પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ (ભાગ-૫) – હેમલ વૈષ્ણવ 19


(૧) બી પોઝીટીવ

“જો સુમંત રાય શેઠ રિપોર્ટ લેવા આવે તો પૈસા લેતા નહીં, આપણી જ્ઞાતિનું મોટું માથું છે.”

જ્ઞાતિ સંચાલિત પેથોલોજી લેબોરેટરીના ટ્રસ્ટી કલાર્કને સુચના આપીને નીકળી ગયા. થોડી વાર પછી પોતાનો રિપોર્ટ લેવા આવેલા બીમાર દામજીને પૂરા પૈસા ના ભરી શકવાને કારણે કલાર્કે રિપોર્ટ આપવાની સાફ ના પાડીને બારી બંધ કરી દીધી. ક્લાર્કના ટેબલ પર રિપોર્ટની ફાઈલોમાં ગરીબ દામજી અને સુમંત રાયના રિપોર્ટ સાથે સાથે હતા. બન્ને રિપોર્ટમાં બ્લડ ગ્રુપની સામે લખ્યું હતું.. “બી પોઝીટીવ”

(૨) આબરૂ

“આ ફેંટો ગંગાજીમાં પધરાવી દેવો છે. દાદાજીનો ફેંટો તો ગામની આબરૂ હતી આબરૂ.., સહેજે પાંચ વાર કપડું હશે.” ગંગોત્રીની યાત્રાએ જતાં કમલેશભાઈ, સહપ્રવાસીને ગૌરવપૂર્વક ફેંટો બતાવી રહ્યા હતા.

ગંગાના પ્રવાહમાં વહી જતા ફેંટાના કપડાંને કાંઠેથી દૂર ઉભેલી ભીખારણ અસહાય નજરે જોઈ રહી હતી, તેના અર્ધ ખુલ્લા વક્ષસ્થળને આંખને ખૂણેથી લાલચુ નજરે જોતા જોતા કમલેશ ભાઈએ સહપ્રવાસીને અણગમા સાથે કહ્યું.. “સાલો આ યાત્રાધામોમાં ભીખારાઓનો ત્રાસ બહુ ..”

(૩) ગુડ જોબ

“આવી જવાબદારી વાળી નોકરી સાથે છોકરાંઓના ભણવા પાછળ આટલું ધ્યાન આપવું સહેલી વાત થોડી છે? ઈટ ઈઝ રીઅલી અ ગુડ જોબ.” પૌત્રોનું હોમવર્ક ચેક કરતા પુત્રને જોઇને દાદા અને દાદી હરખાઈ રહ્યા હતા.

રસોડામાં એક હાથે પતિનું ટીફીન અને છોકરાનાં લંચ બોક્ષ ભરતાં, અને બીજા હાથે સસરાજી માટે ગરમ ભાખરી ઉતારી રહેલી પુત્રવધૂથી બારીનાં કાચમાં પોતાનો ઝાંખો ચહેરો જોવાઈ ગયો અને ધીમા અવાજે તેણે પ્રતિબિંબને કહ્યું.. “ગુડ જોબ!”

(૪) થાપ

“આ શહેરનાં રીક્ષાવાળાઓને ઓળખવામાં હું થાપ ખાઉં? માળા બધા જ ધૂતારા..” ભાડાની રકઝકમાં વિજય પામેલા સુરેશભાઈ પત્ની પાસે પોરસાઈ રહ્યા હતાં.

પછીની દસ મીનીટમાં તેઓ એ જ રીક્ષાવાળાને પાછો આવીને પત્નીનું રીક્ષામાં ભૂલાઈ ગયેલું પર્સ ઇનામની અપેક્ષા વગર પરત કરીને પાછો ફરતો જોઈ રહ્યા અને બોલી ઉઠ્યા …
“સાલું.. આ વખતે થાપ ખાઈ ગયો.”

(૫) છેલ્લું બસ સ્ટોપ

“આશુતોષ કોલોની “… કંડકટરે ઘંટડી મારીને જાહેરાત કરી અને કીમોથેરાપી માટે જઈ રહેલા આધેડ અને અપરણિત રમણીકભાઈથી અનાયાસે જ ઉભા થઇ જવાયું. ચાલીસ વર્ષ પહેલાં પોતાની ન થઇ શકેલી પ્રેમીકા સીમાને મળવા માટે આ કોલોનીના મારેલા અગણિત આંટાની યાદ દિલમાં શૂળ ઉભું કરી ગઈ.

“કાકા ઉતરવાનું છે?”… કંડકટરના પ્રશ્ન પર ખાસીયાણું હસતાં તેમણે કહ્યું “ના ભાઈ, આ તો અમસ્તો જ…, મારું તો છેલ્લું સ્ટોપ.. હવે આવવામાં જ છે ને?”

– હેમલ વૈષ્ણવ

અક્ષરનાદ પર જેમની કુલ અઢાર માઈક્રોફિક્શન અત્યાર સુધી પ્રસ્તુત થઈ ચૂકી છે એવા હેમલભાઈની વધુ પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ આજે પ્રસ્તુત છે. મારા મતે જો નવલકથા ટેસ્ટમેચ હોય અને લઘુકથાઓ એક દિવસીય મેચ હોય તો માઈક્રોફિક્શનની ઉત્તેજના અને અસર ટ્વેન્ટી ટ્વેન્ટી જેવી થાય છે. માઈક્રોફિક્શનના સ્વરૂપને વધુ પ્રચલિત કરવાના આશયથી અક્ષરનાદ ટૂંક સમયમાં એક નવી જાહેરાત સાથે આવશે જેથી વધુ સર્જકો અને વાચકો સુધી આ સબળ માધ્યમ પહોંચી શકે. પ્રસ્તુત સુંદર કૃતિઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હેમલભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

19 thoughts on “પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ (ભાગ-૫) – હેમલ વૈષ્ણવ