પ્રેરણાદાયક કથાઓ.. – સંકલિત 9


૧. આત્મવિશ્વાસ

ત્રણ મિત્રો ફાજલ સમયમાં રસ્તાને કિનારે એક બાંકડા પર બેઠા હતા. ધર્મ અને ફિલસૂફી પર તેમાંના બે ચર્ચા કરતા હતા, જેમાંથી પોતપોતાની વાતને લઈને તેઓ ઝઘડવાની અણી સુધી પહોંચી ગયા, આખરે બંનેએ ત્રીજા મિત્ર તરફ જોઈને તેને પૂછ્યું, ‘અમારા બે માંથી કોણ સાચું છે?’

ત્રીજા મિત્રએ નિરપેક્ષભાવે કહ્યું, ‘હું સાચું કહીશ તો પણ તમે નહીં માનો એનાથી સારું એ જ છે કે આ ચર્ચા અહીં જ પડતી મૂકીએ.’

તો પણ પેલા બે મિત્રો પોતાની વાત પર અડગ રહ્યા અને ત્રીજા મિત્રને પોતાનો અભિપ્રાય આપવા કહ્યું, ત્યારે તે બોલ્યો, ‘હું સાચો છું.’

એક મિત્ર કહે, ‘એનો શું અર્થ?’

‘એનો અર્થ એ જ કે હું જો મારી વાત કે દ્રષ્ટિકોણ પ્રત્યે આત્મવિશ્વાસ ધરાવતો હોઉં તો મને બીજા કોઈને ખાતરી કરાવવાની જરૂર રહેતી નથી.’

૨.

પછી ગુરુએ શિષ્યોને પૂછ્યું, ‘રાત્રી પૂરી થયાની અને સૂર્યોદય થવા વિશે કઈ રીતે જાણી શકો?’

એકે કહ્યું, ‘જ્યારે હું ગધેડા અને ઘોડા વચ્ચેનો ભેદ જોઈ શકું.’

‘જ્યારે હું લીમડા અને આંબા વચ્ચેનો ભેદ જોઈ શકું’ બીજાએ કહ્યું… એવા અનેક જવાબોથી ગુરુને સંતોષ ન થયો ત્યારે તેમણે કહ્યું, ‘અંધકારની સમાપ્તિ અને સાચો સૂર્યોદય ત્યારે જ થયો ગણાય જ્યારે તમે પોતાના અને પારકાનો ભેદ ઉવેખીને બધાંને સ્વજન ગણી શકો.’

૩.

બે શરાબીઓ પૂરેપૂરા નશામાં નદીકિનારેથી એક હોડીમાં બેઠા, સામે પાર તેમનું ઘર હતું, તેમણે હલેસાં મારવાનું શરૂ કર્યું અને આખીય રાત હલેસા મારતા રહ્યાં.છતાંય સવાર થઈ તો તેમણે જોયું કે તેઓ જે કિનારે હતા ત્યાંથી સહેજ પણ દૂર ગયા નહોતા. કારણકે તેઓ હોડીને કિનારા સાથે બાંધી રાખતું દોરડું છોડવાનું ભૂલી ગયા હતાં.

આપણું પણ આવું જ છે, બધાંયને સફળતા, સુખ અને સ્વતંત્રતા જેવા સામા કિનારા પર પહોંચવું છે, પણ નકારાત્મકતાના દોરડા છોડવાનું કોઈને યાદ રહેતું નથી.

૪.

સિસ્ટર એલિઝાબેથ કેન્ની, પ્રખ્યાત આઈરીશ-ઓસ્ટ્રેલીયન નર્સ કપરા સંજોગોમાં પણ તદ્દન શાંત અને હસમુખ રહી શક્તી, ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તેમના ચહેરાનું હાસ્ય વિલાતું નહીં, આ જોઈને તેમના એક સહકર્મીએ તેમને પૂછ્યું, ‘શું આ સ્મિત અને મનની શાંતિ તમારી જન્મજાત પ્રકૃતિ છે?’

સિસ્ટર સ્મિત સાથે બોલી, ‘ના, નાની નાની વાતમાં પહેલા હું ખૂબ ગુસ્સે થઈ જતી, પરંતુ પછી મારી માતાએ મને એક અમૂલ્ય શિખામણ આપી, એ જ કે જે તને ગુસ્સે કરી શકે એ તને સહેલાઈથી જીતી શક્શે, કાબૂમાં કરી શક્શે. ગુસ્સો એ અન્યોની વાત કે ક્રિયા પરની આપણી પ્રતિક્રિયા છે, અને આપણી પ્રતિક્રિયા આપણા જ કાબૂમાં હોવી જોઈએ. અને શાંત રહેવાનો સૌથી સારો ઉપાય છે આંતરિક પ્રસન્નતા.’

૫.

એક માલસામાનનું વહન કરતી કંપનીને મેનેજરની જરૂર હતી, ઇન્ટર્વ્યુ માટે ઘણાં લોકો આવ્યા હતાં, પરીક્ષા માટે એક સામાન્ય કાર્ય કરવાનું હતું. એક વજનદાર સોફાને રૂમના એક ખૂણામાંથી બીજા ખૂણામાં મૂકવાનો હતો.

ઘણાં લોકોએ ધક્કો મારવાનો પ્રયત્ન કર્યો, ઘણાંએ તેને એક તરફથી ઉઠાવીને ફેરવવાનો પ્રયત્ન કર્યો પણ સફળ ન થયાં, આખરે એક યુવાનને એ કામ કરવાનું કહેવાયું ત્યારે તેણે કહ્યું, ‘ત્રણેક જણને બોલાવી આપશો?’

અને તેને નોકરી મળી ગઈ…

કારણ ૧) કંપનીને મેનેજરની જરૂર હતી. ૨) બધું કામ હુ એકલો કરી શકીશ એવો વધુ પડતો આત્મવિશ્વાસ કાર્યસફળતાની સૌથી મોટી બાધા છે. ૩) પોતાની ક્ષમતાઓની પૂરી ખાતરી હોવી જરૂરી છે.

બિલિપત્ર

ફોજમાં એક પગે સહેજ ખોડંગાતા સૈનિકની તેના સાથીઓ મજાક ઉડાવી રહ્યા હતા.

યુદ્ધમાં દુશ્મનની સામે બહાદુરીપૂર્વક લડીને પોતાના સાથીઓને બચાવવાની, સફળતાની ઉજાણી કરતા તેણે પોતાના કમાંડરને કહ્યું, ‘ભલે હું ખોડંગાતો રહ્યો, પણ હું અહીં લડવા માટે આવ્યો છું, રેસમાં દોડવા નહીં…’

– ઇન્ટરનેટ પરથી સંકલિત

આજે પ્રસ્તુત છે મહદંશે ઇન્ટરનેટ પરથી સંકલિત અને અનુદિત કરેલ કેટલીક નાની પ્રેરણાદાયક વાતો. આ કોઈ વાર્તાઓ કે ઘટનાઓ નથી, ઇન્ટરનેટ આવી કેટલીય કૃતિઓથી સમૃદ્ધ છે, જરૂર છે તેમાંથી આપણને લાગુ પડે એવી વાતોને શોધીને ગ્રહણ કરવાની. આશા છે આ પ્રયત્ન આપને ગમશે.


Leave a Reply to natwarlalCancel reply

9 thoughts on “પ્રેરણાદાયક કથાઓ.. – સંકલિત