દાપું.. (વાર્તા) – ભગવતીકુમાર શર્મા 6


નામ તો રૂડું રૂપાળું. મોઢું ભરાઇ જાય એવું ચંદ્રશંકર લાલશંકર ત્રવાડી, પણ લોકો એને ‘લલ્લુ લખોટા’ તરીકે ઓળખતા હતા. અને પછી ચંદ્રશંકર પોતાના અને આસપાસના મહોલ્લામાં ‘ચંદુ ચાડિયા’ તરીકે જાણીતા હતા. એ જ્યાં રહેતા હતા તે મહોલ્લાની વસતીમાં ઘણી મોટી બહુમતી એક ચોક્કસ જ્ઞાતિની અને બ્રાહ્મણનું ઘર તો એકલા આ ચંદુનું જ. ચંદુના લગ્ન પણ તે સમય પ્રમાણે ખાસ્સાં મોડાં થયેલાં અને ફૂલગૌરી પરણીને ઘરમાં આવી તે પછી ચંદુલાલ અને આડોશી પાડોશીઓ તેને ‘ફૂલી’ કે ‘ફૂલીબહેન’ના નામથી બોલાવતા. ચંદુલાલનો બાપીકો ધંધો યજમાનવૃત્તિનો, પણ તેમનું સંસ્કૃતનું જ્ઞાન છેક અગડં બગડં જેવું, શુભ-અશુભ પ્રસંગે બોલવાના શ્લોકોમાં તે હમેશાં ગરબડ કરી નાખતા. તોયે તેમનું ગાડું જેમતેમ ગબડતું રહેલું. યજમાનવૃત્તિમાં આવક એટલી ઓછી કે માંડ ઘર ચાલતું. સદભાગ્યે ચંદુલાલ વ.ફા. એટલે કે સાત ગુજરાતી ચોપડી સુધી ભણ્યા હતા. આથી એ નાનકડા શહેરની સુધરાઇની પ્રાથમિક શાળામાં તેમને શિક્ષકની નોકરી મળેલી અને પંદર-વીસ રૂપિયાના પગારમાં તેમને સારું ગોઠી ગયું હતું. જે નિશાળમાં તેઓ જેવું-તેવું ભણાવતા તે શહેરના એક સાવ ગરીબ, પછાત અને છેવાડાના ભાગે આવેલી હતી. ચંદુ માસ્તર ત્યાં શું ભણાવતા એ તો તેઓ જ જાણે, પણ જ્યારે નિશાળનો વર્ગ ચાલતો ત્યારે ત્યાં છોકરાઓ અને માસ્તર વચ્ચે ગાળોની હરીફાઇ યોજાઈ હોય તેવાં રોજિંદા દ્રશ્યો સર્જાવાની કશી નવાઈ ન હતી. જોગાનુજોગ ચંદુમાસ્તરની નિશાળની પાસે જ શહેરનો વ્યંઢળવાડ આવેલો હતો જેને લોકો તો ‘હીજડાવાડ’ તરીકે જ ઓળખતા અને છાનુંછપનું હસી લેતા. એક તરફ નિશાળનો શોરબકોર, ચંદુલાલની ગાળાગાળી અને બીજી તરફ વ્યંઢળવાડના રહીશોના જાડે કંઠે ગવાતા રાગડા, ક્યારેક વાગતા ઢોલ અને તાળીઓના ટપાકા. આ બધું સેળભેળ થઇને કોલાહલની કોઇક નવી જ ભાત ઉપજાવતું. ચંદુમાસ્તરને વ્યંઢળવાડમાંથી જ જવું-આવવું પડતું; રોજ સવાર-સાંજનો એ ક્રમ એટલે વ્યંઢળો પણ તેમને ઓળખતા થઈ ગયેલા હતા. તેઓ ઘણીવાર માસ્તરની ભદ્દી મશ્કરી પણ કરતા અને માસ્તર હસીને, કદીક સહેજ ત્યાં રોકાઈને પોતાના જૂના, જર્જરિત ઘરની વાટ પકડતા. એક-બે વ્યંઢળો સાથે તે ચંદુમાસ્તરને બોલવા વ્યવહાર પણ બંધાયેલો હતો. વ્યંઢળો ક્યારેક ચંદુલાલને પોતાના ખોરડા જેવા ઘરનાં આંગણામાં ઢાળેલા નાનકડા, સાંકડા, પાટીવાળા ખાટલા પર આગ્રહ કરીને, હાથ પકડીને બેસાડતા અને પાસેથી લારીમાંથી અડધો કપ ચા મંગાવી તેમને પાતાયે ખરા. માસ્તરને શરૂઆતમાં આ બધું બધું સંકોચપ્રેરક લાગતું, પણ રોજનો રસ્તો એ જ એટલે હળવા-ભળવા સિવાય છુટકો રહ્યો ન હતો. વ્યંઢળોમાંના ત્રણેકને તો પછી તેઓ નામથી પણ ઓળખતા થઈ ગયેલા. તેમાં કમલા નામનો જે વ્યંઢળ હતો તે બધાના વડા જેવો લાગતો. સબનમ પ્રમાણમાં ઓછી ઉંમરનો, ઓછો નફ્ફટ છતાં એટલો જ મોફાટ બોલનારો હતો. ચંપાનું હાસ્ય અને તેનાં તાબોટાઓથી ક્યારેક ચંદુલાલ અકળાતાયે ખરા. તેઓનાં ખોરડાઓની લગોલગ એક નાનકડી દોરી જેવું હતું ત્યાં દીવો બળ્યા કરતો અને ક્યારેક સૂકાં ફૂલ વિખરાયેલાં જોવાં મળતાં. વ્યંઢળ, જો બહાર એમને ધંધે ન ગયા હોય તો અવારનવાર દેરી પાસે જઈને વાંકા વળી પગે લાગી આવતા,દીવાની આશકા લેતા અને ફાટેલા સાદે ‘બહુચર માત કી જય’ના પોકારો પાડતા. મોટાભાગના રાહદારીઓ એ લત્તામાંથી પસાર થવાનું ટાળતા, પણ ચંદુ માસ્તર માટે તો….

ચંદુ માસ્તરના નસીબમાં પાડોશીઓ, કહો કે બધા મહોલ્લાવાસીઓ સાથે પ્રેમ અને સંપથી રહેવાના ગ્રહયોગો જ નહોતા! તેઓની સાથે ચંદુને કોઈક ને કોઈક કારણસર,ક્યારેક તો કારણ વિનાયે ખટરાગ થયા કરતો. પડોશીના ઘરનો એંઠવાડ ચંદુના આંગણામાં પડે એટલે વઢવાડ થયેલી જ સમજવી. એક પડોશીને ચંદુ ચડિયાના ઘરના નાનકડા વાડામાં પડે તેવી બારી મુકાવવાની કમત્ય સૂઝી હતી જેથી ચંદુલાલનો પિત્તો એટલી હદે ખસ્યો કે કોરટમાં તેનો કેસ દસ વર્ષ ચાલ્યા પછી પણ પૂરો થયો ન હતો. સામેના ઘરના છોકરાઓ બારીમાંથી ચંદુલાલના ઘર તરફ જોઈને હસે કે અજુગતું બોલે તોયે માસ્તર બાંયો ચડાવીને ઊતરી પડતા. જમણી બાજુના પડોશીના છોકરાએ દિવાળીને વખતે ફટાકડો ફોડીને ચંદુલાલના બારણાંમાં નાખ્યો એટલે પછી એવી લાંબી વઢવાડ થયેલી કે તેની ઘાંટાઘાંટમાં ફટાકડાના ધૂમધડાકાઓનો શોર પણ ડૂબી ગયો હતો. વાતવાતમાં કોર્ટે દોડી જવાની તો ચંદુભાઇને લગભગ ટેવ જ પડી ગયેલી. બોલાચાલી ન થઇ હોય એવા દિવસો વીતે ત્યારેય આંખોની ઘૂરકાઘૂરકી અને સીધાં-આડકતરાં મહેણાં-ટોણાંનો દૌર તો ચાલ્યા જ કરતો. આ બધું માસ્તરને એટલી હદે પચી ગયું હતું કે તેને તેમાંથી મઝા આવતી અને થોડાક દિવસ જો યુદ્ધબંધી જેવા વીતે તો તેમને જિંદગીમાં કશુંક ખૂટતુંય લાગતું, પણ સદનસીબે કે કમનસીબે તેવા સમયગાળા બહુ ઓછા આવતા. મહોલ્લાવાસીઓને પણ ચંદુ ચાડિયા તરફ તિરસ્કાર બંધાઇ ગયો હતો અને ચંદુલાલ તેઓનો એ તિરસ્કાર વધે તેવું કંઇક ને કંઇક અતેરું કરતા જ રહેતા.

આ બધી કાયમની તણાવભરી સ્થિતિમાં અચાનક એક દિવસ મહોલ્લામાંથી વ્યંઢળોનાં તાબોટા,રાગડા,અપશબ્દો અને જય જયકારનું વાવાઝોડું ધસી આવતું ચંદુલાલે સાંભળ્યું. રજાનો દિવસ હતો એટલે નવરાશ મોકળી હતી. તેમણે કાન સરવા કર્યા. તેઓ વર્તી શક્યા કે ત્રીજા ઘરના પડોશીને આંગણે વ્યંઢળોનું રાવણું રાડારાડ મચાવતું ખડકાયેલું હતું. તેઓ તરત ઓટલે આવ્યા અને આંખો ખેંચી રાવણાની દિશામાં તાકી રહ્યા. ત્રીજા ઘરના પડોશી ત્રિભોવનદાસને ત્યાં આ બધી ધમાલ હતી. ચંદુલાલ જાણતા હતા કે ત્રિભોવનદાસના દીકરા ચંપકની વહુ વેણીએ દીકરાને જન્મ આપ્યો હતો. ‘હં…. ત્યારે તો અ હીજડિયું ટોળું દાપું લેવા માટે જ ત્રિભોવનને બારણે અડ્ડો જમાવીને ઘોંઘાટ મચાવતુ હતું.!’ ચંદુલાલના દિમાગમાં ઝબકારો થયો. પછી તો ત્યાં લાંબી રકઝક ચાલી હતી. વ્યંઢળો દીકરાના જનમની ખુશાલીમાં પૂરા એકાવન રૂપિયા માંગતા હતા અને ત્રિભોવન અગિયારના આંકડાથી આગળ વધતો જ નહોતો. પહેલાં તો વ્યંઢળોએ આશરવાદનાં વેણ ઉદારતાથી કાઢ્યાં, પણ જ્યારે ત્રિભોવનનો આંકડો વધ્યો જ નહીં ત્યારે વ્યંઢળોનાં ગંધાતાં મોઢાંમાંથી કવેણ ધાણી ફૂટે તે રીતે ફૂટવા લાગ્યાં. ‘જો તરભોવન, અમારો સરાપ લાગશે તો તારું ધનોત-પનોત નીકળી જાહે!’ એક વ્યંઢળે તો પોતાનો ઘાઘરો સુધ્ધાં ઊંચો કરવાનો ચાળો બતાવ્યો. બીજાની આંગળીઓ ગંદી મુદ્રાઓ રચતી લંબાવા લાગી. ત્રીજાએ તો રીતસર ગાળોનો વરસાદ શરૂ કર્યો. ચંદુલાલ પોતાના ઓટલા પર ઊભા રહીને બહુ રસપૂર્વક આ તમાશો જોઈ રહ્યા હતા. તેમના હોઠો પર મરક મરક હાસ્ય ફરકી રહ્યું હતું. તેમની નાડીઓમાં લોહીને બદલે નકરી ખુશી વહેવા લાગી હતી તેની તેમને ખાતરી થઈ હતી. તેઓ એકાએક પંચિયાની કાછડી ખોસતાં ખોસતાં પોતાના ઘરમાં દોડ્યા અને ચૂલા પર રોટલા ઘડી રહેલી પત્ની તરફ જોઇને શ્વાસભેર, આનંદથી છલકાઈ જતાં અવાજે બોલ્યાં, ‘અરે, ફૂલી, જો તો ખરી! પેલા તરભોવન તરકડાને બારણે કેવો તો તમાશો ચાલે છે! તરકડો ધોતિયાની ઓટીમાંથી પૈસા છોડતો નથી અને હીજડાઓ તો તરકડાના બાપનેય ગાંઠે તેવા નથી!’

‘હા, ઘરમાં કેલૈયા કુંવર જેવો દીકરો જન્મ્યો હોય તો –‘ ઘડાયેલા રોટલાને કલેડામાં નાખતાં ફૂલી બોલી, તો એકાવન શું એકસો એક પણ આપવા જોઈએ!’ આટલું બોલતાં બોલતાંમાં ફૂલીનો અવાજ તરડાઈ ગયો અને તેણે ધ્રુસકું માંડ રોકી ભડભડ બળતા ચૂલા ભણી જોયું ઊંડો નિસાસો નાખ્યો. ઘડીભર રાંધણિયામાં સ્તબ્ધતા પથરાઈ ગઈ. ધીમે ધીમે આંખો ઊંચકી ફૂલી માસ્તરને સંભળાય તેવા અવાજે બોલી, ‘આપણે ઘેર તો સાત-સાત વરસનાં વહાણાં વાયાં તોયે હજી પારણું …’ ફરીથી ઓરડામાં બેચેનીભર્યો સૂનકાર છવાઈ ગયો. ચંદુમાસ્તર અકળાઈ ગયા. પોતે તરભોવન તરકડાની બૂરી વલેનાં ખુશીખબર આપવા અહીં દોડી આવ્યા હતા ત્યારે આ કજાત ફૂલીએ ઘરણ ટાણે સાપ કાઢવા જેવું શું જોઇને કર્યું હશે?

માસ્તરનું મન તો ઓટલે દોડી જઈ ફળિયામાં ચાલતા તમાશામાં જ હતું. બહારથી જે અવાજો આવી રહ્યા હતા તેના પરથી લાગતું હતું કે હજી વ્યંઢળો અને તરભોવન વચ્ચે કડદો થયો ન હતો. ફૂલીને ‘તુ તારે રોટલા ટીપને, એટલે પત્યું!’ એમ કહી માસ્તર આવ્યા હતા તેવા ધોતિયાની કાછડી ફરીથી સરખી કરતા ડાંફો ભરતા ઓટલે દોડી ગયા અને થાંભલાનો ટેકો લઇ અવાજોની દિશામાં તાકી રહ્યા. વ્યંઢળો લાંબા હાથ કરી, વચ્ચે વચ્ચે ઢોલની થાપ મારી કર્ણકટુ અવાજે તરભોવનને ઝાંસા પર ઝાંસા દેતા હતા : ‘પાંચ-પંદર રૂપિયા વાસ્તે તું અમને કકળાવહે તો તારું, તારા છોકરાનું અને તારા પોતરાનું ભલું ની થાય! મારી બહુચરમા તમને જોઈ લેહે!’ મામલો પતાવ્યા વિના છૂટકો જ નહોતો. ખાસ કરીને તરભોવનની પત્ની રમીલા વ્યંઢળોનો આ કકળાટ પોતાને આંગણેથી કાઢવા માંગતી હતી. તેણે પતિને કાનમાં કંઇક કહ્યું અને તરભોવને વીસ રૂપિયા ઢીલા કર્યા. તરત જ ફળિયાની હવા બદલાઈ ગઈ. વ્યંઢળોએ બહુચરમાતાની જે પર જે બોલાવી, જોર-જોરથી ઢોલ વગાડ્યો. ફાચરા જેવા કંઠે રાગડા તાણ્યા અને તાબોટા તો ખરા જ! બધું રાવણું ચંદુ માસ્તરના આંગણેથી હો-હા કરતું પસાર થઈ રહ્યું હતું, તેવામાં શબનમની નજર ઓટલે ઊભેલા ચંદુ પર પડી. તે આખું ફળિયું સાંભળે તેવા અવાજે બોલી ઊઠ્યો : ‘એય માસ્તર, અબ તેરી બારી! યાદ રખના, હમ તેરે કો ભી છોડનેવાલે નહીં!’ ટોળાએ ખિખિયાટા કર્યા, તાળીઓ પાડી. આખું ફળિયું પણ હસી પડ્યું. માસ્તર ખસિયાણો તો પડ્યો પણ તેણે પોકળ સ્મિત કરી મામલો સંભાળી લીધો.

પછી તો માસ્તરના હાથમાં જાણે એક ખજાનાની ચાવી લાધી ગઈ. આ સાલા ફળિયાવાસીઓને તો હીજડાઓ જ પૂરા પડશે. મારે તો માત્ર સળેખડી જ ચાંપી આલવાની! કોઈને ત્યાં છોકરો જન્મ્યો નથી ને મેં હીજડાવાડની દોટ કાઢી નથી! દીકરાઓ બહુ ફાટી ગયા છે! ચંદુ માસ્તરની ઠેકડી ઉડાવતા રાજી-રાજી થઈ જાય છે! હવે બેટમજીઓની રેવડી દાણાદાણ નહિ કરું તો મારું નામ ચંદ્રશંકર લાલશંકર તરવાડી નહિ!.

આમેય માસ્તરને હીજડાવાડ સુધી ખાસ ચાહીને દોટ મૂકવાની જરૂરત જ નહોતી. આ ક્યાંક ફળિયામાં દીકરો પેદા થયો નથી, પોતે નિશાળે ગયા નથી અને સમાચાર હીજડાઓ સુધી પહોંચ્યા નથી. માસ્તરે બધાં ફળિયાવાસીઓના નામ મનોમન ગોખી કાઢ્યાં. પેલો જેકિસન ! પેલો ડાહ્યો દુબળી ! પેલો મદનિયો ! પેલો છગન ! પેલી કભારજા તારાગૌરી ! કોના દીકરાની વહુનું પેટ ઊપસ્યું છે એટલી જ તકેદારી રાખવાની ! પછી કોને ત્યાં દમલી દાયણની આવ-જા વધી પડી તેનું ધ્યાન રાખવાનું ! પછી કોને ઘેર થાળી પર વેલણ ભટકાયું એ સાંભળવા માટે કાન સરવા કરવાના ! દીકરી જન્મે તો સનાન-સૂતક પણ નહીં અને દીકરો આઈવો એટલે બખ્ખમબખ્ખા!! જોગાનુજોગ ફળિયાવાસી પ્રજા બહુ ફળદ્રુપ હતી. એકને ત્યાં થાળી વાગી નથી ત્યાં બીજાને ઘેર તૈયારી થતી જ હોય! ક્યારેક તો એક જ ઘરમાં દેરાણી-જેઠાણી અરે! સાસ-વહુ પણ સાથે જણવાનાં થયાં હોય એવુંયે બનતું! ચંદુલાલને તો જાણે જલસા જ જલસા! મનોમન તો ભગવાનને પ્રાર્થના પણ થઈ જતી: ‘મારી બહુચરમા! બધાને ઘેર પેંડા જ વહેંચાય અને જલેબીનું તો મોઢુંયે જોવા ન મળે એવું કરે! પણ, બીજી તરફ ફૂલીનો ચહેરો ઉત્તરોત્તર વધારે ને વધારે કરમાતો જતો હતો. માસ્તરને એ ચહેરા પર ક્યારેય હવે ઉમળકાની રેખાઓ જોવા મળતી નહોતી. ફૂલીનું કટાણું મોઢું જોઈ તેમના મનમાં એક બાજુ તેની તરફ થોડીક દયાની તો પોતાને માટે તિરસ્કારની લાગણીયે થઈ આવતી. અરે! શેર માટીનો લોચો ફૂલીને પણ આવે તો તેના આ ઊતરેલી કઢી જેવા મોઢા પર.. પણ બીજી જ મિનિટે ચંદુલાલ એ બધું ભૂલી જતા. ફળિયામાં થાળીનું વાગવું, નિશાળે જવાના નિત્યક્રમનું પાલન, હીજડાઓને બાતમી પહોંચાડવાનો લહાવો, હીજડિયું ટોળું ખિખિયાટા કરતું ફળિયા ભણી આવતું જણાય એટલે માસ્તરની બધી ગમગીનીની ડમરી શમી જતી અને પછી માત્ર તાબોટાઓ અને જે-જેકાર જ સાંભળવાના રહેતા. દાપું લીધા પછી ટોળું અચૂક માસ્તરના ઘર પાસે બે-ચાર મિનિટ રોકાતું! શબનમ જેવા બે-એક તો માસ્તરના ઘરને ઓટલે બેસી બીડીના ધુમાડા કાઢી લેતા અને પછી શબનમ જ આંગણામાં અટકી આખું ફળિયું સાંભળે તેવા બરાડો પાડતો, ‘ માસ્તર કે બચ્ચે! અબ તુમ્હારી બારી! કબ દેનેવાલે હો હમકો દાપા? હમ સબ તેરે આંગન મેં તો ઐસા નાચેંગે કિ તુમ્હારા દિલ ભી બાગ-બાગ હો જાયેગા!’

ફળિયામાં વ્યંઢળોની આવ-જા વધી પડી હતી. પહેલાંયે દીકરાઓ તો જન્મ્તા અને પેંડાયે વહેંચાતા. પણ હવે તો તેની સાથે ત્રીજું તત્વ અચૂક ઉમેરાયું હતું. વ્યંઢળોનું આગમન અને દાપા માટેના ઝાંસા,આશરવાદ કે પછી ગાળાગાળી. તે સાથે જ ઓટલે ઊભેલા માસ્તરનું હોઠ દાબી મરક-મરક હસવું તો ખરું જ! ફળિયાવાસીઓ પાકે પાયે સમજી ગયા હતા કે આ બધા સાલા ચંદુ ચાડિયાનાં જ કારસ્તાન! ત્યારથી ચંદુના નામ આગળ ચાડિયાની ઓળખચિઠ્ઠી ચોંટી તે ચોંટી જ.! ફળિયાવાસીઓ ગુસ્સે તો બહુ ભરાતા; માસ્તર ભણી જોઈ આંખો ફાડતા, દાંત કચકચાવતા, મુઠ્ઠીઓ વાળતા; પ્રસંગ આવ્યે માસ્તરને ખરી-ખોટી સંભળાવવાનુંયે ન ચૂકતા, પણ આનાથી વધારે તેઓ કાંઈ કરી શકે તેમ નહોતા. માસ્તરની બૈરી ફૂલી ગાભણી થાય તેટલી જ વાર. ચાંપતી નજર રાખવી પડશે. એ કામ ફળિયાના દસ-બાર મરદ-બૈરાંઓએ ખુશીથી ઉપાડી લીધું. તેઓને તો વહેમ પડી ગયો હતો કે માસ્તર હીજડાઓને બાતમી પહોંચાડી તેઓના દાપામાંથી ભાગ પણ પડાવતો હતો ! એક દહાડો બધું ભારે પડવાનું છે માસ્તરડા! એક સાથે તારે બધું ઓકી નાંખવું પડહે!
ફળિયાવાસીઓને વાટ તો બહુ જોવી પડી. ફૂલીની ઉંમર અને તેના ચહેરા પરની નિરાશાની રેખાઓ એક સાથે વધતાં જતાં હતાં. પણ… છેવટે એક દહાડો જાણે સુખનો સૂરજ ઊગ્યો. મોતન ગવરીએ હરખથી ફાટ-ફાટ થતા અવાજે રંગીલાદાસને ખુશીખબર આપી : ‘ફૂલી ગાભણી થઈ હોય એમ લાગે છે. તેનું પેટ ઊપસવા માંડ્યું છે. તમે જો જોને! થોડે મહિને થાળી વાગી જ જાણો! બે’ક મહિનાથી તો તે છેટીયે નહોતી બેઠી, બાકી બામણાનું બૈરું અડકાબોળાં પાળ્યાં વિના રહે ખરું? મોતન ગવરીની વાત સાચી પડી. હવે તો ફળિયાનું નાનું છોકરુંયે કહી શકે તેમ હતું કે ફૂલી, ફૂલીને ફાડકો થવા માંડી હતી.

માસ્તર પણ હવે વધારે મરક-મરક થવા માંડ્યા હતા. ફૂલીનું દિવેલિયું ડાચું પણ નવી રોનક, નવી રંગત પકડવા માંડ્યું હતું. બે-ત્રણ વાર તો દમલી દાયણ પણ આવી ગઈ અને તેના આંટા-ફેરા વધતા જતા હતા. એક વાર તો દમલી ફૂલીને હાથ પકડી ઓધવજી વૈદ્યને ઘેર પણ લઈ ગઈ. મોતન ગવરીએ જ નજરો નજર ફૂલીને ઓધવજી વૈદ્યના દવાખાનાનાં પગથિયાં ચઢતી જોઈ હતી. ફળિયામાં વાત આગની જેમ અથવા કહો કે ફૂલની સુગંધની જેમ ફેલાઈ ગઈ. માસ્તર કરતાં પણ જાણે વધારે ઉત્સુકતાથી ફળિયાવાસીઓ ચંદુ ચાડિયાના ઘરમાંથી છોકરાના રુદનના સ્વર અને થાળીનું રણઝણવું સાંભળવા કાન સરવા કરી બેઠાં હતાં. છેવટે એક મધરાતે માસ્તરના ઘરમાંથી બાળકનું ઉંવા-ઉંવા સંભળાયું; જો કે થાળી તો ન વાગી, ફળિયાવાસીઓએ ધારી લીધું કે માસ્તર બહુ દેખાડો કરવા માંગતો નહોતો એટલે થાળી પર વેલણ નહિ પછાડ્યું હોય. તોયે રંગીલાદાસથી રહેવાયું નહિ. બીજી જ સવારે માસ્તરને બદલે તેમણે હીજડાવાડ ભણી હડી કાઢી. વ્યંઢળોનું ટોળું તેઓના ખોરડાની બહાર પાટીવાળા ખાટલા પર બીડીઓ ફૂંકતું અને ગાળો બોલતું બેઠું જ હતું. રંગીલદાસે તેઓની નજીક દોડી શ્વાસભેર અવાજે કહ્યું, ‘ અલી ઓ! તમે અહીં બેસીને બીડીઓ તાણ્યા કરો છો પણ પેલી બાજુ તમારા ચંદુ માસ્તરના ઘરે તો છોકરું આવ્યું છેય ખરું! અમે કાનો-કાન તેનું રડવું હાંભળ્યું. આજે જ દોડો! તમારું એકસો-એકનું દાપું નક્કી કરીને પાછી આવજો, નહિ તો બબ્બે કકડે એવી ગાળો ભાંડજો કે…’

ટોળામાં બોલાશ વધી પડ્યો. ખાટલાઓ જાણે ઊછળવા માંડ્યા. બહુચરમાની દેરી પાસેના દીવાની જ્યોત વધારે ઊજળી બની. કરમાયેલાં ફૂલ પાછાં ખીલી ઊઠ્યાં. ખોખરા થઈ ગયેલા ઢોલને તપાવવાનો સમો આવી લાગ્યો. ‘બહુચર માત કી જે!’ ના નાદ સાથે કમલાબાઈએ રંગીલદાસને કહ્યું, ‘ માસ્તર પાહે તો અમે દાપું પડાવહું જ, પણ તે પહેલાં તમારેય અમને રાજી કરવા પડહે, નહિતર અમારાથી ભૂંડું બીજું કોણ?’ રંગીલદાસને પણ એક-બે રૂપિયા આપવામાં કશો વાંધો ન આવ્યો. ફરી એક વાર જે-જે કાર ગાજ્યો.
એવો જ જે-જે કાર ગજાવતું એ ટોળું બીજી સવારે ચંદુ માસ્તરને આંગણે આવી ઊભું. ચોમેર તાબોટાઓ જાણે તડતડિયા ફટાકડાની જેમ ફૂટવા લાગ્યા. ઢોલનો ઘમકારો દિશાઓને ચીરી નાંખે એટલો પ્રબળ બન્યો. રાગડાઓ ક્યારે રાગારાડમાં પલટાયા તેનીયે કોઈને સરત ન રહી. માસ્તરના ઘરનાં બારણાં બંધ હતાં. પણ વ્યંઢળો કંઈ ગાંઠે એવા નહોતા. એકે બારણું હચમચાવી દીધું; બીજાએ બારણાં ને લાત મારી; ત્રીજાએ સાંકળ ખખડાવ્યે રાખી. વળી એકે ‘ચંદુ માસ્તર! બહાર નીકળો! કેમ આમ રાંડીરાંડની જેમ ઘરમાં ભરાઈ બેઠાં છો? આંગણે ખુશીનો બનાવ બન્યો છે ને તુમ સાલા ઓરતની જેમ…’ સાથે અપશબ્દોનો વીંઝણો જોરજોરથી વીંઝાયો. હવે માસ્તરનો છૂટકો નહોતો. બારણું ઉઘાડવું કે ન ઉઘાડવું તેની વિમાસણમાં પરોવાવા જેટલોય વખત ક્યાં હતો? તેમણે અંદરના અંધારિયા ઓરડામાંના ફૂલીના ખાટલાથી ઘરના બારણાં સુધી બે-ત્રણ ડાંફો ભરી છેવટે બારણું ઉઘાડી જ નાંખ્યું. ‘ચંદુ માસ્તર કી જે, ચંદુ માસ્તર કી જે…’ ના પોકારો નીકળ્યા. ‘ચાલ, લાવ ચંદુ! આજે તો અઢીસો વગર અમે તને મેલવાના જ નથી!’ આખું ફળિયું ઘરોના ઓટલાઓ, બારીઓ અને ઝરુખાઓમાં આંખો તગતગાવીને, કાન સાફ કરીને માસ્તરનો ફજેતફાળકો થાય તેની રાહ જોતું ખીચોખીચ ભરાઈ બેઠું હતું. માસ્તર અને વ્યંઢળો વચ્ચેની બોલાચાલી તાણાતાણમાં પલટાવા લાગી હતી. ‘મારે કાંઈ આલવું નથી! તમને લોકોને તો હું ડામેય નહિ દઉં! જાવ, તાબોટા ટીચતા આવ્યા છો તે!’ એવું માસ્તર બોલતો હતો. તો સામેથી વ્યંઢળો વધારે કર્કશ અવાજે ત્રાટકતા હતા. ‘અરે! માસ્તરના જણ્યા! તારે ઘેર પારણું બંધાયું તે અમે કાંઈ તને છોડવાના નથી. હમ ભી જમાને કે ખાધેલ છીએ. આટલો વખત તુ અમને બીજાઓની બાતમી આલતો’તો તે હવે તારો વારો!’ પણ માસ્તર છાલ છોડતો નહોતો. છેવટે ચંદુએ તો એવુંયે કહી દીધું કે, ‘સાલાઓ! મારે આમાં દાપું ચૂકવવાપણું કાંઈ છે જ નહિ!’

‘હેં? ક્યા બાત હે? સાલા જૂઠ બોલતા હે!’ પછી તો રાડારાડ, ગાળાગાળીની સરહદોને પણ વળોટી ગઈ. માસ્તર ઝીંક ઝીલી ન શક્યા. વધુ એક વાર ધોતિયાની કાછડી સરખી કરતા, દાંત કચકચાવતા, હાથ્ની મુઠ્ઠીઓ ઉઘાડબંધ કરતા, આંખોના ડોળા ઘુરકાવતા ઘરના અંદરના ઓરડા ભણી દોડ્યા. મનોમન શબ્દો ફૂટતા હતા : ‘સાલાઓને આજે તો એવું દાપું ચૂકવું કે…!’

ઝડપભેર તેઓ ફૂલીના ખાટલા ભણી ગયા અને પડખામાં છોકરું રાખીને સૂતેલી ફૂલી પાસેથી લોહી-માંસનો પિંડ ખેંચી લઈ બરાડ્યા : ‘ દાપું? સાલાઓને દાપું જોઈએ છે? ફૂલીની ચીસ સંભળાઈ, તેમાં રડારોડ પણ ઉમેરાઈ, ‘ આ હું કરો છો? મારું છોકરું ઝૂંટવીને તમે…!! ઊભા રહો, ઊભા રહો!’ પણ માસ્તર કંઈ નમતું જોખે તેવો નહોતો. તેમણે કાળઝાળ અવાજે કહ્યું: ‘મૂંગી મર શંખણી! તેં મને કેવોક ન્યાલ કરી દીધો છે તે ભલેને આખું ફળિયું જાણે!’ અને રડતા-ચીસો નાંખતા પિંડને લઈને તેઓ ઘરના બારણે આવ્યા. બહાર ટોળું પગથિયાં પાસે જ હતું. સૌની આગળ શબનમ હતો, એની જોડજોડ જ કમલાબાઈ ને પેલી ચંપા… માસ્તર બારણાંની બરાબર વચ્ચે આવી કાચના કટકા જેવા અવાજે બોલ્યા, ‘કમબખ્તો! દાપું જોઈએ છે તમારે? આ રહ્યું તમારું દાપું!’ વ્યંઢળોની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. માસ્તર આ નાગાપૂગા માંસના લોચાને કેમ હવામાં ફંગોળતો હતો તેની તેઓને સૂઝ પડી નહીં. માસ્તરે ધડાધડ પગથિયાં ઊતરી શબનમના લંબાયેલા બે હાથ ભણી માંસનો લોચો ફંગોળતા કહ્યું : ‘અભાગિયાઓ! ટળો હવે અહીંથી!’

શબનમે બાળકને ઝીલી લીધું. બાળકનું રોવું કકળવું ચરમસીમાએ પહોંચ્યું હતું. શબનમે બાળકને આમતેમ, આગળ-પાછળ, ઊંચું-નીચું ફેરવી લોચા તરફ ઝીણી આંખે જોઈ દિશાઓ ધ્રુજી ઊઠે તેવા અવાજે બરાડો પાડ્યો : ‘ યે તો સાલા અપનેવાલા હે! અપનેવાલા!’ અને શબનમે લોચાને છાતીએ ચાંપી દીધો. ટોળામાંથી જે-જેકાર ગાજી ઊઠ્યો. ઢોલ ઢબૂકી ઊઠ્યો. ફળિયામાં સ્તબ્ધતા પથરાઈ ગઈ….

– ભગવતીકુમાર શર્મા

‘જ્યોતિર્ધર’ સામયિકના દીપોત્સવી અંકમાં છપાયેલ શ્રી ભગવતિભાઈની પ્રસ્તુત વાર્તા ચંદુલાલ માસ્તરના જીવનની એક અનોખી ઘટનાને વર્ણવે છે. તદ્દન નવો જ વિષય, અનોખો પરિવેશ અને વિષયવિશેષની પ્રસ્તુતિની ખાસીયતને લીધે આ વાર્તા અલગ તરી આવે છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા બદલ નિમિષાબેન દલાલનો અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ આદરણીય શ્રી ભગવતિકુમાર શર્માનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “દાપું.. (વાર્તા) – ભગવતીકુમાર શર્મા