ચાર ગઝલરચનાઓ.. – યાકૂબ પરમાર 4


ગઝલ – ૧

ગુંચવણના ચોતરફ આંટા હતા,
જયાં ભરું ડગલું બધે ફાંટા હતા.

સ્પર્શથી ટશીયો ફૂટે છે લોહીનો,
લાગણીને કેટલા કાંટા હતા !

જયાં જુઓ ત્યાં ઘૂઘવે દરીયા બધે,
પણ નસીબે એક બે છાંટા હતા.

કેટલા સંતો મરીને કહી ગયા,
આપણા માટે બધા ઘાંટા હતા.

આડફેટા પગ પડેલા તે છતાં,
એમ માન્યું પથ જરા રાંટા હતા.

ગઝલ – ૨

ક્ષણોને જો નહીં પકડો તો મારી નાખશે તમને,
સમયસર જો નહીં જકડો તો મારી નાખશે તમને.

અનુકૂળતા થવા દીધી અને આ કાળ આવ્યો છે,
હજુ પણ જો નહીં બગડો તો મારી નાખશે તમને.

ભલેને મૌનનો મહિમા કર્યો છે જિંદગી આખી,
અટાણે જો નહીં વગડો તો મારી નાખશે તમને.

ફરી હોઠો ઉપર શરણાગતીની ‘હા’ તરી આવી?
બરાબર જો નહીં તગડો તો મારી નાખશે તમને.

હવે મુકાબલાનો અંત લાવી નાખવો પડશે,
પછાડીને નહીં રગડો તો મારી નાખશે તમને.

ગઝલ – ૩

ગુંચવણને સુલઝાવું હું જરા મારી રીતે
તું કહે ના આવડે ‘કંઇપણ તને સારી રીતે.’

‘આપણે છૂટા પડીશું છેવટે સારી રીતે,’
છૂટવાની વાત આખી એ કહે આડી રીતે.

મેં શરૂ કરતાં જ પૂછ્યું તો કશું બોલ્યા નહિ,
ને પૂરૂં થાતાં જ બોલ્યા : ‘કેમ આ આવી રીતે?’

કોયડાને ગુંચવી ઉકેલવાના હોય છે ?
ઉકલે કયાંથી અમારી આ નરી સાદી રીતે ?

સાવ કોરોકટ બની કાગળ, વસું ટેબલ ઉપર,
જેમ ફાવે એમ લીટા પાડ તું તારી રીતે.

ગઝલ – ૪

સાવ સહેલું ફ્રેમનું છે તોડવું,
જાતને હું તોય એમાં ગોઠવું.

દ્રશ્ય પલમાં કયાંય છટકી જાય છે,
તીર એમાં કેવી રીતે છોડવું ?

જિન્દગીનું શું કર્યુ તેં કહે મને,
હું ય એવી રીત જેથી રોળવું.

હું મને ભુલી જવા બેઠો હતો,
ત્યાં જ તારું લાગણીનું જોડવું.

વાડ તોડીને અમે ફેંકી દીધી,
છોડ તું પણ ખોડીબારું ખોડવું.

– યાકૂબ પરમાર

યાકૂબભાઈ પરમારની ગઝલરચનાઓ આપણે અક્ષરનાદ પર સમયાંતરે માણીએ છીએ અને તેમની કૃતિઓને વાચકોનો સુંદર પ્રતિભાવ પણ સાંપડે છે. આજે પ્રસ્તુત છે તેમની ચાર તરોતાઝા ગઝલ રચનાઓ, ગઝલની બાંધણીમાં તેમણે ક્યાંક છૂટછાટ લીધી હોય તેવું લાગે તો પણ ગઝલનું હાર્દ અને તેનો ભાવ કૃતિને આસ્વાદ્ય બનાવે છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ યાકૂબભાઈનો ખૂબ આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “ચાર ગઝલરચનાઓ.. – યાકૂબ પરમાર

  • Bankimchandra Shah

    “અનુકુળતા થવા દીધી…….કેવી વાસ્તવિક વાત છે ? ઘણા શેરો જાણે આપણા જીવનના અનુભવો માંથી ઉચક્યા હોય એવુ લાગે છે.

  • ashvin desai

    ભાઈ યાકુબ પરમાર સાહેબ ગઝલ્ના ઉસ્તાદ થવાનિ ક્ષમતા ધરાવે એવા શાયર તરિકે ઉભરિ રહ્યા ચ્હે
    વજન અને મિતર એમને એતલા બધા હાથવગા ચ્હે , કે એમના શેર સિધા એમના રદયમાથિ રચાઈને જ નિકલ્યા હોય એવા બલકત હોય ચ્હે
    એમનુ સહુથિ મોતુ બલ એમના સ્પન્દનોનિ બારિકાઈ – જે એમનિ ગઝલોને ચ્હિચ્હરાપનાથિ સાવ દુર રાખિ ગહન રચના બનાવે ચ્હે – જે વિચારનિય અને મનનિય બનિ રહે ચ્હે , ધન્યવાદ – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા