યા સ્ત્રીઓના કંઠ, પાતળી, ઊંચી કાઠીની, કમરે છેડો વીંટીને ટોળે વળેલી સ્ત્રીઓ જાણે બ્રહ્માંડ ચક્કરડે ચડાવતી હોય તેવા જોમ અને સ્ફૂર્તિથી ગરબા ગાવા લાગી. પરસેવે રેબઝેબ થઈ જવા છતાં ગાવાનું કે ફરવાનું જોમ ઓછું નહોતું થતું.

આજે મારા માટે કોઈ નવતર દિવસ હોય તેવું મને લાગ્યું. એકદમ સ્વાભાવિક રીતે હું આ લોકો સાથે ભળી કેમ શક્યો? તે મારામાં રહેલો સભ્ય જીવ સમજી નથી શકતો. વિષ્નોને મેં મારા પડખામાં બેસાર્યો. તેને ગરબા જોવામાં મજા પડતી હતી. બે કલાક બધી ધમાલ ચાલી, પછી કૂવા પર ટોળું વળ્યું. બે-ચાર યુવાનો ડોલ સીંચવા માંડ્યા અને થાળા પર બેસીને એક પછી એક બધા શરીર પરથી દરિયાની ખારાશ ઉતારવા માંડ્યા. પેલી વૃદ્ધા પણ નહાઈ. મેં પણ થાળા પર પલાંઠી લગાવીને ચાર-પાંચ ડોલ પાણી માથા પર નંખાવ્યું.

‘આ કોને ઘેર આવ્યાં’તાં?’ પેલાં ડોશીમાએ જતાં જતાં તેના ભત્રીજાને પૂછ્યું.

‘આ, આંયા જ રેય છે.’ તેની વહુએ, તે મને ન ઓળખતી ન હોવા છતાં મારી ઓળખ આપવાની કોશિશ કરી.

વૃદ્ધાએ મારી સામે જોઈને પોતાની કેડમાંથી નાની પોટલી છોડી. પછી તેમાંથી એક રૂપિયાનો સિક્કો કાઢી મારી સામે ધર્યો, ‘બેટા, તેં મુને જાતરા કરાવી.’

‘ભાભુ, આંયાં કાવડીયાં નો દેવાય, ઈ સાહેબ છે.’ પેલો શરમિંદો થઈ ગયો.

‘ઈ ગમે ઈ હોય. મારાથી તો માટો નથ્યને? ને આજ પરબને દા’ડે કાંય ખરાબ નો લાગે.’

‘માડી, જાત્રા તો આ દીકરાએ કરાવી છે. મેં નહીં’ મેં કહ્યું.

‘ઈ બધું એકનું એક.’ તેણે કહ્યું અને મેં એક ગરીબ, અશક્ત, અજાણી વૃદ્ધા પાસેથી રૂપિયો લીધો. સાચવીને ખિસ્સામાં મૂક્યો.

તેની વાત સાચી હતી તે મારા કરતાં ઘણી, ઘણી મોટી છે.

– ધ્રુવ ભટ્ટ

શ્રી ધ્રુવભાઈ ભટ્ટની નવલકથા ‘સમુદ્રાન્તિકે’ માંથી સાભાર. પ્રસ્તુત રચના અક્ષરનાદને પ્રસ્તુત કરવાની પરવાનગી બદલ ધ્રુવભાઈનો આભાર. દરીયાનું સતત સાંન્નિધ્ય જે રીતે મને પ્રિય છે એવો જ કાંઈક ભાવ પ્રસ્તુત વાતમાં એક વૃદ્ધા કહે છે, ધ્રુવભાઈ તેમને શબ્દો આપે છે, “આ વૃદ્ધ સ્ત્રી ભલે ધાર્મિક તહેવારે અહીં આવી છે, પરંતુ તેને અહીં સુધી ખેંચી લાવનાર માત્ર ધર્મ નથી. એ તો આવી છે તહેવારને બહાને પોતાના દરિયાને મળવા. એ દરિયો, જેણે તેના બાળપણને શંખલા-છીપલાંની ભેટ ધરી શણગાર્યુ છે. તેની યુવાનીને મૃદુ તરંગોથી ભીંજવી છે અને સમગ્ર જીવનના કડવા- મીઠા અનુભવોનો સાક્ષી રહ્યો છે.” દરીયા વિશેની આવી સુંદર વાત પ્રસ્તુત કર્યા વગર કઈ રીતે રહી શકાય?


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “અમાસને દા’ડે દરિયો ના’વો છ… (સમુદ્રાન્તિકે) – ધ્રુવ ભટ્ટ

 • dushyant dalal

  ધ્રુવ ભાઈ નેી ક્રુતેી આનન્દ્ આપે તેવેી ચ્હે . અન્તર્નાદ આવેી સરસ ક્રુતેી ઓ આપતાજ રહે તેવેી અભિલાશા.

  દુશ્યન્ત દલાલ

 • Harshad Dave

  ધ્રુવ ભટ્ટ અનુભૂતિના સભ્ય જીવ છે પણ માંહ્યલામાં શિવ સંસ્કૃતિ ગુંજે છે. સમુદ્રાન્તિકે ભીતરને ભીંજવતું આંતરિક અનુભૂતિનું શબ્દમુગ્ધ કાવ્ય છે. મેં એ કાવ્ય વાંચ્યું છે અને એનું ગુંજન કાયમ પડઘાયા કરે છે. મેં એમને એ કાવ્યને હિન્દીમાં વ્યક્ત કરવાની વાત લખી મોકલેલી. કદાચ એ વાત તેમના સુધી પહોંચી નહીં હોય…સ્થિતિનો સ્વીકાર કરવો મારા સ્વભાવમાં જ હશે…હૃદયની અને મનની ભાષાના જાણતલને કદાચ અન્ય ભાષાની મર્યાદાની પેલે પાર જવાનું સુગમ બની જાય છે…તેથી જ આવી સુંદર પ્રસ્તુતિ આપણે પામી શક્યા છીએ. અનુભૂતિ આભારની મોહતાજ નથી હોતી પણ અભિવ્યક્તિ હશે…એટલે જ નતમસ્તક…સાભાર! -હદ.

 • ashvin desai

  ખુબ જ સુન્દર – રદય્સ્પર્શિ પિસ આખિ નવ્લ્કથા વાન્ચવા માતે ભાવક્ને ઉશ્કેરે ચ્હે . ધન્યવાદ – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા