ત્રણ ગઝલો.. – ડૉ. મુકેશ જોષી 15


૧.

સવારની વાત સાંજે થાય ના,
ગીત આવડે પણ ગવાય ના.

ખેંચી શકે એટલું તું ખેંચજે
જોજે જરા કે તૂટી જાય ના.

હિત એનું એ જ તો જોશે ભલા
વાતમાં વચ્ચે એને લવાય ના.

એમ તો હું એકલો ચાલી શકું,
હોય સાથે તો જરા થકાય ના.

એક સરખા જો બધાય હોત તો?
એટલે સરખામણી કરાય ના.

ભૂલ મારી કે બીજાની છે થઈ,
પાકવાનું છે પણ પકાય ના.

રડવામાં કોઈ એવું ના કહે,
ી ખરું કે એકલા હસાય ના?

૨.

વાદળી વરસે નહીં તો ચાલશે
બાફ આ વધશે નહીં તો ચાલશે.

દેખાય મેઘધનુષ્ય, વાહવાહ
એકાદ રંગ ઓછો હશે, ચાલશે.

મહેક માટીની મને તો જોઈએ,
એ ભલે પલળે નહિં તો ચાલશે.

તો અમે મઝધારે શું ખોટા હતાં?
તું કહે છે મોજા વિના ય ચાલશે.

ચાલ ભૂલી ગયાનું કર કબૂલ
યાદ પાછી નહીં કરે તો ચાલશે.

જિંદગી ઉબડખાબડ હોય છે,
ઠેસ લાગે ત્યાં સુધી તો ચાલશે.

શમણું સરસ આવવું જોઈએ,
ઉંઘ આવે કે ના આવે ચાલશે.

મત્લા, મક્તા પરાણે ગોત માં,
શેર એક ઓછો હશે તો ચાલશે.

૩.

હથેળીમાં તો હોય એ વંચાય છે,
એમાં વળી ક્યાં કશું ભૂંસાય છે?

વાતને હળવાશથી લેવાય છે,
ભૂલવાની વાત ક્યાં ભૂલાય છે?

કોઈક દિલમાં છૂપાય છે વળી
કોઈક પાંપણે આવી ડોકાય છે.

પેટ ભરી ઓડકાર ખાધા પછી,
મનમાં પાછું કંઈક રંધાય છે.

સમય એનું કામ છે કર્યા કરે,
અત્તર પણ ક્યારેક ગંધાય છે.

પાડ ઘસરકા તું તિરાડ નહીં
કે એ પછી ક્યાં વળી સંધાય છે?

એ વળી ગઝલ વાંચીને શું કરે?
આમ પણ એ પાંચમાં પૂછાય છે!

– ડૉ. મુકેશ જોષી

ડૉ. મુકેશભાઈ જોષીની ત્રણ સુંદર ગઝલરચના આજે પ્રસ્તુત કરી છે. અભ્યાસે સિવિલ ઈજનેર અને વ્યવસાયે વોટર રિસોર્સ એન્જીનીયરીંગ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે જનરલ મેનેજરના પદ પર કાર્યરત શ્રી ડૉ. મુકેશ બી. જોષીની થોડીક પદ્યરચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. રચનાઓ બદલ ડૉ. જોષીનો આભાર તથા શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

15 thoughts on “ત્રણ ગઝલો.. – ડૉ. મુકેશ જોષી