બાટલીમાં ઉતારતા આવડે છે? – રમેશભાઈ ચાંપાનેરી 9


તાકધીનાધીન… તાક… જિંદગી જીવવી હોય, તો જીવનમાં કીડી જેટલી પણ ચિંતા કરવી નહિ. એટલું યાદ રાખવું કે, જેને આપણે શરીર કહીએ છીએ, એ પાર્સલ ભગવાને તો માત્ર બે જ રતલનું મોકલેલું. બાકીની લંબાઈ પહોળાઈ ને જાડાઈ એ બધી આપણી જ ઉપજ છે. એને સારામાં સારો સુલતાન બનાવો. સુકતાન બનાવવાની જરૂર શું? એવા તો અનેક છે, જેને આજે પણ આદુ અને હળદરમાં સમજ પડતી નથી. છતાં મહાપુરુષોની યાદીમાં એનું નામ તગડા સ્થાને છે. ભલે આપણા ભેજામાં મોરવણ જેટલી પણ બુદ્ધિ ના હોય, પણ આપણું શરીર જોઇને કમસે કમ સામાને બળતરા થવી જ જોઈએ. “શું સાલાની બોડી છે?” એવો ઉદગાર જો ના મળે તો, એ શરીર ન કહેવાય, શેકટાની સિંગ જ કહેવાય. મારા પરમ મિત્ર ચમન ચક્કીને જુઓ, એના શરીરનો બાંધો જ એવો મજબૂત કે લોકો એને ચમન ચક્કી કરતાં ચમન બાટલા તરીકે વધુ ઓળખે. બુદ્ધિનો સ્ટોક નથી, છતાં તેની ચિંતા કરીને એ શરીર નહિ બાળે. પણ શરીર સૌષ્ઠવ એવું ‘પાવરફુલ’ એને જોઇને સામાવાળો બળે. ભલેને આપણો અવાજ બિલાડાથી તીણો હોય, પણ બાંધો તો હિપોપોટેમસ જેવો જ રાખવાનો. ચશ્મા ઉતારીને એક વાત સમજી લો કે ગમે એટલા નંબર વાળા ચશ્મા પહેરો તો પણ બુદ્ધિ ડોકું બહાર કાઢીને ક્યારેય જોવાની નથી. કેજરીવાલ જ જુઓને, બુદ્ધિ કરતાં ‘ટોપી’ માં કેવો ફાંકડો લાગે છે! અને આપણે લુખેશ, સાલા બુદ્ધિ વધારવાના ધંધામાં જ ધંધાધાપા છોડીને પડ્યા છે.

જો મૂડી વગરનો કોઈ ધંધો જ કરવો હોય, તો બાટલીમાં ઉતારવાનો ધંધો ‘બેસ્ટ’ લોકોને બાટલીમાં ઉતારવાની આ વિદ્યા ક્યાંથી અને ક્યારથી આવી એની કોઈ નોંધ ઇતિહાસવિદો પાસે નથી. પણ પ્રો. રમેશ ચેપનું કહેવું છે કે જેમ મુસીબત આપણો પીછો છોડતી નથી. એમ આ બાટલી પણ આપણી પાછળ મેલી મૂઠની માફક માણસના જનમથી પડેલી છે. જેમ કે… જન્મ્યા એટલે ગ્રાઇપ વોટરની બાટલી, પછી આવો નીપલવાળી દૂધની બાટલી, નિશાળે ટીચાયા એટલે પાણીની બાટલી, યુવાનીમાં અતરની બાટલી અને જો સોબત બગડી એટલે પેલી ‘ટનાટન’ બાટલી, માંદા પડ્યા તો દવાની બાટલી, થયા ઘરડા થયા તો બામની બાટલી અને છેલ્લે રામ નામ સત્ય હૈ… એટલે ગંગાજળની બાટલી! જો બાટલી જનમથી મરણ સુધી આપણો નેડો છોડતી ન હોય, તો પછી માણસ બાટલીમાં ઉતારવાનું શીખે કે ન શીખે? જો કે, કેટલાક કિસ્સામાં બાટલીના પરિવર્તન ‘પોટલી’ માં થયા છે એ બે નંબરની વાત છે. પણ તેથી કાંઈ કોઈને પોટલીમાં ઉતાર્યો એમ ના કહેવાય. આપણે જો બા ને મા કહીને બોલાવીએ તો કોઈ ફરક પડતો નથી અને એમ કહેવાથી સંબંધ પણ બદલાતા નથી, પણ બાટલીનું બાટલી જ થાય. એનું બહુવચન માટલી ન થાય. પોટલીની વાત જુદી છે બોસ…

‘હું જાણું છું કે આવી વાત કરીને કોઈને ‘પોટલી’ માટે ખાડામાં ઉતારવો એ સંસ્કારની ખિલાફ છે. પણ સાલું… આમને આમ તો ક્યાં સુધી ખમીસના બટન પાટલુનના ગાજ સાથે લગાવીને ફરીએ? કોઈને ખાડામાં ઉતારતા નહિ આવડતું હોય તો તે આપણા સંસ્કારનો વાંક ગણાય. પણ જો કોઈને બાટલીમાં ઉતારતા પણ નહિ આવડતું હોય, તો આપણે જીવી ગયા એની જગત નોંધ કેમની લેશે? હા… તમને બાટલીમાં ઉતારતા નથી આવડતું એ બે નંબરની વાત છે. એ તમારો “સેલ્ફ પ્રોબ્લેમ” છે. તમારા મા-બાપ કે તમારા શિક્ષકોનો એમાં મુદ્દલ દોષ ન કઢાય કારણ કે આમ પણ ભણવાના નામે આપણે એ બિચારાઓનું એટલું લોહી પીધું છે કે હવે એ લોકો પાસે રક્તદાન કરવા માટે પણ લોહી બચ્યું નથી, બતાવવા માટે તો માત્ર હાડકાં જ રહી ગયા છે. એટલે બાટલીમાં ઉતારવાનું સાહસ તો આપણે જાતે જ કરવું પડે.

આપણે કેમ વિચારતા નથી? શું ખિસ્સા કાતરવાની ‘લાયકાત’ માટે કોઈ યુનિવર્સિટી હોય છે? નથી ને? તો પછી કોને-ક્યારે-કઈ બાટલીમાં ઉતારવો એના માટે ગાઈડના શું ફાંફા મારવા? પેલા ‘સ્માર્ટ કનેક્શન’ વાળા જુઓ કેટલા આગળ નીકળી ગયા. જોઈએ તો એને ગુરુ બનાવીએ, પણ આ ફેકલ્ટી એવી છે કે, એમાં “આપ મુઆ વિના સ્વર્ગે ના જવાય…” તો પછી મગજની ધૂળ ખંખેરીને ઉભા થાવ અને ધ્યેયની પ્રાપ્તિ સુધી મંડેલા રહો.

એક વાત સમજી લો કે, બાટલીની “પ્રોડક્ટ” ભગવાનની નથી. એનો સર્જનહાર માણસ છે. બિચારા ભગવાન માણસની “પ્રોડક્ટ” બનાવવા જાય કે બાટલા બનાવવા જાય? એ કાંઈ દમણમાં થોડા પડાવ નાંખીને રહેલા છે કે બાટલા પણ બનાવે.. પણ વાત આપણી બાટલામાં ઉતારવાની છે. વિચાર તો કરો, જે માણસ બાધા-આખડીના પ્રયોગ દ્વારા ભગવાન જેવા ભગવાનને બાટલીમા ઉતારી શકે, એના માટે માણસને બાટલીમાં ઉતારવો એ ડાબા હાથનો ખેલ ગણાય કે નહીં ગણાય? અને બાટલીનો તો સ્વભાવ છે કે જે આવે તે ખપે, આપણામાં ઉતરવો જોઈએ. માણસ કાંઈ દારૂથી પણ બદતર છે કે બાટલીમાં ના ઉતરે? દવા હોય કે દારુ-દૂધ હોય કે પાણી… જો બાટલીને કોઈ ફર્ક નહિ પડતો હોય તો, માણસને બાટલીમાં ઉતારવા માટે આપણે શું ડરવાનું? એક શાયરે કહ્યું છે ને કે…

અગર સિનેમે ખૂન ઔર ગરમી ન હોતી,
તો નશેકા કુછ ભી નશા ન હોતા.
અગર નશા હી ખુદ નશા હોતા,
તો બોટલ કયું ન નાચને લગતી!

એક વાત સો ટકા સાચી છે… બાટલીમાં દૂધ ભરવાથી બાટલીનું કોલોસ્ટ્રોલ ક્યારેય વધતું નથી, અને દારુ ભરવાથી બાટલી કદી પીંડક થતી નથી. પછી માણસની શું હાઈવોઈ કરવાની? શું બાટલીની માણસાઈ વધી જશે એમ? જેમ ગાંધીજીના ફોટાવાળી ચલણી નોટ દૂધવાળાને ત્યાં ચાલે, દારૂવાળાને ત્યાં ચાલે, અને દેવ મંદિરે પણ ચાલે, એમ પછી માણસ અને બાટલી પણ ચાલતી રહેશે. માત્ર આધાર બાટલીમાં ઉતારનારની કૌવતનો છે. જેને બાટલીમાં ઉતારતા આવડતું હોય એના જેવો બીજો કોઈ જાદુગર નથી, “હી ઈઝ અ ગ્રેટ મેજીશિયન” એવું મારા પરમ મિત્ર ચમન ચક્કીનું પણ માનવું છે. તો ચાલો બાટલીમાં ઉતારવાની શરૂઆત કરીએ. પણ ક્યાંથી કરીએ?

એ તમે જાણો ભાઈ….

– રમેશભાઈ ચાંપાનેરી (રસમંજન)


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “બાટલીમાં ઉતારતા આવડે છે? – રમેશભાઈ ચાંપાનેરી

  • Rajesh Vyas "JAM"

    અત્યારે માણસ ડગલે ને પગલે કોઇકને બાટલીમાં ઉતારતો જ હોય છે અને પોતે પણ ઊતરતો હોય છે. પેટ પકડી ને હસવાની મજા આવી ગઈ.

  • Ramesh Champaneri (Rashmanjan)

    કહેવાય છે કે, કંકુ ખરે અને સૂરજ ઉગે. એમ ટેરવામાં વિચાર ઉતરે અને હાસ્ય હૈયામાં નિખરે.

    આપ બધા વાંચકોના સાદ-પ્રતિસાદ જ લખનારના લેખણ નો ખોરાક છે.આપ સૌનો આભાર માનું છું.

    એથી વિશેષ આભાર અધ્વર્યુ સાહેબનો.

    એ અક્ષરનાદની ગાદી આપે છે, અને મને પોરો મળે છે

    રમેશભાઈ ચાંપાનેરી (રસમંજન) હાસ્ય કલાકાર
    સંપર્ક ૯૪૨૬૮૮૮૮૮૦ A/6 નંદનવન પાર્ક નનકવાડા વલસાડ