મારા વ્યંગ કસરતના પ્રયોગો… – રમેશભાઈ ચાંપાનેરી 8


મને તો એ જ સમજાતુ નથી કે કોઈનું પેટ પેટારા જેવું હોય તો એ એનો પ્રશ્ન છે. એની પોતાની એ આપ કમાઈ છે, એનું પેટ એ ઊંચકે છે. ઊંચકવા માટે એમણે ક્યારેય કુલી તરીકે કોઈનો ઉપયોગ કર્યો નથી છતાં લોકો બીજાના પેટ-કબજામાં પ્રવેશ કરવા પોતાનું માથું શું કામ મારતા હશે? એનું પેટ એ એની માલિકી છે, એની સમૃદ્ધિ છે જે એનું પોતાનું ઓળખ કાર્ડ છે. આપણું શરીર તો પહેલેથી જ ખેંખણી છે. તેના માટે કોઈની સમૃદ્ધિ ઉપર શું કામ મેલી નજર નાંખવી જોઈએ? એ તો સારું છે કે ઇન્કમટેક્સવાળા સંત કવિ નરસિંહ મહેતાની કવિતા ભણેલા છે કે, “સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી..” એટલે એમની બુરી નજર લાગતી નથી. નહીંતર આવા ‘પેટનરેશો’ એ પણ પેટની ડુંટી ઉપર લાલ લાઈટ મૂકીને, માટલાના અડધા ભાગ જેવા પેટ ઉપર એવું બોર્ડ લગાવવું પડત કે, “બુરી નજરવાલે તેરા મુંહ કાલા…” જે લોકોને કોઈના પેટ ઉપર પાટું મારવાની આદત પડી છે એમને આ સમાજે વૃદ્ધાવસ્થા સુધી ટીવીની ‘સંસ્કાર’ ચેનલ જોવાની સજા કરવી જોઈએ.

આવા પેટને કારણે તો આપણો ગુજરાતી જ્યાં પણ ગયો ત્યાં સદાકાળ ગુજરાત બનીને મહેક્યો છે. એણે ક્યારેય એવી રાડ પાડી નથી કે ‘યે પાપી પેટકા સવાલ હૈ..’ ભલે ભારતને કોઈ ગરીબ કહેતું હોય, પણ ભારત એના પેટથી તો સમૃદ્ધ છે. અને તેથી જ ઉચ્ચ આસને બેઠેલા આપણા કેટલાયે નરેશોએ આ માટે તો એમના પેટ ભવ્ય રાખ્યા છે.

આમ જુઓ તો આ પણ એક દેશ સેવાનો જ પ્રકાર છે. જેમ ‘મોટા મનના માનવી’ ની આપણે ઈજ્જત કરીએ છીએ તેમજ આપણે આ ‘મોટા પેટના માનવી’ ની પણ કરવી જોઈએ. એટલું જ નહીં, સૌથી મોટા પેટવાળાને આપણે ખિતાબ પણ આપવો જોઈએ. કોઇપણ સમારંભમાં એમની એન્ટ્રી જ એટલી ભવ્ય હોય કે બીજા મહેમાન તો એમની આગળ લલ્લુ-પંજુ જ લાગે. શ્વાસ લેતી વખતે શર્ટના બે-ત્રણ બટન જાણે ફાંસો ખાતાં હોય એમ ફાટ-ફાટ થતાં હોય, પેટ ધમણની જેમ અપ-ડાઉન કરતુ હોય એ એની આભા છે. એક જ કાળજી રાખવી, આવા ભારે પેટવાળાની અડફેટમાં બહુ આવવું નહીં અને એમના માટે કોઈ જાતની શંકા પણ કરવી નહીં, કારણ આ લોકોના પેટ જોઇને ખુદ ડોકટરો પણ થાપ ખાઈ ગયેલા છે.

આવા ભારે પેટવાળા એક ભાઈના ઘરે ચોર ઘૂસી ગયો. ચોરે આ ભાઈની સાઈઝ નહોતી જોઈ, માત્ર નેઈમપ્લેટ જ વાંચેલી પણ એનું પેટ જોયા પછી જાણે ગોવર્ધન પર્વતની તળેટીમાં ચોરી કરવા આવ્યો હોય એવું એને ફીલ થયું. ચોરને એમ કે પેટ ધમણની જેમ સૂસવાટા લે છે એટલે શેઠ સૂતેલા છે. હકીકતમાં આ મહાશય સૂતાં સૂતાં પણ શીરો ચાવતા હતાં.. અને થયું એવું કે ચોર પકડાઈ ગયો. પછી તો, ‘બેઉ બળિયા બાથે વળગ્યા..’ અને થયું આક્રમણ. ભારે પેટવાળાએ ચોરને એવો દબોચી લીધો કે ચોરે સામે ચાલીને એક લાખની ડીલ કરી ત્યારે છૂટ્યો. જાણે શેઠની બાહુપાશમાંથી છૂટવાને બદલે પાસા માંથી છૂટ્યો હોય એવું એને લાગ્યું. આ બનાવ બન્યા પછી આ ભારે પેટવાળા મહાશયની સોસાયટીમાં આજે પણ પેટ વધારવાના જ પ્રયોગો ચાલે છે.

ઘણાં લોકો કહે છે કે જે લોકો મહેનત મજૂરી કરતાં નથી એ લોકોને જ આ પેટની ભેટ મળે છે પણ આ વાત સો ટકા સાચી નથી. મહેનત કરે જ છે, પણ ખાવા માટે. અને એટલે જ ફીક્સ ભાવથી ભાણા પીરસતી હોટલવાળાની આંખમાં આવા ભારે પેટવાળા કણાની જેમ ખૂંચતા હોય. છતાં હોટલવાળા ઉદાર હોય છે. એક હોટલવાળાએ તો રીતસરનું બોર્ડ મૂકેલું, ‘શરમાવ નહીં, ભૂખ લાગી છે તો અંદર આવી જાવ. ભૂખે મારવાની કોઈ જરૂર નથી. જો તમે અંદર નહીં આવો તો આપણે બંને ભૂખે મરીશું.

હમણાં મારે ચમનચક્કી સાથે એક લગ્ન સમારંભમાં જમવા જવાનું થયું. ભોજન સમારંભનો સમય સાંજે છ થી નવનો હતો. એટલે ચમન…… પૂરા ત્રણ કલાક સુધી જમ્યો. મને કહે સમય એટલે સમય. જે સમયને સાચવે એને સમય સાચવે.

આ લોકોના શરીરમાં ‘ડાયાબીટીસ’ મુખ્ય મહેમાન હોય જે છેવટ સુધી સાથ આપે. પડછાયો શરીર છોડે પણ ‘ડાયાબીટીસ’ ન છોડે. આજે વિશ્વમાં ભારત ડાયાબીટીસની રાજધાની છે, એ એમને આભારી છે. આજે દર આંઠ માણસે, એકને ડાયાબીટીસ છે, એમાં ચમનીયો ચોથા ક્રમે આવે. જાણે સ્વયં સુગર ફેક્ટરીનો માલિક હોય એમ એ જ્યાં બેસે ત્યાં માણસ કરતાં કીડા-મંકોડા વહેલા આવે. આપણે કહીએ કે આ ડાયાબીટીસ બહુ સારો નહીં, થોડી મહેનત મજૂરી કરો. મને કહે, ‘ગાંડો થઇ ગયો છે તું? ડાયાબીટીશ તો રાજરોગ કહેવાય. ગધેડાઓ કેટકેટલી મહેનત-મજૂરી કરે છે. જો આ દુનિયામાં મહેનત મજૂરીની કદર હોત, તો ગધેડો કેટલો ઈજજતદાર હોત.’ એમણે બીજી ફીલસૂફી એ જણાવી કે ‘જો સવારે વહેલા ઉઠવાથી શરીર સારું રહેતું હોય તો દૂધવાળા અને છાપું નાખવાવાળા કેટલા તંદુરસ્ત હોત! તમે કહો છો કે ખાવામાં કાળજી રાખો, પણ શરીર હશે તો આત્મા ટકશે. સિમકાર્ડ ગમે એટલો પાવરફુલ હોય, પણ મોબાઈલના ડબલામાં જો દમ ન હોય, તો સિમકાર્ડનું પણ સૂરસૂરીયું થઈ જાય.

એની આ કથા સાંભળીને મને તાવ આવી ગયો. એ ચ્યવનપ્રાશને મારે કેમ સમજાવવું કે માત્ર ખાવાથી તંદુરસ્તી બંધાતી નથી. આ માટે તો બીજા બધા દાવપેચ છોડીને કસરતના દાવપેચ પણ કરવા પડે. આત્માને પાવરફુલ બનાવવા માળા જપવી પડે. તો શરીરને મજબૂત કરવા માટે ઘરના માળા ચાલીસ વખત ચઢ-ઉતર કરવા પડે. કહેવાય છે ને કે, ‘જે ચાલીસ મિનીટ સુધી ચાલતો નથી, એ આ દુનિયામાં ઝાઝું ચાલી શકતો નથી.’ પણ આપણે ભૂંડા એવા કે, ચાલવા કરતાં તો ચાલ રમવામાં જ વધારે માહિર.

પણ જેમ આંગણામાં રોજ ચોખાના દાણા નાંખવાથી એક દિવસ ચકલાઓ આવવાના જ છે, એમ રામ જાણે ચમન ચક્કીએ કઈ ટીવી સિરિયલ જોઈ કે સીધો કસરત કરવાના રવાડે ચઢી ગયો. પણ અંગ કસરતના પ્રયોગ કરવાને બદલે, વ્યંગ કસરતના પ્રયોગ કરતો હોય એમ એક દિવસ એ જાહેરમાં લૂંગી પહેરીને શિર્ષાસન કરવા બેઠો. એમાં કોઈકે એના કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વિના ચાર દાંત તોડી આપ્યા. પડોશવાળા કંઈ છોડે? પણ ખરો ભોગવટો તો એને બીજાની કસરત જોવામાં આવ્યો. થયેલું એવું કે, એ એની બારી આગળ ઉભો રહીને એ દાઢી બનાવતો હતો. અને સામેની બારીએ એક બહેન હાથ હલાવતી હતી. એને એમ કે, પેલીને રોમાન્સનો ઉભરો આવ્યો છે, તો ચાલ મળતો આવું. એટલે મજનુનો અવતાર બની એના ઘરે પહોંચી ગયો. અને ત્યાં જઈ ‘આ જા આ જા… મેં હું પ્યાર તેરા’ ની સ્ટાઈલ જેવી મારી કે પેલીના બાપાએ એને મારી મારીને તોડી નાંખ્યો. બિચારો પડતાં પડતાં પણ એક જ વાક્ય બોલતો “એમાં મારો શું વાંક ?” પછી એને ખબર પડી કે પેલી એને હાથ હલાવીને બોલાવતી ન હતી, પણ આંગળાની કસરત કરતી હતી!

કસર અને કસરતના ભેદ એને તે દિવસે સમજાયા. પણ પગલું ભર્યું તો ન હટવું…… ન હટવું ની માફક એણે કસરતના ઉધામા તો ચાલુ જ રાખ્યા. ભગવાન શ્રી રામ કરતાં રામદેવજીના પંથે એ ધીરે ધીરે આગળ વધવા લાગ્યો. પણ રામ જાણે રામદેવબાબાના આર્શીવાદ નહીં ફળ્યા કે શું, કસરત કરતાં કરતાં એક દિવસ ઉંધે માથે પટકાયો. એમાં એના ગળામાં કૂતરાની માફક જાડો પટ્ટો આવી ગયો. આજુબાજુની સાઈડ બિલકુલ જોવા જેવી ન હોય, એમ ઘોડાની જેમ સામું ને સામું જ લુક-આઉટ કરતો થઇ ગયો. અને છ મહીનાનો ખાટલો મળતાં અનુલોમ – વિલોમ કરવાનો બહોળો સમય પામ્યો તે બોનસ….

માંડ-માંડ શિર્ષાસન શીખ્યો. કોઈકે પૂછ્યું, “ચમનીયા…. શિર્ષાસન કરવામાં કંઈ ફાયદો થયો ખરો?” તો કહે, “હા….. ગઈ કાલે જ થયો. બામની બાટલી મળતી ના હતી, તે કબાટ નીચેથી મળી ગઈ!

– રમેશભાઈ ચંપાનેરી ‘રસમંજન’

અક્ષરનાદ પર આ પહેલા પણ હળવા હાસ્યલેખ પ્રસ્તુત કરીને તથા રોજીંદી ઘટનાઓ અને પ્રસંગોમાંથી નીપજતું સહજ હાસ્ય પ્રગટ કરીને શ્રી રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’ વાચકોને મરકાવવામાં સફળ રહ્યા છે. આજે તેઓ બીમારી તથા તેને ટાળવા માટેની કસરતને લીધે થતા વ્યંગની વાત લઈને આવ્યા છે. પેટ ઘટાડવા માટે હોય, ડાયાબિટીસ નિવારવા માટે કે ફક્ત શોખ ખાતર હોય, કસરતના આવા પ્રયોગોની અનેક શક્યતાઓને તેઓ અહીં ચકાસે છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ રમેશભાઈનો આભાર તથા અનેક શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “મારા વ્યંગ કસરતના પ્રયોગો… – રમેશભાઈ ચાંપાનેરી