ત્રણ ગઝલ રચનાઓ – ડૉ. મુકેશ જોષી 13


૧. હોવો જોઈએ

આંસુ નહીં તો પછી પ્રસ્વેદ હોવો જોઈએ,
શેર મત્લાનો મારો અભેદ હોવો જોઈએ.

મારી જેમ શેરને પણ તું ચાહી ના શકે,
કમ સે કમ એનો તને ખેદ હોવો જોઈએ

અર્થને શોધ્યા કરીશ તો અનર્થ થઈ શકે,
અર્થ તો શબ્દમાં જ કેદ હોવો જોઈએ.

દાખલો અપૂર્ણાંકનો આવડે તો છે મને,
અંશ આનો ખરેખર છેદ હોવો જોઈએ.

શબ્દોની ગોઠવણી કંઈ એમ ના થઈ શકે,
યાર ગઝલમાં થોડો ભેદ હોવો જોઈએ.

તાકાત એક ગઝલની હોય વળી કેટલી?
સમજાવવા તને આખો વેદ હોવો જોઈએ.

૨. કહીશ તને…

જે કંઈ બન્યું તે બધું કોઈકવાર કહીશ તને,
અને જે બની ના શક્યું, કોઈકવાર કહીશ તને.

આમ તો જીવન સરળ, મારું વીત્યું છે પણ,
આ ‘પણ’ એટલે શું તે, કોઈકવાર કહીશ તને.

તડ ને ફડ કાયમ હું કરતો રહ્યો છું તોય પણ,
કેમ હું ગમતો રહ્યો છું, કોઈકવાર કહીશ તને.

કોઈ જીવતદાન દેવા ત્યાં થોડા ઉભા હતા પણ,
કેમ હું રમતો રહ્યો છું, કોઈકવાર કહીશ તને.

પરિધ ઉપર તું ખોટો શોધી રહ્યો છે કેન્દ્રને,
કેમ હું અળગો રહ્યો છું, કોઈકવાર કહીશ તને.

આમ તો શ્રીકૃષ્ણએ કહી હતી ભગવદગીતા,
કેમ હું ભજતો રહ્યો છું, કોઈકવાર કહીશ તને.

આનંદ આનંદ ભર્યો હશે કે આંસુઓ ખૂટ્યા હશે,
કેમ હું હસતો રહ્યો છું, કોઈકવાર કહીશ તને.

ખુદ મારી ગઝલ પણ મને યાદ કંઈ હોતી નથી,
કેમ હું લખતો રહ્યો છું, કોઈકવાર કહીશ તને.

૩. અમે…

આમ તો કહેવાય નહીં પણ કહી દીધું અમે,
કોઈથી સહેવાય નહીં પણ સહી લીધું અમે.

શમણું ગણીને આંખમાં રોકી એ ક્યાં શક્યા?
આંસુ બનીને આખરે બસ વહી લીધું અમે.

કિનારો કઈ દિશામાં જલદી આવી મળે?
વિચારતાં મઝધારમાં પણ રહી લીધું અમે.

રાખીને યાદ કેવું, ભૂલકણું થવું પડ્યું,
હોઠે તો નામ હતું જ પણ નહીં લીધું અમે.

બીડું સભાની મધ્યે ફરતું થયેલું જોઈ,
લેવાનું મન હતું નહીં પણ લઈ લીધું અમે.

– ડૉ. મુકેશ જોષી

ઉપરોક્ત ત્રણ ગઝલ રચનાઓ અભ્યાસે સિવિલ ઈજનેર અને વ્યવસાયે વોટર રિસોર્સ એન્જીનીયરીંગ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે જનરલ મેનેજરના પદ પર કાર્યરત શ્રી ડૉ. મુકેશ જોષીની રચના છે. વિષયની સુંદર માવજત તેમની વિશેષતા છે. રચનાઓ બદલ ડૉ. જોષીનો આભાર તથા શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “ત્રણ ગઝલ રચનાઓ – ડૉ. મુકેશ જોષી