૧)
ને…
હું નાની હતી ત્યારે,
કંઇ સમજાતુ નહી,
મમ્મી મને વહાલી લાગતી
ને પપ્પા થોડા જબરા,
મમ્મી મને વ્હાલ કરે
પણ પપ્પા થોડા અઘરા,
એક દિવસ મમ્મી મને ન દેખાઈ ઘરમાં,
ત્યારે પપ્પાને જોયા પહેલીવાર રડતા,
હું મોટી થઇ પછી સમજાયું
મમ્મી ‘કોઇ’ સાથે ભાગી ગયેલી,
ત્યારે પપ્પા મને પહેલીવાર ‘મારા’ લાગ્યા.
૨)
ને…
જેમણે સામેથી અમને
કદી જ બોલાવ્યા નથી
તેઓ આજ અમને જોઇને
દોડ્યા ચાલ્યા આવે છે,
ટીકીટબારી પર લાઇન બહુ મોટી છે ને !
૩)
ને…
રોજ દિવસ ઢળે પછી
સૂરજ નીકળે છે
રાતરાણીની તલાશમાં,
પણ
ચન્દ્રની ચાંદનીમાં લીન
રાતરાણીને
એની ક્યાં પરવા છે !
૪)
ને…
બંધ બે બારણા વચ્ચે
પીસાતી રહી વેદના,
એક છત નીચે રહેતા
બે માનવી વચ્ચે
‘તન’થી સમાધાન થઇ જતું,
પણ ‘મન’ તો નારાજ જ રહેતા.
૫)
ને…
બાળક સામે જોયા કરતી
એ ભિખારણ
બીજાને મન તો
સાવ ગાંડી હતી,
પણ
તેના મનમાં આજ ખરેખર ગાંડપણ ઉમટ્યુ હતુ,
‘મમતાનુ’
૬)
ને…
આજે લાશ તેની રઝળી રહી હતી રસ્તા પર,
એ જ રીતે ,
જેમ તે આખી જીંદગી રઝળતો રહ્યો રસ્તા પર.
૭)
ને…
દરરોજ
કામ કરતાં,
સ્કૂલ સામે જોતાં
તે થંભી જતો બે ઘડી..
નાનકડા હાથમાં પકડેલી ચા ના કપમાં
આંસુના બે બુંદ ટપકી પડતા..
ગરમાગરમ નિઃસાસા સાથે !
૮)
ને…
રડ્યા પછી વધેલા આંસુઓનો ડૂચો વાળી
મેં નાખી દીધા કચરાપેટીમાં,
સાંજ પડ્યે જોયુ તો કચરાપેટીમાં પણ ‘મીઠું’
પાકી ગયેલુ.
૯)
ને…
આખી જીંદગી
બીજાથી ડરતો – સહેમાતો રહેલો
એક માણસ
આજે પોતાના વિરોધીઓની સામે
જંગે ચડ્યો છે,
પણ
કાટ ખાઇ ગયેલા દાંત
હવે શા કામના ?
૧૦)
ને..
એક ગરીબના ઘરમાં મે જોયા,
ભરેલા દારૂના બે ગ્લાસ
ને ખાલી પડેલા વાસણો,
સળગતુ ટીવી
ને ઓલવાઈ ગયેલો ચૂલો,
ડઝનબંધ છોકરાંવ
ને ફાટેલા કપડાં,
જુગારી પુરુષ
ને ભૂખથી ટળવળતી સ્ત્રી,
હસતી કમનસીબી
ને રડતી ગરીબ આશાઓ !
૧૧)
ને..
જિંદગીભર પથારીએ પડેલા
એ દર્દી યાચકો
હવે મોતને પણ
ઈશ્વરની બક્ષિસ ગણાવે છે.
૧૨)
ને…
શરમ આવે છે દુનિયાને
લાગણીઓ સંગ જીવતા,
દિલ ખુલ્લા રાખીને જીવી નથી શક્તા,
એટલે જ હાથ ખુલ્લા રાખી
ખરીદવા નીકળ્યા છે.
૧૩)
ને…
અમદાવાદના એક ખુણે
શાકભાજીની એક લારી પરથી
થીંગડાવાળા કપડા પહેરેલી એક ગરીબ બાઈ
બટેટા લઈ ગઈ,
પચ્ચીસેક બૈરાઓ વચ્ચે..
કોઇ રકઝક વગર !
૧૪)
ને…
ધોમધખતા તાપમાં
ડબલ સવારીએ
પાનખર માણી ચૂકેલા બે સગા ભાઈ
આજે પોતાના બંગલાની બહાર નીકળી
એકસાથે જીવન વસંત
નથી માણી શકતા.
૧૫)
ને…
‘ખાલીખમ’ લાગે છે જિંદગી મારી
ને છતાં ઈશ્વરને મળવા જવાનું
મુલતવી રાખું છું,
મારી એકલતાની બિમારી
ક્યાંક એમને ન લાગી જાય.
– ધવલ સોની
૧૫ અછાંદસ, દરેકની શરૂઆત સમાન, ‘ને…’, દરેકની વાત અલગ, દરેકનું ભાવવિશ્વ અને વિષયવસ્તુ અલગ અને છતાંય એ પંદરેય નાનકડાં અછાંદસને એક તાંતણે બાંધતી દોરી એટલે સંવેદનશીલ હ્રદય. આમ તો દરેક અછાંદસમાં વાચક કહેવા પૂરતી એક વાર્તા શોધી જ કાઢશે, પરંતુ એ વાતની ભીતરમાં રહેલ ભાવને સમજવાનો પ્રયત્ન કદાચ તેના સર્જનને વિશેષ ન્યાય આપી શક્શે. અમદાવાદના ધવલભાઈ સોનીનો અક્ષરનાદને પ્રસ્તુત કૃતિઓ મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને અનેક શુભકામનાઓ.
બિલિપત્ર
અડધો ગુનો છે મારો કે ચાહું છું હું તને,
ચાહે જો તું તો આ ગુનો આખો કરી શકાય.
– રમેશ પારેખ
સુંદર રચનાઓ. આભાર.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
Really very piercing ÄCHHANDAS RACHNAA”by sh. Dhavalbhai. Excellent.
soory dhavalbhai ,wrongly oprated previous comment
all 15 are excellent to read & feel.we are all passing through but could express such thing in fanstic way as you can.
thanks
૬ નંબર ની રચના ગમી….
સરસ
ખરેખર લા-જવાબ ધવલભાઈ
ભાઈ મને આ ખૂબ ગમ્યા મારે કોઈ ને મોકલવા માટે શું કરવુ
વાહ ધવલ ભાઈ
એક થીે એક ચઙે તેવી રચના છે.
Loved it .. after reading it .. no. 8 effect on me ! Truly each and everyone is heartfelt.