કોઈના અનહદ સ્મરણમાં.. – માધવ રામાનુજ, સ્વર : હિમાલી વ્યાસ નાયક (Audiocast) 13


Shabda Pele Paar Album coverગત તા. ૧૮ એપ્રિલે ગુજરાતી ગીતોના બે સુંદર આલ્બમનું ડીજીટલ લોકાર્પણ થયું, ‘શબ્દ પેલે પાર’ અને ‘છલક છલક’. ગુજરાતી ભાષાના અગ્રણી સર્જકો દ્વારા લખાયેલ ગીતો જેનો ભાગ છે તેવી કૃતિઓને જાણીતા ગાયકોએ પોતાનો સ્વર આપ્યો છે. ક્રેસૅન્ડો અને યુનિવર્સલ મ્યૂઝિક દ્વારા જેને પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તેવા આ ગુજરાતી રચનાઓના આલ્બમના ગીતોને સંગીત દિગ્દર્શક છે શ્રી પરેશ નાયક, અહીં પ્રસ્તુત કાવ્યરચનાઓના સર્જકો છે નિરંજન યાજ્ઞિક, વિનોદ જોશી, ચિંતન નાયક, હેમંત કારીયા, તુષાર શુક્લ, હિતેન આનંદપરા, માધવ રામાનુજ, સુંદરમ, હિમાંશુ જોશી, લાલજી કાનપરીયા અને સંધ્યા ભટ્ટ. આ ગીતોને સ્વરથી સજાવ્યા છે સુપ્રસિદ્ધ ગાયકો જેમ કે સાધના સરગમ, માલિની પંડિત નાયક, પ્રહર વોરા. ગાર્ગી વોરા, હિમાલી વ્યાસ નાયક, પરેશ નાયક.

બાર સુંદર સ્વરબદ્ધ રચનાઓ ધરાવતા આલ્બમ ‘શબ્દ પેલે પાર’ માંથી આજે પ્રસ્તુત છે શ્રી માધવ રામાનુજ કૃત અને હિમાલી વ્યાસ નાયકના સ્વરમાં ગવાયેલું સુંદર ગીત, ‘કોઈના અનહદ સ્મરણમાં…’ આશા છે વાચકોને આ સાંભળવું ગમશે. આલ્બમ પાઠવવા અને અક્ષરનાદના વાચકો સાથે આ સુંદર ગીત વહેંચવા બદલ શ્રી હિમાલી વ્યાસ નાયકનો ખૂબ ખૂબ આભાર.

 

‘કોઈના અનહદ સ્મરણમાં’
સર્જક : માધવ રામાનુજ
સ્વર : હિમાલી વ્યાસ નાયક

કોઈના અનહદ સ્મરણમાં, આંખ ભીની,
કોઈ અનહદના સ્મરણમાં, આંખ ભીની..

ક્યાંકથી પીછું ખરે છે, મૌન રહીને,
એમ કલરવના સ્મરણમાં, આંખ ભીની..

વાદળો આવ્યા છતાંં, છાયા બનીને,
એ પછી રણના સ્મરણમાં, આંખ ભીની..

કોઈ છત્રી લઈને ઉભું છે, એ વળાંકે,
પહોંચવાના વિસ્મરણમાં, આંખ ભીની..

– માધવ રામાનુજ


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

13 thoughts on “કોઈના અનહદ સ્મરણમાં.. – માધવ રામાનુજ, સ્વર : હિમાલી વ્યાસ નાયક (Audiocast)