બે ગઝલો.. – ગની દહીંવાલા 3


૧. કાશ્મીરમાં અમે…

જ્યાં બરફમાં ઓગળ્યા, વાદળમાં બંધાયા અમે,
એ હતો કુદરતનો ખોળો ને હતા જાયા અમે.

શૃંગથી સરક્યા અને ખીણોમાં ખોવાયા અમે,
મુગ્ધતાના છે કસમ, અમને ન દેખાયા અમે.

વાયરે વાતો કરી ને વૃક્ષ હા ભણતાં રહ્યાં,
અમને લાગ્યું સૂક્ષ્મ આ ચર્ચામાં ચર્ચાયા અમે.

કોઈ ઉત્કટ લાગણીનો એમ ફુંકાયો પવન,
પાસ બેસી દૂરના ઝરણામાં ભીંજાયા અમે.

શાંત સરવરનીર નૌકાને રહ્યાં પંપાળતા
એમાં હૈયાને હલેસે ખૂબ રેલાયાં અમે.

વાદળાંરૂપી રજાઈ ઓઢતા રવિરાજ જ્યાં,
ચાંદનીનાં ચીર ઓઢી ગીત ત્યાં ગાયા અમે.

મોગલાઈ બાગ, જ્યાં ધારા ભૂગર્ભેથી વહે,
કુદરતી જાજમ ઉપર ઢાળી દીધી કાયા અમે.

વ્હેણ જેલમનું નિહાળ્યું ‘દલ’ની દીઠી સ્થિરતા,
એક ખોળેથી બીજા ખોળામાં મેલાયા અમે.

દીનદ્વારે લાલિમા દીઠી શિશુના ગાલ પર;
ક્ષીણ જીવતરની મથામણ જોઈ મૂંઝાયા અમે.

દ્રષ્ટિએ આંખોમાં સુંદરતા ભરી દીધી, ‘ગની’,
ઘેનમાં તૃપ્તિની, પાંપણ જેમ બીડાયા અમે.

૨. ધૂળની સપાટીથી…

ઉતારી મેલે આ જગત ધૂળની સપાટીથી;
એ પહેલાં પ્રેમ કરી લ્યો કબરની માટીથી.

લખાણરૂપે જો પ્રત્યક્ષ થઈ શક્યા ન અમે;
ઉપાડી લેવા હતા કો પરોક્ષ પાટીથી.

તરસના શ્વાસ જો ધીમા પડ્યા, તો પદવા દો!
કે હોઠ ત્રાસી ગયા છે આ ઘરઘરાટીથી.

ખુદા! ક્ષુધા હતી આદમની ઘઉંના દાણા શી;
અમે શિયાળ-શું મન વાળ્યું દ્રાક્ષ ખાટીથી.

નિરાંતે હાથ હયાતીની છાતીએ મેલ્યો;
ત્વચાનું પૂછ માં, દાઝી ગયા રુંવાટીથી.

ન ભય બતાવ કયામતનો, મારા ઉપદેશક;
તને નવાજું હું જીવતરની હડબડાટીથી.

પરાણે જીવવું એ પણ છે એક બીમારી,
ઉપાય દમનો ન કરશો તબીબ, દાટીથી.

‘ગની’ આ ગૂંચને જીવતરની પ્રક્રિયા જ ગણો;
દિવસ કપાય તો રાત ઉભરાય આંટીથી.

– ગની દહીંવાલા

૧૯૦૮માં સૂરતમાં જન્મેલ અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા, ‘ગની’ દહીંવાલા ગઝલ કવિ. ૧૯૨૮માં અમદાવાદમાં અને પછી ૧૯૩૦થી સુરત જઈ દરજીની દુકાન ચલાવી. સુરતમાં ‘સ્વરસંગમ’ નામના સંગીતમંડળની સ્થાપના કરી તથા ૧૯૪૨માં મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય થયા. ‘ગાતાં ઝરણાં’, ‘મહેક’, ‘મધુરપ’ અને ‘ગનીમત’ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે. પ્રસ્તુત બે ગઝલો જયન્ત પાઠક દ્વારા સંપાદિત અને લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘કાવ્યકોડિયાં’ માંથી સાભાર લેવામાં આવી છે.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “બે ગઝલો.. – ગની દહીંવાલા

  • Maheshchandra Naik (Canada)

    ગઝલકાર શ્રી ગનીભઈ દહીંવાલા અમારા સુરતના શાયર અને ગોપીપુરામા રોજ એમને જોયાનુ ફરી ગઝલ વાચતા સ્મરણ થઈ ગયુ, આપનો આભાર, જનાબ ગનીભાઈને હ્ર્દયપુર્વક્ની શ્ર્ધ્ધાંજલી અને સલામ……….