“તો હવે એને કેજો ઓલીને લઇ આવે !” શાંતાના કડવા છણકા રવજી ગળી ગયો.
“આવું ના હોય ભાભી, તમે’ય શું કાલા કાઢો છો ?”
“કાલા તો તમારા ભાઈબંધ કાઢે છે, છતી બાયડીએ બીજીને પડખામાં લઇ લે તે થોડું હાલવાનું !”
“એવો તમને ખાલી વ્હેમ છે ભાભી, મારો ભાઈબંધ ખરેખર એવો નથ્ય ..” રવજીએ ભાઈબંધનું ઉપરાણું લીધું
“વરને વખાણે વરની મા, પછીને ભલે તે કાણો હોય…”
“હવે તમને કેમ હમજાવવા….”
“તો રે’વા દ્યો ને પાણીમાં કુંડાળા કરવા.” શાંતાએ અજાણતા દેવ જેવા રવજીના ભાઈબંધને કારમા શબ્દો સંભળાવી દીધા
શાંતાએ વિક્રમ સાથે ઘર માંડ્યાને બાર બાર વર્ષ થઇ ગયા પણ ઘરે ઘોડિયું ન બંધાયું, સાસુ સસરા તો હતા નહીં કે મેણા મારે છતાં ગામના મોઢે થોડું ગળણું બંધાય, પણ આ બધાથી પર વિક્રમ શાંતાને અનહદ ચાહતો. ગામડાનો માણસ એટલે પ્રેમને વ્યક્ત કરવામાં તે ઘણીવાર રુક્ષતાનો પણ સહારો લેતો અને આ જ રુક્ષતા શાંતાને બહુ ગમતી. તે બંનેના પ્રેમના સાક્ષી ઘરના બારી-બારણા, દીવાલો અને વાડીના બંને ઘટાદાર આંબા હતા.
ઘણી વાર રાતે શાંતા વાડીમાં પાણી વાળતા વિક્રમને મદદ કરવા આવતી પણ તે એક બહાનું હતું, લગભગ તે રાત્રે તો લગભગ બધા ક્યારામાંથી પાણી ધોરીયાના પાળા તોડી બહાર વહી જતું…. અને સવારે બાજુની વાડીની રમજુ વિક્રમને હસતા હસતા સંભળાવી દેતી, “લાગે છે આજે મારી બેન આવ્યા હશે મદદ કરવા કાં ?”
“લે, તમને કેમ ખબર પડી ભાભી ?” વિક્રમ ભોળાભાવે પૂછી બેસતો
“ત્યારે જ તમારા ધોરીયાનું પાણી અમારા શેઢા ને વળોટી ને અમારા મોલની તરસ ભાંગી દે છે ને ?” રમજુ બહુ સિફતપૂર્વક પોતાના મનોભાવ વ્યક્ત કરી દેતી પણ વિક્રમ ને ન સમજાતું અને તે બોલી ઉઠતો, “અરે ભાભી આ તો ભારે કરી, હજી ગઈ કાલે તો મારા ભાઈએ તમારા મોલને પાણી પાયું અને આજે પાછું …”
“એ વાંધો નહીં, મારી તો જમીન જ તરસી છે…. તમારા પેલા ભાઈબંધ ને ય ક્યાં ટેમ છે.” કહીને તે ઊંડો નિસાસો નાખીને વિક્રમ સામે જોતી, પણ વિક્રમ તેની આંખોના ભાવ જોવાને બદલે ગઈ રાતે તૂટેલી પાળ સરખી કરવા માંડે અને રમજુ મોં મચકોડી જતી રહે.
વાવણી વખતે વિક્રમ અને શાંતા હસતા હસતા ખેતરને ખોળે બી વાવતા અને પોતાના પ્રેમને વધુ ખાતર નાખતા જોઈ ને આજુબાજુના ખેડૂત દંપતીઓ પણ હેલીએ ચઢતા. રમજુ પણ બંનેને જોઈ રહેતી અને આંબાના ઝાડ નીચે પોતાના વૃદ્ધ પતિને ખાટલે બેસી ઉધરસ ખાતા જોઈ નિરાશ થઇ ભાગીયા સાથે વાવણી કરવા લાગતી. પિતાની ગરીબી અને પોતાના પતિની અમીરીએ રમજુના ઓરતાને ઊંડે ઊંડે ભોંમાં ભંડારી દીધા હતા. બાકી ઉછળતા વછેરા જેવી રમજુને નાથવી એ કંઈ ખાવાના ખેલ નહોતા, અને પોતાની અબળખા મનમાં જ રહી ગઈ તેવા દાહ સાથે તે જીવતી હતી, જીવવા ખાતર, પણ સામે કોઈ જુવાનીયો આવે ત્યારે તેની જીભ છૂટી થઇ જતી અને પોતાની અબળખાઓને ભાષાના વાઘા પહેરાવી વ્યક્ત કરતી. ઘણાં સમજી જતા અને તેનો અર્થ તારવી સામે બોલી ઉઠતા. બસ એટલે જ વાત અટકી જતી પણ નાનું ગામ એટલે વાતોના વડા જલ્દી વહેંચી શકતા અને રમજુ એક ચારિત્ર્યહીન તરીકે પંકાઈ ગઈ….
ખેતરના શેઢા એક હોવાથી રમજુ સાથે સૌથી વધારે પનો પડતો હતો વિક્રમને, બિચારો કરે પણ શું ? અને આ બંનેની વાતો રસ્તે જતો કોક કાચા કાનનો સાંભળી જાય, રસ્તામાંજ મનમાં મીઠું મરચું ભભરાવતો જાય અને ગામ આવે ત્યાં તો ચટાકેદાર વાનગી તૈયાર થઇ ગઈ હોય. ગરમ ગરમ શીરા જેમ બધાના ગળે વાત ઉતારી જાય આખરે છેલ્લે પહોંચે શાંતા પાસે.
થોડા દિવસો તો તેણે સહન કર્યું પણ વાત વધવા માંડી હતી, એકવાર તે ઓચિંતા પોતાની વાડીએ પહોંચી ગઈ અને જોયું તો શેઢા પાસે રમજુ અને વિક્રમ વાતો કરતા હતા. તે સળગી ગઈ અને વંટોળિયાની જેમ બંને પાસે દોટ મૂકી. રમજુ એ તે જોયું પણ વિક્રમની પીઠ બાજુથી આવતી શાંતાએ વિક્રમનું છેલ્લું વાક્ય સાંભળ્યું, “….તો તો હવે બોવ ધ્યાન રાખવું પડશે !”
“ગમે એટલું ધ્યાન રાખો, પાપ તો પીપળે ચડી પોકારશે, અરે પોકારી ગયું….. હવે બહુ ધ્યાન રાખવું નહીં પડે……” અને શાંતા લગોલગ આવી ગઈ.
“અરે તું કારે આવી ?” વિક્રમે પાછળ ફરી જોયું અને હસ્યો
“નવાઈ લાગે છે ને ? લાગે જને તમારે પુરુષોને તો દિવસ રાત દિવાળી જોયે…. કાં ?”
“શેની વાત કરસ તું ?” વિક્રમ હજી હસતો હતો
“લે કર્ય વાત …. હજી પૂસે સે કે શેની વાત કરસ ? આખું ગામ ભાળેને હું હૈયાભોળી વશવાહે બેઠેલી પણ આજ તો સગી આંખ્યે જોઉં ત્યારે પ્રીતમ પૂસે કે શેની વાત કરસ તું ?” શાંતાએ એક હાથ કમર પર રાખી અને બીજા હાથને હવામાં લહેરાવતા લેહ્કો કર્યો.
“શાંતાબેન, તમે હું બોલો સો એની ખબર્ય છે.” રમજુ આખી વાત પામી ગઈ
“જો હવથી પેલા તો બેન નો’ કે’તી મને, અને બીજું અટલી બધી તરસી હોય તો તારો બાપ તારો કૂવો ખોદતો હતો ત્યારે હાર્યે રેવું તું, બીજાના કુવા શું કરવા એંઠા કરસ તું ? જોઈ ના હોય તો બેન વાળી.”
“શાંતાબેન તમે બોલવામાં માપ રાખો “
“હવે જોઈ માપવાળી, માપ તો તું કાઢવા નીકળી છો ગામમાં.” શાંતાની જીભ છૂટી થઇ ગઈ અને રમજુ વધુ ન સાંભળી શકી, તે દોડતી કુવાના કાંઠે આંબાના ઝાડ નીચે ખાટલામાં પડખું ફરી સૂતેલા પ્રૌઢ પતિ પાસે જ ઉભી રહી અને થોડી વારમાં ઢગલો થઇ ખાટલાની ઈંસ ઉપર ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
“તને કઈ બોલવાનું ભાન સે કે નહિ, કોઈ માણહ હાર્યે આવી કડવી જીભાનમાં વાત કરાય?”
“બસ હવે રાખો, માણહ બોવ ગમવા માંડ્યું હોય તો ઘરે લયાવો ને …..”
“તું હું બકેસે એની તને ખબર્ય સે.”
“હું હાસુ બકુ સુ ને હાસુ કડવું વખ જેવું હોય હમજ્યા “
“તારા સમ ખાઈને કંવ છંવ, તું હમજે એવું કઈ નથ્ય”
“તમારી હાર્યે બાર વરહ પડખા ઘસ્યા સે …. હું ના હમજું એમ?”
“પડખા ઘહવાથી વિશવાહ થોડો આવે.”
“આવી બધી વાતું પેલી છિનાળને કેજ્યો હવે, હું તો આ હાલી.”
“મારી વાત તો સાંભળ્ય।…..”
“હવે હામ્ભળે મારી બલા રાત.” અને શાંતા એના બાપને ઘેર આવતી રહી.
અને બે મહિના પછી પણ શાંતા ટસની મસના થતા આખરે વિક્રમે સામે ગામ રહેતા પોતાના જીગરજાન ભેરુબંધ રવજીને આખો કેસ સોંપ્યો અને આખી વાત કહી. આજે તે રાવજી શાંતાની કાળજું ચીરતી વાણી ને ભાઈબંધ માટે સહન કરતો વિનવી રહ્યો હતો.
શાંતા ભેંસોને નીરણ આપતી બબડી રહી હતી, ખમતીધર બાપને લીધે આમ પણ તેની જીભ છૂટી એમાં પાછો આ ડખો થયો અને સંભાળવા વાળો રાવજી બાજી સુધારવા આવેલો એટલે તો તેને સાંભળવું રહ્યું.
“ભાભી, તમારું ઘર હાવ કાગડાના માળા જેવું થઇ ગયું છે, મારો ભાઈબંધ પણ નખાઈ ગયો ને તમે અહી ભેહું ને લીલો ચારો ધરવો છો “
“આ મૂંગું જનાવર મરે તંઈ લગી તમારો વિશવા નો તોડે હમજ્યા.” શાંતા એ ડહાપણ ડહોળ્યું
“પણ ભાભી, હું હમજ્યા વગર આ જનાવરને એક લાકડી મારું તો, વિના કારણે મૂંગું જનાવર સુ બોલવાનું ?”
“તો તમારો ભાઈબંધ બહુ મોટો શાવકાર છે તો એના મોઢામાં શું તે’દી મગ ભર્યા તા…. હાસુ હતું તે સાંભળી ર્યા.”
“તમે એને ક્યાં મોકો આપ્યો તે બોલે, ઘરે આવ્યો ત્યાતો તમે અહી આવી ગ્યા’તા.”
“તે આવી જ જાય ને, પેલી રાંડને ઘરમાં ઘાલી એકે એટલે જ હું આવતી રય, દેખવું નહિ ને દાજવું નહીં.”
“પણ તે તમારો પરણેતર છે…”
“તે હું નથી તેની પરણેતર.”
“ભાભી, ગામ આખું વાતો કરે છે, કાલે આખા પંથકમાં ખબર પડશે, તમારી વગરનું એનું ઘર હવ સુનું થઇ ગ્યું સે !”
“તો હવે એને કે’જો ઓલી ને લઇ આવે !” શાંતાના કડવા છણકા રવજી ગળી ગયો
“આવું ન હોય ભાભી, તમે’ય શું કાલા કાઢો છો ?”
“કાલા તો તમારા ભાઈબંધ કાઢે છે, છતી બાયડીએ બીજીને પડખામાં લઇ લે તે થોડું હાલવાનું !”
“એવો તમને ખાલી વ્હેમ છે ભાભી, મારો ભાઈબંધ ખરેખર એવો નથ્ય ..” રવજીએ ભાઈબંધનું ઉપરાણું લીધું
“વરને વખાણે વરની મા, પછી ભલે તે કાણો હોય…”
“હવે તમને કેમ હમજાવવા….”
“તો રે’વા દ્યોને પાણીમાં કુંડાળા કરવા ” શાંતા એ અજાણતા દેવ જેવા રવજીના ભાઈબંધને કારમા શબ્દો સંભળાવી દીધા
“ભાભી, ખાલી ઘડીક મારી વાત નિરાંત જીવે સાંભળો તો તમારી શંકાનું સમાધાન કરી દઉં “
“શંકા શેની આખું ગામ કહે તે ખોટું અને તમી કો એ હાસુ એમ ?”
“જવો ભાભી, તમે આમ મને ફૂંફાડે રાખશો તો વાત કેમ કરીશ”
“તમે તમારા ભૈબંધનું ઉપરાણું લઇ ને આવ્યા એટલે મને કડવા વખ જેવા લાગો સો ….”
“અટલે તો પાણીનુંય ક્યાં પૂશ્યું તમે, બેહવાનું તો હવે વિશારવાનું જ નહિ ને” કહી ને તે હંસી પડ્યો અને શાંતાને પણ ખોટી જગ્યાએ દાઝ કાઢયાનું ભાન થયું
“અરેરે, ભોળા જીવ જેવા તમને હું ઉભા વાઢવા લાગી પણ શું કરું, કાયમ તેની શિન્તા તો થાય અને પાસું તે ઇયાદ આવતા જીવ ખાટો થઇ જાય સે !” અને તે પાણિયારેથી પાણીનો લોટો અને નાની ખાટલી ઢસડી આવી, રવજી એ પાણી પીધું અને ખાટલી પર બેસતા કહ્યું, “ભાભી મારા એકના એક દીકરાના સમ ખાઈને જે હકીકત છે તે તમને કવ છવ …..” શાંતા ને વિશ્વાસ બેઠો એવું લગતા તે સામે પડેલું શણિયું પાથરી નિરાંતે બેઠી.
“રમજુ મૂળ મારા ગામની, તેનો બાપ નાનજી નાનકડો ખેડું, ચાર ચાર દીકરીઓ અને એક પણ દીકરો નહિ ને અધૂરામાં પૂરું તે છેલ્લી દીકરીને ધાવણી મૂકી ને તેની ઘરવાળી લાંબા ગામતરે ગઈ છતાં તે એકલે હાથે આ ચાર ચાર દીકરીયું ને હથેળીમાં સાચવે. દીકરીયું પણ બાપને મદદ કરવા ખેતરમાં કાળી મજુરી કરે અને બે વીઘામાં પણ શાંતિથી ખવાય એવું પકાવી લે. રમજુ મોટી એટલે તેને પરણાવવા માટે નાનજી ઉપરતળે થયો પણ ક્યાય મેળના પડે કારણ એક જ ‘અહી ફદીયા ના વાંધા અને લોક લાખ માંગે !!!!’ અને આખરે બીજી દીકરીઓની વધતી ઉમર ને ધ્યાન માં લઇ ને તેને તમારા ગામના મુખીના વાંઢા દીકરા સોમા હાર્યે પરણાવી, ઉંમરમાં તો કવડ્યો સાંધો માર્યો, અઢારની રમજુ અને બેતાળીનો સોમો.
તમારા ગામે જયારે રમજુને નિહાળી ત્યારે જુવાનીયા જ નૈ પણ ઘૈડાય નેજવા મૂકી લાળું પાડવા માંડ્યા તા, એક તમારો આ લખમણ જતી જેવો વિક્રમ એમાં નો’તો, ગામ આખામાં રમજુ પોતાના દુઃખ વહેંચતી ફરતી એને માળા ઘણા કાછડીછુટા હૂઈ હમજી લેતા અને જયારે થોડાક આગળ વધતા ત્યારે રમજુની આંખ નો ડોળો એવો ફરતો કે ઈવડો એ કાછડી સરખી કરતો પરોઠા પગલા ભરતો અને ઘેર પણ અઠવાડિયા લગી ઘરવાળીની બાજુ માં ના ફરકતો.”
“હું નો માનું.” શાંતા થોડી વહેમાઈ “ગામ કઈ ગાંડુ સે ?”
“એમ તો જો તમે ગામની વાત પર વિશવા મુકતા હોય તો આજ ઇ જ ગામ હું વાતું કરે છે ખબર્ય સે ?” શાંતા પ્રશ્નાર્થ દ્રષ્ટિ થી રવજી સામે તાકી રહી
“કે સે કે રામ જેવા ધણી ને કાસા કાનની ધણીયાણી હમ્ભાળી નો હકી, ને ડોશીયું તો કે છે કે બાપ ને ઘેર અભરે ભર્યા એટલે બાનું ગોતી વઈ ગ્યી, હવે ઓલો આડું અવળું નૈ કરતો હોય તોય કરશે.”
“હાસું કો સો રવજીભાઈ ?” શાંતા ઢીલી થઇ ગઈ
“મેં મારા દીકરાના સમ ખાધા સે ….”
“પણ મારા કાને મેં હામ્ભળેલું ઈ નું હું ?”
“પૂરી વાત તે’દીય નોતી હામ્ભળી અને આજેય ક્યાં હામ્ભળો સો.” રવજી હસ્યો “અને એટલે જ આ આખી રામાયણ થઇ ભાભી.”
“હવે પૂરી વાત કરો, હું વશમાં નહિ બોલું બસ “
“રમજુ ને આખું ગામ એક નજરે જોતું તું, ન મળે એટલે દરાખ ખાટી એમ તે ગામની નજરે છિનાળ બની પણ હજી સુધી એક માઈના લાલે તેને આંગળી નથી અડાડી અને એમાં એનો ધણી સોમો પણ આવી જાય !”
“હું વાત કરો સો રવજીભાઈ”
“કોઈ ના ઘરની ઢાંકેલી આબરૂ હું ઉઘાડી કરી રહ્યો છું પણ શું કરું ભાઈબંધનું ઘર ના વિખાય એટલે નાસુટકે બોલવું પડે સે, પણ ભાભી મને વસન દ્યો કે આ વાત તમે કોઈને નૈ ક્યો.”
“હું વસન દઉં સુ પણ આમાં તો હું વધારે વહેમું સું, ઘર્યે પીપળો હોય તો તે ગામના વડલા પૂંજવા નીકળી પડી એમાં મારો ધણી તો નહિ હોય ને ?”
“ભાભી, તમે હજી પૂરી કરવા નથી દેતા, રમજુ ને હું બૌ ગમતો પણ અમારું કુળ અને જાત નોખા એટલે એક ના થઇ હક્યા પણ હજી તે મને સંભારી રવજી ને લવી લે છે.” આ નવી વાત સાંભળી ને શાંતા ટાઢી હિમ થઇ ગઈ.
“ભાભી, સોમો ટીબીમાં સપડાયો છે અને તમારા ગામમાં જો ખબર પડે તો તેની વાડીયે આવતા લોકો બંધ થઇ જાય, તમને ખબર્ય છે ને, પેલા તમારા ગામના દેવાભાઈ મોશીને ટીબી થ્યો ત્યારે આખું ગામ જોડા અને ચંપલ શીવડાવવા બાજુના ગામે જવા માંડ્યું ત્યારે આખું કુટુંબ ભૂખે મરેલું અને ગામને લાગ્યું કે બધાને ટીબી થ્યો એટલે મરી ગ્યા, આ બીકે રમજુ હતી. એને લાગ્યું કે ગામમાં ખબર પડી જાહે તો અમારું પાકેલું અનાજ કોઈ નૈ લે અને ઈ વાત તે વિક્રમ ને ધીમે સાદે કરતી હતી ત્યારે તમે ત્યાં પૂગી ગ્યા ને વહેમાઈ ને ધબડકો કરી નાખ્યો.” રવજી એ વાત પૂરી કરી ત્યારે શાંતા ને સમજાયું વિક્રમ નું બોલાયેલું પેલું વાક્ય “…… તો તો હવે બહુ ધ્યાન રાખવું પડશે !”
– મિતુલ ઠાકર
અક્ષરનાદ પર મિતુલભાઈની આ પ્રથમ રચના છે, ગ્રામ્યસમાજની સામાન્ય સમજનું, ઘટનાઓ અને પ્રસંગોનું અહીં સરળ આલેખન થયું છે. એક નાનકડી ગેરસમજ લગ્નજીવનમાં કેવા ઝંઝાવાત સર્જી શકે તેનું પ્રસ્તુત કૃતિ સુંદર ઉદાહરણ છે. ગ્રામ્યભાષા અને લહેકાને સમાવવાનો મિતુલભાઈનો પ્રયત્ન સરસ છે. આ કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ મિતુલભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.
બિલિપત્ર
આપણા સંબંધના ઈતિહાસનો આ સાર છે,
પાણીની સમજણ નથી ને વહાણનો આકાર છે.
– ચિનુ મોદી
મજા પડી ગઈ વાર્તા વાંચવાની………..ખૂબ સરસ વાર્તા.
BHAI BHAI—— AANE KEVAY HACHI LAGHUKATHA
like it, misunderstanding can harm anything that story is representing.Good story.
સુણ્દર, અતિસુંદર. વાર્તાનો મુદો અને નાના ગામની લાક્ષણિક્તા ખૂબ જ આબેહુબ વર્ણવી છે. વાર્તાનું લઢણ પણ એક સરખા પ્રવાહમાં રહ્યું. વાંચવાનો ખૂબ આનંદ આવ્યો. ગામઠી ભાષાનો પ્રભાવ અને પકડ પણ સારી રહી.
ચન્દ્રકાન્ત લોઢ્વિયા.
થેન્ક્સ, રિડર બિરાદરો, ખાસ ધન્યવાદ શ્રી જિગ્નેશભાઇને, આ વાર્તા ને યોગ્ય ગણવા બદલ ….
Pingback: મિતુલ ઠાકર | મારા જીવનનો પ્રથમ માઇલ સ્ટોન બન્યું “અક્ષરનાદ”
બહુ સરસ રજુઆત. પહેલી રચનામા જ છવાઇ ગયા. અભિનદન.
Very nice
ખુબજ સરસ .. વાર્તા બહુ ગમેી, અભિનન્દન્.
First story and such a strong command .narration. in grmya language reminds pannalal patel
સુંદર વાર્તા છે. રવજીને પણ દાદ દેવી ઘટે. મિત્ર હોતો આવા……
ખુબ જ સરસ વાર્તા.ૂ બહુ ગમી, અભીનન્દન્.
Wow, Mitul Bhai, your command on language is superb.In fact I did learn something out of it.
Great writing indeed.