મન્ના ડે : એક અંજલિ – હર્ષદ દવે 8


‘સાંભળવું ગમે પણ શાસ્ત્રીય સંગીતમાં આપણને કાંઇ ખબર પડે નહીં.’ ઘણાં લોકો આવું કહેતા હોય છે. પણ ફિલ્મી સંગીતના ‘ભીમસેન જોશી’ મન્ના ડેનાં શુદ્ધ શાસ્ત્રીય કે ઉપ-શાસ્ત્રીય ગીતો સાંભળીને સહુ તેને મોજથી ગણગણતા થઇ જાય છે. મન્ના ડેનો અદ્વિતીય અને અવિસ્મરણીય એવો જાદુઈ સૂર હમણાં (૨૪ ઓક્ટોબર, ૨૦૧૩, ગુરુવારે બ્રાહ્મ મુહૂર્તમાં) બ્રહ્મ લીન થઇ ગયો. સૂર અને સ્વરની અટપટી સફરના મેધાવી ગાયક મન્ના ડે હવે નથી, છે તેમનાં અનશ્વર મધુર, ગંભીર અને મસ્ત ગીતો.

ત્રાણું વર્ષની જીવનયાત્રામાં છ દાયકાની તેમની કારકિર્દી કમાલની છે. તેમનાં ગીતો ગુણવત્તા અને ગાંભીર્યની દૃષ્ટિએ ઉત્તમ, મધ્રુર અને હૃદયસ્પર્શી છે.
ક્યાં કુશ્તીના ધોબીપછાડ દાવો અને ક્યાં સૂરના કલાત્મક લય-તાન-પલટા? કાકા કૃષ્ણ ચંદ્ર ડે એ પ્રબોધ ચંદ્ર ડેને (મન્ના ડેને) શાસ્ત્રીય સંગીતનો એવો નાદ લગાડ્યો કે કુશ્તીનો શોખ છોડી તેઓ સંગીતના પ્રભાવમાં આવી શાસ્ત્રીય સંગીતના પરમ ઉપાસક બની ગયા. અને બંગાળના આ બજીગરે ગીતથી જિંદગી જીવીને જગને જીતી લીધું. ૧૯૫૦ થી ૧૯૭૦ નાં ફિલ્મી સંગીતના સુવર્ણકાળમાં મહમદ રફી, મુકેશ, તલત મહેમૂદ, મહેન્દ્ર કપૂર, હેમંત દા, કિશોરકુમાર જેવાં મહારથી ગાયકો વચ્ચે અજાતશત્રુ મન્ના ડેએ પોતાના કંઠની કલાથી ફિલ્મી ગાયન વિશ્વમાં પોતાનું અનોખું સ્થાન બનાવ્યું. શાસ્ત્રીય સંગીત હોય કે હળવું સુગમ સંગીત, ગંભીર ગાન હોય કે પ્રેમની કાવ્યાત્મક પરિભાષા, પાશ્ચાત્ય સંગીતના પ્રયોગો હોય કે કવ્વાલીના એ બધામાં તેમનો અનોખા મુલાયમ કંઠનો જાદુ છવાયેલો જોવા મળે જ. તેથી તો તેમને પદ્મભૂષણ સહિત ઘણા એવોર્ડઝ પણ મળ્યા.

હરિવંશરાય બચ્ચનની ‘મધુશાલા’ માટે તેમની જ પસંદગી તેમના મુલાયમ અવાજને લીધે જ થઇ હતી. તેમની ગીત ગાવાની અનોખી શૈલીને લીધે શાસ્ત્રીય સંગીતની શાસ્ત્રીયતા લોકપ્રિયતામાં બદલાઈ ગઈ. મસ્તી અને મંથન, વિરહ અને વ્યથા, પ્રેમ અને ભક્તિ અને હાસ્ય પણ હૃદયસ્પર્શી બની જાય તેમનાં સૂરના સ્પર્શથી. તેમના કાકા કેશવચંદ્ર ડે (કે.સી.ડે) ઉપરાંત એસ. ડી. બર્મન અને ઉસ્તાદ અમાનઅલી, ઉસ્તાદ અબ્દુર રહેમાન અને બીજા ઘણા સંગીત નિર્દેશકોનાં માર્ગદર્શનથી તેમની સાધના માતબર થઇ. રાજકપૂર કે શમ્મીકપૂર, પ્રાણ કે મહેમૂદ, કે પછી રાજેશખન્ના હોય, તેમનો ધીરગંભીર ઘૂંટાયેલો અવાજ દરેકને ‘મેચ’ થઇ જતો. તેમના અવાજની મધુરતા અનન્ય હતી. દર્દીલા આરોહ અવરોહને શાસ્ત્રીય ટચ મળવાથી ગીત વધારે રંજક બની જતું અને અદભુત જમાવટ કરતું હતું. અને એથી જ તેઓ સ્વર-સમ્રાટ બની ગયા!

આ બંગાળી ગાયકના કંઠેથી ‘રવીન્દ્ર સંગીત’ વહેતું ઝીલવું એ પણ એક લ્હાવો છે.

પચાસેક વર્ષની હલકદાર તરંગિત સ્વરબદ્ધ ગાયકીને એક લેખમાં કેટલો ન્યાય આપી શકાય? તેમની ગાયકીની સંગીતિનો આછેરો આભાસ મેળવવાની કોશિશ કરીએ :

‘રામરાજ્ય’ (૧૯૪૧) નાં કોરસમાં સૂર મિલાવ્યા બાદ તેમણે ફિલ્મ ‘તમન્ના’ (૧૯૪૩) માં સુરૈયા સાથે સ્વરયાત્રા શરૂ કરી: ‘જાગો આઈ ઉષા, પંછી બોલે જાગો…’. એ નોન સ્ટોપ યાત્રામાં તેમણે સાડા ત્રણ હજારેક ગીતો ગાયા.

તેમનાં ઘણાં ગીતો અત્યંત લોકપ્રિય થયા છે. સંગીતના ઔરંગઝેબને પણ પોતાની ભૂલનું ભાન કરાવે તેવાં એ સુમધુર ગીતોની એક ઝલક:
‘પ્યાર હુઆ ઈકરાર હુઆ…’, ‘યે રાત ભીગી ભીગી…’, ‘તૂ પ્યાર કા સાગર હૈ…’, ‘એ મેરી ઝોહરા જબી…’ ‘જનક જનક તોરી બાજે પાયલિયા…’, ‘આ જા સનમ મધુર ચાંદની મેં હમ તુમ મિલે…’ ‘પૂછોના કૈસે મૈને રૈન બિતાઈ…’, ‘લાગા ચુનરી મેં દાગ…’, ‘તોરે નૈના તલાશ કરે જિસે…’, ‘ના તો કરવાં કી તલાશ હૈ…’, ‘એક ચતુર નાર…’, ‘યારી હૈ ઈમાન મેરા…’, ‘કસમે વાદે પ્યાર વફા…’, ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’ ‘એ ભાઈ જરા દેખ કે ચલો…’, ‘તુઝે સૂરજ કહું યા ચંદા…’, ‘લપક ઝપક તૂ આ રે બદરવા, સરકી ખેતી સૂખ રહી હૈ…’, ‘મેરી ભેંસ કો ડંડા ક્યોં મારાં…’, ‘સૂર ના સજે ક્યા ગાઉ…’ અને બહુ બધા રહી જાય છે.

‘ઝિંદગી કૈસી હૈ પહેલી…’ માં જીવનની પહેલી સુલઝાવવાની વ્યથિત કશ્મકશ અને ફિલોસોફીની ગહનગંભીર અભિવ્યક્તિ છે! જાન કુરબાન કરવાની ના નથી છતાં દેશ માટે મારી ફીટવાની તૈયારી અજબપણે વ્યક્ત કરે છે: ‘એ મેરે પ્યારે વતન, એ મેરે બિછડે ચમન તુઝ પે દિલ કુરબાન’. કેવી છે આ આરઝૂ!
પંડિત ભીમસેન જોશી સાથે તેમણે જયારે ‘કેતકી ગુલાબ જૂહી…’ શાસ્ત્રીય ગીત ગાયું ત્યારે મન્ના ડેને અભિનંદન આપતા ભીમસેન જોષીએ તેમને કહ્યું હતું કે: ‘તમે બહુ સારું ગાયું.’ મહંમદ રફીએ પણ નમ્રતાપૂર્વક એકવાર કહ્યું હતું કે: ‘તમે લોકો મને સાંભળો છો પરંતુ હું મન્ના ડેને સાંભળું છું.’ બંગાળી અને મરાઠી ફિલ્મ ‘અમર ભૂપાલી’ ફિલ્મે તેમને ઘણો યશ અપાવ્યો. જનમાનસ ઉપર તેમની અમિટ છાપ અંકિત થઇ ગઈ. ‘ઉપર ગગન વિશાળ…’ માં સચિન દેવ બર્મન પણ તેમનાથી ખૂબ ખુશ થયા હતા.

ભાષાની સરહદો આવાં અમર ગાયકોને કેવી રીતે રોકી શકે? મન્ના ડેએ બંગાળી, હિન્દી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, કન્નડ અને અસમિયા ભાષાઓની ગરિમા વધારી છે. તેમની આત્મકથા ‘જીબોનેર જોલસાઘરે’ (જીવનનું જલસાઘર) તેમનાં જીવન-કવનને વિશાદપણે આલેખે છે. તેઓ જીવ્યા તેટલું ભરપૂર, જલસાથી જીવ્યા. જીવનપથને સુરીલો બનાવી, સૂરને આત્મસાત કરી ચાલતા રહ્યા અને તેમનો સ્વર-સૂર બ્રહ્મ લીન થઇ ગયો ત્યાં સુધી ચાલતા રહ્યા… હવે તેમનાં ગીતોનું ગુંજન બની રહેશે સાંત્વના…

– હર્ષદ દવે.

બિલિપત્ર

“મને એવા જ ગીતો ગાવા માટે પસંદ કરવામાં આવતો જે બીજાઓ ગાતા નહોતા, હું સંગીતની મહાનતમ પ્રતિભાઓના સમયમાં એ ક્ષેત્રમાં હતો. મારી પાસે આવેલું દરેક ગીત મારા માટે અત્યંત મહત્વનું હતું, મેં તેને બીજી કોઈ પણ રીતે ગાયું હોત તો એ પ્રતિભાઓએ મારું ગાયક તરીકેનું સ્થાન લઈ લીધું હોત, એટલે સ્વભાવિક છે કે મેં દરેક વખતે મારું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કર્યો. મેં ગાયેલા કોઈ પણ ગીતને અન્યત્ર જરા પણ હળવાશથી લીધું નથી.”
– મન્ના ડે (તેમની આત્મકથા ‘જીબોનેર જોલસાઘરે’ માંથી)


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “મન્ના ડે : એક અંજલિ – હર્ષદ દવે

 • Arvind Upadhyay

  હર્ષદ ભાઇ, બહુ સરસ અહેવાલ. ગુજરાતીમા પણ સરસ ગીતો ‘હૂ તૂતૂ તૂતૂ’ ‘પન્ખીઓએ કલશોર કર્યોને ધરતીને સૂરજ ચૂમ્યો’ તથા બેફામ અને મરીઝની ગઝલો બહૂ જ લોકપ્રિય હતી.

 • Ashok M Vaishnav

  હિંદી ફિલ્મના સુઅવર્ણ યુઅગના પુરૂષ ગાયકોમાં જે હરીફાઇ હતી તે એટલી ઉમદા સ્તરની હતી કે એકબીજાની લીટી નાની કરવાને બદલે દરેકે રજૂઆતની પોતાની જે જે આગવી શૈલી અપનાવી તેને કારણે કોઇ પણ સામાન્ય ગણી શકાય તેવું ગીત પણ આ ગાયકોનાં કઠમાં કર્ણપ્રિય તો બની જ રહ્યું.
  મનાડે એ જે ગીતને તેમનો અવાજ આપ્યો હોય તે ગીત કોઈ બીજા ગાયકને કંઠે કલ્પી જ ન શાકાય તે વાત તેમનાં ગીતોની યાદને લાંબા કાળ સુધી ચાહકોનાં મનમાં ઘુંટાતી રહેશે.

 • Bharat Kapadia

  મન્ના ડે એવા દિવસોમાં વિદ્યમાન હતા કે જ્યારે તેમને રફી સાહેબ, કિશોરકુમાર, મુકેશ અને મહેન્દ્ર કપૂર સુદ્ધાંની સ્પર્દ્ધા સહેવી પડતી હતી. તેમણે ગાયેલા ગીતોમાંથી સફળ ગીતોની ટકાવારી કાઢીએ તો તે આંક ક્યાંય ઊંચો આવે. તેમના ગીતોની રેન્જ કેટલી વિશાળ હતી!

  મેહમૂદના રમૂજરંગી ગીતો હોય કે ગંભીર શાસ્ત્રીય સ્ંગીત આધારિત ગીત, મન્ના દા જેટલો સરખો ન્યાય ભાગ્યે જ કોઇ આપી શકતું. ઉપર ગંભીર ગીતોની યાદી આપી છે, તો રમૂજરંગી ગીતો પણ મસ્તીભર્યા હતાં. એક ચતુર નાર, મેરી ભૈંસ કો ડંડા ક્યૂં મારા, ખામોશીનું ‘દોસ્ત કહાં કોઇ તુમ સા’ કે નયા ઝમાનાનું ‘આયા મૈં લાયા, ચલતા ફિરતા હોટલ’, વ.

  જ્યાં સુધી કાનસેન હશે, ત્યાં સુધી મન્ના ડે રહેશે.

  આભાર હર્ષદભાઈ.

 • Parth

  એમણે ગાયેલું …
  ‘ગુરૂ ચરણોની હું રજકણ છું’
  ગીત સાંભળવા જેવું છે.
  ફિલ્મ-તાના રીરી (1975)

  મન્ના દા ને શત શત નમન…