ભાગ્યવિધાતા – વલીભાઈ મુસા 16


(આ વાર્તાના લેખક શ્રી વલીભાઈ મુસાના મંતવ્ય મુજબ “‘ભાગ્યવિધાતા’ની પહેલા ‘દિવ્યા – મા, દાદી કે વડદાદી!’ની લિંક અપાય તો આ વાર્તા વધુ Comprehending બને. કોઈ વાર્તામાં અન્ય કોઈ વાર્તાનું પાત્ર પોતે તેમાં પાત્ર બનીને આવે તેવું ભાગ્યે જ જોવા મળી શકે! જો કે આ કડી સિવાય પણ વાર્તા પૂર્ણ જ છે, પણ આ પ્રયોગ વાર્તાલેખનમાં અનોખો છે. ‘divya – story by Valibhai Musa અહીં ક્લિક કરીને ડાઊનલોડ કરી શક્શો.)

સ્થાનિક ટ્રસ્ટના તમામ પ્રાથમિક સુવિધાઓ ધરાવતા એ દવાખાનાના સ્પેશ્યલ વોર્ડમાં નગરના પ્રતિષ્ઠિત એવા વયોવૃદ્ધ વડીલ સુંદરલાલ હળવા શ્વાસ ખેંચી રહ્યા હતા. તેમની પથારી પાસે ચિંતાગ્રસ્ત ચહેરે તેમનો પુત્ર જયંત અને પુત્રવધૂ હંસા બેઠેલાં હતાં. રાઉન્ડમાં આવેલા ડોક્ટર તેમને ઔપચારિક પૂછપરછ કરી રહ્યા હતા, તે દરમિયાન નર્સે સુંદરલાલનું બી.પી. માપી લીધું. ડોક્ટરે નોર્મલ બી.પી. જાણીને સંતોષ વ્યક્ત કરતાં કહ્યું, ‘ચિંતાનું કોઈ કારણ નથી.’

‘ડોક્ટર, તમે તો નિદાન કર્યું હતું કે બાપુજી કોમામાં ગયા છે; પરંતુ બંધ આંખોએ તેઓ હમણાં જ એકદમ સ્પષ્ટ ઉચ્ચારે ‘દિવ્યા, બેટા મને માફ કર.’ એમ બોલ્યા હતા !’ જયંતે કહ્યું.

‘અરે ભાઈ, એ તો મારું પ્રાથમિક નિદાન હતું. ખેર, આ એમનું બોલવું એ તો સારી નિશાની કહેવાય! એક કામ કરો, તમારા કુટુંબમાં કે પરિચિતોમાં જે કોઈ ‘દિવ્યા’ હોય; તેને બોલાવી લો. એનો અવાજ સાંભળીને કદાચ તેઓ આંખો ખોલે અને જલ્દીથી પૂરા ભાનમાં આવી પણ જાય!’

“પણ ‘દિવ્યા’ નામની કોઈ સ્ત્રી અમારી જાણમાં નથી, પણ સંભવ છે કે તેઓ એકલા જ એ ‘દિવ્યા’ને જાણતા હોય!’ જયંતે કહ્યું.

“એક મિનિટ, એક મિનિટ, બાપુજીએ થોડાક સમય ઉપર લખેલી તેમની વાર્તા કે જેને તેમણે મને મારો અભિપ્રાય જાણવા વાંચી સંભળાવી હતી, તેનું મુખ્ય પાત્ર ‘દિવ્યા’ હતું! ચિબાવલી અને જેના ઉપર મોહી પડાય એવું ચરિત્રચિત્રણ ધરાવતી એ બાળકીને લ્યુકેમિઆની દર્દી બતાવાઈ હતી અને તેના મૃત્યુથી વાર્તાનો કરુણ અંત આવ્યો હતો. એ વાર્તાના અંતે તો મને પણ અંદરથી હચમચાવી નાખી હતી અને મારી આંખોમાં આંસુ ધસી આવ્યાં હતાં. તેમણે પણ ગમગીન અવાજે આ શબ્દોમાં સંતોષ વ્યક્ત કર્યો હતો, ‘બસ, તો તો સફળ વાર્તા કહેવાય!” જયંતની પત્ની હંસા ભાવાવેશમાં બોલી ઊઠી.

ડોક્ટરે કહ્યું, ‘તો તમારા પિતાજી લેખક છે, એમ? ચાલો, એક બાબતની નિરાંત થઈ ગઈ કે તેમનું અજ્ઞાત મન સક્રીય છે અને હવે તેમના જીવને કોઈ જોખમ નથી. તેમના બોલવામાં કોઈ વિશેષ પ્રગતિ થાય તો મને જાણ કરજો. એક્સરે રિપોર્ટ કોઈ ફ્રેક્ચર નહિ બતાવતો હશે, તો આપણે માથામાં પડેલા ઘાના સીધા ટાંકા લઈ લઈશુ. હાલમાં તો એમનું ભાનમાં આવવું ખૂબ જરૂરી છે. આ સ્થિતિમાં તો તેમને લોકલ એનેસ્થેસિઆ પણ આપી શકાય નહિ.’

ડોક્ટર ગયા કે તરત જ હંસા બોલી, ‘જયંત જો ને, ડોક્ટરની પાસે લેપટોપ હોય તો આપણે બાપુજીનો બ્લોગ જોઈ લઈએ અને એ ‘દિવ્યા’વાળી વાર્તા તેમના બ્લોગ ઉપર મુકાઈ ગઈ હોય તો તું વાંચી લે. જો બાપુજી એ વાર્તાના જ સંદર્ભમાં કંઈક વધારે બોલે તો તને પણ ખ્યાલ આવી શકે. મને ચોક્કસ ખાત્રી છે કે એ ‘દિવ્યા’ પેલી વાર્તાવાળી છોકરી જ હોવી જોઈએ!’

જયંત ધંધાકારોબારમાં વ્યસ્ત રહેતો હોઈ બાપુજીની સાહિત્યિક પ્રવૃત્તિમાં ખાસ રસ લેતો ન હતો, પણ હંસા માત્ર ગૃહિણી જ હોઈ ફુરસદમાં રહેતી હતી અને તેને સાહિત્યમાં રસ પણ હતો. વળી બાના અવસાન પછી ધંધામાંથી પણ નિવૃત્ત અને એકલા પડી ગએલા એવા બાપુજી માટે તેમની બ્લોગીંગ પ્રવૃત્તિ અને દુનિયાભરના બ્લોગરો સાથેનો તેમનો સંપર્ક એમના માટે માનસિક સહારો બની ગયાં હતાં. હંસા શિક્ષિત હોઈ પિતાજીને પણ સાહિત્ય બાબતે તેની સાથે સારું બનતું હતું.

બેઉએ ડોક્ટરના લેપટોપ ઉપર જોઈ લીધું તો બાપુજીની વાર્તા ’દિવ્યા – મા, દાદી કે વડદાદી!’ ખરે જ તેમના બ્લોગ ઉપર મુકાયેલી હતી. પિતાજી ગાઢ નિંદ્રામાં હતા અને જયંતે એ વાર્તા વાંચવી શરૂ કરી. વાર્તામાંની સાતઆઠ વર્ષની વય ધરાવતી દિવ્યા લ્યુકેમિઆનો ભોગ બની ગઈ હતી. ગંભીર બિમારી હોવા છતાં પિતાપુત્રી એકબીજાંની લાગણી સાચવવા માટે સજાગ હતાં. હસમુખી દિવ્યાના તેના પિતા સાથેના સંવાદો માર્મિક અને મનોરંજક હતા. નાની વય હોવા છતાં દિવ્યાની વાક્પટુતામાંથી એવું ડહાપણ પ્રગટતું હતું કે પિતા દેવેન તેને વચ્ચેવચ્ચે ‘મા, દાદી અને વડદાદી’ની ઉપમાઓ આપ્યે જતા હતા. ચાલુ વાતચીતમાં જ દિવ્યાના શ્વાસ થંભી ગયા હતા. વાચકને મરકમરક મલકાવ્યે જતી એ વાર્તા દિવ્યાની માતા કુમુદની કારમી ચીસથી અચાનક કરૂણ રસમાં પલટાઈ ગઈ હતી. નખશિખ ધ્રૂજાવી નાખતા આઘાતજનક એવા વાર્તાના કરુણ અંતને વાંચતાં જયંત પણ વિષાદમાં ઘેરાઈ ગયો હતો અને તેનાથી બોલી જવાયું હતું, ‘બિચારી દિવ્યા!’.

થોડી વાર પછી માનસિક કળ વળતાં જયંતે હંસાને આશ્ચર્યસહ કહ્યું, ‘બાપુજી આટલું સરસ લખે છે, તેની તો મને આજે જ જાણ થઈ. ભણતા હતા, ત્યારે આવી ઘણી વાર્તાઓ વાંચવા મળી હતી.’

“હું તો એમને ક્યારનીય સમજાવું છું કે, ‘ચાલો ને બાપુજી, આપણે તમારો વાર્તાસંગ્રહ છપાવીએ; ત્યારે મારી વાતને ટાળતાં એમ જ કહેતા હોય છે કે ‘મને નામ કે દામ કમાવાની કોઈ ઇચ્છા નથી. આ તો બ્લોગનું માધ્યમ મળ્યું એટલે માત્ર આનંદ ખાતર લખું છું. આ બહાને પ્રવૃત્તિમય રહેવાય અને સાચું કહું તો તારી બાના અવસાન પછી શરૂઆતમાં જે એકલતા સાલતી હતી, તે હવે સાલતી નથી.’ ઘણીવાર તે મને કહેતા પણ હોય છે કે એમના માર્ગદર્શન હેઠળ હું પણ કંઈક લખું! સાચું કહું, જયંત? મને પણ કંઈક લખવાનું મન તો થઈ જાય છે, પણ મને આત્મવિશ્વાસ બેસતો નથી.”

* * * * *

એકાદ કલાક પછી સુંદરલાલ ભાનમાં આવ્યા અને તરત જ પૂછી બેઠા, ‘મને દવાખાને લાવવો પડ્યો, તો કોઈ ગંભીર બાબત હતી?’

હંસાએ જવાબ વાળ્યો, ‘હા, બાપુજી. આપ બેભાન થઈ ગયા હતા. એ તો સારું હતું કે હું હાજર જ હતી. આપ બાથરૂમમાંથી બહાર નીકળ્યા અને પગલૂછણિયાની આંટી કે ગમે તે કારણે પડી જતાં પાછલા ભાગે આપનું માથું ઉંબર સાથે અફળાયું હતું. મેં તરત જ ફોન કરીને જયંતને દુકાનેથી બોલાવી લીધા હતા અને આપને અહીં લાવી દીધા.’

‘બાપુજી, આપ ભાનમાં આવી ગયા છો, તો ડોક્ટરને બોલાવી લાવું. વળી એક વિનંતી કે આપ વધારે બોલશો નહીં.’ જયંતે કહ્યું.

‘ના, હમણાં ડોક્ટરને બોલાવીશ નહિ. મેં બેભાનાવસ્થામાં જે કંઈ અનુભવ્યું છે, તેને હાલ જ કહી દેવા માગું છું. વળી પાછો પછીથી ભૂલી જઈશ. હંસા, હું જે કંઈ બોલું, તેને તું યાદ રાખજે અને પછીથી મને કહેજે; કેમ કે આ અનુભવ મારી આગામી વાર્તાનો વિષય પણ બની શકે!’ સુંદરલાલ સ્વસ્થતાપૂર્વક બોલી રહ્યા હતા.

‘બાપુજી, હું કહું ? આપ ‘દિવ્યા’ વિષે કંઈક કહેવા માગો છો?’ હંસા સહર્ષ બોલી પડી.

‘તને કેવી રીતે ખબર પડી?’

જયંતે કહ્યું, “આપ ઊંઘમાં બોલ્યા હતા, ‘દિવ્યા, બેટા મને માફ કર.’”

‘એમ ? તો મારે મારો એ જ અનુભવ કહેવાનો છે. બંને જણાં બરાબર સાંભળજો અને યાદ પણ રાખજો.’

સુંદરલાલે શરૂ કર્યું :

“હું સાવ બેભાન અવસ્થામાં નહિ હોઉં, પણ કદાચ તંદ્રાવસ્થામાં જ હોઈશ અને તેથી જ આ બધું મને યાદ રહ્યું છે. મારા માન્યામાં આવતું નથી કે મેં જે જે વાર્તાઓ લખી છે, તેનાં બધાં જ પાત્રો કલ્પિત હોવા છતાં એ બધાં ટોળાબંધ મારી સામે સદેહે કઈ રીતે ઉમટી પડ્યાં હશે? મારી સૌથી પહેલી વાર્તા ‘જળસમાધિ’નાં પાત્રો ખુશાલ અને રૂપા ઉપરાંત બધી જ વાર્તાઓનાં પાત્રો પોતપોતાના ચહેરાઓ ઉપરના તેમના જે તે પ્રકારના પાત્રાલેખન કે તેમની સાથે ઘટેલી ઘટનાઓને અનુરૂપ એવા ભાવો સાથે મારી પાસે આવવા પડાપડી કરી રહ્યાં હતાં.

એ બધાં પાત્રોને પોતાના નાજુક હાથો વડે દૂર કરીને વચ્ચે જગ્યા કરતી કરતી દિવ્યા એકદમ મારી નજીક આવી ગઈ હતી. મેં મારી વાર્તામાં દિવ્યાનું બારીક એવું કોઈ દૈહિક વર્ણન કર્યું ન હોવા છતાં હું જોઈ રહ્યો હતો કે તે મારી કલ્પના બહારના વાસ્તવિક એવા રૂપે દેખા દેતી મારી સામે આવીને રડમસ ચહેરે ફરિયાદના રૂપે મને કહેવા માંડી હતી, ‘વડીલ, આપે મારા મૃત્યુથી આપની વાર્તાનો અંત આણીને મારાં માતાપિતા અને દાદીને પારાવાર દુ:ખ પહોંચાડ્યું છે. ભલા, મારી બા કુમુદની ‘ઓ બાપ રે! મારી દીકરીને શું થઈ ગયું? ઊઠો… ઊઠો!’ શબ્દો સાથેની ચીસ આપને પણ યાદ હશે જ. વળી, મારાં દાદી ગામડેથી આવી પહોંચવાની તૈયારીમાં હોવા છતાં આપે મારું મૃત્યુ લાવી દેવામાં એટલી બધી ઉતાવળ કેમ કરી? આપે આપની મારા ઉપરની એ વાર્તાની પ્રસ્તાવનામાં સ્વીકાર્યું જ છે કે તમે વાર્તાકારો પાત્રોના ભાગ્યવિધાતા હોવ છો, તો પછી ભલે આપે મને જીવતી ન રાખી, પણ મારા મૃત્યુને તમે થોડોક સમય ઠેલી શક્યા ન હોત ? ભલે, આપે મારી દાદીની રાહ ન જોઈ; પણ ઓછામાં ઓછી મારી બાની રાહ તો જોવી જોઈતી ન હતી? મારા માટે દવા લેવા ગએલી એ બિચારી આંગણાના દરવાજા સુધી તો આવી જ ગઈ હતી ને!’

મેં દિવ્યાને મારી પાસે બોલાવીને તેના માથા ઉપર હાથ પસવારતાં કહેવા માંડ્યું હતું : ‘જો બેટા, તું મારી પ્રસ્તાવનાની જ વાત કરતી હોય, તો એમાં જ મેં લખ્યું છે કે ‘વાર્તા પૂરી લખાઈ ગયા પછી હું પોતે જ એવો તો વિષાદમાં ઘેરાઈ ગયો હતો કે મને સ્વસ્થ થતાં ખાસ્સો એવો સમય લાગ્યો હતો!’ સાંભળ, દીકરી, જો તારા મૃત્યુ પમાડવા અંગેના મારા કૃત્યને તું વખોડતી હોય, તો ત્યાં તારી ભૂલ થાય છે. તું યાદ કર કે તેં પોતે તારા મોંઢે જ કેટલીય વાર તું જીવતી નથી જ રહેવાની તેવા ગર્ભિત ઈશારા તારા પિતા દેવેન સાથેની વાતચીતમાં નહોતા કર્યા? જો તને યાદ અપાવું તો, તું આવું બધું બોલેલી કે, ‘એ તો હું મોટી થાઉં તો અને ત્યારે વાત!’, ‘દાદી કામનું બહાનું કાઢીને ગામડે કેમ જતાં રહ્યાં છે, તેની મને ખબર છે!’, ‘ દાદીને ફોન કરી દો ને કે તે હવે આવી જાય!’ હવે તારાં દાદીની રાહ ન જોવાની વાતનો મારો ખુલાસો એ છે કે, ‘લે, તને હાલ પૂછું છું કે તારી દાદીની લાડલી એવી તું એમની હાજરીમાં જ અવસાન પામી હોત તો તેમને કેટલું બધું દુ:ખ પહોંચ્યું હોત!’

હવે, તું મારી છેલ્લી વાત સાંભળી લે. બુદ્ધિચાતુર્યભરી અને ઉલ્લાસમય એવી તારા પિતા સાથેની તારી વાતો વાચકોથી ભુલાશે ખરી? તું ભલે અવસાન પામી હોય, પણ સહૃદયી અને લાગણીશીલ વાચકોના દિલોદિમાગમાં તું જીવંત જ રહીશ. મોટેરાંઓની બુદ્ધિને તાવે એવી તારી ધારદાર દલીલોથી તું ભાવકોના ચિત્ત ઉપર એવો તો પ્રભાવ જમાવી શકી છે કે તું માત્ર તારા પિતા દેવેન અને તારાં માતા કુમુદ એકલાંની પુત્રી કે મારી જ માનસપુત્રી રહી નથી, પણ એ સર્વેની લાડલી પુત્રી બની ચૂકી છે. કોઈપણ વાર્તાકાર પોતાની વાર્તા થકી પોતાના કોઈક લક્ષને સિદ્ધ કરતો હોય છે. તારા અકાળે અવસાનના અંત થકી હું હજારો દેવેનો અને કુમુદોને હૈયાધારણ આપી શક્યો છું કે જેઓ તારા જેવી તેમની દિવ્યાઓના મૃત્યુના દુ:ખને જીરવી શકે. આમ છતાંય મારા આ ખુલાસાઓથી તને સંતોષ ન થયો હોય તો, ‘દિવ્યા, બેટા મને માફ કર.’”

જયંત-હંસા, મારો છેલ્લો ઉદગાર તમને લોકોને સંભળાઈ ગયો હશે; ત્યારે તો મારી દિવ્યા સાથેની વાતચીત પૂરી થઈ ચૂકી હતી. તમને નવાઈ લાગશે કે મારી વાર્તાઓનાં અન્ય પાત્રો મારી અને દિવ્યા સાથેની વાતચીતને એકચિત્તે સાંભળી રહ્યાં હતાં. એ લોકોને પણ દિવ્યાની જેમ મને કંઈક કહેવાનું હશે, પણ તેઓ બધાં અમારી બંનેની વાતોથી કંઈક સંતોષ પામ્યાં હશે કે ગમે તે હોય, પણ સૌ ધીમેધીમે વિખેરાવા માંડ્યાં હતાં. છેલ્લે હું એકલો બાકી વધ્યો હતો અને મારી આંખો ઘેરાતાં હું નિદ્રામાં સરી પડ્યો હતો. પછી હું જાગ્યો, ત્યારે તમે બેઉ મારી નજરે પડ્યાં.”

તંદ્રાવસ્થા દરમિયાનની પોતાની વાર્તાના પાત્ર ‘દિવ્યા’ સાથે થએલી ‘આંખે દેખ્યો અહેવાલ’ જેવી સુંદરલાલની વાત પૂરી થતાં તે પુત્રવધૂ હંસાને ઉદ્દેશીને બોલ્યા, ‘બેટા, મેં પહેલાં કહ્યું હતું કે તું મારા અનુભવને યાદ રાખીને પછી મને કહી સંભળાવજે કે જે મારી આગામી વાર્તાનો વિષય બની શકે. પણ, હવે તને કહું છું કે એ વાર્તા તારે જ લખવાની છે. જરૂર લાગશે ત્યાં હું તેને મઠારી આપીશ, પણ તારે લેખિકા બનવાની શરૂઆત અહીંથી જ કરવાની છે.’

‘ના, પિતાજી ના. આ વાર્તા હું લખીશ તો પછી એમાં મારું પોતાનું તો કંઈ જ નહિ હોય ને! હું મારી પોતાની જ કોઈક મૌલિક વાર્તા લખવાનો અવશ્ય પ્રયત્ન કરીશ, પણ આપના અનુભવ ઉપરની આ વાર્તા તો આપની અને માત્ર આપની જ હશે.’ હંસાથી અહોભાવે બોલી જવાયું.

જયંત પોતાની ખુરશીમાંથી ઊભો થઈને સુંદરલાલના ચરણસ્પર્શ કરતાં બોલી ઊઠ્યો, ‘પિતાજી, આપ આશીર્વાદ આપો અને આ જ પળે હું નિર્ણય લઉં છું કે આપણા ધંધા-કારોબારમાં પુસ્તક પ્રકાશનના નવા જ ક્ષેત્રને હું સામેલ કરવા જઈ રહ્યો છું. નવીન સાહસનું આપના વાર્તાસંગ્રહથી મુહૂર્ત કરીશ. આશા રાખું છું કે આપના એ વાર્તાસંગ્રહમાં આપ પહેલી જ વાર્તા ‘દિવ્યા – મા, દાદી કે વડદાદી !’ને રાખશો અને બીજી તરીકેનું સ્થાન, મને લાગે છે કે, આપના આજના અનુભવમાંથી લખાનાર વાર્તાનું જ ઉચિત રહેશે; કેમ કે મૂળ વાર્તાના વાંચન પછી તેને આનુષંગિક આ દ્વિતીય વાર્તા રહેશે તો જ વાચકો અનુસંધાન સાધી શકશે.’

સુંદરલાલે જયંતને પોતાની સમીપ બોલાવીને તેના માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. હંસા પણ સજળ નયને પોતાનું મસ્તક નમાવીને સાહિત્યસર્જક થવા માટેના આશીર્વાદ યાચતાં બોલી ઊઠી, ‘આજે જ જાણ્યું કે સાચે જ વાર્તાકાર કે નવલકથાકાર પોતાનાં પાત્રોના ભાગ્યવિધાતા જ હોય છે!’

– વલીભાઈ મુસા

આજે પ્રસ્તુત છે વલીભાઈ મુસાની અનોખી વાર્તા. જો કે આજે પ્રસ્તુત વાર્તા પોતાનામાં પણ એક પૂર્ણ રચના જ છે, પરંતુ અહીં વિશેષ વાત છે, કોઈ વાર્તામાં અન્ય કોઈ વાર્તાનું પાત્ર પોતે તેમાં પાત્ર બનીને આવે તેવું ભાગ્યે જ જોવા મળી શકે! એવો પ્રયોગ અહીં થયો છે અને સુસંગત વાર્તાની કડી પણ અહીં અપાઈ છે. પ્રયોગાત્મક સર્જનને અક્ષરનાદ સદાય આવકારે છે, અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ વલીભાઈનો ખૂબ આભાર અને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

16 thoughts on “ભાગ્યવિધાતા – વલીભાઈ મુસા