અસ્તિત્વ બચાવો… બેટી બચાવો… – હર્ષદ દવે 9


ઘણાં પ્રાણીઓ પૃથ્વી પરથી લુપ્ત થઇ ગયા છે. તેમની જાત લુપ્ત થઇ ગઈ છે. આપણે ડાઈનોસોર જેવાં પ્રાણીઓના માત્ર નામો સાંભળેલા છે અથવા તો ચિત્રો જ જોયાં છે. પરંતુ ક્યારેય એ વિચાર્યું છે કે માનવજાત લુપ્ત થઇ જાય તો? આપણું અસ્તિત્વ જ ન રહે તો? આ ગંભીર પ્રશ્ન આપણી સામે આવ્યો છે. તેવી પરિસ્થિતિ આપણે જ ઊભી કરી છે. શું આપણે એ નથી જાણતા કે માનવ જીવન માત્ર એક ‘માતા’ જ આપી શકે? અને માતા કોઈ અન્ય માતાની ‘પુત્રી’ જ હોય છે એ પણ આપણે જાણીએ જ છીએ છતાં એની ભૃણ હત્યા કરીને આપણે આપણો જ વિનાશ નોતરી રહ્યાં છીએ. આ ગંભીર વાત છે અને તેની ગંભીરતા સમજવી બહુ જ જરૂરી છે.

એકમાત્ર માણસને જ મળેલી બુદ્ધિની બક્ષીસથી માણસ આધુનિક બન્યો, શિક્ષિત બન્યો. તેણે સમાજનું સર્જન કર્યું. પણ એ સમાજ સ્ત્રી-પુરુષના સ્થાન વિષે પહેલેથી જ અવઢવમાં રહ્યો છે. કુદરતી ફરક સિવાય સ્ત્રી અને પુરુષમાં કોઈ ભેદ શા માટે ઊભો કરવામાં આવે છે તે ન સમજાય તેવી વાત છે. તેને માટે ચર્ચા, વિરોધ, લડાઈ-ઝઘડા ચાલ્યા જ કરે છે. સમાજની રચના એક દિવસમાં નથી થઇ. તેમાં સમયાંતરે સુધારા વધારા થતાં રહ્યાં છે. પણ સુશિક્ષિત વર્ગની માનસિકતામાં ખાસ કોઈ નોંધપાત્ર સુધારો થયો નથી. આ મુદ્દો વિચારવા જેવો છે.

નારીના વિવિધ સ્વરૂપો સમાજમાં આદર અને અવહેલનાને પાત્ર બને છે. સમાજનો કોઈ વધારે સારો વિકલ્પ મળતો નથી. ‘પુરુષ પ્રધાન’ સમાજ એટલે સ્ત્રીની અવગણના કરતો પુરુષવર્ગ ધરાવતો સમાજ એવી છાપ ઊભી થઇ છે. તેનું કારણ શું? તેમાં તથ્ય છે. આ સમાજ સ્ત્રીનું શોષણ કરે છે અને સ્ત્રી પાસે બીજો કોઈ ઉપાય નથી એટલે તે એવી અણગમતી પરિસ્થિતિ સાંખી લે છે. અને પુરુષોને કોઈ પડકારતું નથી તેથી તેને ફાવતું મળે છે.

બેટી, દીકરી, પુત્રી, તનયા, દુહિતા, આત્મજા ગમે તે કહો – શબ્દ અનેક પણ અર્થ એક જ નારી! માણસનાં મન જુદાં જુદાં છે પણ માનસિકતા એક જ! શિક્ષણ એક જ પણ અર્થઘટન પોતાનું! શિક્ષણ સમાન પણ સંસ્કાર અને આચરણને બાર ગાઉનું છેટું! લાગે છે આદર્શ અને દંભ વચ્ચે ગજબનો સંપ છે.

આપણે ગણતરીમાં ક્યાંક ગોથું ખાઈ ગયા છીએ. નહીં તો આવું શી રીતે બને? જે ડાળ પર આપણે બેઠા હોઈએ તેના પર જ કુઠારાઘાત કરીએ? જેના પર માનવ જીવનનો આધાર હોય તેને જ ખતમ કરીએ? નાનાં બાળકને સમજ ન હોય તેથી કહેવું પડે: ‘બેટા, પાણી ન ઢોળાય. ફૂલ ન તોડાય. કોઈને મરાય નહીં. તારું ધ્યાન રાખજે, પડી ન જતો.’ પણ આજના કહેવાતા શિક્ષિત અને મોડર્ન મેનેજમેન્ટ ગુરુને એ સમજાવવું પડે કે ‘બેટી બચાવો’ (એટલે કે માનવજાતને બચાવો!) એ કેવી કરુણતા કહેવાય? મને લાગે છે કે આ તો જાગતા માણસને જગાડવાની વાત છે. દરેક સમજદાર સ્ત્રી-પુરુષ ‘પુત્રી’નું મહત્વ સમજે જ છે. પરંતુ પગ નીચે રેલો આવે ત્યારે સહુ આઘા ખસી જાય છે.

કોઈ જાણીજોઈને ખોટું કરે તેથી તેને ખોટું કરવાનો અધિકાર નથી મળી જતો. કોઈ સમજે નહીં તો તેને સમજાવવું પડે. કોઈ ભૂલી ગયું હોય તો તેને યાદ કરાવવું પડે. કોઈ માને નહીં તો તેને મનાવવું પડે. અહીં એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે:

દરેક માણસનો બીજા માણસ સાથે માનવજાતનો સંબંધ છે. તેમાં સ્ત્રી અને પુરુષનો સંબંધ સહુથી મહત્વનો છે. અહીં માતા-પુત્રી, પિતા-પુત્રી, બહેન-ભાઈ, પતિ-પત્ની કે મિત્ર-મિત્ર વચ્ચેનો સંબંધ હોઈ શકે. આ સંબંધોને સમજવા અને સાચવવા જરૂરી છે. રણ અને વન-ઉપવન વચ્ચે ફરક છે. શ્વાસ અને હવા, તરસ અને પાણી, આંખ અને અજવાળું, સ્પર્શ અને સંવેદના, ફૂલ અને સુગંધ, કોયલ અને ટહુકા, કાન અને ધ્વનિ (સંગીત) વચ્ચે જે સંબંધ છે તે સમજાવવો પડે તેવો નથી કે સાચવવો પડે તેવો પણ નથી. તે જળવાય તેમાં જ તેનું સૌન્દર્ય છે, આનંદ છે. પણ માણસ અને અસ્તિત્વનો સંબંધ અજબ છે. તે પ્રાકૃતિક છે અને તેનું જતન કરવું રહ્યું.

નારી જન્મે અને પરણે ત્યાં સુધી જ માતા-પિતા સાથે રહે, પતિ જીવનભર સાથ નિભાવે કે નહીં પરંતુ તે તો પડ્યું પાનું નિભાવે જ છે. તે અપમાન સહન કરીને પણ ઘરનાનું માન જાળવે છે. કોઈપણ પુરુષ કરતાં વધારે સમય સુધી તનતોડ મહેનત તે કરે છે. જીવનભર ઘરના સભ્યો(!) માટે જાત ઘસી નાખે છે. પોતાનાં હૃદયની વાત કરવામાં પણ તે ફફડાટ, સંકોચ અને શરમ અનુભવે છે. તેની આંખના ઝળઝળિયાં કોઈ જોઈ ન જાય તે માટે તેને છુપાવે છે અને હસતે મોઢે કામ કર્યા કરે છે. તે થોડામાં સંતોષ પામે છે, તે સંતોષની પરમ સખી છે. માતા તરીકે તે ‘માવતર કમાવતર ન થાય’ એ કહેવતને સાર્થક કરવા માટે જ જાણે તેનું જીવન હોય તે રીતે જીવે છે. તે નાનાં મોટા દરેક પ્રસંગની શોભા બનીને ઉમંગ અને ઉત્સાહથી પ્રસંગને યાદગાર અવસર બનાવે છે. છતાં વાંક તો તેનો જ હોય! સહન તો તેણે જ કરવું જોઈએ. તે દુભાય તો કહેવામાં આવે કે દુખ તો સતી સીતાને પણ હતું!

માણસ સ્વાર્થી છે તેમ કહેવાને બદલે પુરુષવર્ગ સ્વાર્થી છે તે વધારે ઉચિત જણાય છે. આ સ્વાર્થને સાધવા માટે પણ કોઈ તો એવું હોવું જોઈએ ને કે જે મૂંગે મોઢે બધું સહન કરી લે. સામો હરફ પણ ન ઉચ્ચારે. આજ્ઞા શિરોધાર્ય કરે. કોઈ તો બધા હુકમોને તાબે થાય તેવું હોવું જોઈએ કે નહીં? મારામાં ભલે લાખ અવગુણ હોય પણ તેનો નાનકડો ય દોષ મારાથી કેવી રીતે સહન થઇ શકે? હું માંદો પડું તો ઘર આખું માથે લઉં અને તે માંદી પડે તેની કોઈને જાણ સરખી ન થાય. મારી જરૂરિયાત સંતોષાવી જોઈએ, તેને વળી બે ટંક રોટલા અને માથે છત સિવાય બીજું શું જોઈએ? મારી ઇચ્છા એ જ તેની ઇચ્છા. હું કહું તેમ જ થવું જોઈએ. મારાં ઈશારા પર નાચે તો જ ઠીક. ઘર તો મારાથી જ ચાલે છે, કમાઈને હું લાવું છું એટલે બધાં તાગડધિન્ના કરે છે. પુરુષના આવા મિથ્યા અહંને પોષવા કોઈ તો જોઈએ ને?

નોકરિયાત નિવૃત્ત થાય પણ સ્ત્રી તો ચાકર છે, સેવિકા છે, દાસી છે, વહુ છે. કંકુના સૂરજ આથમી જાય તો પણ તે હિંમત ન હારે!

સાચી સમજણથી સારા અને યોગ્ય વિચારોનો અમલ થઇ શકે. તેથી સમાજનું ચિત્ર ઉજ્જવળ બને. આપણે બધું સમજીએ છીએ. છતાં લોકો પુત્રની ઝંખના રાખે છે કારણ કે પુત્ર વંશવેલો આગળ વધારે છે. પરંતુ કોઈની પુત્રી વગર એ શક્ય નથી એ પણ વિચારવું જોઈએ. અને એવું વિચાર્યા વગર સગર્ભા સ્ત્રીના ગર્ભમાં પુત્ર નથી એવી જાણ થતાં લોકો ભ્રૂણ હત્યા કરે છે. તે સમયે તેમનાં મનમાં બિલકુલ અરેરાટી નથી થતી. તેઓ કાયદાને કસરત કરાવે છે અને પોતે આબાદ બચી જાય છે.

ઘર સ્ત્રીથી જ બને, બાકી ગેસ્ટ હાઉસ કહેવાય. જીવનસાથી વગર જીવન નીરસ થઇ જાય. સ્ત્રીનો સ્નેહ, પ્રેમ, લાગણી, સંવેદના અને ભાવના આપણાં મનમાં કાયમી સચવાય છે. તે પત્ની તરીકે ઘરની મોટાભાગની જવાબદારી હસતાં હસતાં વહન કરી લે છે અને હવે તો બહારની જવાબદારી પણ નિભાવે છે. ફરિયાદ કરવા માટે તેની પાસે અનેક કારણો હોય છે છતાં તે પ્રસન્ન વદને વખાણ જ કરે છે. તેનાં કોમળ અને ઋજુ હૃદયને આઘાત પર આઘાત પહોંચાડનાર પ્રત્યે પણ તેનાં મનમાં કુણી લાગણી રહે છે. જાણે સંવેદનશીલતા અને સહનશીલતા તેનાં બંધારણમાં એકાકાર થઇ ગઈ ન હોય!

અને માણસ બણગા ફૂંકે છે ‘જનનીની જોડ સખી નહીં મળે રે લોલ!’ ‘મા વિના સૂનો સંસાર.’ ‘મા તે મા, બીજા વગડાના વા!’ એટલું જ નહીં તે તેને શબ્દોમાં અને સાહિત્યમાં પણ ટોચે બેસાડે છે એ જુઓ: ‘જે કર ઝુલાવે પારણું તે કર જગ પર શાસન કરે!’ આટલો આદર અને સન્માન તથા ભક્તિ સ્ત્રી પ્રત્યે હોય તો ભ્રૂણ હત્યા શા માટે? વાસ્તવિકતામાં તેનો આવો અનાદર શા માટે? દુષ્કર્મ અને યૌન શોષણ શા માટે? શા માટે તેનું જીવન સુખમય, સુંદર અને પ્રસન્નકર નથી? શા માટે તેની વેદના-વ્યથા કોઈ સમજતું નથી? કે પછી ‘આપણે શું? ચાલે છે તેમ ચાલવા દો’, જેવી નઘરોળ માનસિકતામાંથી બહાર નીકળવાની આળસ છે! આ ન ચાલે, આ માનવજાતની શરમ છે. માણસ ઉન્નત મસ્તકે ચાલી ન શકે, તેનું મસ્તક શરમથી ઝૂકી જવું જોઈએ.

આ રોગ અસાધ્ય નથી જ. માનવીની માનસિકતા બદલાવી જોઈએ. પુરુષનો સ્ત્રી પ્રત્યેનો અભિગમ ખરેખર બદલાવો જોઈએ. દંભ નહીં, હકીકતમાં તેમાં પરિવર્તન થવું જોઈએ. એમ ન વિચારો કે એક માણસ તરીકે હું એકલો આ બાબતમાં શું કરી શકું? આપણે સાથે મળીને વિચારીએ કે આપણે આ દિશામાં શું કરી શકીએ?

સહુ પ્રથમ તો આપણે આપણું પોતાનું માનસિક વલણ બદલવું જોઈએ. દીકરી તરફ યોગ્ય અને તંદુરસ્ત દૃષ્ટિકોણ ધરાવવો જોઈએ. બીજા લોકોને પણ આપણે સમજાવી શકીએ. ખોટી વિચારધારા બદલી શકીએ. બાળકોને નાનપણથી જ સાચી સમજ આવે તેવી કેળવણી આપવી જોઈએ. સ્ત્રીઓ પ્રત્યે સ્વસ્થ વલણને પ્રોત્સાહન આપવું જોઈએ. તેમને મદદરૂપ થવું જોઈએ. પુત્રીના જન્મ સમયે વાતાવરણ આનંદમય બનાવી સહુએ ખુશ થવું જોઈએ. જરૂર પડે ત્યારે તેને સપોર્ટ આપવો જોઈએ. બાળકનો જન્મ ઈશ્વરનું વરદાન છે. પુત્ર હોય કે પુત્રી, બંનેને સારું શિક્ષણ અને પોષણ મેળવવાનો સમાન અધિકાર છે. બાળકો પાસેથી જે અપેક્ષાઓ રાખવામાં આવે છે તે યોગ્ય નથી હોતી. તેમનું જીવન સારી રીતે જીવવાનો તેમનો જન્મસિદ્ધ હક્ક છે. ‘કન્યા એટલે સાપનો ભારો’ એ ખોટી વિચારધારાને બદલે સ્ત્રી જીવનનો આધાર છે એ સમજ આપવી જોઈએ. ગાડાનાં બંને પૈડા બરોબર હોય તો જ જીવનનું ગાડું સારી રીતે ચાલે. જો સ્ત્રી ન હોય તો આપણું અસ્તિત્વ ન હોય. સ્ત્રીનું સર્જન ઈશ્વરે બહુ સમજી વિચારીને કર્યું છે. કવિએ કહ્યું છે: ‘માં કા સર પર હાથ જો તેરે ઈશ્વર કા ક્યા કામ? જય જય મૈયા તુઝે પ્રણામ’, આપણે નાના હતા, ઉછેરીને મોટા કોણે કર્યા? એ જ સ્ત્રી આપણી શક્તિ છે. સ્ત્રીનું અસ્તિત્વ માનવજાતનું અસ્તિત્વ છે. તે નથી તો ‘કુછ ભી નહીં.’ પરંતુ જો સહુ સાથે મળીને સંકલ્પ કરીએ તો આપણે નારીનું ગૌરવગાન કરી શકીએ ‘યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ…નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ’. સાચા અર્થમાં ત્યારે જ માતા માટે કહી શકીએ કે ‘જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી.’ દુહિતા છે તો દુનિયા છે, પુત્રી છે તો પરમાત્મા છે, આપણે બેટી થકી બડભાગી છીએ, આત્મજાને લીધે જ આત્મા છે, તનયા હોય તો જ તન હોય, દીકરી તો દેવોને પણ દુર્લભ છે…ભગવાન શ્રીરામચંદ્ર કે શ્રીકૃષ્ણ ભગવાનને દીકરી ક્યાં હતી!

‘બેટી બચાવો’ એટલે જ ‘અસ્તિત્વ બચાવો’, માનવજાતને બચાવો. દીકરીને પણ આ પૃથ્વી પર આવવાનો, જીવવાનો અને જીવનને માણવાનો દીકરા જેટલો જ અધિકાર છે. એ અધિકાર તેની પાસેથી છીનવી લેવાનો હક્ક મને, તમને કે બીજા કોઈને ય નથી. જે આપણે આપીએ તે પાછું ન લેવાય અને જે આપણે આપ્યું જ ન હોય તે તો લેવાની વાત પણ ન કરી શકાય. ઈશ્વર આપવાવાળા હોય તો આપણે લેવાવાળા કોણ? તેથી બેટી બચાવીને આપણે તેને નહીં પરંતુ આપણે ખુદ આપણને પોતાને જ ઉપકૃત કરીએ છીએ!

અસ્તુ.

– હર્ષદ દવે.

સ્ત્રી ભૃણહત્યા એવો વિષય છે જેના વિશે અનેક વખત લખાયું છે, લખાયું તેના એક ટકા જેટલું પણ સમાજ દ્વારા ભાગ્યે જ અનુસરાયું છે, મોટી ગુલબાંગો અને વાતો છતાં આજે પણ, અત્યારે પણ ક્યાંક ભૃણહત્યા થઈ જ રહી હશે, અને એ પણ ભૃણના માદા હોવાના કારણે… હર્ષદભાઈનો લેખ આપણા સંકુચિત અને વિકૃત સમાજની આ જ બદી સામે લખાયેલો છે અને અક્ષરનાદ આવી કૃતિઓ પ્રસિદ્ધ કરીને ખરેખર ગર્વ અનુભવે છે, એકાદ પણ ભૃણ જો આ આખીય વેબસાઈટના બધાંય પ્રયત્નોને લીધે બચી શક્યું હોય – બચી શકે તો તેથી વધુ શું હોઈ શકે? આશા રાખીએ કે આવા અનેક લેખો એકાદ વિકૃત અને ભૃણ હત્યા કરવા તત્પર માનસીકતાને બદલવામાં ભાગ ભજવી શકે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક બદલ હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.

બિલિપત્ર

હું નીકળી પડ્યો છું
કોઈક એવા
એકાદ ચહેરાની તલાશમાં
જ્યાં થંભી ગયો હોય
ક્ષણાર્ધ માટે
તારો હાથ !
– મંગળ રાઠોડ
(શબ્દસૃષ્ટિ સામયિક, મે ૨૦૧૦ અંક)


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “અસ્તિત્વ બચાવો… બેટી બચાવો… – હર્ષદ દવે

 • La' Kant

  ” બાત તો સહી હૈ” આપણે માત્ર વિશ્ફુલ થિંકિંગ કરી શકીયે છીયે ! હકીકતમાં , આપણે શરુઆત પોતાનાથી કરી કર્તુત્વમાં સિધ્ધ કરી બતાવીએ તો જ કામનું !
  -લા’ કાંત / ૨૦.૨.૧૪

 • hansa rathore


  hansa rathore:

  ખુબ સરસ. હૃદય વેધક આ લેખ વાંચીને મનના તાર ખેંચાઈ ગયા, ને શબ્દો સારી પડ્યા આમ…
  નારી
  કેટલી એની પોતાની…
  મનથી પોતાની જીંદગી જીવવાનું અઘરું છે,
  આ જીંદગી વેઢારતું તન ..
  એક આદમીની દીકરીનું છે,
  એકની બહેનનું ..એકની પત્નીનું ..
  તો બીજાઓની ..
  વહુ, ભાણી – ભત્રીજી, કાકી, ભાભી..
  અને કોણ જાને કોનું કોનું ..
  શું મનની સાથે તન પર પણ મારો અધિકાર નથી ?
  વિચારું છું,
  કદીક આ તન પર,
  મારો, પોતાનો અધિકાર હશે..
  ને ત્યારે હું
  જરૂર
  એનું ખૂન કરીશ .

 • hansa rathore

  ખુબ સરસ. હૃદય વેધક આ લેખ વાંચીને મનના તાર ખેંચાઈ ગયા, ને શબ્દો સારી પડ્યા આમ…
  નારી
  કેટલી એની પોતાની…
  મનથી પોતાની જીંદગી વેઢારતું તન ..
  એક આદમીની દીકરીનું છે,
  એકની બહેનનું ..એકની પત્નીનું ..
  તો બીજાઓની ..
  વહુ, ભાણી – ભત્રીજી, કાકી, ભાભી..
  અને કોણ જાને કોનું કોનું ..
  શું મનની સાથે તન પર પણ મારો અધિકાર નથી ?
  વિચારું છું,
  કદીક આ તન પર,
  મારો, પોતાનો અધિકાર હશે..
  ને ત્યારે હું
  જરૂર
  એનું ખૂન કરીશ .

 • Ullas Oza ઉલ્લાસ ઓઝા

  શ્રી હર્ષદભાઇ દવેઍ નારીના અલગ રૂપો – બેટી, પત્ની, માતા વિ. નુ નિરૂપણ કરી ને “સ્ત્રી ભૃણ હત્યા” ઍટલે “બેટી બચાવો” અને “માનવજાતને બચાવો” ઍવા સંદર્ભમા સુંદર રીતે રજૂ કરી છે. સમાજની આંખ ઉઘાડતો લેખ.

 • M.D.Gandhi, U.S.A.

  સ્ત્રેી ભૃણહત્યા એ ભારતનો બહુ જુનો “રોગ” છે. જ્યાં સુધી સ્ત્રી-પુરુષનું ભણતર નહીં વધે, જે માટે કદાચ વર્ષો પણ વીતી જાય, ત્યાં સુધી આ “રોગ” મટવાનો નથી. જો ભણતર વધશે અને તોજ ભવિષ્યમાં સ્વમેળે કુટુંબ નિયોજન અપનાવાશે અને ફક્ત એકાદ બાળકનીજ અપેક્ષા હશે અને ત્યારે જે બાળક આવશે-દીકરો કે દીકરી- તેનું હર્ષથી સ્વાગત થશે, અને ત્યારેજ ભૃણહત્યા અટકશે…..

 • Dr Pravi Sedani of Rajkot

  મારેી કવેીતા,
  આ વણ જન્મેલેી વએદેહિ નિ વેદના વિચારિ જો,
  લોહેી થેી લથપથ લાગણેી વચ્ચે ખુદ તારેી તુ કલ્પિ જો..
  પાન્ચાલેી નિ શક્તેી તારેી ,મહાભારત જો રચેી સકે,
  અમ્બા દુર્ગા કાલેી ને એક અવસર તો આપેી જો.
  ગુગળાતા હિબકાતા ડુસકા ,ઉગ્યા પહેલા આથમતા ,
  ચન્દ્ર સરેીખેી પ્રતિક્રુતેી ને એક વખત અવતારેી જો.
  કુળ દિપક નિ કેવેી ઝન્ખના , જે રુન્ધે પા પા પગલેી ને,
  દમ્ભેી સામાજિક મુલ્યો ને, ઍક ઠોકર તુ મારેી જો.

  ડો. સેદાણેી..