ત્રણ ગઝલો.. – કાંતિ વાછાણી 9


૧. દીકરી…

વાતનો એ ભેદ વાંચી જાય છે દીકરી,
એ જ આંખે લેખ વાંચી જાય છે દીકરી.

નેહ નીતરતી નજરમાં લાગણીઓ ભરી,
એક એવો વેદ વાંચી જાય છે દીકરી.

મૌનએ વાચા બની ઊગી જશે ત્યારે,
તું અનોખો ખેદ વાંચી જાય છે દીકરી.

પાંચિકામાં પ્રાણ પુર્યા આજ શૈશવ મુકી,
હેતના એ છેદ વાંચી જાય છે દીકરી.

મૃગજળનાં મોહને પામી ગયા’તાં અમે,
પ્રેમનો એ વેગ વાંચી જાય છે દીકરી.

૨. અજાણ્યા

ખરે છે, નજરથી સિતારા અજાણ્યા,
બનીને સહજમાં ખુલાસા અજાણ્યા.

વિચારો ગમી જાય છે તોય જોને,
લખી જાય છે એ ઈશારા અજાણ્યા.

ભલે વાત સાક્ષરતાની બની ગઈ,
પછી એ ખરેખર પુરાવા અજાણ્યા.

તરસ ઝાંઝવાની થતી હોય છે પણ,
ફળે રણ બનીને કિનારા અજાણ્યા.

ભરી જાય છે શ્ર્વાસમાં એ ગુલાબી,
બધાને ફળે છે મિનારા અજાણ્યા.

૩.

વાતનું થાય છે, આ વતેસર હવે,
દાવ નાખો રમીએ નવેસર હવે.

બોલમાં આ દિવાલો કહેશે મને,
સાંભળી જાય છે કાયદેસર હવે.

આપણે ચાલવું કે પછી માણવું,
એમ ક્યાં સફળતાઓ થશે સર હવે.

વાયદા થાય તો જોઇ લેશું તને,
ચાલ આ શબ્દથી તું અગ્રેસર હવે.

સાવ એળે ગયું જીવતર એક તો,
ને મળે ક્યાંક એ મિત્ર નવેસર હવે.

બિલિપત્ર

સમી સાંજના સૂર રેલાવો,
હરિ આજ મારા અંતરપટના અંધારા મેલાવો.

આથમતા અજવાળે કોઈ તરણુ જાણી,
માન ભાન ભુલી ને તારુ શરણુ તાણી,
ભલે અક્ષરના મારગ કેમ ન આકરા ઠેરાવો.
સમી સાંજના સૂર રેલાવો,

વધઘટના હિસાબ લેજો મારા ચોપાડે ખાલી,
જીવનબાગનાં તમે થાજો અજોડ વનમાલી,
હરિ આમ અધકચરી ઓળખ બની ના સતાવો.
સમી સાંજના સૂર રેલાવો.

– કાંતિ વાછાણી

થોડાક સમય પહેલા ફેસબુક પરના યુવાકવિઓના મેળાવડા જેવા ‘ગઝલ તો હું લખું’ ગૃપના અગિયાર કવિઓએ સાથે મળીને પ્રસ્તુત કર્યો અનોખો સંગ્રહ ‘લઇને અગિયારમી દિશા’, તેમાં યુવા કવિમિત્રો મોહસીન મીર, મેહુલ ભટ્ટ, પારુલ ખખ્ખર, મેહુલ પટેલ, મગન મકવાણા, ચિરાગ ઝા, યોગેન્દુ જોષી, અનંત રાઠોડ અને કાંતિ વાછાણીની કૃતિઓ પ્રસ્તુત થઈ હતી. એમાંના એક રચનાકાર કાંતિ વાછાણીની ત્રણ ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અક્ષરનાદ પર કાંતિભાઈની રચનાઓ પ્રથમ વખત પ્રસ્તુત થઈ રહી છે. ઉપરાંત ગઝલસંગ્રહ ‘લઇને અગિયારમી દિશા’ ભેટ કરવા બદલ પણ કાંતિભાઈનો આભાર તથા તેમની કૃતિઓ બદલ શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “ત્રણ ગઝલો.. – કાંતિ વાછાણી