બે પદ્યરચનાઓ.. – ડૉ. મુકેશ જોષી 13


૧. જીવન

આ નદી જેવું કંઈક વહેતું રહ્યું એ શું હતું?
મેં વળી ખળખળ અહીં સાંભળ્યું એ શું હતું?

ક્યાંક ડાબે ક્યાંક જમણે, ક્યાંક બે કાંઠે વહે,
કોઈ પણ કારણ વિના વળાંક લે એ શું હતું?

ક્યાંક કંકરને ઘસીને ક્યાંક રેતી પાથરે
આમ તો પાણી બધું, પણ પૂર જેવું શું હતું?

ક્યાંક પાણી જોસમાં ને ક્યાંક થાકી પણ ગયું,
ક્યાંક ઉંચેથી પડે ને તણખા ઝરે એ શું હતું?

ક્યાંક લીલ જામી ને ક્યાંક વાદળ થઈ ગયું,
એ બધું તો ઠીક, હલેસા રોકતું એ શું હતું?

એ તો બસ વહેતુ રહ્યું, ના કંઈ કહેતું ગયું,
કાનમાં કીધું દરિયાએ આખરે એ શું હતું?

ના કોઈ સમય એને હજુ સુધી બાંધી શક્યો,
એક ગઝલમાં જે કહેવાઈ ગયું એ શું હતું?

૨. …શક્યો નહીં

કાગળની હોડી પાર હું કરી શક્યો નહીં,
સાચું વજન શમણાનું ગણી શક્યો નહીં.

તકલી તો હાથમાં હતી, પણ રૂ જ ક્યાં હતું?
મથ્યો ઘણું પણ હું કશું વણી શક્યો નહીં.

જે કોઈ મળ્યા તે બધા ગુરૂ જ નીકળ્યા,
સારું થયું કે એ બધું ભણી શક્યો નહીં.

મારી આ ઝુંપડીમાં છે મોકળાશ એટલી,
કિલ્લા તો સ્વપ્નમાંય ચણી શક્યો નહીં.

કાયમ હું વાવણીમાં રચ્યો-પચ્યો રહ્યો,
કે મારું જ વાવેલું પછી લણી શક્યો નહીં.

ઉપકાર એના એટલા મુશળધાર નીકળ્યા,
વરસાદની જેમ જ એને ગણી શક્યો નહીં.

– ડૉ. મુકેશ જોષી

ડૉ. મુકેશભાઈ જોષીની બે સુંદર અને અર્થસભર પદ્યરચનાઓ આજે પ્રસ્તુત કરી છે, અભ્યાસે સિવિલ ઈજનેર અને વ્યવસાયે વોટર રિસોર્સ એન્જીનીયરીંગ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે જનરલ મેનેજરના પદ પર કાર્યરત શ્રી ડૉ. મુકેશ બી. જોષીની થોડીક પદ્યરચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. રચનાઓ બદલ ડૉ. જોષીનો આભાર તથા શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “બે પદ્યરચનાઓ.. – ડૉ. મુકેશ જોષી