અક્ષરોની અદબનાં બીજ જેમના હદયમાં બાળપણથી જ રોપાઈ ચૂક્યાં હતાં એવા એવાં પંજાબી કવયિત્રી, લેખિકા અમૃતા પ્રીતમની સાહિત્યયાત્રા અભિવ્યક્તિના શ્વાસ રુંધાઈ જાય એટલી હદે અવરોધો ખમી મંઝિલ સુધી પહોંચી શકી છે. એમની રચનાઓ સંબંધે, રચનાઓના જન્મ સંબંધે કેટલીયે વાર આફતોનાં ઘટાટોપ વાદળો ઘેરાતાં રહ્યાં, પણ અમૃતા ન ડગ્યાં. તેમની સંવેદનાઓ વધુ ને વધુ પ્રખર થતી ગઈ. અભિવ્યક્તિ વધુ ને વધુ તીવ્ર થતી ગઈ. ડર્યા વગર, થાક્યા વગર, નાસીપાસ થયા વગર અને સમાજની પણ પરવા કર્યા વગર તેઓ સાહિત્ય સર્જન કરતાં જ ગયાં.
ઈ.સ. ૧૯૧૯ ની ૩૧ ઑગસ્ટે પંજાબના ગુજરાનવાલામાં જન્મેલાં અમૃતા કરતારસિંહ હિતકારીનાં પુત્રી. અતિ સંવેદનશીલ આ કવયિત્રીએ ૧૬ વર્ષની ઉંમરે તેમન પ્રથમ કવિતા રચી. એ છપાઈ અને તેમની અભિવ્યક્તિને આધાર મળી ગયો. પછી તેમની કવિતાઓ, વાર્તાઓ, નવલકથાઓનો અવિરત પ્રવાહ ચાલ્યો.
એ વખતના પંજાબી લેખકો – વિવેચકો અમૃતાની પ્રસિદ્ધિ જીરવી ન શક્યા. અમૃતાના લખાણો વિશે આકરી ટીકાઓનો વરસાદ થવા માંડ્યો. અમૃતા એ બધું વાંચી સમસમી જતાં. પંજાબી ભાષાના પ્રસિદ્ધ વિવેચક તેજાસિંહે એકવાર તેમને લખ્યું હતુંઃ “અજીજી અમૃતા! અખબારોની છીછરી વાતોને મનમાં ન લાવશો. આપ અનંતકાળ માટે છો. કદાચ સમયનો કોઈ એક ટુકડો આપની કાવ્યપ્રસિદ્ધિને પચાવી ન શકે તો પરવા ન કરશો…” એમના આ શબ્દો સમયાંતરે સત્ય સાબિત થયા. અમૃતાના ટિકાકારો ક્યાંક ખોવાઈ ગયા અને અમૃતા સાહિત્યક્ષેત્રે એક અણમોલ પ્રતિભા બની ઊપસી આવ્યાં. માત્ર પંજાબમાં જ નહીં, દેશવ્યાપી અને વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ તેમણે મેળવી.
ઈ.સ. ૧૯૩૭-૩૮ માં ‘નવીન દુનિયા’ સામયિક અમૃતાએ શરૂ કર્યું. ઈ.સ. ૧૯૩૮ થી ૧૯૪૭ સુધી તેમણે આકાશવાણીમાં કામ કર્યું. ઈ.સ. ૧૯૬૬થી તેમણે ‘નાગમણિ’ માસિકનું સંપાદન સંભાળ્યું.
ઈ.સ. ૧૯૪૭ સુધીમાં ૧૦ કવિતા સંગ્રહો આપી તેમણે એક ઉત્તમ કવયિત્રી તરીકે પોતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યું. તેમની કવિતાઓ મહદઅંશે પ્રણાલીગત, વસ્તુલક્ષી, કલ્પનાપ્રધાન અને સંવેદનશીલ હતી. તેમાં ક્યાંક ક્યાંક નારીની લાગણીઓની મુક્ત અને નિખાલસ અભિવ્યક્તિ તથા વિદ્રોહના સૂરો પણ જોવા મળે છે. ઈ.સ. ૧૯૫૬માં તેમના ‘સુનહરે’ કાવ્યસંગ્રહ માટે તેમને સુપ્રસિદ્ધ ભારતીય સાહિત્ય અકાદમી એવૉર્ડ મળ્યો આ એવૉર્ડ મેળવનાર તેઓ પ્રથમ કવયિત્રી હતાં. એ પછી બીજાં આઠ આમ કુલ ૧૮ કાવ્યસંગ્રહો તેમણે આપ્યા. અમૃતા જન્મજાત કવયિત્રી છે. કવિતા તેમના અસ્તિત્વનું બીજું રૂપ છે. તેમનુ ગદ્ય પણ કાવ્યમય રહ્યું છે. તેમના ૩ કાવ્યાંગ્રહોના અંગ્રેજીમાં અનુવાદ થયા, એક કાવ્યસંગ્રહનો રશિયન ભાષામાં અને એકનો આલ્બેનિયમ ભાષામાં અનુવાદ થયો છે. દેશના ભાગલા વખતે સ્ત્રીઓ પ્રત્યે થયેલા અત્યાચારની વેદનાને વાચા આપતી, સંવેદનાથી છલોછલ પ્રખ્યાત કૃતિ ‘વારિસ શાહને પ્રાર્થના’ માં તેમની ઊર્મીઓ આક્રોશ સુધી વિસ્તરી છે.
અનેક ગ્રંથોના તેમણે અનુવાદ પણ કર્યા છે. જે દેશની તેઓ મુલાકાત લેતા તે દેશના સાહિત્યમાંથી ઓછામાં ઓછી દસ શ્રેષ્ઠ કવિતાઓ અને વાર્તાઓનો અનુવાદ તેઓ અવશ્ય કરતાં. આનાથી તેમણે એ દેશના સાહિત્યનો અને સાહિત્યકારનો ખૂબ સારો પરિચય થઈ જતો.
ઈ.સ. ૧૯૬૬માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’ ખિતાબથી નવાજ્યાં. ઈ.સ. ૧૯૮૧માં તેમની કૃતિ ‘કાગઝ તે કેનવાસ’ માટે તેમને ‘ભારતીય જ્ઞાનપીઠ એવૉર્ડ’ પ્રાપ્ત થયો. તેમને માટે ગદ્ય-પદ્યનાં તમામ સ્વરૂપો સિદ્ધ હતાં. ૧૮ કાવ્યસંગ્રહો, ૨૮ નવલકથાઓ, ૧૨ ટૂંકી વાર્તાના સંગ્રહો તેમજ સંકલનો, ૩ પ્રવાસ ગ્રંથો, ૨ આત્મકથનાત્મક ગ્રંથો, આત્મકથા ‘રસીદી ટિકટ’ તથા સંસ્કૃતિ અને સાહિત્યવિષયક અનેક કૃતિઓ એમણે આપી છે. હિંદી ફિલ્મ ‘કાદંબરી’ તેમની નવલકથા પર આધારિત છે.
સાહિત્યક્ષેત્રે પોતાનું સર્વસ્વ રેડી દેનાર આ મહાન કવયિત્રીને ઈ.સ. ૨૦૦૪ માં ભારત સરકારે ‘પદ્મવિભૂષણ’થી નવાજ્યાં અને આ જ વર્ષમાં સાહિત્ય અકાદમીએ એમને ફેલોશીપ આપી સન્માન્યા. ૮૬ વર્ષની વયે, ૨૦૦૫ ની ૩૧ ઑકટોબરના રોજ સમયને પણ અતિક્રમી જનાર કવયિત્રી અમૃતા પ્રીતમે પોતાનો નશ્વર દેહ ત્યજી શબ્દ દેહે અમરત્વ પ્રાપ્ત કર્યું.
– લતા હીરાણી
બિલિપત્ર
સારમાં સાર અવતાર અબળા તણો
જે બળે બળિભદ્રર વીર રીઝે.
– નરસિંહ મહેતા
શ્રી લતાબેન હીરાણી દ્વારા વિવિધ ક્ષેત્રોમાં પ્રથમ પદાર્પણ કરનારી એકસો એક ભારતીય મહિલાઓના જીવન ચરિત્રોનું સંકલન કરીને પ્રસ્તુત કરવામાં આવેલ સુંદર પુસ્તક ‘ઉજાસનું પ્રથમ કિરણ’ ભારતીય સ્ત્રીનું સામૂહિક જીવનચરિત્ર જ છે, વિશ્વમાં અગ્રગણ્ય રહેવા માટે કટિબદ્ધ ભારતીય નારીઓના અનેરા શૌર્ય, સાહસ, દ્રઢ મનોબળ અને પ્રતિભાનું અહીં સુપેરે આલેખન થયું છે. આ જ પુસ્તકમાંથી શ્રી અમૃતા પ્રીતમનું નાનકડું આલેખન અહીં પ્રસ્તુત કર્યું છે. પુસ્તક અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કૃતિ પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ લતાબેનનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.
આભાર જિજ્ઞેશભાઇ.. આખું ચેપ્ટર આપ્યું હોત તો વધુ સારું રહેત.. આ મારો લેખ નહીં અમૃતા પ્રીતમ વિશેની નાનકડી નોંધ લાગે છે..
અને આભાર સૌ મિત્રોનો જેમને આ ગમ્યું.
લતા હિરાણી
લતા બેન આધુનિક યુગના ખૂબ જ લોકપ્રિય લેખિકા છે તેનું સર્જન જડપ થી થઈ જાય છે લતાબેન મારા પ્રીય નહીં!! પ્રિયંક છે
અમ્રુતા પ્રિતમ નુ ચરિત્ર અનોખું એવમ અફલાતૂન જ છે ! બહાદૂર પણ .
“પ્રેમ”ની એક અલગ જ પરિભાશા તેમણે સિદ્ધ કરી છે .
લતાબેનનુ અંતરતમ સમ્રુદ્ધ છે એ પણ સિદ્ધ થાય છે !
અભિનંદન .અભાર
-લા’ કાંત / ૧૦-૧૦-૧૩
Dhanyavad Sushri Lataben !!!
THODO THODO UJAS< BHAROSO AAPE CHHE KE PRABHAT HAVE DHUKADUOn CHHE !!!
Good Luck !!!
Ms.Lata Hirani had taken pain & presented brief data of respected Amrita Pritam to Aksharnaad for Reader., is really appriciable.This information will definatly be every one’s knowldge.
best of Wishes.
R.M.Amodwala
અર્થ અને અવતાર એ બનેનુ બલ