પાંચ સુંદર ગઝલો.. – રાકેશ હાંસલિયા 7


૧.

બસ, હવે મારે કંઈ કહેવું નથી,
આ નગરમાં એક ક્ષણ રહેવું નથી.

કોણ સમજાવે હ્રદયને હર વખત?
આ જગત ધારે છે તું એવું નથી.

આવીને ખાબોચિયાની વાતમાં,
લ્યો, ઝરણ બોલ્યું હવે વહેવું નથી.

હાથ ઝાલ્યો છે ઘણાંયે રાહમાં,
કેમ કહું માથા ઉપર દેવુ નથી.

માણવી છે મ્હેકની લીલા જરા,
ફૂલ પાસેથી કશું લેવું નથી

ધૂળ, પગલાં ને પવન છે સાથમાં,
એકલું છું માર્ગમાં એવું નથી.

બે ઘડી બેસી જવાયું આખરે,
જો કે અહીંયાં બેસવા જેવું નથી.

૨.

ભીંત પાડે છે રાડ જોઈ લે,
આ વકરતી તિરાડ જોઈ લે.

ચોતરફ આ ઉઘાડ જોઈ લે,
નભના ખુલ્લાં કમાડ જોઈ લે.

છાંયડો શોધવા ક્યાં ભટકે છે?
તારી ભીતર છે ઝાડ જોઈ લે.

કેવી બેઠી છે વાડના ખભ્ભે,
બાળ વેલીના લાડ જોઈ લે.

નિત કરે છે અસીમનું અપમાન,
તેં બનાવેલ વાડ જોઈ લે.

આ જગતનું નિદાન રે’વા દે,
તું પ્રથમ તારી નાડ જોઈ લે.

સાવ સોપો પડી ગયો ‘રાકેશ’
મૃત્યુએ પાડી ધાડ જોઈ લે.

૩.

આમ અંધારું થયું સારું થયું,
મન મહીં ઘેરું સ્મરણ તારું થયું.

કેટલાં વર્ષો મથ્યા ને ના થયું,
ને થયું તો સાવ પરબારું થયું.

એના ઘરની ખુલ્લી બારી બંધ થઈ,
આખીયે શેરીમાં અંધારું થયું.

એ બહાને બે-ઘડી ઊભવા મળ્યું,
ઠેસ લાગી આમ તો સારું થયું.

પ્રેમથી ક્યાં એ નિહાળે છે હવે,
દ્રષ્ટિનો ઉપકાર ગ્યો, સારું થયું

૪.

વૃક્ષ સંતોની યાદ આપે છે,
છાંયડાનો પ્રસાદ આપે છે.

નિત તને ઘર સુધી પહોંચાડે,
માર્ગને ધન્યવાદ આપે છે.

આ સભાને ભલા થયું છે શું?
કેમ ખૂણો જ દાદ આપે છે?

શબ્દનો ખપ પડે પછી ક્યાંથી?
એ નિરાકાર સાદ આપે છે!

આ ભૂમિનો પ્રતાપ તો જુઓ,
રોજ કોઈ વિવાદ આપે છે.

મારી સામે કશુંય ના રાખો,
આજ સઘળું વિષાદ આપે છે.

થડની કેવી બખોલ છે ‘રાકેશ’
માના ખોળાની યાદ આપે છે.

૫.

જાતરા બ્રહ્માંડની કરતી રહી,
ચેતના ચોમેર વિસ્તરતી રહી.

ના ભરાયો લોટથી ડબ્બો કદી,
એક ડોશી આજીવન દળતી રહી.

ઢીંગલીઓ પણ અહીં કેવી મળે,
માં વિના પણ બાળકી રમતી રહી.

આભની ચાદર બચી’તી ઓઢવા,
ને ગજબની ટાઢ પણ પડતી રહી.

જેમ ભીંજાતું ગયું બાળોતિયું,
હૂંફની એમ જ અસર વધતી રહી.

નીરખે આકાશને કોઈ ફકીર,
આજ આંખો એમ નીરખતી રહી.

વાદળી વરસ્યા વિના ચાલી ગઈ,
સૌને એની યાદ ભીંજવતી રહી.

– રાકેશ હાંસલિયા

બિલિપત્ર

કવિતાઓ
તમે હવે જાગો
મારામાંથી જ ઉઠીને કશુંક
એવું મને વાગો
કે જેથી નીકળી શકાય બહાર
આ શાપિત ક્ષણોના સકંજામાંથી..
– પ્રફુલ્લ પંડ્યા

રાકેશભાઈની ગઝલો માણવાનો અને પ્રસ્તુત કરવાનો એક અનોખો આનંદ હોય છે. ગઝલમાં સત્વ અને તત્વને સમાવતા હોવા છતાં ચુસ્ત છંદબંધારણ અને સુંદર વિષયાનુભૂતિ સહિતની કૃતિઓ તેમની વિશેષતા રહી છે. અક્ષરનાદનું સદભાગ્ય છે કે આવા રચનાકારો અક્ષરનાદને તેમની કૃતિઓ પ્રસ્તુત કરવાનું ગૌરવ આપે છે, રાકેશભાઈની પાંચ ગઝલ આજે પ્રસ્તુત કરી છે. વૃક્ષના છાંયડારૂપી પ્રસાદની વાત હોય કે શબ્દનો નિરાકાર સાદ હોય, આજીવન દળતી ડોશીની વાત હોય કે ઘેરા થતાં સ્મરણની વાત હોય, દરેકે દરેક ભાવને, દરેક લાગણીને શબ્દોમાં મઢીને મૂકાઈ છે. રચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ રાકેશભાઈનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “પાંચ સુંદર ગઝલો.. – રાકેશ હાંસલિયા