મા તે મા.. (વાર્તા) – વિષ્ણુ દેસાઈ ‘શ્રીપતિ’ 13


આજે તા. ૧૯/૫/૨૦૧૩, વિશાલ અને પાયલના ઘરે વિશાલની સોસાયટીના લોકો તથા વિશાલની ઓફિસનો બધો સ્ટાફ ભેગો થયો હતો. આજે વિશાલના લગ્નની ચોથી વરસગાંઠ હતી અને તેના પુત્ર નિર્મલની જન્મની ત્રીજી વરસગાંઠ. આ નિમિતે પાર્ટી રાખવામાં આવી હતી. પાર્ટી પૂરી થતાં બધા પોતાના ઘરે જવા નીકળ્યા. પાર્ટીમાંથી ઘરે જવા માટે નીકળેલા વિશાલની ઓફીસના બે લોકો રસ્તામાં વાતે વળ્યા. “ખરેખર મિત્ર હોય તો વિજય જેવો. તેણે વિશાલ માટે કેટલું કર્યું.” એક જણે વાત શરુ કરી. બીજાએ જવાબ આપ્યો, “એમાંયે વિજયે ૧૯/૫/૨૦૧૨ના દિવસે જે કર્યું તે તો ખરેખર ધન્યવાદને પાત્ર છે. તેના પ્રયત્નથી જ તો આજે વિશાલ અને પાયલ આટલા ખુશ હતા.”

* * *

આજે તા. ૧૯/૫/૨૦૦૯. વિશાલ અને પાયલના લગ્નની તારીખ. છેલ્લા ત્રણ વરસથી સમાજ અને દુનિયાથી સંતાઈને ફરતા આ બે પ્રેમીઓ લગ્નગ્રંથીથી જોડાયા હતા. સમાજ અને જ્ઞાતિઓના બંધને તેમને એક-બીજા સથે લગ્ન કરવાની મંજૂરી ન આપતા આ યુગલે દુનિયા અને સમાજ સામે પોતાના પ્રેમ માટે લડી લેવાની તૈયારી સાથે માણસા ખાતેના ગાયત્રી મંદિરમાં લગ્ન કર્યા. તેમના આ લગ્ન પ્રસંગમાં ત્રણ જ લોકોની હાજરી હતી. વિશાલ, પાયલ અને તેમનો મિત્ર વિજય. વિશાલ, પાયલ અને વિજય કોલેજમાં સાથે ભણેલા હતા. અત્યારે વિશાલ એક ખાનગી કંપનીમા મેનેજરની પોસ્ટ પર હતો. પાયલ તે જ કંપનીમાં રીસેપ્સનિસ્ટ તરીકે જોબ કરતી હતી. બંને વચ્ચે મનમેળ થતાં તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. વિશાલ અને પાયલના લગ્ન પછી બન્ને પરિવારના લોકોએ તેમની સાથેના સબંધો કાપી નાખ્યા. આ બન્ને માટે વિજય જ તેમનો સગો-વ્હાલો જે ગણો તે બધું હતો.

વિજયે બન્ને જણને પોતાના ઘરમાં જ આશ્રય આપ્યો. પોતાના બે માળના ઘરમાં ઉપરના માળે વિશાલ અને પાયલનો સંસાર શરૂ થયો. પાયલ તેના પરિવારને યાદ કરી ખૂબ રડતી પણ વિશાલ તેને સમજાવી લેતો. ધીમે ધીમે વિશાલના પ્રેમે પાયલના પરિવારની ખોટ મિટાવી દીધી. વિજય પણ પાયલ માટે તેના ભાઈ અને દિયર એમ બન્ને તરફની ફરજો અદા કરતો. તેમનો સંસાર ખુશીથી ચાલી રહ્યો હતો. સમય પસાર થયો અને પાયલને ગર્ભ રહ્યો. આ સમાચાર વિશાલ અને પાયલ માટે અત્યંત ખુશીના સમાચાર હતા. મા બનવાની ખુશીમાં પાયલ દુનિયાના બધા દુઃખ ભૂલી ગઈ. પાયલના આ દિવસોમાં વિશાલ તેની ખુબ કાળજી રાખતો. ધીમે ધીમે સમય પસાર થતો ગયો.

આજે તા. ૧૯/૫/૨૦૧૦, આખરે પાયલની પ્રસૂતીનો સમય આવી ગયો. ભગવાનની મહેરબાની થઈ અને તેમના ઘરે પુત્ર રત્નનો જન્મ થયો. વિશાલ અને પાયલની ખુશીનો પર ના રહ્યો. તેમણે બાળકનું નામ નિર્મલ રાખ્યું. તેમની લગ્નની તારીખ જ તેમના સંતાનની જન્મ તારીખ બની હતી. વિશાલે તેના ઘરે આખી સોસાયટી અને તેની ઓફીસનો બધો સ્ટાફ ભેગો કરી પાર્ટી આપી. આમ વિશાલ અને પાયલના સંસાર રૂપી બાગમાં નિર્મલ રૂપી ફૂલ ખીલતા તેમનો સંસાર બાગ મ્હેંકી ઉઠ્યો હતો.

લગભગ બે માસ જેટલો સમય પસાર થયો. વિશાલ ઓફીસ ગયો હતો. નિર્મલના જન્મ પછી પાયલે ઓફીસ જવાનું બંધ કરી દીધું હતું. તે ઘરે જ નિર્મલને સાચવતી હતી. પણ આજે નિર્મલ થોડો નરમ થયો હતો. પોતાની નટખટ હરકતોથી પાયલને હસવનાર નિર્મલે આજે રડવાનું શરું કર્યું હતું. પાયલના ખુબ પ્રયત્નો છતાં નિર્મલે રડવાનું બંધ ન કરતાં પાયલે વિશાલને ફોન કરીને ઓફિસથી ઘરે બોલાવ્યો. વિશાલે ઘરે આવીને જોયું તો નિર્મલ તાવથી ધગ-ધાગતો હતો. બંને જણ નિર્મલને લઈને દવાખાને ગયા. ડોક્ટરે કેટલાક રિપોર્ટ્સ કરાવવાનું કહ્યું. થોડીવારમાં રિપોર્ટ્સ આવી ગયા. વિશાલે પૂછ્યું, “શું વાત છે ડોક્ટર, રિપોર્ટ્સ શું કહે છે?”

“તમારા બાળકને ન્યુમોનીયાની અસર છે. તમે ચિંતા ન કરો, હું પૂરો પ્રયત્ન કરીશ, તમે નિર્મલને એડમીટ કરી દો.” ડોક્ટરે આશ્વાસન આપ્યું અને નિર્મલની સારવાર શરું કરી. સમય વીતતો ગયો પણ નિર્મલની તબિયતમાં સુધાર જણાતો ન હતો. પાયલ વારંવાર ડોક્ટર પાસે દોડી જતી હતી, “સાહેબ મારા નિર્મલને કેમ અરમ થતો નથી તેનું શરીર હજી પણ લોઢાની જેમ તપે છે.” ડોક્ટરે કહ્યું, “તમે હિંમત રાખો હું પુરો પ્રયત્ન કરીશ.” સમય વીતતો ગયો નિર્મલની તબિયત સુધરવાને બદલે વધુને વધુ બગડતી ગઈ. હવે તેને આંચકી આવવાની શરું થઇ ગઈ હતી. તેનું શરીર ખેંચાવા લાગ્યું હતું. પાયલ ચોંધાર આંસુએ રડી રહી હતી. પણ ભગવાનને પાયલ પર સહેજ પણ દયા આવતી ન હતી. ડોક્ટરના પ્રયત્નો પૂરા થયા. આખરે નિર્મલને રજા આપવામાં આવી. બીજા દિવસે વિશાલના ઘરે આખી સોસાયટી અને તેની ઓફીસનો બધો સ્ટાફ ભેગો થયો હતો.

વિશાલ અને પાયલનું જીવન રાબેતા મુજબ ચાલવા લાગ્યું. આ સમય દરમ્યાન વિજયને વિઝા મંજુર થતા તે આખું ઘર વિશાલને સાચવવા આપીને જોબ માટે દુબઈ ચાલ્યો ગયો. વિશાલે જોયું કે પાયલ નિર્મલના ઉછેરમાં વ્યસ્ત બની ગઈ હતી. તેનો માતૃપ્રેમ તેના પતિપ્રેમને ઓળંગી ગયો. વિશાલ ઓફીસ માટે નીકળે ત્યારે પાયલ નિર્મલમાં જ વ્યસ્ત અને એ જયારે ઓફિસથી પાછો ફરે ત્યારે પણ પાયલ નિર્મલમાં જ મસ્ત. નિર્મલને સાચવવામાં તે વિશાલને સાચવવાનું ભૂલી જતી. છતાં વિશાલ ક્યારેય તેને કોઈ ફરિયાદ ન કરતો. વિશાલ સવારે ઉઠીને ચા માટે પૂછે તો પાયલ સુતેલ નિર્મલ પર હાથ ફેરવતા કહેતી, “નિર્મલ હજી સુતો છે હું ઉઠીશ તો એ રડવા લાગશે તમે જાતે જ ચા બનાવીને પી લો.” વિશાલ જાતે જ ચા બનાવીને પી લેતો. વિશાલ ટીફીન બનાવવાનું કહેતો તો પાયલ નિર્મલને ખોળામાં લઈ તેની પીઠ થબ-થપાવીને કહેતી, “તમે જુઓ નિર્મલ રડે છે, હું એને સુવડાવું છુ એટલું કામ તમે જાતે જ કરી લો ને.” આમ પાયલ નિર્મલના પ્રેમમા અને ઉછેરમાં એટલી તો વ્યસ્ત થઇ ગઈ હતી કે ઘરના નાના મોટા બધા કામ છેવટે વિશાલના ભાગે જ આવતા. તેમ છતાં વિશાલ પાયલને એક શબ્દ પણ ક્હેતો ન હતો. કારણકે તે પાયલને ખુબ ચાહતો હતો. એટલે સુધી કે રાતે વિશાલ પાયલની નજીક જવાનો પ્રયત્ન કરતો તો પાયલ તેને, “નિર્મલ જાગી જશે તો રડશે” તેમ કહીને અટકાવી દેતી અને નિર્મલને પોતાની છાતીએ ચાંપીને સૂઈ જતી. તેમ છતાં વિશાલ પાયલને કશું કહેતો નહીં. એ માનતો હતો કે પાયલ તેના માટે થઈને દુનિયાને અને પોતાના પરિવારને છોડીને આવી હતી. હવે વિશાલે જ તેને સાચવવાની હતી. વિશાલે આ પરિસ્થિતિ સ્વીકારી લીધી હતી. પાયલ બસ આખો દિવસ નિર્મલના ઘોડિયા પાસે બેસીને તેને હિંચકા નાખે જતી હતી. આમને આમ બે વરસ જેટલો સમય પસાર થઇ ગયો. પોતાનો પરિવાર હોવા છતાં વિશાલ એકલો પડી ગયો હતો. તે પોતાનું દુઃખ મનમાં જ દબાવી રાખતો. પણ તેની ઓફીસના મિત્રો તેના દુઃખથી અજાણ ન હતા. આમ છતાં કોઈ તેને મદદ કરી શકે તેમ હતું.

એક દિવસ અચાનક દુબઈથી વિજયનો ફોન આવ્યો, “વિશાલ મારી જોબનું ટ્રાન્સફર ગુજરાતમાં થઇ ગયું છે. આવતી કાલે હું પાછો આવવાનો છું તું મને એરપોર્ટ પર લેવા આવજે.” વિજયના પાછા આવવાના સમાચાર સાંભળીને વિશાલ ખુશ થઇ ગયો. તે બીજા દિવસે વિજયને લેવા માટે એરપોર્ટ પર ગયો. થોડીવાર થઇ અને વિજયની ફ્લાઈટ આવી. વિજયને જોતા જ વિશાલ ગળગળો થઇ ગયો. તે વિજયને ભેટીને રડી પડ્યો. વિજયને કંઈ સમજાયું નહી. તે વિશાલને રડવાનું કારણ પૂછતો રહ્યો. પણ વિશાલ “કંઈ નહી યાર ઘણા દિવસે તને મળ્યો એટલે” એમ કહીને વિજયને સમજાવતો રહ્યો. વિજય પણ વિશાલને વરસોથી ઓળખતો હતો. તે સમજી ગયો કે વાત બીજી કંઈક હતી. બન્ને જણ ઘરે આવ્યા. વિજયે ઘરે આવીને જોયું તો પાયલ ઘોડિયા પાસે બેઠી બેઠી ઘોડિયાને હિંચકો નાખી નિર્મલને સુવાડી રહી હતી. વિજયના આશ્ચર્યનો પર ના રહ્યો. તેણે વિસ્મય ભરી નજરે વિશાલ સામે જોયું તો વિશાલની આંખોમાંથી આંસુ છલકાઈ રહ્યા હતા. વિજયને કશું સમજાયું નહી. વિજય વિશાલને બીજા રૂમમાં લઇ ગયો ત્યાં તેણે વિશાલને પોતાના સમ આપીને સાચી હકીકત પૂછી. વિશાલે રડતી આંખે માંડીને વાત કરી. તેનો સાર આ હતો..

“વાત એમ હતી કે ઘરેથી દવાખાને ગયેલો નિર્મલ ઘરે પાછો ફર્યો જ ન હતો. ન્યુમોનિયાના તાવમાં દવાખાને જ નિર્મલનું મૃત્યુ થયું હતું. પણ આ વાત પાયલનું મન સ્વીકારવા માટે તૈયાર ન હતું. તેનું માતૃ હૃદય નિર્મલના પ્રેમમાં એવું તો પરોવાઈ ગયું હતું કે નિર્મલ હવે આ દુનિયામાં નથી તે હકીકતને તે સ્વીકારી શકતું ન હતું. નિર્મલના મૃત્યુના સમાચારે તેને એવી હચમચાવી નાંખી હતી કે તે પોતાનું માનસિક સમતુલન ગુમાવી બેઠી હતી. તે એટલી હદ સુધી કે તેણે ઓશિકાને પોતાનો નિર્મલ બનાવી લીધો હતો. તે ઓશીકાને જ નિર્મલ માની તેને નવરાવતી, તેને ખવરાવતી અને ઓશીકાને જ ઘોડીયામાં નાખી તેને હાલરડા ગાઈ તેને સુવડાવતી. ઘણી વાર તો વિશાલ પાસે ઊભી હોય ત્યારે અચાનક જ “જુવો નિર્મલ રડવા લાગ્યો” તેમ કહીને ઘોડિયા તરફ દોડી જતી અને ઘોડિયામાંથી ઓશીકાને તેડી લઈને “ચૂપ થઇ જા બેટા, ચૂપ થઇ જા” એમ કહીને તેને ચૂપ કરવા લાગતી.”

આ બધું સાંભળી વિજયનું મન કંપી ઉઠ્યું. તેની અંખોમાંથી આંસુ છલકાઈ ગયા. વિશાલ તેને વળગીને રોઈ રહ્યો હતો. તેણે વિશાલને આશ્વાસન આપ્યું અને શાંત કર્યો. વિશાલની આ પરિસ્થિતિ વિજયથી જોવાતી ન હતી. તેણે પાયલને કોઈ મનોરોગના ડોક્ટર પાસે લઇ જવાની સલાહ વિશાલને આપી. વિશાલે કહ્યું. “એ પ્રયત્ન હું કેટલીય વાર કરી ચૂક્યો છું. પણ પાયલ તેના કહેવાતા નિર્મલને છોડીને ક્યાંય જવા માટે તૈયાર નથી. અને તેના પર વધારે પ્રેશર કરવા મારો જીવ નથી ચાલતો. આમને આમ દિવસો વીતતા ગયા. વિજય વિશાલ અને પાયલની આ સ્થિતિથી વ્યાકુળ હતો પણ તેને કોઈ રસ્તો મળતો ન હતો. એકવાર રાતે તે આ બાબતે ઊંડો વિચાર કરતો સૂઈ ગયો. સવારે વહેલા અચાનક તેની આંખ ઊઘડી તો તેના કાને પાયલનો અવાજ પડ્યો. તે વિશાલને કહી રહી હતી. “જુઓ ને, નિર્મલ રડ-રડ જ કરે છે, ચૂપ જ થતો નથી.” આ સાંભળી વિજય ઉપર વિશાલને ઘરે ગયો. જઈને જોયું તો પાયલ ઘોડીયામાં ઓશિકાને હિંચકો નાંખી રહી હતી. આ જોઈને અચાનક જ વિજયના મનમાં એક વિચાર જાગ્યો. તેણે તરત જ વિશાલને પોતાની પાસે બોલાવી એક વાત કરી. વિશાલ વિજયની વાત સાથે સંમત થયો.

* * *

આજે તા. ૧૯/૫/૨૦૧૨, વિશાલ અને પાયલના લગ્નની ત્રીજી વરસગાંઠ અને તેમના બાળક નિર્મલના જન્મની બીજી વરસગાંઠ હતી. વિશાલના ઘરનો એક ઓરડો રંગબેરંગી ફૂલોથી શોભી રહ્યો હતો. ઓરડાની છત ફુગ્ગાઓથી થી શોભી રહી હતી. દીવાલ પર ‘હેપ્પી બર્થ ડે’ ના સ્ટીકર લાગેલા હતા. ટેબલ પર કેક ગોઠવાયેલી હતી. વિશાલની સોસાયટી અને તેની ઓફિસનો સ્ટાફ આજે ફરી તેના ઘરે ભેગો થયો હતો. પાયલ પણ આ બધી ગોઠવણીમાં સાથ આપી રહી હતી. તેનો નિર્મલ બાજુના રૂમમાં જ ઘોડિયામાં સૂતો હતો. અચાનક જ ઘોડીયામાંથી નિર્મલના રડવાનો અવાજ આવ્યો. પાયલ ચમકીને ઘોડીયાવાળા રૂમ તરફ જોવા લાગી. બધાએ તેને કહ્યું, “પાયલ નિર્મલ જાગી ગયો લાગે છે જા તેને અહીં લઈ આવો. એની પાસે કેક કપાવવાની છે.”

પાયલ “હા હા લઈ આવું છું” કહેતી ઘોડિયાવાળા રૂમ તરફ દોડી ગઈ. જઈને જોયું તો નિર્મલ હાથ-પગ પછાડીને રોઈ રહ્યો હતો. રોજ નિર્મલના રડવાનો અણસાર આવતા ઘોડિયા પાસે દોડી જઈ નિર્મલને તેડી લેતી પાયલ આજે ઘોડિયા પાસે જઈને અટકી ગઈ. તે ઘોડિયા તરફ એકીટશે જોઈ રહી છે પણ નિર્મલને લેતી નથી. આ જોઈ બધા લોકોના શ્વાસ અધ્ધર ચઢી ગયા. નિર્મલનું રડવાનું ચાલુ જ હતું. એટલામાં વિજય પાયલની પાસે આવ્યો અને કહ્યું, “પાયલ નિર્મલને શું કામ રોવડાવે છે ? તેને તેડી લે.” ઘરમાં હાજર બાકી બધા લોકોએ પણ પાયલને એ જ કહ્યું. છેવટે પાયલે નિર્મલને તેડી લીધો અને તેની પર ચુમ્બનોનો વરસાદ વરસાવી દીધો. આ જોઈ બધાની આંખમાં આંસુ આવી ગયા. બધા પછી નિર્મલને લઈને પાર્ટી વાળા રૂમમાં આવ્યા. ત્યાં નિર્મલના હાથે કેક કાપવામાં આવી અને નિર્મલના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી.

* * *

બન્યું હતું એમ કે વિજયે વિશાલને જે વાત માટે સંમત કર્યો હતો. તે વાતની સફળતાથી જ આજની પાર્ટી શક્ય બની હતી. પાયલને પોતાના કહેવાતા પુત્ર નિર્મલ (હકીકતમાં ઓશીકું) ના રડવાના અવાજના જે ભણકારા વાગતા હતા તેને જોઈને વિજયને એક વિચાર સૂઝ્યો હતો. અને તેની ગોઠવણી મુજબ જ વિશાલની સંમતિથી આજે અનાથ આશ્રમમાંથી બે વરસના અનાથ બાળકને દત્તક લઇને નિર્મલ બનાવી ઘોડીયામાં સૂવડાવવામાં આવ્યો. પોતાના પુત્ર પ્રેમમાં બાવરી બનેલી પાયલ માટે બાળકના રડવાનો અવાજ એ તેના નિર્મલનો જ અવાજ હતો. અને વિજયનો પ્રયત્ન સફળ રહ્યો, થોડી અસમંજસ બાદ ઘોડીયામાં રડતા બાળકને પાયલે પોતાના નિર્મલ તરીકે તેડી લીધો.

– વિષ્ણુ દેસાઈ ‘શ્રીપતિ’

એક માતાના પોતાના પુત્ર પ્રત્યેના સ્નેહની વાત કહેતી પ્રસ્તુત વાર્તા વિષ્ણુભાઈ દેસાઈ ‘શ્રીપતિ’ની કૃતિ છે. વિષ્ણુભાઈ પોતાની વાર્તા વિશે કહે છે, ‘દુનિયામાં પ્રેમના અનેક સ્વરૂપ છે. માતા-પુત્રનો પ્રેમ, પતિ-પત્નીનો પ્રેમ, બે પ્રેમીઓનો પ્રેમ, મિત્રનો પ્રેમ, સહ-કાર્યકરોનો પ્રેમ. આ વાર્તામાં બધાજ પ્રકારના પ્રેમના દર્શન આપણને થાય છે. પણ માતાના પ્રેમને તોલે આવી શકે તેવો કોઈ પ્રેમ આ દુનિયામાં બીજો નથી. આ વાત માત્ર માનવમાં જ નહીં પરંતુ પશુ-પંખીઓમાં પણ જોવા મળે છે. આ વાર્તા મારી લખેલી ઘણી વાર્તાઓમાની એક મને ગમતી વાર્તા છે. આ વાર્તા મારા માતૃશ્રી અમથીબેન દેસાઈને અર્પણ છે, મને જનમો-જનમ તમે જ માતા તરીકે મળજો. “માતૃદેવો ભવ:”‘


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “મા તે મા.. (વાર્તા) – વિષ્ણુ દેસાઈ ‘શ્રીપતિ’

 • vishnu desai shreepati

  સ્નેહી શેખ મેડમ, આપના મૂલ્યવાન પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર. આપની શાયરી ખુબ ગમી ! ફરી થી આભાર.

 • Fahmida SHAIKH

  Saras.visnu bhai abhinandan.ek vakhat phari aabhar ke aksaarnaad site thi mahitgar karva mate.
  Labo pe uske baddua nahi hoti
  Ek Maa he Jo kabhi khafa nahi hoti.
  Me ri khwaish he ke phir se farista ho jav
  MA se is taraf liptu ke bachha ho jav.

 • VISHNU DESAI 'shreepati'

  સૌ પ્રથમ મારી કૃતિને અક્ષરનાદમાં સ્થાન આપવા બદલ શ્રી જીગ્નેશભાઈ અધ્યારુનો હૃદય પૂર્વક આભાર માનું છુ.
  સાથે સાથે મારી વાર્તા વાંચીને પોતાનો મૂલ્યવાન પ્રતિભાવ આપનાર વાચક મિત્રોનો પણ આભાર માનું છુ.
  હમેશા આમ જ અક્ષરનાદ સાથે જોડાઈ રહો. જીગ્નેશભાઈ હમેશા આપણને અહીંથી સારું સાહિત્ય પીરસતા રહેશે…..

 • VISHNU DESAI 'shreepati'

  મારી વાર્તાને અક્ષરનાદ પર સ્થાન આપવા બદલ શ્રી જીગ્નેશભાઈ અધ્યારૂ સાહેબનો ખુબ ખુબ આભાર.
  સાથે સાથે મારી વાર્તા વાંચીને પોતાનો મૂલ્યવાન ફીડબેક આપનાર તમામ વાચક મિત્રોનો પણ ખુબ ખુબ આભાર.
  બસ આમ જ અક્ષરનાદ સાથે જોડાઈ રહો જીગ્નેશભાઈ હમેશા આપણને આવું સારું વાંચન સાહિત્ય પીરસતા રહેશે.
  વિષ્ણું દેસાઈ “શ્રીપતિ”

 • jacob davis

  ખુબ સરસ. વાર્તા હદયને સ્પર્શે છે. અંતની ચોટ પણ મુગ્ધ કરે છે. દુ:ખ થાય છે ને અંતે આનંદની અનુભુતિ થાય છે !

 • ashvin desai

  આ વાર્તા વાન્ચિને મને ર . વ . દેસાઈનિ ‘ ખરિ મા ‘ યાદ આવિ ગઈ
  વિશ્નુભાઈ એ દિલથિ વાર્તા લખિ ચ્હે , અને પોતાનુ સર્વસ્વ વાર્તાને અર્પન કર્યુ હોવાથિ વાર્તા ખુબ જ રદયસ્પર્શિ બનિ ચ્હે
  ધન્યવાદ
  – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા