જય સોમનાથ ! – હરેશ દવે, પ્રસ્તુતિ : હર્ષદ દવે 8


સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલું પુરણ-પ્રસિદ્ધ શિવલિંગ મહાદેવના બાર જ્યોતિર્લીંગોમાનું ‘સોમનાથ’ મહાદેવનું શિવલિંગ પ્રથમ શિવલિંગ છે.

સોમનાથ એટલે ‘સોમ’ ના ‘નાથ’. સોમ એટલે ચંદ્રમા. દક્ષ પ્રજાપતિની ૨૭ કન્યાઓના લગ્ન ચંદ્ર એટલે કે સોમ સાથે થયા. ચંદ્ર પોતાની પત્ની રોહિણીને ખૂબ ચાહતો હતો અને અન્ય કન્યાઓની ઉપેક્ષા કરતો હતો. દક્ષથી આ સહન ન થયું. તેણે ચંદ્રને ક્ષીણ થવાનો શાપ આપ્યો. ચંદ્ર ક્ષીણ થઇ જતાં ધરતી ચંદ્રહીન અને ચાંદની વિહીન થઇ ગઈ. ચંદ્રને પોતાની ભૂલ સમજાણી. તેણે વેરાવળ-પ્રભાસ તીર્થમાં આવીને તપ કર્યું. શિવજી તેનાં તપથી પ્રસન્ન થયા. તેમણે ચંદ્રને અમર કરવા માટે દરેક મહિને શુક્લ પક્ષમાં પૂર્ણ થવાનું અને કૃષ્ણ પક્ષમાં ક્ષીણ થવાનું વરદાન આપ્યું. અને ત્યારથી ‘સોમ’ નામ પરથી શિવજી પ્રભાસ-પાટણમાં ‘સોમનાથ’ તરીકે પ્રતિષ્ઠિત થઇ ગયા. તેમણે ચંદ્રને મસ્તકે ધારણ કર્યો અને ચંદ્રની શોભામાં અભિવૃદ્ધિ કરી! અને શિવજી બન્યા ‘ચન્દ્ર્મૌલીશ્વર’ ! સોમનાથમાં ભગવાન શિવ ‘ચન્દ્ર્મૂર્તિ’ સ્વરૂપે બિરાજે છે. તેથી જ શિવજીનો પ્રિય વાર તેમનાં ભક્તનાં નામ પરથી ‘સોમવાર’ બન્યો છે.

ગુજરાતના વેરાવળના સાગરતટે પ્રતિષ્ઠિત સોમનાથનું જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગમાં સહુથી પ્રથમ જ્યોતિર્લિંગ ગણાય છે અને તેનું પૌરાણિક, ઐતિહાસિક, સામજિક તથા ધાર્મિક મહત્વ આગવું અને અનેરું છે.

શિવજીને બીલીપત્રનો અભિષેક અત્યંત પ્રિય છે. સોમનાથમાં બીલીપત્ર પૂરતા પ્રમાણમાં મળી રહે તે હેતુથી અહીં બિલ્વ વન બનાવવામાં આવ્યું છે. બાર વર્ષ પહેલાં દસ વીઘાનાં આ વનની યોજના અમલમાં આવી. શિવની સ્તુતિ સાથે બિલ્વપત્ર અર્પણ કરતી વખતે આ મંત્રોનો ઉચ્ચાર કરવામાં આવે છે:

કાશીવાસ નિવાસિનામ્ કાલભૈરવપૂજનમ્ ,
કોટિકન્યા મહાદાનમ્ એકબીલ્વં શીવાર્પણમ્. (૧)

દર્શનં બિલ્વપત્રસ્ય સ્પર્શનં પાપનાશાનામ્
અઘોરપાપ સંહાર એકબીલ્વં શીવાર્પણમ્. (૨)

ત્રીદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રયાયુધમ્ ,
ત્રીજન્મપાપસંહારં એકબીલ્વં શીવાર્પણમ્. (૩)

પાવન શ્રવણ માસ દરમિયાન તમામ મંદિરો શિવભક્તિથી ગૂંજવા લાગે છે. ભાવિકો શિવલિંગ ઉપર બીલીપત્ર ચડાવી ઉપર્યુક્ત મંત્રોચ્ચાર કરે છે. આ બીલ્વાષ્ટકમ્ ના શ્લોક છે. બીલીપત્ર બિલ્વ વૃક્ષ ઉપર થાય છે.

સોમનાથ મંદિરમાં આખા શ્રવણ માસમાં સવા લાખ બીલીપત્રો શિવજીને ચડાવવામાં આવે છે. આપણે જોયું તેમ હવે બીલીપત્ર બહારથી મંગાવવા નથી પડતા. તે અહીં બિલ્વ-વનમાંથી જ લાવવામાં આવે છે. આ વન સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત થાય છે અને તેની દેખરેખ પણ તે ટ્રસ્ટ જ કરે છે.
બિલ્વવનની સ્થાપના ૧૩ ઓગષ્ટ, ૨૦૦૧ નાં રોજ થઇ હતી. આ બિલ્વ વનની જમીન દસ વીઘા જેટલી છે. તેટલા વિસ્તારમાં ૮૦૦ જેટલા બીલીના વૃક્ષો ઉગાડવામાં આવ્યાં છે.

અહીં દરરોજ વૃક્ષો ઉપરથી તાજાં અને નિર્મળ બીલીપત્રો ઉતારીને શિવજીનો બિલ્વ-શણગાર કરવામાં આવે છે. ભક્તો ભાવથી આખો દિવસ આ કાર્ય પ્રસન્નતાપૂર્વક કરે છે. બીલી પત્રો ત્રિ-દલીય અથવા પંચ-દલીય હોય છે. આ બીલીપત્રો એકત્રિત કરી આશરે ૧૦૦ કિલો જેટલા બિલ્વ પત્રોને ૧૬ કોથળામાં ભરીને મંદિર પરિસરમાં લાવવામાં આવે છે. ત્યારબાદ બ્રાહ્મણો શુદ્ધ અને સાત્વિક ભાવથી, બીલીપત્રોને જળ અને દૂધથી પવિત્ર કરીને સોમનાથ મહાદેવને અર્પણ કરે છે.

સોમનાથ મહાદેવના શિવલિંગને અર્પણ થતાં સવાલાખ બીલીપત્રની આ વાત શિવ ભક્તિની કથા જેટલી જ ભાવસભર છે જેમાં શિવજીની પ્રસન્નતા સર્વત્ર અભિવ્યક્ત થાય છે. તો આપણે પણ બોલીએ હર હર મહાદેવ શંભો…

જય સોમનાથ મહાદેવ…!

બાર જ્યોતિર્લિંગ ની ધૂન
હર હર મહાદેવ શંભો, કાશી વિશ્વનાથ ગંગે
હર હર મહાદેવ શંભો, કાશી વિશ્વનાથ ગંગે
હર હર મહાદેવ શંભો, હર હર કેદારનાથ ગંગે
હર હર કેદારનાથ ગંગે, હર હર કેદારનાથ ગંગે
હર હર મહાદેવ શંભો, હર હર મહાકાલ ગંગે
હર હર મહાકાલ ગંગે, હર હર મહાકાલ ગંગે
હર હર મહાદેવ શંભો, હર હર ઓમકારનાથ ગંગે
હર હર ઓમકારનાથ ગંગે, હર હર ઓમકારનાથ ગંગે
હર હર મહાદેવ શંભો, હર હર સોમનાથાય ગંગે
હર હર સોમનાથાય ગંગે, , હર હર સોમનાથાય ગંગે
હર હર મહાદેવ શંભો, હર હર ત્ર્યમ્બકેશ્વર ગંગે
હર હર ત્ર્યમ્બકેશ્વર ગંગે, હર હર ત્ર્યમ્બકેશ્વર ગંગે
હર હર મહાદેવ શંભો, હર હર ઘૃષ્ણેશ્વર ગંગે
હર હર ઘૃષ્ણેશ્વર ગંગે, હર હર ઘૃષ્ણેશ્વર ગંગે
હર હર મહાદેવ શંભો, હર હર વૈજનાથ ગંગે
હર હર વૈજનાથ ગંગે, હર હર વૈજનાથ ગંગે
હર હર મહાદેવ શંભો, હર હર નાગનાથ ગંગે
હર હર નાગનાથ ગંગે, હર હર નાગનાથ ગંગે
હર હર મહાદેવ શંભો, હર હર ભીમનાથ ગંગે
હર હર ભીમનાથ ગંગે, હર હર ભીમનાથ ગંગે
હર હર મહાદેવ શંભો, હર હર મલ્લિકાર્જુન ગંગે
હર હર મલ્લિકાર્જુન ગંગે, હર હર મલ્લિકાર્જુન ગંગે
હર હર મહાદેવ શંભો, હર હર રામેશ્વર ગંગે
હર હર રામેશ્વર ગંગે, હર હર રામેશ્વર ગંગે
હર હર મહાદેવ શંભો, બાર બાર જ્યોતિર્લિંગ ગંગે
ભક્તો (સૌ) ભેગા મળી સંગે, શિવ ધૂન મચાવીએ ઉમંગે

– આલેખન : હરેશ દવે, પ્રસ્તુતિ: હર્ષદ દવે (વડોદરા)


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “જય સોમનાથ ! – હરેશ દવે, પ્રસ્તુતિ : હર્ષદ દવે