બે વિરહી અછાંદસ કાવ્યો… – દિનેશ જગાણી ‘અલિપ્ત’ 8


(૧)

વાતાવરણમાં
ઠંડીનો ગુલાબી રંગ ભળવા લાગ્યો છે
હવે હું કીટલી પર ચા પીવા જાઉં
ત્યારે ટેબલ સહેજ
તડકા તરફ ખેચી લઉં છું
કયારેક ચાનો પ્યાલો હાથમાં હોય ત્યારે
એની હૂંફમાં
તને અનુભવવા પ્રયત્ન કરું છું
પરંતુ, થોડીક ક્ષણો માં
બધું જ વરાળ બનીને
અદ્રશ્ય થઇ જાય છે –
એક દિવસ તું અદ્રશ્ય થઇ ગઈ’તી એમ જ વળી!
બીજા કોઈ અજ્ઞાત શહેરમાં
તું પણ ચા બનાવતી હશે
શક્ય છે તારો સાડીનો છેડો
કમર પર ખોસેલો હોય
તું દુપટ્ટો રાખતી એમ જ વળી!
પ્લેટફોર્મ પરથી ચાની ખુશ્બુ
આખા ઘરમાં ફેલાઈ જતી હશે!
એમાં ડૂબીને એક નસીબદાર
પૈસાવાળો પુરુષ
તારા તરફ ધ્યાન આપ્યા વિના
ચા ની રાહ જોતો હશે!
અરે…
વિચારોમાં ને વિચારોમાં
મારી ચા ઠંડી થઇ ગઈ છે
ને વરાળ,
મારી આંખોમાં ફેલાઈ ને પાણી બની ગઈ છે!

(૨)

વધું એક સાંજ
ઢળવાની તૈયારીમાં છે
ધીમે ધીમે અંધારૂ
ઉંચી ઈમારતો અને
ઝાડની ડાળીઓ પરથી સરકીને
અવનિ પર ઉતરી આવશે.
વાહનોની અવરજવર વધી ગઈ છે,
કદાચ
બધા લોકોને ઘરે જવાની ઉતાવળ છે.
એકલા
ચા ના બે કપ પી લીધા બાદ હું પણ
મારા ઘર (?) તરફ જવા વિચારું છું.
ધીમે ધીમે પગલા ભરતો હું
ખિસ્સામાં હાથ નાંખીને
એક પરિચિત રસ્તા તરફ ચાલી નીકળીશ.
આગળ જતા ત્રણ રસ્તા આવશે
જ્યાં મારા કદમ
થોડી વાર માટે અટકી જશે.
અહીંથી એક રસ્તો
તારા ઘર તરફ જાય છે.
આ રસ્તે આવતાં-જતાં
તને ઘણી વાર જોઈ છે
કદાચ છેલ્લી વાર પણ
તને અહીજ જોયેલી
થોડી પળો માટે ઉભા રહી પછી હું મારા
ઘરના રસ્તે ફંટાઈ જઈશ
અલબત,
ત્યાં સુધી સાંજ ઢળી ચુકી હશે ને મારું ઘર પણ
અંધકારમાં ખોવાઈ ગયું હશે!

– દિનેશ જગાણી ‘અલિપ્ત’

આ પહેલા પ્રસ્તુત થયેલ ચાર અછાંદસ કાવ્યો બાદ આજે દિનેશભાઈ બીજી વાર તેમના અછાંદસ સાથે ઉપસ્થિત થયા છે. પાલનપુર, બનાસકાંઠાના દિનેશભાઈ જગાણી ‘અલિપ્ત’ની રચના એવા બે વિરહી અછાંદસ કાવ્યો આજે પ્રસ્તુત કર્યા છે. આ અછાંદસ પ્રસિદ્ધ કરવા માટે પાઠવવા બદલ દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “બે વિરહી અછાંદસ કાવ્યો… – દિનેશ જગાણી ‘અલિપ્ત’