સાસુ તારા વહેતા પાણી… – રમેશભાઈ ચાંપાનેરી 11


કંપનીવાળાઓ તો હમણાં હમણાં ઊંઘમાંથી ઉઠ્યા, કે અમારે ત્યાંથી અમૂક વસ્તુ ખરીદો તો ફલાણી વસ્તુ ફ્રી. બાકી આમ જુઓ તો આ આખો આઈડિયા એમણે આપણી લગ્ન વ્યવસ્થામાંથી જ તફડાવેલો છે. કારણ કે લગ્ન કરીએ એટલે એમાં પણ એક પર એક નહિ, ઢગલાબંધ ફ્રી ની સ્કીમ છે. સાસુ – સસરા – દિયર – જેઠ – જેઠાણી વગેરે વહુને ફ્રી માં જ મળે છે ને? પણ એક વાત છે કે લગ્ન વખતે બંને ઘરે એનો સ્ટોક હોવો જોઈએ. સ્ટોક નહિ હોય તો એના માટે કંપની જવાબદાર બનતી નથી. આ તો નમૂના જણાવ્યા. બાકી આ સિવાયના ફર્નીચર તો આપણે ગણતા જ નથી. ક્યારેક માખી મારવાના દિવસો આવે તો યાદી બનાવજો. માત્ર સાસુ સસરા જ નહિ, સાસર પક્ષના બધાં સગાવહાલા પણ પેપરમાં આવતા જાહેરાતના ચોપાનીયાની માફક મફતમાં પધરાતા હોય છે. જાણે લગન કર્યા પછી પણ આનો બહુ હરખ કે બોનસ ના મળ્યું હોય? ભલે આપણે એનો શોક નહી કરવાનો. આપણને મફતમાં આટલું મળે છે ને….? મફતમાં કંઈ મળતું હોય, તો કટાણું મોંઢું નહિ કરવાનું. આપણી પાસેથી કોઈ લઇ જતું નથી ને, એ જ જોવાનું. જીવન સાથે મૃત્યુ મફતમાં આવે, એમ આવું બધું પણ આવે.

પણ……તોતેર મણનો તોર એ છે કે, એ માટે ‘કમ્પલસરી’ લગન કરવા પડે. જેમ લોટરીની ટીકીટ લીધા વિના લોટરી નથી લાગતી, એમ લગન કીધા વગર આ મફતિયા મળતિયા મળવાના નથી. તેથી જે લોકો પરણવાની આળસ કરે છે, એમણે જાગવાનું છે. જો ગામમાં પિયર ને ગામમાં સાસરું મળે, તો તો સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા કરી જ લેવી. લાડી સામેથી ચાંદલો કરવા આવે તો મોઢાં ઉપર ફેસિયલ કરાવવા નહિ જવાનું. લગન માટે “જાગો ગ્રાહક જાગો” ની માફક આપણા હાડકે પીઠી લાગે તે માટે સરકાર બૂમો પાડવાની નથી. આપણી મુસીબત આપણે જ ઉકેલવાની.

હવે તો લગ્ન માટે પણ સેલ નીકળે છે. જ્યાં સુધી દેવો જાગતાં હોય ત્યાં સુધી આ સેલ ચાલે છે. જેવા દેવો સૂઈ જાય, એટલે આ મેરેજનું સેલ પણ સૂઈ જાય. કદાચ એવું મનાતું હશે કે દેવની હાજરીમાં જ દુઃખી થવાના સોદા કરવા સારા. અને એટલે જ લોકો દેવની સાક્ષીએ લગન કરતાં હશે એવું મારું માનવું છે. કારણ લગ્ન એક એવો કિલ્લો છે કે એમાં દાખલ થયા પછી, બહાર નીકળવાનો એકેય દરવાજો નથી.

નાટકની માફક લગનના આ આખા મામલામાં પણ અનેક પાત્રો આવે છે. એમાં જે નાયક છે એ લગન પછી ખલનાયક લાગે. તેમાં નણંદ અને સાસુ એટલે તો જાણે ભીંત ઉપર ઉગેલો પીપળો. નહિ તો એનું વટવૃક્ષ થાય કે નહિ એની છોડવામાં ગણતરી થાય. તેમાં સાસુ એટલે રણમેદાનની લડાઈમાં બચી ગયેલા એક માત્ર યોદ્ધાની માફક આખી જિંદગી લાકડાની તલવારથી લડતાં જ રહેવાનું. આ ઘટના આજની નથી, આદિકાળથી ચાલી આવે છે, એમાં પાછા વેજીટેરીયન અને નોન વેજીટેરીયન ડીશની માફક સાસુના પણ બે પ્રકાર હોય. જમાઈની સાસુ વેજીટેરીયનમાં આવે. અને વહુની સાસુ એટલે કે જાણે નોન વેજીટેરીયન. જમાઈની સાસુ એટલે એક કાને સાંભળે અને બીજા કાને કાઢી નાંખે. જ્યારે વહુની સાસુ બેઉ કાને સાંભળે અને સમય આવે તો જ મોઢામાંથી કાઢે. મતલબ કે એક સાસુ એટલે વઘારેલી દાળ અને બીજી સાસુ એટલે વઘારવા વગરની દાળ. જો કે આ તો બધી હસવા-હસાવવાની વાતો છે. બાકી અત્યારે તો સાસુ-વહુ એટલે કે જાણે ગંગાસતી પાનબાઈની જોડી ના હોય? અત્યારે તો સાસુ-વહુ સાથે આવતી હોય તો કોણ સાસુ અને કોણ વહુ એ ઓળખાય જ નહિ. બંને મેચિંગમાં હોય અને બંને બ્યુટી પાર્લરના બંધાણી હોય. બાકી અસ્સલની સાસુ એટલે સાસુ જેવી લાગતી. વહુને પિયરની દિશામાં ઓશીકું મૂકીને ન સૂવા દે, એને પિયરના સ્વપ્ના આવે એવું કહેવાતું. આજે એવું નથી. એનું કારણ આપણા દેશમાં હજી સંસ્કૃતિ ટકી છે. બાકી હવે પછી એવું પૂછે તો નવાઈ નહી કે એના ઘરમાં ઓલ્ડ ફર્નીચર કેટલા છે..? જો સાસુ-સસરા વગરનો સોદો હોય તો ચપટીમાં ડન થશે. લગનની રાહ પણ જોશે. કરારથી જ એકરાર અને એકાકાર થઇ જશે. જાણે કાંદા-બટાકાના સોદા નહી કરતાં હોય, કાંદા-બટાકાના તોલમાપ આવશે.

જો કે, આ વાત થોડી અતિશયોક્તિ વાળી લાગશે પણ મને તો લાગે છે કે આ પૃથ્વી ઉપર મા અને બાપની મર્યાદા રાખનારી કદાચ આ હવે છેલ્લી જ પેઢી હશે. જે દેશમાં માતૃદેવો ભવ… પિતૃ દેવો ભવ બોલાય છે એ દેશમાં આવતીકાલે ‘યુવા દેવો ભવ’ બોલાય તો સ્વસ્થ રહેવાનું. બહુ ધમપછાડા નહિ કરવાના!

આખી ગુજરાતી ડીક્ષનરીમાં સૌથી અકળાવનારો જો કોઈ શબ્દ હોય તો તે સાસુ છે. હકીકતમાં સાસુ ક્યારેય ખરાબ નથી હોતી. અરે જેનું ફળ સારું હતું, એટલે તો ભવ ભવના બંધને બંધાયા. તો એનું ઝાડ તો ક્યાંથી ખરાબ હોય ? પણ આ ‘સાસુ’ શબ્દ જ ખતરનાક છે. આ શબ્દએ જ સાસુની ઉદામ વિચારધારાને લૂણો લગાડ્યો છે. એના બદલે પુત્ર-માતા કે પત્ની-માતા જેવા શિષ્ટ શબ્દો આપણા પૂર્વજોને કેમ સૂઝ્યા ના હશે…? હું આ સાસુ શબ્દ આપનારાને શોધું છું ! પણ, બિચારી મધ દરિયે ગયા પછી તોફાન આવે ત્યારે મુસાફર બીજું કરી પણ શું લે …? “સાંસ ભી કભી બહુ થી”, અને પછી “બહુ ભી કભી સાંસ બનેગી” આટલું સમજવામાં તો સાસુનો ‘એન્ડ’ આવી જાય. આપણા શાસ્ત્રકારોએ સારો વર મળે એના અનેક રસ્તા બતાવ્યા છે. અલુણા કર્યા કે સોળ સોમવાર કર્યા એટલે પત્યું. પણ સારી વહુ મળે કે સારી સાસુ મળે એના એકાદ પણ વ્રત રાખ્યા છે….?

પરમેશ્વરે કેવું સરસ જગત બનાવ્યું. પણ જેમ વિશાળ દરિયો બનાવીને એનું પાણી ખારું કેમ રાખ્યું, એ ભેદ હજી સમજાતો નથી. એમ મીઠાં-મધ જેવા પરિવારમા સાસુના પાત્રની બૂમ કેમ પડે છે એ સમઝાતું જ નથી. એમાં દીકરાની હાલત તો ‘જાયે તો જાયે કહાં’ જેવી થઇ જાય ! મારા પરમ મિત્ર ચમન ચક્કી ક્યારેય જીમમાં ગયો નથી, પણ સાસુ-વહુના ઝગડામાં એનું શરીર અડધું થઇ ગયું. સાસુ ઉતર તો વહુ દક્ષિણ. વહુ પૂર્વ તો સાસુ પશ્ચિમ. બિચારા ચમન ચક્કીની તો કોઈ ચોગઠ જ નહિ. જો કે, આ પ્રશ્ન માત્ર ચમન ચક્કીનો નથી. આપણા બધાનો છે. અને આદિકાળથી ચાલી આવે છે. અને એટલે જ તો કેટલાક વર – કન્યાની માફક સાસુ – વહુની પણ રાશિ જોવડાવતા હોય છે. આમાં મિલકતની લડાઈ નથી. મમતાની લડાઈ છે!

– રમેશભાઈ ચાંપાનેરી (રસમંજન)


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “સાસુ તારા વહેતા પાણી… – રમેશભાઈ ચાંપાનેરી

 • ashok pandya

  ખુબ ખુબ અભિનંદન સાચી વાત-તથ્યને હળવાશથી લખવા માટે..બાય ધ વે તમારા સાસુએ આ લેખ વાંચ્યો છે? કદાચ તેમણે જ લખાણ મંજૂર કર્યું હશે, કેમને? સાસુ શબ્દ એક ટૂંકાક્ષર છે..સાવ સુગાળવા એટલે સાસુ..અને સાવ ઢુકડા એટલે સાઢુ..મજાકમાં લખું છું..સુંદર અને એકી બેઠકે વાંચી જવા જેવો રસાળ લેખ..

 • Rajesh Vyas "JAM"

  ખુબ જ રમુજી પણ મહદ અંશે વાસ્તવિક લેખ. વાસ્તવક પ્રતિકુળતા માંથી આવું માર્મિક હાસ્ય શોધીને રજુ કરવાં બદલ શ્રી રમેશભાઈનો ખુબ ખુબ આભાર.

 • જયેન્દ્ર

  ભાઈ શ્રી રમેશભાઈ ચાંપાનેરી ને મુક્ત હાસ્ય કરાવવા માટે અભિનંદન. તેમણે સરસ રીતે સાસુ તથા લગ્ન અને તેની સાથેનાં બંધન ઉપર કૃતિ લખી છે. વળી પાછું લગ્નને કિલ્લા સાથે સરખાવીને તો આનંદ કરાવી દીધો. આપણે સહુ જાણવા છતાં કે કિલ્લામાંથી બહાર નીકળી શકવાના નથી તેમાં ઘુસી જઈએ છીએ.
  અક્ષરનાદ ને ધન્યવાદ અને આવીજ રમુજી કૃતિઓ પીરસતા રહેવા વિનંતી
  જયેન્દ્ર