શિવ પાર્વતી (નવલિકા) – ઈશ્વર પેટલીકર 9


ઑફીસેથી ઘરે આવી મોહન બૂટ કાઢતો હતો ત્યાં ચાર વર્ષના રજનીએ તાજા સમાચાર કહ્યાઃ ‘કાકાએ બસ્ટ ભાંગી નાખ્યું.’

ઘરમાં એક જ બસ્ટ હતું. શિવ-પાર્વતીનું. ટૂંકા પગારમાં પોતાનું અને ભાઈનું કુંટુંબ નિભાવતાં કાયમ નાણાંની તંગી રહેતી. વિદ્યાર્થી અવસ્થમાં કેળવાયેલો કળાનો એક પણ શોખ સંસાર લઈને બેઠા પછી મોહનને માણવા મળ્યો ન હતો. પંદર રૂપિયાનું શિવ પાર્વતીનું બસ્ટ એ ખરીદી લાવ્યો અને શાન્તાએ શું કામ આટલા રૂપિયા ખર્ચ્યાતેની ટકોર કરી ત્યારે એની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. શાન્તા કળા વિશે ઊંચી રસવૃત્તિ ધરાવતી નહોતી, છતાં પતિના શોખને ન સમજે એટલી અબુધ પણ નહોતી. બસ્ટ ઘરના ઈષ્ટદેવ હોય એમ એ રોજ એની સન્મુખ ધૂપસળી મૂકતી. ફૂલ મળ્યાં હોય તો એ પણ ત્યાં મૂકતી. મોહન આમ તો મંદિરે જતો ન હતો, છતાં શિવ પાર્વતીના બસ્ટને એણે એકેય દિવસ નમસ્કાર કર્યા ન હોય તેવું ક્યારેય બનતું નહિ.

આ બસ્ટ ભાંગ્યું તે ગુનો કંઈ નાનો ન હતો, પરંતુ એ ગુનો કરનાર ખુદ મોહનના મોટાભાઈ હતા અને એમણે એ ગાંડપણમાં કર્યો હતો. પાંચ વર્ષ ઉપર એમનો દસ વર્ષનો દીકરો મોટર-અકસ્માતમાં નિશાળેથી આવતાં રસ્તામાં કચડાઈ ગયો. મૃત્યુ પામ્યો, અને એ આધાત સમા ગાંડા થઈ ગયા હતા, મોહન તે વખતે ગ્રેજ્યુએટ થઈ ગયો હતો, એટલે વીમા કંપનીમાં કારકૂનની નોકરી મળી જતાં, મોટાભાઈની જવાબદારીએણે ઉપાડી લીધી. પરંતુ આ મોંધવારીમાં એ જવાબદારી ઉપાડવાની સહેલી ન હતી. મોટાભાઈને ચાર સંતાન હતાં. તેમાંથી મોટો દીકરો ગુજરી જતાં ત્રણ અને ભાઈભાભી થઈને પાંચ જણ. એ જ મોટાભઈના આગ્રહને વશ થઈ જુનિયર બી.કોમ. માં મોહન હતો, ત્યારે એનું લગ્ન થઈ ગયું હતું. મોહનને ઘણું ય થતું કે, પોતે પરણેલો ન હોત તો આ સ્થિતિમાં પોતાના કુટુંબની જવાબદારી ઊભી ન કરત. છતાં શાન્તાના કુટુંબ વાત્સલતાને લીધે પોતાનો બોજો ઘણો હળવો બનતો હતો. એને પોતાને પણ બે બાળકો હતાં.

એક જણના પગારમાં નવ જણને પોષાવાનું મુશ્કેલ હતું, છતાં મોટાભાઈને દવાખાનામાં મૂકવાથી ફાયદો થાય તો સારું, એ ગણતરીએ એક વરસ તેમાં રાખ્યા હતા, પરંતુ એક આની પણ સુધારો થયો ન હતો. બીજા છ માસ દાક્તરે રાખવાનો આગ્રહ કર્યો તે માન્ય રાખી જોયા કરી, પણ કંઈ પરિણામ આવ્યું નહિ. આ ખર્ચ પેટે દાગીના વેચવા પડેલા ત્યારે દેરાણી -જેઠાણી વચ્ચે મીઠો કલહ થયેલો. શાન્તા કહે કે, કુટુંબની જવાબદારી મારા પતિ ઉપર છે એટલે ખર્ચને પહોંચી વળવાની એમની ફરજ, એમને મદદ કરવાનો મારો ધર્મ ; એટલે મારા દાગીના વેચવા જોઈએ. ગંગા કહે કે, મારા ધણી પાછળ ખર્ચ કરવું પડે અને તે પેટે દેરાણીનિ જણશો વેચવા દઉં તો હું લાજી મરું. મારી જણશો એમના કામમાં ન આવે તો કરવાની શું? મોહને એવટે વચલો રસ્તો કાઢી બંને ની થોડીવત્તી જણસો વેચી ખર્ચ પતાવ્યું હતું.

મોટાભાઈ દવાખાનામાં હતા ત્યાં સુધીતો કેવળ ખર્ચનો સવાલ હતો, પરંતુ ઘેર લાવ્યા પછી અનેક પ્રશ્નો ઊભા થવા લાગ્યા. આમ તો એ શાન્તા બેસી રહેતો, ફરતો; પરંતુ ક્યારે એને ગાંડપણ આવે અને કોઈને મારી પાસે તે કહેવાય નહીં. મોટર ઉપર એને વેર બંધાઈ ગયેલું. દીકરાનો જીવ એણે લીધો એ વાત એનાથી વિસરાઈ ન હતી. એ વેર વાળવા ક્યારેક ક્યારેક એ દોડતી મોટર ઉપર ઘા કરતો.મૃત્યુ પામેલા દીકરા જેવો કોઈ બાળક જુએ અને એને ઉમળકો થઈ આવે તો એને ઊંચકી લઈ વહાલ કરે. પરંતુ ગાંડા માણસનું વહાલ પણ હેરાનગતિમાં ગણાય. બાળકો બીએ પણ ખરાં. ઘરની વ્યવસ્થામાં ઘણી ઉથલપાથલ કરી નાખે.

શરૂઆતમાં મોહન મોટાભાઈ તરીકે એમનો વર્તાવ વેઠી લેતો. ગાંડા છે, બીજું થાય પણ શું? એમ પોતાના મગજની સ્થિરતા સાચવી શકતો. પરંતુ આ એક દિવસનું ન હતું, કાયમના આ વર્તાવથી મોહન અવારનવાર કંટાળવા લાગ્યો. મોટાભાઈના ગુના બદલ પહેલાં એ ધીમેથી એમને કહેતો તેને બદલે એ ખીજાયને કહેતો થયો, એમાંથી એ તોછડાઈથી વર્તતો થયો હતો.

‘આ સારું ન કહેવાય’ તેમ શાન્તા એને ટોકતી ત્યારે એ જવાબ આપતો – ‘ગાંડા માણસને જે ભાષામાં સમજાય તેમાં કહેવામાં ખોટું શું? તું જ જુએ છે કે, મારા કડક વર્તનથી હવે એ બીએ છે અને તોફાન ઓછુ કરે છે.’

શાન્તા પણ થાકતી ત્યારે ખિજાઈ નહોતી જતી એમ નહિ, પરંતુ ભાભીને ઓછું ન આવે માટે એ પોતાનો ક્રોધ મનમાં સમાવી દેતી હતી. એ દલીલ કરતાં કહેતી, ‘તમે કહો છો તે સાચું હોય તો પણ ભાભીને દુઃખ થાય કે, મારો ઘણી ગાંડો થયો ત્યારે નાનોભાઈ પણ એનું અપમાન કરે ને?’

ખિજાઈ જતાં મોહન કહેતોઃ ‘ખરું પૂછો તો ભાભી જ લાડ કરીને એમને બગાડે છે. એક જગાએ બાંધી રાખ્યા હોય તો તરત ઠેકાને આવી જાય.’

શાન્તાઃ ‘ભાભીનો એમાં દોષ શું કામ કાઢો છો? તમારી એવી સ્થિતિ થઈ હોય તો શું હું પણ એમ ન કરું?’ અને એની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં.

મોહન થોડા દિવસ મીઠાશથી વર્તતો. પણ એ મીઠાશ ચાલી જતી ત્યારે એનો પ્રત્યાધાત વધુ કર્કશ બનતો. માણસ અર્ધે ભૂખ્યે પેટે બીજાને રોટલો આપી શકે, પણ તદ્દ્ન ભૂખ્યે પેટે લાંબો વખત ભાગ્યે જ આપી શકે છે. મોહન મોટાભાઈના કુટુંબ માટે ભોગ આપવા તૈયાર થતો. નોકરીમાં એવો પગાર હતો કે બધાનું ઠીક ઠીક રીતે પૂરું થાય, છતાં એ નોકરી જારી રાખવા ઓછી ગુલામી વેઠવી પડતી ન હતી. એને આવી માથે જવાબદારી ન હોત તો છ માસથી લાંબી નોકરી તેણે ખેંચી ન હોત. કુટુંબ જીવનમાં પણ એ મોકળાશ અનુભવી શકતો ન હતો. બે ખંડના ઘરમાં એને આટલાં માણસનો સમાવેશ કરવાનો હતો. સારા નસીબે ઘરની આગળની સ્વતંત્ર ખુલ્લો ચૉક હતો. આ ચૉક ત્રીજા ખંડની ગરજ સારતો હતો. મોટાભાઈનો સમાવેશ એમાં થઈ રહેતો એટલી રાહત હતી પરંતુ એવા સાંકડા ઘરમાં દંપતીજીવનની અલગતા માણવાની મળતી ન હતી. રજાને દિવસે થોડું ખર્ચ વેઠીને બહાર ફરવા જવાનું પોષાય તેવું ન હતું. છતાં મોહન તૈયાર થાય તોપણ શાન્તા એમાં ઉમંગથી સહકાર આપવાની ઈચ્છા બતાવતી નહિ.ભાભીના દુઃખમાં પોતાના કોઈ પગલાથી વધારો ન થવો જોઈએ એમ વિચારીને એ ચાલતી હતી. પતિ-પત્ની એમ સહેલ કરવા જઈએ તો ભાભીના મનમાં કેવું થાય?એટલે મોહનની ઈચ્છા અવગણવાની કોઈ શક્યતા ન દેખાય ત્યારે શાન્તા પોતાના અને ભાભીનાં બાળકોને લઈને બહાર જતી. મનમાં એવો સમ્તોષ માનતી કે ભાભીને પતિ સાથે સુખ દુઃખનાં આસું પાડીને વાત કરવી હશે તો એકાંત મેળવી શકશે. પરંતુ મોહનને શાન્તાનો સ્વતંત્ર સહવાસ આથી મળતો નહિ, એટલે એ રોષ કરી કહેતોઃ ‘નાની ઉંમરમાં તું કુટુંબની વડીલ બની જઈને પ્રિયા મટી ગઈ છે!’

આમ જીવનમાં સુખ ન માણી શકતા મોહન ઉપર જવાબદારીનો ભાર દિવસે દિવસે વધતો જાય એનું પરિણામ બીજું આવે પણ શું? એને થતું કે ‘ભગવાન હવે એને આ ઉપાધિમાંથી છોડાવે તો સારું.’ પણ ભગવાન એમ ક્યાં કોઈની દયા ખાય એવો છે? મોતાભાઈનાં તોફાન કંઈ પહેલાં કરતાં વધી ગયાં ન હતાં, પરંતુ મોહનની સહનશક્તિ ક્ષીણ થઈ ગઈ, એટલે ભાઈનું નાનું ગાંડપણ એને મોટું લાગતું હતું. એવા પ્રસંગે અગાઉ જે રીતે વર્ત્યો હોય તેથી વિશેષ તોછડાઈભર્યું એ વર્તન કરતો હતો.

બાળકને ઊંચકીને વહાલ કરવું, એ ચીસોચીસ પાડે છતાં કોઈ છોડાવે નહિ ત્યાં સુધી એને મુક્ત ન કરવું. એ ગાંડપણ મોટાભાઈનું નવું ન હતું. પરંતુ મોહન માનસિક રીતે એવો નબળો પડી ગયો હતો કે, એ કારણે જ એક વખત એણે ગુસ્સે ભરાઈને તમાચ મારી દીધી ‘હું જોઉં છું કે દોરડેથી એને કોણ છોડે છે,’ીમ ત્રાડ નાખી મોટાભાઈને એણે ચોકમાં બાંધ્યા.

ગંગાએ રાત રડીને કાઢી. મોતાભાઈને તમાચ મારવાનો મોહનનો અ પહેલો પ્રસંગ હતો. ગંગા એનો અર્થ એ કરતી હતી કે, દિયર મોંએ કહી શકતાનથી એટલે જ, બાકી તમાચ પાછળનો અર્થ તો એટલો જ કે, તમે મારા મોં આગળથી ટળો.જે ભાઈને ટૂંકા પગારની શિક્ષકની નોકરીમાં મોટાભાઈએ ઉછેરી મોટો કર્યો, માબાપની યાદ સાલવા ન દીધી, પોતે ગરીબાઈને લીધે ભણી ન શક્યા પણ ‘મારો નાનો ભાઈ ગ્રેજ્યુએટ થાય’ એવા કોડ રાખીને ભણાવ્યો, એ ભાઈ અત્યારે એમને તમાચ મારે છે! એ વિચારમાં ડૂબી જતાં ગંગાનાં આંસુ રિક્યાં રોકાતાં નહો.

પણ હૈયું હળ્વું થતાં એને મોહનનો ગુનો દેખાતો નહિ. એનો બિચારાનો શું દોષ? નાનપણમાં માબાપનું શુખ ન જોયું. ભાઈની ગરીબાઈને લિધે દુઃખ વેઠીને ભણ્યો, ભણી રહેતાં જ મોટાભાઈનાં પાંચ માણસોની જવાબદારી માથે પડી, તેમાં ગાંડા માણસની ઉપાધી! એકલો માણસ કેટલું સહી શકે? સારા નસીબે દેરાણી સમજુ મળી હતી કે બધાંને પોતાનાં માની વર્તતી હતી, પોતાના કરતાં બીજાના સુખનો પહેલો વિચાર કરતી હતી. કોઈ સાંકડા મનની મળી હોતતો મોહનથી આટલો ભાર વેઠાત પણ નહિ, અને એવો કંકાસ કરી મૂક્યો હોત કે પોતે ભેગી રહી શકત નહિ.

આ વિચાર ગંગાને આજે જ આવ્યો હતો એવું પણ ન હતું. દિયર ઉપરનો બોજો પોતે શી રીતે ઓછો કરે તેની એન કાયમ ચિંતા રહેતી હતી, બીજાની ખાંધ ઉપર બેસવું પડે ત્યારે એને ઓચો બેજો લાગે તેમ માણસ ઊંચા શ્વાસે બેસે, તેમ ગંગા દિયરના ઘરમાં રહેતી હતી. પરંતુ પોતે ગમે તેટલો ઊંચો શ્વાસ રાખે, પણ લાંબો સમય એ વેઠવાનું આવતાં સામાને ભાર લાગ્યા વગર નરહે તેમ એ માનતી હતી. એ ભાર ઓછો કરવા એ ગૂંગળામણ અનુભવતી હતી. પરંતુ એ એટલું ભણી ન હતી કે શિક્ષિકા જેવી નોકરી મેળવી શકે. કોઈ જાતમહેનતનું કામ કરવામાં પણ એને નાનમ ન હતી.પરંતુ એમાં દિયરનું ખોટું દેખાય એ ભય રહ્યા કરતો હતો. આ ગૂંગળામણ એનાથી સહેવાતી ન હતી અને કહેવાતી પણ ન હતી.

હવે એ વાત કહેવાનો સમય પાકી ગયો હતો. આથી બીજે દિવસે એણે શાન્તાને કહ્યુંઃ ‘મારે તમને એક વત કહેવી છે.’

શાન્તા ગઈ કાલે જે પ્રસંગ બનીગયો હતો તેથી તે દુઃખી હતી. એને ગુનાની શરમ ગઈ ન હતી એટલે હાભીથી મોં છુપાવતી હતી. કદાચ ભાભીએ એ મૌનનો અર્થ પતિના વર્તનમાં પોતાની સંમતિ હશે એમ તો નહિ કર્યો હોય? – એ બીકે, ગંગાએ સામે ચાલીને વાત કહેવાની શરૂ કરી ત્યરે એનાથી રડી દેવાયું. એ ડૂસકાં લેતી બોલીઃ ‘ભાભી ! કાલના પ્રસંગથી હું એવી શરમિંદી બની ગઈ છું કે તમારી સાથે બોલી શકતી નથી. તમે મનમાં એવું ન લાવતાં કે મને એમાં કંઈ ખોટું લાગ્યું નથી એટલે હું ચૂપચપ રહી છું. રાત્રે મેં એમને કહેવામાં બાકી રાખ્યું નથી.’

ગંગાથી પણ રડી દેવાયું. એને શાંત પાડવા શાન્તાએ સ્વસ્થ થવું પડ્યું. બંનેનાં હૈયા વરસી ખાલી થઈ ગયાં એટલે ગંગે કહ્યુંઃ ‘તમે બંનેએ જે કર્યું છે અને કરો છો એ બીજાથી થાય એવું નથી. એની કદર કરવાની બજુએ રહી અને હું તમને અપજશ આપું . તો મારા જેવી મૂરખ કોણ? પરંતુ મને લાગે એ કે, હું હાથપગ ઝાલીને બેસિ રહું તે કરતાં કંઈ કામ કરું તો ઘરમાં થોડો ઉમેરો થાય. મોહનભાઈ એકલા થાકી જાય એમાં નવાઈ નથી.આ કંઈ થોડા દહાડાનું નથી કે એની ચિંતા ન કરવી જોઈએ.’

‘શૂમ કરશો?’
‘બીજું તો હું શું કરી શકું? કંઈ જાતમહેનત.’
‘તમારો આશરો નહોત તો એય કર્યે છૂટકો ન હોત.’
‘અમારો આશરો એટલે અમને પરાયાં ગણો છો?’
‘પોતાનાં માણસો ઉપર પણ ગજા ઉપરનો બોજો આવે તો એમને ભાર લાગવા માંડે છે. એ બોજો ઓછો કરવાની પોતાનાં માણસોની પણ એટલી જ ફરજ છે. મોહનભાઈ ઉપર ફરજ રાખીને હું હાથપગ ઝાલીને બેસી રહું તેમાં મારી ફરજ ક્યાં રહી?’

‘એનો એક રસ્તો મને દેખાય છે.તમે મહેનત કરવા જશો તો એટલું કમાઈ લાવવાનાં નથી, તેથી વધારે હું નોકરી કરું તો લાવી શકીશ.’

ગંગાએ બે હાથે જોરથી એનો વિરોધ કરતાં કહ્યુંઃ ‘આટલાથી હું ભારે મરું છું તો તમે અમારે લીધે નોકરી કરો એ શી રીતે વેઠ્યું જાય?’

શાન્તાએ એવો ભાર લગાડવાનું કારણ નથી એમ જણાવતાં કહ્યુંઃ ‘આ વિચાર તમારા કહેવાથી આવ્યો છે એમ ન માનતાં. પરંતુ બે સુવાવડ સાથે સાથે આવી ગઈ એટલે મારી ઈચ્છા હોય તો પણ શું બને? હવે બાબો ધાવણ છૉડે એવો થયો એ ઘર તમે સંભાળનાર છો, એટલે નોકરી કરવામાં મુશ્કેલી પણ ક્યાં છે?’

શાન્તાને નોકરી શરૂ કરવાની મોહને ખુશીથી સંમતિ આપી હતી. તે વખતેીની ગણતરી હતી કે, આર્થિક તંગી એથી ઓછી થશે. એ ઓછી થઈ પણ ખરી પરંતુ સામે પાસે એને એક નુકસશાન થયું -શાન્તાનો સહવાસ ઓછો થયો. એનો સ્વભાવ જે કામ લે તેમાં જીવ પરોવવાનો હતો, એટલે નિશાળના કામમાં એટલી બાધી શક્તિ ખર્ચી નાખતી ન હતીકે, ઘર આરામ કરવાનું સ્થળ થઈ પડ્યું. મોહન સાથે વાતચીત પણ કરે તો પણ શાળાની. શાન્તના ઉમદા સ્વભાવનો એ આજ સુધી પ્રશંસક હતો, તે જ સ્વભાવથી નોકરી પછી એ કંટાણી જતો હતો- આવો વત્સલ સ્વભાવ બીજાઓ માટે ભલે સારો હોય, પતિ માટે તો એ અવગુણ છે!

પરિણામે, દુઃખનું મૂળ શાન્તા હોય તેમ, મોહન એની સાથે લડી પડતો. ગંગા સમજતી કે પોતાન એલીધે બંને વચ્ચે કંકાસ થતો હતો. પરંતુ એવી લાલર હતી કે, મૂંગે મોંએ સ્થિતિ સહન કર્યા વગર આરો ન હતો. પોતાના પતિનું નિમિત્ત તો હતું તેમાં પોતાનું નિમિત્ત ન ઉમેરાય તે માટે ઘરકામમાં એ કસૂર આવવા દેતી નહિ. શાન્તાનાં બાળ્કો માને ભૂલી જાય તે પ્રમાણે એમને રાખતી. એનો પોતાનો નાનો બાબો છ વર્ષનો હતો. એ શાન્તાના બાબા પાસે રમકડું જોઈ લેવાની હઠ કરતો હોય અને બાબો આપવાની તૈયારી બતાવે તો પણ એ લેવા દેતી નહિ અને પોતાના બાબાને રડવા દેતી. કોઈ ખાવાની વસ્તુ આપવામાં કે રસોઈ પીરસતી વખતે એ બાળકોને મા તરીકે પીરસતી નહિ, પણ શેઠાણીના ઘરમાં આયા પોતાનં બાળકોને સંકોચથી ચીજવસ્તુ આપે તેમ એ વર્તાતી હતી.

શાન્તાથી એ ભાવ અજાણ્યો શી રીતે રહે! એ ગંગાનો પોતાનો ભાવ વ્યક્ત કરતાં કહેતીઃ ‘ભાભી! હું નોકરી કરું છું અને બે પૈસાની છૂટ થઈ છતાં તમે આમ જ મૂઠી વાળી રાખવાનાહો તો હું નોકરી છોડી દઉં.’

ગંગા આટલાં વરસથી મુશ્કેલીમાં પણ જો આ ઘરમાં ટકી રહી હોય તો શાન્તાના આ સૌજન્યથી. એનો વિચાર કરતાં, પોતે એની જગ્યાએ હોય તો આટલી ભલાઈ ન બતાવી શકે એમ એને સ્પષ્ટ લાગતું હતું.પરંતુ કોણ જાણે કેમ, મોહને એના પતિને તમાચો માર્યો ત્યારથી પોતે અપમાનિત દશામાં અહીં પડી રહી હતી, તે દુઃખ એના મનમાંથી જતું ન હતું. શાન્તા અવારનવાર આશ્વાસન આપતી, છતાં એના દિલમાં વ્યાપેલી ગ્લાનિ દૂર થતી ન હતી.

મોહને તે પછી મોટાભાઈને તમાચો મારવા જેવું પગલું ભર્યું ન હતું, છતાં એના મનમાં આવી ગયેલો અભાવ દૂર થયો ન હતો. મોહનનું તોછડાઈભર્યું વર્તવાનું ચાલુ હતું. એ એવું વર્તન ન વ્યક્ત કરતો ત્યારે પણ એની નજરમાં ભારોભાર થાક વર્તાતો હતો. એ થાક પોતાને માથે પડેલા મોટા ભાઈના કુટુંબનો હતો તેમ ગંગા ચોખ્ખું જોઈ શકતી હતી. એટલે જ ગંગાને કોઈ રીતે મનમાં શાન્તિ ન હતી.

ગંગાને મનમાં એવો ભય પણ રહ્યા કરતો કે, પોતે સમજીને દિયરને આ જવાબદારીમાંથી મુક્ત નહિ કરે તો એનું પરિણામ એક દિવાસ કરુણ આવશે. એને લાત ખાઈને આ ઘર છોડવું પડશે. શાન્તા હતી ત્યાં સુધી તો એટલી હદે દિયર જઈ ન શકે તેમ એને લાગતું હતું. પરંતુ ગમે તે હોય, દિયરની ઇચ્છા વિરુદ્ધ પોતે એને ઘેર રહેતી હતી એ વિશે એને શંકા ન હતી.

આ સાચું હોય તોપણ એને માટે બીજો શો રસ્તો હતો? સ્વતંત્ર ઘર લઈને એ કુટુંબનું પૂરું કરી શકે તેમ હતી? એનો જવાબ ના અને હા બંને હૈયામાંથી મળતો હતો. જે રીતે એ ટેવાઈ હતી તે રીતે એ ખર્ચને પહોંચી વળે તેમ ન હતી. પરંતુ દેશમાં ઘણાં ગરીબો શું નથી જીવતાં?એ જીવે છે તો પોતે કેમ ન જીવી શ્કે? દિઉઅરનો આશરો નહોત તો પોતે જાતમહેનત કરીને નિભાવ ન કર્યો હોત? મોટીબેબી પણ બાર વર્ષની થઈ હતી; એના જેવડી ઓકરીઓ ઘરકામની નોકરી શું નથી કરતી? બેબી ભણવામાં હોશિયાર હતી, એને ભણવાનું છોડી દઈ કોઈનું કામ કરવું પડે, એ વિચાર માત્રથી એ ધ્રુજી જતી હતી.

કોઈ જાતના નિર્ણય ઉપર આવ્યા વિના કાયમ ફફડાટ અનુભવતી ગંગા જીવ્યા કરતી હતી, તેમાં પતિએ શિવ-પાર્વતીનું બસ્ટ ભાંગી નાંખ્યું, અને એ બી ગઈ. પંદર રૂપિયાની કિંમત તરીકે નુકસાન થયું હતું અને એ પાછળ દિયરની જે મમતા લાગણી હતી તેની કોઈ કિંમત ન હતી. એ સમાચાર જાણતાં દિયર ખિજાઈ જશે એમાં એને શંકા ન હતી. ઘડીભર તો એને થયું કે પોતે નવું લાવીને મૂકી દે તો એનો અર્થ નહોતો. વળી એટલી રકમ પણ એની પાસે ક્યાં હતી? અતિ સામે જોઈ એ ગુસ્સો કરવા તો ગઈ, પણ મોંમાંથી બોલ નીકળે તે પહેલાં આંખમાંથી આંસુ નીકળી પડ્યાં.એનું હૈયુ કહી રહ્યું – ડાહ્યા હતા ત્યારે પાઈની ચિંતા કરનાર આને આવું નુકશાન કરે છે, તેનું કારણ ગાંડપણ છે. જેનો દોષ નથી એને ઠપકો આપવાનો કે એના ઉપર રોષ કરવામાં ગાંડપણ વગર બીજું શું છે?

ગંગાએ ગાંડપણ ન કરતાં મીઠાશથી પતિને સલઆ આપીઃ ‘ભાઈ ઑફીસેથી આવે ત્યાર પહેલાં બહાર ચાલ્યા જજો. મારા ઉપર ગુસ્સો ઉતારે તે પછી આવજો.’

પતિએ ગાંડપણ કરતાં કહ્યુંઃ ‘ભાઈથી હું કાંઈ બી જાઉં એવો છું? પૂછશે તો કહીશ કે શીવ પાર્વતી મારી સામે આંખો કાઢતાં હતાં તે મં પછાડી નાખ્યાં!’

ગંગાએ રકઝક ન કરતાં વિચાર્યું કે, દિયરને ઑફિસેથી આવવાનો વખત થશે ત્યારે હું પતિને બહાર વિદાય કરી દઈશ. પરંતુ એ વાત ભુલાઈ નહોય તેમ સાંજ પડી ત્યારે ગંગાએ પતિને બહાર ફરવા જવાનું કહ્યું. છતાં એમણે હઠ કરી- ‘શું હું કોઈથી બી જઔં એમ?’

કોઈઅ હિસાબે પતિએ બહાર જવાની તૈયારી બતાવી નહિ ત્યારે ગંગાએ મન મનાવ્યું કે, પોતે શું કામ ગભરાય છે? દિયર આ સમાચાર જાણતાં કેવું વર્તન કરે છે, એ ઉપરથી એમની કેવી લાગણી છે તેપણ જણાઈ આવશે. પોતાને દુઃખ પહોંચે છતાં માણસ સહન કરી લે તે જ ખરી કસોટી. બસ્ટ ભાંગ્યુ ત્યારે એને જે ફફડાટ હતો, તે મોહનને ઓફિસેથી આવવાનો સમય થયો ત્યારે લગભગ શમી ગયો હતો.

પરંતુ એને જે ભય હતો તે આગળ આવીને જ ઊભો રહ્યો. મોહનના મોટા બાબાએ બસ્ટ ભાંગ્યાના જેવા સમાચાર આપ્યાકે, એણે હાથમાં બૂટ હતો તે ઊંચકીને ચોકમાં બેઠેલા મોતાભાઈ ઉપર ફેંક્યો. આટલાથી ક્રોધ ન શમ્યો હોય તેમ દોડીને બૂટથી બરડામાં ફટકા મારવા શરૂ કર્યા.

ગંગા માટે આ અસહ્ય હતું. જે ઘડીનો એને ફફડાટ રહ્યા કરતો હતો તે આવી પહોંચી. એ ચોકમાં દોડી આવતાં બોલીઃ ‘આટલો ગુનો માફ કરો, હું એમને લઈને અત્યારે જ ચાલી જાઉં છું. ફરીથી તમારે ખિજાવાની જરૂર નહિ પડે. પૂતળાના શિવજી ભાંગતા તમને આટલું થાય છે, તો મારા જીવતા શિવજીને તમે મારો ત્યારે મને શું ન થાય?’

મોહન ગંગા તરફ ફરી ક્રોધમાં બરાડ્યોઃ ‘તમે મને બીવડાવો છો, એમ?’

ગંગાના આંખમાંનાં આંસુ લૂછતાં બોલીઃ ‘બીવડાવતી નથી કે તમને ખોટા પણ કહેતી નથી. તમે જે વેઠયું છે તે બીજાથી ના વેઠાય તે પણ સમજું છું. પરંતુ મારું કરમ કઠણ તેમાં તમારો શો દોષ?’

અને જાણે પૂરેપૂરી તૈયારી હોય તેમ એણે દયામણે મોંએ ચોકને છેડે ઊભેલા પતિને સંબોધીને કહ્યુંઃ ‘ચાલો આપણાં કરમ આપણે ભોગવીશું. એ વિના કરમની કઠણાઈની ખબર પણ શી પડે?’ પાછળ જોયું તો એનાં ત્રણે સંતાનો આંખમાં આંસુ સાથે વગર કહ્યે મા સાથે જવા તૈયાર થયાં હતાં.

સમાજ આગળ ભાભી પોતાને ખોટો દેખાડી રહ્યાં હતાં તે ખ્યાલથી મોહનનો ક્રોધ વધુ ઉછળી આવ્યો. એમને જતાં અટકાવવાને બદલે એ પગલાને ટેકો આપતાં બોલ્યોઃ ‘આટલું વેઠ્યું છતાં જશ ઉપર જુતિયાં મારવાં હોય તો મારી તમને રોકી રાખવાની બિલકુલ તૈયારી નથી.’

મોહનના આ બોલ પછી પોળનાં ભેગાં થયેલાં લોકોની પણ ગંગાને ન જવાની વિનંતિ કરવાની હિંમત ન ચાલી. ગંગા, ગાંડો પતિ અને ત્રણ બાળકો પોળમાંથી નીકળ્યાં, ત્યારે ભેગા થયેલાં બધાંનાં હૈયાં ધ્રુજી ગયાં. સામેથી શાન્તાને આવતી જોઈ ત્યારે સૌને થયું કે, હવે બાજી સુધરી જશે. પોતાના ઘર આગળ જામેલું ટોળું, તેમાંય ભાભીને અને જેઠને બાળકો સાથે જોતાં એના હૈયામાં ફાળ પડી – જરૂર કંઈક નવાજૂની થઈ હોવી જોઈએ.

પરંતુ એ પાસે આવી બાજી સુધારી લે તે પહેલા મોહન પગથિયાં ઊતર્યો અને શાન્તાનો હાથ પકડી, એને કંઈ બોલવા દીધા વગર, ઘરમાં લઈ જવા ખેંચવા લાગ્યો. ગુસ્સામાં બબડતો હતો – ‘હવે એમણે ભવાડો કર્યો છે તો પૂરો ભજવી લેવા દ્યો, સારા દેખાવાનો જશ મારે હવે નથી લેવો.’

‘મને છોડો, મને છોડો’ એમ શાન્તા બૂમો પાડતી રહી પણ મોહને કંઈ ગણકાર્યું નહીં અને એને ખેંચીને ઘરમાં પૂરી દઈ એ શ્વાસ ખાવા લાગ્યો. ‘એના શિવજીને છો માથે લઈને ફરે!’

મોહનને આવો ખિજાયેલો ક્યારેય કોઈએ જોયો નહોતો. ભાઈ-ભાભીને સંઘરે એવી કોઈને આશા રહી ન હતી. એ સ્થિતિમાં એમને આશરો આપીને કેટલા દહાડા પોતે રાખી શકે, એ વિચાર માત્રથી કોઈ એમને રોકાઈ જવાનું પણ કહી શક્યું નહીં.

પોળમાંથી ગંગા બહાર નીકળી ત્યારે એને ખ્યાલ પણ નહોતો કે પોતે ક્યાં જશે? મુખ્ય રસ્તાની ફુટપાથ ઉપર એ ચાલી રહી હતી. બાળકો પણ બી ગયાં હતાં; એટલે આપણે ક્યાં જઈ રહ્યાં છીએ તે પૂછવાની હિંમત કરી શક્તાં ન હતાં. પતિ પણ ડાહ્યો હોય તેમ બાળકોની કાળજી રાખતો પાછળ પાછળ ચાલી રહ્યો હતો. મુખ્ય રસ્તેથી ફંટાઈ સ્ટેશન ભણીના રસ્તે ગંગા ઓચિંતી વળી ત્યારે મોટી દીકરીને ખ્યાલ આવ્યો કે બા સ્ટેશન ભણી જવા માગે છે. પરંતુ વિચારમગ્ન દશામાં ગંગા એટલે દૂર ખસી ગઈ કે સામે મોટર આવતી હતી તે જોઈ શકી નહીં. ગભરાઈ જતાં દીકરાએ ચીસ પાડી – ‘બા… બા…’ તે સાથે જ ઝડપથી દોડતી મોટરે બ્રેક મારી, પરંતુ મોટર ઊભી રહે તે પહેલા ગંગા એમાં ઝડપાઈ ગઈ. માથાને ટક્કર વાગતાં એ બેભાન થઈ ગઈ. સારા નસીબે પૈડું ઉપર ફરી વળતાં બચી ગયું. ખોપરી ફાટી ન ગઈ.

અકસ્માત થયો ! અકસ્માત થયો ! એ બૂમ સાથે લોક ભેગા થઈ ગયાં. ગંગાને અકસ્માત થયો એ આઘાતથી પતિનું ખસેલુમ મગજ ઓચિંતુ ઠેકાણે આવી ગયું! જાણે પોતાની જૂની દુનિયામાં જવાબદારીપૂર્વક દાખલ થતો હોય એમ એ દીકરીને ઉદ્દેશીને બોલ્યો, – ‘જા બેટા, દોડ. તારા કાકાને ખબર આપ કે તારી બાને મોટર અકસ્માત નડ્યો છે. સરકારી દવાખાને આવી પહોંચે.’

દીકરી રડતી રડતી ઘર તરફ દોડી અને ગંગાને હૉસ્પિટલમાં ખસેડવામાં આવી. ડાહ્યા માણસની જેમ પતિ ગંગા અંગે ચીંતા કરતો હતો, દોડાદોડ કરતો હતો અને ગંગાને કોઈ જાતની હરકત તો નહીં આવે તેની પૂછપરછ કરતો હતો.

એ રાત્રે ગંગા બેભાન હતી ત્યારે તેના ખાટલા પાસે બેસી બંને ભાઈઓએ કેટલાં વર્ષે સુખદુઃખની વાતો કરી. મેહન છેલ્લા વર્તનથી શરમ આનુભવતો હોય તેમ ઊંચુ જોઈ શક્તો ન હતો. શાન્તા પ્રભુને એટલી પ્રાર્થના કરતી હતી કે, આટલે વર્ષે તેં અમારા સામે જોયું તો ભાભીને ઘાતમાંથી બચાવી લેજે.

બીજે દિવસે ગંગા ભાનમાં આવી ત્યારે પતિના ડાહ્યા થયાના સમાચાર સમાં એની આંખમાં હર્ષના આંસુ આવી ગયા!

– ઈશ્વર પેટલીકર

શાળા સમયથી જ સંવેદનાસભર અને સંબંધોના તાણાવાણા મારફત હાર્દને સમજાવતી વાર્તાઓના આ અદના લેખક એવા શ્રી ઈશ્વર પેટલીકરની કૃતિઓનું અનોખું ઘેલું લાગેલું. તેમની ‘જનમટીપ’ નવલકથા ઉપરાંત ‘લોહીની સગાઈ’ જેવી રચનાઓ મનને સ્પર્શી જતી અવિસ્મરણીય કૃતિઓ છે. શ્રી ઈશ્વર પેટલીકરની ઉપરોક્ત વાર્તા, ‘શિવ-પાર્વતી’, બે ભાઈઓ અને તેમના કુટુંબની, કુટુંબના એક ભાઈના ગાંડપણની અને તેને લીધે થતી અગવડોની, એક અસ્થિર મગજના માણસને સાચવવાની વાત હ્રદયસ્પર્શી રીતે પ્રસ્તુત થઈ છે, અને તેની રસમયતામાં વધારો કરે છે તેનો અનોખો અંત. અવિસ્મરણીય કૃતિઓ પ્રસ્તુત કરવાનો અને ગમતાંનો ગુલાલ કરવાનો આ પ્રયત્ન વાચકમિત્રોને ગમશે એવી આશા છે.


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “શિવ પાર્વતી (નવલિકા) – ઈશ્વર પેટલીકર

 • R.M.Amodwal

  heart beats became fast & eyes had tears. what a misrable condition……….but lastly ends with joyful situation.Excellent.
  Thanks

 • M.D.Gandhi, U.S.A

  ઘણા વર્ષે ઈશ્વર પેટલીકર સાહેબની વાર્તા વાંચવા મલી. વર્ષો પછી શાળાજીવનની યાદ આવી ગઈ. જોકે મોટાભાઈનું તો કોઈ નામજ નથી તોય જરૂરજ લાગતી નથી…….
  આવી બીજી વાર્તાઓ પણ આપતાં રહેશો…..

 • harish mehta

  ઇશ્વર સાહેબ ને ખુબજ ધન્યવાદ ઉત્ક્રુશ્ત લેખ લખ્ વા બદલ
  પ્રભુ તારિ કસોતિ નિ સજા સારિ નથિ હોતિ અને જે સારા હોય તેનિ દશા સારિ
  નથિ હોતિ

 • Hemal Vaishnav

  35 years ago when i came across this story for the first time I cried without any inhibitions.
  Today again eyes wanted to cry but somehow controlled them but could not control the heart from crying…
  Time of 35 years may have been victorious in blunting my innocence but I am happy that heart can still feel the pain hidden in the story.
  reading stories like this again and again is like annual medical check up of your feelings and emotions.
  thanks a million Jignesh bhai and pranam to The one and only Petlikar sir.