સોનાનું પિંજરૂ (વાર્તા) – ગીતા શુક્લ 21


ડી.જે. ના મોટા સાઉંન્ડ્થી યુવાનો અને યુવતિઓ ના હ્રદય ધડ્કી રહ્યા હતા, અને સાથે સાથે તેઓના પગ જોસભેર થિરકતા હતા. એક બાજુ હુક્કાનુ સેવન કરનારા યુવાનો તરફથી એક અનોખી ગંધ આખા હોલમાં આવી રહી હતી, દારૂની પ્યાલીઓ ઉભરાઈ રહી હતી, બેકલેસ અને ટૂંકા ડ્રેસ પહેરીને યુવતિઓ દારૂ અને ડ્ર્ગના નશામાં ઝૂમી રહી હતી. ઝબકારા મારતી રંગબેરંગી લાઈટમાં તેઓનો બિભત્સ કહી શકાય તેવો ડાન્સ ખાનદાન લોકોને શરમાવે તેવો હતો. કોઈ ને કોઈ બહાને આવી પાર્ટી યોજાતી રહેતી.

પાર્ટી પૂરી થઈ. સાગર લથડીયાં ખાતો બહાર આવ્યો. તેના પગ પર તેનો કોઈ કંટ્રોલ નહોતો. જેમતેમ કરી તેનો મિત્ર તેને તેની મોંઘીદાટ ગાડી સુધી લઈ આવ્યો અને બેસાડ્યો. ડ્રાઈવરે ગાડી શરૂ કરી અને તે સૂમસામ સડક પર દોડવા લાગી. શાંત વાતાવરણમાં સાગરનો બબડાટ જ સંભળાતો હતો.

મોટા આલિશાન મહેલ જેવા બંગલાના પોર્ચમાં ગાડી ઉભી રહી. ડ્રાઈવરે ટેકો આપી તેને બેડરૂમમાં પહોચાડ્યો. બૂટમોજા તથા પાર્ટીના કપડા સાથે જ તેણે શરીર કલાત્મક પલંગમાં નાખ્યું અને ઘોરવા લાગ્યો. આ તેનો નિત્યક્ર્મ હતો.

નવનિતરાય તથા વીણાબેન તેમના બિઝનેસમાં કાયમ રચ્યાપચ્યા રહેતા. નાનકડો સાગર તેઓની રાહ જોઈને સૂઈ જતો. હા…. તેના માટે જાત જાતની વસ્તુઓ લાવવામાં કોઈ કમી રખાતી નહોતી, અભાવ હતો માત્ર મા-બાપ ના પ્રેમનો. તેઓને લાગતુ કે પૈસાથી અમે બાળકની બધી જરૂરીયાત પૂરી કરીએ છીએ. પૈસાના જોરે સ્કૂલ-કોલેજમાં પણ પાસ કરાવી દેવાતો. જ્યારે તેઓને ભાન થયુ કે સાગર ખરાબ સોબતના કારણે બગડી ગયો છે ત્યારે ઘણું મોડું થઈ ગયુ હતુ.

નવનીતરાય સાગરના રૂમમા આવ્યા, “સાગર, આજે સોહનલાલને ત્યાં પાર્ટી છે, તેમાં તારે આવવાનું છે. તેમની દિકરી અમેરીકાથી આવી છે તેની સાથે તારા લગ્નની વાત કરવાનો છું, ત્યાં આવવાનું છે અને આપણા સ્ટેટસ પ્રમાણે વર્તન કરવાનુ છે. હું તો આજે જ લગ્નની વાત પાકી કરી દેવાના મૂડમાં છું, યુ નો!” સાગર ચૂપચાપ સાંભળી રહ્યો.

સાગર વિચારવા લાગ્યો, મારે જેની સાથે આખી જિંદગી કાઢવાની છે તે મને ગમે છે કે નહીં, એ જોયા વગર જ મારે હા પાડવાની છે, આમાં પણ બિઝનેસ. શું ઘમંડ છે પૈસાનો… હવે તો આ મોટાઈથી તંગ થઈ ગયો છુ પણ પપ્પા આગળ મારૂ શું ચાલવાનું…

નેવી બ્લ્યૂ સૂટમાં સાગર હેન્ડ્સમ લાગતો હતો. પાર્ટી માટે સોહનલાલનો આખો બંગલો દુલ્હનની જેમ શણગારાયો હતો. ખુશ્બુથી વાતાવરણ મઘમઘતુ હતું, સોહનલાલે તથા તેમની પત્નીએ ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ. વેલકમ ડ્રીંકની ટ્રે હાથમાં લઈને વઈટરો દોડાદોડી કરતા હતાં. મમ્મી પપ્પાએ દારૂ પીવાની ના પાડી હતી, તેથી સાગરે પણ સોફ્ટડ્રીંક જ લીધુ. એટલામાં એક મોર્ડન અને સુંદર યુવતિને લઈને સોહનલાલ તેમની તરફ આવ્યા. તેઓએ તેની સાથે ઓળખાણ કરાવી, “મારી એક ની એક દિકરી રોઝી, હાલ જ અમેરિકા થી આવી છે.” તે સાગરને શેકહેન્ડ કરતાં બોલી, “હાય ! આઈ એમ રોઝી. યુ આર લુકીંગ વેરી ગુડ.”

તેણે વેઈટર ને બોલાવી ડ્રીંક લીધુ. એટલામાં પાંચેક વર્ષનો છોકરો દોડતો દોડતો આવ્યો, સાગર અને રોઝી સાથે ટકરાયો. રોઝીના હાથમાંનું ડ્રીંક કપડા પર પડ્યુ, તેને ગુસ્સો આવ્યો અને તેણે બાળકના ગાલ પર તમાચો મારી દીધો. “સ્ટુપિડ તેં મારો ડ્રેસ બગાડ્યો.” અને સન્નાટો છવાઈ ગયો.

“આ કોણ છે? મેનર્સ જેવુ છે કે નહીં?”

એટલામાં બાવીસેક વર્ષની યુવતિ દોડતી ત્યાં આવી, “મેડમ, આ મારો દિકરો છે. ભૂલ થઈ ગઈ, હું તેના વતી તમારી માફી માગુ છુ’

“તું કોણ છે? અત્યારે જ અહિંથી ચાલવા માંડ. મારો મૂડ ખરાબ કરી નાખ્યો.”

પેલી યુવતિ આંખમા આવેલા આંસુ લૂછતી દિકરાને લઈને જતી રહી.

રોઝી બોલી, “પ્લીઝ, એન્જોય ધ પાર્ટી, હું ડ્રેસ ચેન્જ કરીને આવુ છુ.”

સાગર પેલી યુવતિ ગઈ તે દિશા બાજુ જોવા લાગ્યો. તેને તે યુવતિનો ચહેરો જાણીતો હોય તેવુ લાગ્યુ, કદાચ કેટરીગવાળા સ્ટાફમાથી કોઈ હશે. યુવતિ ગઈ હતી એ તરફ તે ગયો. તે બાળકને સમજાવી રહી હતી. તે નજીક ગયો અને બોલ્યો, “તું રમણ અંકલની દીકરી રીના છે ને?”

તે ચોંકી ગઈ. “હા… તું…. ના…. તમે સાગર…. કેમ છો? મારા લીધે તમારી પાર્ટી ખરાબ થઈ. સોરી.”

“પણ તું અહીં ક્યાંથી? અને તું.. અને વેઈટર ! આ દશા…કેવી રીતે?”

રીનાએ તેની આપવીતી કહી, તેના લગ્ન પ્રોફેસર જોડે થયા હતા. પાંચ વર્ષ ખૂબ જ આનંદમાં પસાર થઈ ગયા, ખબર ન પડી. એ દરમ્યાન કુશનો જન્મ થયો. અમારા આનંદની કોઈ સીમા નહોતી. અમારો બધોજ સમય તેને રમાડવામાં નીકળી જતો. જીવન આનંદથી ભરપૂર હતું. પણ ભગવાનને અમારી ખુશી મંજૂર નહોતી, એક દિવસ ઓફિસથી ઘરે આવતાં તેમની કારનો અકસ્માત થયો અને તેઓ મને અને કુશને આ દુનિયામાં એકલા મૂકીને જતા રહ્યાં. મારુ કહેવાય તેવું આ દુનિયામા કોઈ નહોતુ. પપ્પા પણ થોડા સમય પછી મરણ પામ્યા. મેં ઘણી બધી જગ્યાએ નોકરી કરી, પરંતુ આ દુનિયાના માણસોના સુંદર મહોરા પાછળ સંતાયેલા ગોબરા અને ગંદા ચહેરાઓએ વાસ્તવિક પરિસ્થિતીનો અહેસાસ કરાવ્યો. હાલ આ કાકા કાકી સાથે રહીને કેટરીંગ નું કામ કરું છું અને સ્વમાંનથી જીંદગીની રાહ પર આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છું, કુશ ન હોત તો…… હું કોના માટે જીવતી રહેત?

સાગરને કૂશમાં પોતના બાળપણનો અહેસાસ થયો. તે પણ નાનો હતો ત્યારે મસ્તીખોર હતો અને આ રીતેજ પાર્ટીમા જ્યૂસ ઢોળ્યુ હતુ. મમ્મીએ તમાચો માર્યો અને ત્યાર પછી તેઓ ક્યારેય પોતાની સાથે લઈ ગયા નહોતા. બાળકની મસ્તીથી તેમના સ્ટેટસમાં ખામી આવી જાય, આમ તેનું આખુ બાળપણ એકલતા અને મેનર્સની જંજાળમાં જ વીતી ગયું. સાગરે કુશ જોડે દોસ્તી કરી, અને પાછા મળવાનું વચન આપ્યુ.

કુશને મળવા તે રીનાના ઘરે જવા લાગ્યો. કુશ સાથે તેને આત્મીયતા બંધાઈ ગઈ. રીનાએ તેને દારૂનું વ્યસન છોડવા સમજાવ્યો. કુશની ખાતર તેણે દારૂ પીવાનું બંધ કર્યુ. રીનાની દૂનિયા તેને ગમવા લાગી. તેની નાની ફુલવાડી જોઈને તેને તેની વૈભવશાળી જિંદગીમાં કંઈક ખૂટ્તુ હોય તેવું લાગતું. કુશ ની કાલીઘેલી ભાષા અને રીનાની સાદગી તેના દિલને સ્પર્શી ગઈ. તેમા નહોતો કોઈ આડંબર કે ન કોઈ દેખાડો, હતો માત્ર નિસ્વાર્થ પ્રેમ… આ લોકોની જીંદગી આગળ તેની જીંદગી સાવ ફીક્કી લાગી.

નવનીતરાય અને વીણાબેન ઘણાં સમયથી સાગરનો બદલાવ જોઈ રહ્યા હતા. તેમણે ડ્રાઈવરને બોલાવીને આનું કારણ પૂછયું એ ક્યાં જાય છે, કોને મળે છે? ડ્રાઈવરે તેમને બધી વાત કરી. તેઓનો અહમ ઘવાયો. નવનીતરાયે સાગરને બોલાવી ગુસ્સે થઈ કહ્યુ, “તને આપણાં સ્ટેટસનું ભાન છે કે નહી? બે ટકાની છોકરી સાથે તું સંબંધ વધારી રહ્યો છે, તે તારા પૈસાને લીધે તારી સાથે સંબંધ રાખે છે, તે તું કેમ સમજતો નથી?” સાગર મક્ક્મતાથી બોલ્યો, “સાચી રીતે તો મને હવે સમજણ આવી છે. હવે હું તમારી વૈભવશાળી જિંદગીથી કંટાળી ગયો છું. હસવાનું હોય કે રડવાનું હોય તે બધું નકલી, નિખાલસતા અને આત્મિયતા તમારી વૈભવશાળી જિંદગીથી ક્યાંય દૂર છે. એક રીતે તમારે તો રીનાનો આભાર માનવો જોઈએ. તેણે મને ખરાબ સોબત અને વ્યસનમાંથી છોડાવ્યો.

નવનિતરાયનું અભિમાન બોલી ઉઠ્યું, “જો તું તેની સાથે સંબંધ નહી છોડે તો હું મારી મિલકતમાથી એક પાઈ પણ તને આપીશ નહીં. બધું જ દાન કરી દઈશ.”

“ના પપ્પા, એ તમારાથી નહીં થાય, તમારા માટે અઘરું કામ છે. તમે મિલકત દાનમાં આપો તો તેનાથી રૂડું શું હોઈ શકે… તમે બેધડક દાન કરી શકો છો. મારે તમારું નામ, ઈજ્જત કે પૈસો કાંઈ જ નથી જોઈતું, તમારી જિંદગી તમને મુબારક!”

સાગર ઘર છોડી રીના પાસે આવ્યો. રીનાને બધી વાત કરી. રીના આગળ પોતાના પ્રેમનો એકરાર કર્યો. “હું તને કુશ સાથે સ્વીકારી તારી સાથે લગ્ન કરવા તૈયાર છું.”

રીના પણ સાગરનુ કુશ તરફનુ ખેંચાણ અને તેનો નિસ્વાર્થ પ્રેમ જોઈને આકર્ષાઈ હતી. તેણે હા પાડી. એક કેદી પંખી સોનાના પિંજરામાંથી છૂટીને ખુલ્લા આકાશમાં ઉડી ગયુ.

– ગીતા શુક્લ

સૂરતના પાલનપુર પાટીયા પાસે રહેતા શ્રી ગીતાબેન દેવદત્તભાઈ શુક્લની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે, પ્રથમ પ્રસ્તુતિ છે. વાર્તા આર્થિક રીતે સંપન્ન પરિવારના ખોટે રસ્તે જઈ રહેલા પુત્રની પોતાના જીવનને સાચી દિશા આપવાના પ્રયત્નની વાત આલેખાઈ છે. કુટુંબના સ્ટેટસને બદલે પોતાના જીવનની દિશા વિશે વિચારનાર સાગરની વાત સરળ રીતે અહીં મૂકાઈ છે અને પ્રથમ કૃતિ હોવાને લીધે ગીતાબેન પોતાની વાતને સુંદર રીતે મૂકી શક્યા છે એ બદલ તેમને શુભકામનાઓ – અભિનંદન તથા અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

21 thoughts on “સોનાનું પિંજરૂ (વાર્તા) – ગીતા શુક્લ